jasus ni jasusi - part 4 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | જાસૂસની જાસૂસી - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

જાસૂસની જાસૂસી - ભાગ 4

જાસૂસની જાસૂસી

ભાગ-4

હથિયાર મળી ગયું


હરમને કાગળ પર લખવાનું બાજુ પર મુક્યું અને જમાલ સામે જોયું હતું.

'જમાલ, જમીન વેચાય નહિ એટલા માટે ખૂન થઇ રહ્યા છે. ખૂની નથી ઇચ્છતો કે આ જમીન વેચાય કારણકે ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આ જમીન વેચાઇ જાય એના પક્ષમાં હતાં માટે એમનું ખૂન થયું. નિમેષ શાહ આ જમીનમાંથી પોતાનું નામ કઢાવી નાંખશે એટલે ચોક્કસ નિમેષની હત્યા હવે ખૂની કરવાની કોશિષ નહિ કરે. હવે રહી વાત બાબુભાઇ અને પુષ્પાદેવીની. સવાલ એક જ છે કે બાબુભાઇ તો જમીન ના વેચાય એ તરફેણમાં હતાં છતાં બાબુભાઇ પર હુમલો કેમ કરવામાં આવ્યો? બસ આ સવાલ મારા મનમાં ફર્યા કરે છે. હત્યા કરવાવાળો પણ ચોક્કસ સોવાશ્રમ સાથે જોડાયેલો છે.' હરમને જમાલ સામે જોઇ કહ્યું હતું.

'મને લાગે છે કે આ બંન્ને ખૂનો કરાવવા પાછળ સાધુશ્રીનો જ હાથ હશે. આ જમીન વેચીને ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ કદાચ પૈસાની માંગણી પણ કરતા હોય એવું બની શકે અને એટલે જ એમને મારવામાં આવ્યા હોય એ પણ કારણ હોય.' જમાલે હરમનને કહ્યું હતું.

'સાધુશ્રી આ ખૂન કરાવવા ઇચ્છતા હોય અથવા કરાવ્યા હોય એવું લાગતું નથી. આ ખૂનો કરવા પાછળ કોઇક બીજું જ રહસ્ય છે જે અત્યારે આપણને દેખાતું નથી.' હરમને જમાલને કહ્યું હતું.

હરમને ઇન્સ્પેક્ટર ચૌહાણને ફોન કરી માણેકચોક ખાણી-પીણી વિસ્તારમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હોય તો એમાંથી બાબુભાઇ ઉપર જે દિવસે હુમલો થયો હતો એ દિવસના ફુટેજ મંગાવવાનું કહ્યું હતું.

'ચાલ જમાલ, આપણે માણેક લુહાર પાસે જઇ આવીએ. એ ખૂબ ટેક્નીકલ માણસ છે અને એ આપણને કહી શકશે કે આ સોય ખૂની કયા સાધનથી છોડે છે જે આટલી સ્પીડમાં કોઇના હૃદયની આરપાર ઉતરી જાય છે.' હરમને જમાલને ઊભા થતાં કહ્યું હતું.

હરમન અને જમાલ માણેક લુહારની ફેક્ટરીએ પહોંચ્યા હતાં. માણેક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. દૂરથી એણે હરમનને આવતો જોઇ પોતાનું કામ છોડી હરમન પાસે આવ્યો અને પોતાની કેબીનમાં લઇ ગયો હતો. એણે ત્રણે જણ માટે ચા મંગાવી હતી.

'આ સોય જો માણેક, આ સોયને કોઇ એવા હથિયારમાંથી છોડવામાં આવે છે કે જે સીધી બંદૂકની ગોળીની જેમ હૃદયની આરપાર ઉતરી જાય. તું મને કહી શકે કે આ સોય આટલી સ્પીડમાં કઇ રીતે છૂટતી હશે અને એના માટે કેવા સાધનનો ઉપયોગ થતો હશે?' હરમને માણેક લુહારને પૂછ્યું હતું.

માણેકે અણીદાર સોયને હાથમાં લીધી અને દસ મિનિટ માટે એણે વિચાર કર્યો. ત્યારબાદ એના ટેબલ પર પડેલા લેપટોપને ખોલી એમાં અલગ-અલગ પ્રકારની બંદૂકોનો અભ્યાસ કર્યો હતો. એની નજર એક નાની શોટગન ઉપર પડી. એના ઉપરથી એણે કાગળમાં હાથથી એક ડિઝાઇન બનાવી અને હરમનને બતાવી હતી.

'જો હરમન, આવી એક નાનકડી શોટગન હશે જેને બનાવડાવવામાં આવી હશે અથવા રમકડાની દુકાન ઉપરથી તૈયાર મળતી બંદૂકોમાંથી પસંદ કરવામાં આવી હશે. આની અંદરની સ્પ્રીંગ એવી બનાવવામાં આવી હશે કે જ્યારે એ પીસ્તોલનું ટ્રીગર દબાવવામાં આવે ત્યારે અંદર રહેલી સ્પ્રીંગના માધ્યમથી સોય બંદૂકની ગોળીની જેમ છૂટે. એ સ્પ્રીંગ એટલી તાકતવર હશે કે એમાંથી છૂટેલી સોય માણસના શરીરમાં અંદર સુધી પણ ખૂંપી શકે. મારી સમજણ પ્રમાણે મને આવું લાગી રહ્યું છે.' માણેક લુહારે હરમનને સોય પાછી આપતા કહ્યું હતું.

હરમન માણેક લુહારનો આભાર માની ફેક્ટરીમાં બહાર નીકળ્યો અને ગાડીમાં બેઠો હતો.

'આપણે રમકડાંની મોટી દુકાનમાં જઇ માણેકે કીધું એવી રમકડાંની શોટગન મળે છે કે નથી મળતી એની તપાસ કરીએ.' હરમને જમાલને કહ્યું હતું.

હરમન અને જમાલ બંન્ને શહેરની પ્રતિષ્ઠિત રમકડાંની દુકાનમાં દાખલ થયા હતાં અને પ્લાસ્ટિકની ગન જ્યાં રાખવામાં આવતી હતી એ કાઉન્ટર પર જઇ સેલ્સ ગર્લને રમકડાંની શોટગન બતાવવા માટે કહ્યું હતું. સેલ્સ ગર્લ એક પછી એક શોટગન બતાવવા લાગી હતી. હરમને એમાંથી ચાર શોટગન ખરીદી લીધી અને હરમન અને જમાલ ઓફિસમાં પાછા આવ્યા હતાં.

હરમને ચારેચાર શોટગનનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. વારાફરતી ચારેય ગનોમાં એણે સોય ભરાવી. જેમાંથી એક શોટગનમાં સોય બરાબર ફીટ પણ થઇ ગઇ અને ટ્રીગર દબાવવાથી સ્પીડમાં છૂટી પણ ખરી. આ જોઇ હરમન ખુશ થઇ ગયો હતો.

'બોસ, તમે તો કમાલ કરી નાંખ્યો. હવે આ શોટગન કોણે વાપરી હશે એ શોધવાનું રહ્યું.' જમાલે ખુશ થતાં હરમનને કહ્યું હતું.

હરમન અને જમાલ વાત કરી રહ્યા હતાં ત્યારે ઇન્સ્પેક્ટર ચૌહાણનો ફોન હરમન ઉપર આવ્ય હતો.

'હરમન, તું પોલીસ સ્ટેશન આવી જા. CCTV ફુટેજ આવી ગયા છે.' ઇન્સ્પેક્ટર ચૌહાણે ફોનમાં હરમનને માહિતી આપી હતી.

હરમન અને જમાલ બંન્ને તરત જ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં અને ઇન્સ્પેક્ટર ચૌહાણ સાથે બેસી CCTV ફુટેજનું રેકોર્ડીંગ જોવા લાગ્યા હતાં. વિડીયોમાં બાબુલાલ ચાલતા ચાલતા ઢોંસાવાળાની લારી પાસે મુકેલા ટેબલ ઉપર બેઠાં હતાં એવું દેખાયું હતું. હરમન એ વિડીયોને ધ્યાનથી જોવા લાગ્યો હતો. બાબુલાલની બરાબર પાછળ એક કાળો કોટ પહેરેલ વ્યક્તિ બેઠેલ હતું. બાબુલાલ ઢોંસો ખાઇને જેવા ઊભા થયા અને ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં ત્યારે બાબુલાલે એકદમ ઊભા રહી અને છાતી ઉપર હાથ મુકી જમીન ઉપર બેસી ગયા હતાં. એ વખતે એમની પાસેથી સ્પીડમાં એક વ્યક્તિ પસાર થઇ ગયું. પરંતુ એ વ્યક્તિની પીઠ જ દેખાતી હતી એટલે કોણ છે એ ખબર પડી નહિ.

હરમન અને જમાલ ઇન્સ્પેક્ટર ચૌહાણની પાછળ એમની કેબીનમાં આવ્યા હતાં.

'આ CCTV ફુટેજ ઉપરથી તો કશું ખબર પડતી નથી. વ્યક્તિ કોણ છે એ બરાબર દેખાતું નથી.' ઇન્સ્પેક્ટર ચૌહાણે નિરાશ થતા કહ્યું હતું.

'ચૌહાણ સાહેબ, દેખાય તો છે. 5.5'ની આસપાસની હાઇટ લાગે છે. કાળી કેપ પહેરી છે પરંતુ કેપ ઊંચી છે એટલે વાળ વ્યક્તિના લાંબા હશે અથવા તો વધારે હશે અને એનો ઇરાદો મારવાનો હોય એ તો દેખાય જ છે. પરંતુ એની અને બાબુલાલની નજર મળે છે એવું બાબુલાલની આંખો પરથી લાગે છે. એટલે બની શકે કે બાબુલાલને એ વ્યક્તિનો ચહેરો અંદાજિત યાદ હોય. બાબુલાલે એ દિવસે જે શર્ટ પહેર્યું હતું એ શર્ટ લઇને એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો.' હરમને ઇન્સ્પેક્ટર ચૌહાણને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર ચૌહાણે બાબુલાલને ફોન કરી એમને શર્ટ સાથે પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. બાબુલાલ પીસ્તાલીસ મિનિટમાં પોતાનો શર્ટ લઇ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં.

'અરે હરમનભાઇ અને જમાલભાઇ પણ અહીં જ છે. લો તમારા બધાં માટે ગાંઠીયા, ફાફડા અને ચટણી લેતો આવ્યો છું. પહેલા ગરમાગરમ નાસ્તો કરી લો પછી શાંતિથી તપાસ કરો.' બાબુલાલે હસતાં હસતાં હરમન અને ઇન્સ્પેક્ટર ચૌહાણ સામે જોઇ કહ્યું હતું.

ચારે જણે ચા-નાસ્તો પતાવી અને બાબુલાલનો શર્ટ હાથમાં લીધો હતો.

હરમન ખૂબ ધ્યાનથી બાબુલાલનો શર્ટ જોઇ રહ્યો હતો.

'હું આ શર્ટ એક દિવસ માટે રાખું છું. કાલે પાછો આપી દઇશ.' હરમને બાબુભાઇ સામે જોઇ કહ્યું હતું.

બાબુભાઇએ હાથમાં તમાકુ મસળતા મસળતા હા પાડી હતી.

ત્રણે જણા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતાં. બાબુભાઇ એમની ગાડીમાં બેસી એમના ઘર તરફ રવાના થયા હતાં અને હરમન અને જમાલ સેવાશ્રમમાં સાધુશ્રીને મળવા ગયા હતાં. સેવાશ્રમમાં ગેટ ઉપર હરમનની ગાડી રોકવામાં આવી હતી. હરમને સાધ્વી પુષ્પાદેવીને મળવું છે એવું કહી અંદર જવાની પરમીશન લીધી હતી.

હરમન સાધ્વી પુષ્પાદેવી જે ઓફિસમાં બેસતા હતાં એ ઓફિસમાં દાખલ થયો હતો. પુષ્પાદેવી ઓફિસ ચેર પર બેઠી હતી. એમણે ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતાં. ગળામાં રૂદ્રાક્ષની માળા હતી.

'સાધ્વીજી, બાબુલાલ તમને કેવા માણસ લાગે છે? અને નિમેષભાઇ વિશે તમે કશું કહી શકો?' હરમને સાધ્વી પુષ્પાદેવી સામે જોઇ પૂછ્યું હતું.

'હરમનજી, બાબુલાલ ખૂબ પંચાતીયો અને વેદીયો માણસ છે. મને એ માણસ જરા પણ પસંદ નથી. તમાકુનો વ્યસની છે. જ્યારે નિમેષ શાહ વ્યવસ્થિત રીતે જીવન જીવતા એક સારા ઉમદા માણસ છે. આ બંન્ને જણનો મને આશ્રમમાં આવતા હોય એટલે જેટલો થઇ શકે એટલો જ પરિચય છે.' પુષ્પાદેવીએ શાંતિથી હરમનને કહ્યું હતું.

'સાધ્વીજી, તમને કોઇના પર શક છે ખરો, જેમણે ચંદ્રકાંતભાઇ અને દિપક દેસાઇનું ખૂન કર્યું હોય?' હરમને પુષ્પાદેવીને પૂછ્યું હતું.

'સાચું કહું તો બધાં લોકો ગાંધીનગરની જગ્યા પાછળ પડેલા છે. આ જગ્યા સેવાશ્રમની સેવાકીય પ્રવૃત્તિ માટેની છે. એના બદલે આ જમીન જે ચાર પુરૂષોના નામે છે એ ચાર પરૂષો એ વેચી એના ઉપર ફ્લેટો બનાવવા માંગે છે. તમે જ વિચારો, કોઇએ દાનમાં આપેલી જમીન આ રીતે સંસારીઓના ઘર બનાવવા માટે વાપરવામાં આવે એ સાધુતાની દૃષ્ટિએ અમને શોભા આપે એવું કાર્ય નથી માટે હું અને સાધુશ્રી આ જમીનને વેચવાની તરફેણમાં નથી. બાબુલાલ આમ તો આ જગ્યા વેચવાનો વિરોધ કરે છે પરંતુ એમને જો રૂપિયા મળતા હોય વેચવા માટે તો એ પણ તૈયાર થઇ જાય એવો મને શક છે. પિતાંબરભાઇએ ખૂબ જ દિલથી સેવાશ્રમને આ જમીન દાન આપી છે અને આ જમીન આ લોકો વેચી અને એના પૈસામાંથી પોતાનો ભાગ પડાવવાના પ્રયત્નમાં છે. નિમેષભાઇ, ચંદ્રકાંતભાઇ અને દિપકભાઇએ તો આ જમીનમાંથી પોતાનું નામ કાઢવાના દસ દસ કરોડ રૂપિયા પણ માંગ્યા હતાં. સાધુશ્રીએ રૂપિયા આપવાની ના પાડી પછી બધો બખેડો ઊભો થયો એવું મને લાગે છે. સંસ્થાની જમીનમાં વળી એમનો શું ભાગ હોય? નિમેષભાઇ આ જમીનને વેચવામાં મુખ્ય શુત્રધાર હતાં પરંતુ આજે એમણે સાધુશ્રીને ફોન કરીને એવું કહ્યું હતું કે એ એક પણ રૂપિયો લીધા વગર આ જમીનમાંથી પોતાનો હિસ્સો છોડવા માંગે છે. મને લાગે છે કે બે ખૂન થયા બાદ એમનો ઇરાદો અને લાલચ બંન્ને બદલાઇ ગયા છે. ફોન ઉપર ખૂબ ડરી ગયા હોય એવું લાગતું હતું. ફોન સ્પીકર પર હતો એટલે મેં પણ સાંભળ્યો હતો.' પુષ્પાદેવીએ કહ્યું હતું.

હરમને પુષ્પાદેવી પાસેથી પિતાંબરભાઇનો મોબાઇલ નંબર લીધો હતો ત્યારબાદ હરમન એમનો આભાર માની અને તકલીફ આપવા બદલ ક્ષમા માંગી જમાલ સાથે આશ્રમમાંથી બહાર નીકળ્યો હતો.

ક્રમશઃ.......

(વાચકમિત્રો, જાસૂસની જાસૂસી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવથી જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ