Hatkeshwar mahadev vadnagar in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | હાટકેશ્વર મહાદેવ, વડનગર

Featured Books
Categories
Share

હાટકેશ્વર મહાદેવ, વડનગર

હાટકેશ મહાદેવ, વડનગર.

નાગરોના ઇષ્ટદેવનું આ પ્રાચીન મંદિર ખૂબ પ્રખ્યાત છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વસતા નાગરો પણ જીવનમાં એક વાર તો વડનગર હાટકેશજીની મુલાકાત અચૂક લે છે.

વડનગર જવા હવે ફોર ટ્રેક રસ્તો છેક ગાંધીનગરથી થઈ ગયો છે. પહેલાં તો વાસણીયા મહાદેવ મુકો એટલે બે એસટી બસ સામસામે આવી જાય તો એકે થોડા પાછળ જવું પડે એવો રસ્તો ગોઝારીયા સુધી હતો. રસ્તે વસઈ, કડા (જ્યાં આંખની હોસ્પિટલ છે) પાસે એકદમ સાંકડો રસ્તો હતો જે હવે છેક સુધી પહોળો અને સરસ થઈ ગયો છે. વાસણીયા મહાદેવ સામે અશોકવાટિકામાં વિશાળ હનુમાનજીની મૂર્તિનાં દર્શન અચૂક કરશો. વચ્ચે સિઝન મુજબ વાડીમાંથી તાજાં તોડેલાં જમરૂખ, મકાઈ, ગોળ મોટાં ટામેટાં, કુંભારે બનાવેલ ડેકોરેટિવ તુલસી ક્યારા અને માટલાં ઘણા લોકોને ગમે છે. આવતાં કે જતાં જરૂર ખરીદે છે.

આગળ જઈ વિસનગર શહેર સોંસરા જાઓ એટલે 15 કિલોમીટર દૂર વડનગર આવે. ગુંજા ગામ જાય એટલે આઈટીઆઈ આવે અને થોડે દુર એક પેટ્રોલ પંપ પાસેથી વડનગર શહેરનો રસ્તો આવે. ત્યાં દૂર રેલવે સ્ટેશનની બીજી બાજુ ગામ તરફ હાટકેશ્વર મંદિરનું ઊંચું શિખર દેખાય.

સીધો ઢાળ ઉતારી મંદિરની પાછળ તમારું વાહન પાર્ક કરી શકો છો.

તમે ઢાળ ઉતરી અથવા વીસેક પગથિયાં ઉતરી મંદિરનાં પરિસરમાં પ્રવેશી શકો છો.

મંદિરનું નવું કમ્પાઉન્ડ અને બહારની દીવાલ હવે ગુલાબી પથ્થરની બનાવી છે.

બસ લાવ્યા હો તો એ પણ ઢાળ ઉતારી અંદર પાર્ક થઈ શકે છે. આગલના કમ્પાઉન્ડમાં પણ.

મંદિરની પાછળ સુંદર ગેસ્ટહાઉસ બનાવેલું છે.

મંદિરમાં ગર્ભગૃહની બહાર ઉભી દર્શન માટે કોઈ નિયમ નથી પણ અંદર પૂજા કરવા બેસવું હોય તો પુરુષો માટે ધોતિયું અને સ્ત્રીઓ માટે ફૂલ ડ્રેસ, જીન્સ નહીં, તે પહેરવો ફરજીયાત છે.

મંદિરની ઉત્તર બાજુએ અંદર મોટો મુછાળો સૂર્ય છે. એક મોટું નગારું છે. શિખરની બાજુઓ પર પૂતળીઓ, સિંહ, હાથી વગેરે કોતરણી છે. રેતીના પથ્થરથી બનેલ મંદિરનું ઘણું પ્રાચીન બાંધકામ દ્રષ્ટિગોચર થાય છે. ચારે તરફ ફરો તો બાજુઓ પર વિષ્ણુના અવતારો, મત્સ્ય કન્યા, યોદ્ધાઓ, એ વખતના વાજિંત્રો, શણગાર કરેલી સ્ત્રીઓ વગેરે પથ્થરમાં કોતરેલ છે. ગર્ભગૃહની પાછળ તરફ ઊંચા ઓટલા પર પ્રદક્ષિણા કરો તો ખજુરાહો જેવી સ્ત્રી-પુરુષ યુગ્મની પ્રેમક્રીડાઓની એકદમ નાની પ્રતિમાઓ પણ છે.

મંદિરના ગર્ભગૃહ નજીક જાઓ એટલે બહાર ગોખલાઓમાં ઠીકઠીક ઊંચા ગણેશજી અને ભૈરવજી ઉભી મુદ્રામાં છે.

હવે ગર્ભગૃહમાં પ્રવેશ પહેલાં આડો એક ત્રાંસો દંડ રાખે છે, ટોલબુથ પર કાર ની આગળ આવે એવી રીતે. એ દંડ અંદર કોઈ પૂજા ચાલતી હોય ત્યારે અને થાળ ધરાતો હોય કે એવા પ્રસંગે પ્રવેશ બંધ કરવા રખાય છે.


મંદિરમાં પૂજા કરવા પાછળ ગેસ્ટહાઉસમાં નીચે ઓફિસ છે ત્યાં લખાવી, નિયત ચાર્જ ભરી રસીદ લઈ, બાજુમાં ધોતિયું અને સ્ત્રીઓ માટે ડ્રેસ બદલવા રૂમ છે તેમાં જઈ મુકરર કરેલ વસ્ત્રો પહેરી મંદિરમાં જવાનું હોય છે. રૂદ્રી માટે 251 અને સાદા અભિષેક માટે 101 ચાર્જ હતો. અગાઉ દર વખતે પૂજાપો ઘેરથી લઈ જતો પણ હવે અબીલ, ગુલાલ, ચંદન, દૂધ, જળ, પુષ્પો, અગરબત્તી, દિવા માટે પૂજા ચાલે ત્યાં સુધીનું ઘી પણ અંદરથી આપે છે.

મંદિર વચ્ચે સાત આઠ ફૂટ ઊંચો નંદી અને આગળ વિશાળ કાચબો છે. બન્ને આરસના છે. કહેવાય છે કે નંદીનાં શીંગડાં વચ્ચેથી છત્રમાં રહેલ હાટકેશજીનાં દર્શન કરવાનું પણ મહત્વ છે.

ત્રણ પગથિયાં ઉતરીને અંદર આરસની જૂની પણ હવે ફરીથી પોલિશ કરી ચકચકિત કરેલી ટાઇલ્સવાળું ગર્ભગૃહ છે. જમણી બાજુ સુવર્ણ મંડિત પિત્તળનો નંદી, પાછળ પાર્વતીજી અને ગણેશજી છે.

ભગવાનની આસપાસ ચાંદીનું છત્ર, સ્તંભો અને ચાંદીનાં પતરાં મઢેલ થાળું નવાં બનાવ્યાં છે. અંદર લાઈટ નું સુશોભન છે. સામે માતાજીનું અને બાજુનું મંદિર નવાં રીનોવેટ કર્યાં છે.

હું ગયો ત્યારે ગેસ્ટહાઉસ ફૂલ લાગ્યું.

ધોતિયું પહેરવા અલગ રૂમ છે. રૂદ્રી માટે ઓફિસમાં જ લખાવવાનું. મહારાજને એ રિસીટ બતાવો એટલે અંદર રૂદ્રી કરાવે. મહારાજને હાથમાં કાંઈ આપવાનું નહીં. બધું દાન પેટીમાં જ.

જુના, ઇજારા વાળા મહારાજને ઠેકાણે હવે અલગ અલગ પૂજારીઓની ટીમમાંથી જ કોઈ પૂજા કરાવવા આવે છે. બધા જ શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારો સાથે વિધિ પૂર્વક પૂજા અને આરતી કરાવતા હતા. એ બધા જ યુવાનો રાજસ્થાન તરફથી આવેલ લાગ્યા.

ગર્ભગૃહના દરવાજા પરનું પિત્તળ ને બધું સાફ કર્યું છે. પહેલાં કરતાં ઘણું સારું.

થાળું અને અંદર બધું દરેક પૂજા પછી તરત સાફ થયે રાખે છે. પહેલાંની જેમ યજ્ઞ કે આરતીની કાળી મેશ દીવાલો પર જોવા ન મળી.

અંદર જ એક નાની સીડી ચડી ઉપર પાલખી અને મુછાળા ચાંદીના શિવજીનાં દર્શન કરી શકાય છે. આ પાલખી હાટકેશ જયંતિએ જ બહાર નીકળે છે અને એક મોટી રથયાત્રા જેને રવાડી કહે છે, તે નીકળે છે.

મંદિરની અંદર તેમ જ બહાર પથ્થરો પુરા સાફ કરી રીનોવેટ કર્યા છે.

બહાર અન્ય મહાદેવો, અંબાજી વગેરેનાં મંદિરો છે.

કમ્પાઉન્ડમાં સુંદર વૃક્ષો રોપ્યાં હોઈ તડકા કે વરસાદથી રક્ષણ મેળવવા ઉભી શકાય છે.

કેન્ટીનમાં ચા નાસ્તો મળતો લાગ્યો પણ જમવા માટે ઓર્ડર અગાઉથી આપવો પડે છે.

પાછળ વિશાળ વડનું ઝાડ છે. ઘણા લોકો પિકનીકમાં આવ્યા હોય તો બેસવા અગાઉ પરસાળ સાથે ઓસરી હતી એ ન દેખાઈ.

મંદિરની જમણી બાજુએ જ ગામ છે. તેના દરવાજામાં થઈ એકાદ કિલોમીટર દૂર જ કીર્તિ તોરણ અને બૌદ્ધ ગુફાઓ ચાલીને જવાય એટલાં જ દૂર છે. અલબત્ત, સુંદર કીર્તિ તોરણ આસપાસ ગાય ભેંસ બાંધેલ કાચાં ઘરો અને રખડતાં ગાય ભેંસ હોય છે.

જમવાનો સમય નજીક હોય તો હાઇવે પકડવા નાકાં ઉપર જ નજીકમાં food paradise હોટેલ જમવા માટે સારી છે. બાજુમાં જ આઈસ્ક્રીમ નાસ્તા વગેરેનું પાર્લર છે.

તાના રીરી બહેનોની સમાધિ ગામનાં સ્મશાન નજીક, મંદિરથી અઢી ત્રણ કિલોમીટર દૂર છે.

વડનગર છેલ્લાં પાંચેક વર્ષમાં ઘણું વિકસી ગયું છે. મોટી હોસ્પિટલ, કોલેજો, આઈટીઆઈ, સોસાયટીઓ, મીની મોલ જેવાં શોપિંગ સેન્ટરો સાથે સાચે જ નાનું શહેર લાગે છે.

તો યાત્રા કરવા કે ફરવા જતા સહુને આ માહિતી ઉપયોગી થશે.

સહુને જય હાટકેશ.