પ્રાયશ્ચિત પ્રકરણ-12
કેતન મમ્મી પપ્પાનું ઘર છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો પછી ઘર સાવ સૂનું થઈ ગયું. કેતન તો રાત્રે સાડા બાર વાગે ટ્રેનમાં બેસી ગયો પરંતુ એ આખી રાત ઘરના સભ્યો ઉંઘી શક્યા નહીં. મમ્મી જયાબેને તો એ આખો દિવસ કંઇ ખાધુ જ નહીં. ઘરનો યુવાન દીકરો જૈન દીક્ષા લઇ લે અથવા તો સંન્યાસી બની જાય એવું વાતાવરણ ઘરનું થઈ ગયું હતું.
કેતન અમેરિકા હતો એ સમયની વાત જુદી હતી. ભલે એ ઘરમાં ન હતો પણ એની ગેરહાજરી સાલતી નહોતી કારણ કે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને એ ઘરે પાછો આવવાનો હતો અને ધંધો પણ સંભાળવાનો હતો.
સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે ઘર છોડવાનું કોઈ કારણ કેતને આપ્યું ન હતું. પૂર્વ જન્મની વાતો કહીને સ્વામીજીએ કુટુંબના ભલા માટે ઘર છોડી દેવાનો આદેશ કેતનને આપ્યો હતો પણ સાથે સાથે કોઈને પણ એ વાત કહેવાની સ્પષ્ટ મનાઇ કરી હતી.
બીજી તરફ એના લગ્ન માટે ત્રણ ત્રણ કન્યાઓ તૈયાર હતી. દરેક કન્યાના મા-બાપને એમ કહીને વાત ટાળી હતી કે કેતન અમેરિકાથી આવી જાય પછી વાત. એમાં એક તો કેતનની કોલેજ ફ્રેન્ડ જાનકી હતી.
જાનકી ના પપ્પા સુરતમાં પ્રોફેસર હતા પરંતુ રિટાયરમેન્ટ પછી એ મુંબઇ જતા રહ્યા હતા. જાનકી સાથે કેતન ને સારું ફાવતું હતું અને એ એક જ માત્ર એની ફ્રેન્ડ હતી. એટલે કેતન અમેરિકાથી આવ્યો એના 3 મહિના પહેલાં જ જાનકી ના પપ્પા શિરીષભાઇ દેસાઇ જગદીશભાઈ ને મળવા આવ્યા હતા.
" જગદીશભાઈ તમે તો જાણો જ છો કે કેતન અને મારી દીકરી જાનકી વર્ષોથી ફ્રેન્ડ છે. અમે સુરતમાં હતા ત્યારે એ તમારા ઘરે પણ આવતી જતી હતી અને શિવાનીની તો ખાસ ફ્રેન્ડ પણ છે. એ કોલેજમાં હતી ત્યારે કેતનને પ્રપોઝ પણ કરેલું પરંતુ અભ્યાસ પૂરો થઈ જાય પછી જ આપણે લગ્નનું વિચારીશું એવું કેતને કહેલું. "
" એ હવે ઉંમરલાયક થઈ ગઈ છે. અમારી અનાવિલ જ્ઞાતિમાં હવે એનાં માગાં આવવાનાં પણ ચાલુ થઈ ગયા છે. પરંતુ જાનકી જિદ લઇ ને બેઠી છે કે લગ્ન તો કેતન સાથે જ કરીશ. હા... કેતન જો મારી સાથે લગ્ન કરવા ના માગતા હોય તો જ હું બીજા માટે વિચારીશ. એટલે નાછૂટકે મારે આવવું પડ્યું છે. ગમે તેમ તોય દીકરી નો બાપ છું. " શિરીષભાઈ બોલ્યા.
" હું તમારી વાત સમજુ છું દેસાઈ સાહેબ. અમને બધાને પણ જાનકી ગમે જ છે. ખૂબ ડાહી અને સંસ્કારી છોકરી છે. પણ કેતન ને એકવાર સુરત આવી જવા દો. લગભગ ત્રણેક મહિનામાં કેતન આવી જાય પછી હું તમને કહેવડાવીશ. " જગદીશભાઈએ વિવેકથી જવાબ આપ્યો.
દેસાઈ સાહેબ તો ત્યારે નીકળી ગયા પણ હવે કેતને જ્યારે ઘર જ છોડી દીધું છે ત્યારે બધાને શું જવાબ આપવો ?
ત્રણ દિવસથી કેતને ઘર છોડી દીધું છે. ફોન તો કેતનનો રોજ આવે છે. બધા માટે એને લાગણી છે. બધા સાથે વાત પણ કરે છે. પણ એ હવે જામનગરમાં જ સ્થાયી થવાનું મન બનાવીને બેઠો છે.
કેતનભાઇ ઘર છોડીને ગયા એનો સૌથી મોટો આઘાત શિવાનીને લાગ્યો હતો. શિવાની કેતનની લાડકી નાની બહેન હતી. અને એ બંને વચ્ચે બહુ સારું બનતું. સાથે મસ્તી પણ ખૂબ જ કરતાં. બંનેની ઉંમર વચ્ચે માત્ર દોઢ વર્ષનો ફરક હતો. ઘરમાં સૌથી નાની હતી એટલે બહુ બોલી શકતી નહોતી પણ મનમાં ને મનમાં એ ખૂબ ઉદાસ થઇ ગઈ હતી. ભાઈને ઘરે પાછા કઈ રીતે લાવવા એ એને સમજાતું નહોતું.
અને એને વિચાર આવ્યો કે ભાઈને જાનકી સાથે ખૂબ સારું બનતું અને બંને એકબીજાથી ખૂબ નજીક હતા. કદાચ જાનકી જ ભાઈના મનની વાત જાણી શકે અને એને ઘરે આવવા સમજાવી શકે. શિવાનીના પણ જાનકી સાથેના સંબંધો ખૂબ મૈત્રી ભર્યા હતા. એણે રાત્રે જાનકીના મોબાઈલ ઉપર ફોન કર્યો.
" જાનકી... ઓળખાણ પડી ? "
" અવાજ તો જાણીતો લાગે છે પણ નંબર મેં સેવ નથી કર્યો એટલે હજુ ટ્યુબ લાઈટ થતી નથી. " જાનકીએ હસીને કહ્યું.
" હું શિવાની સાવલિયા સુરતથી. "
" શિવાની તું !!! વોટ અ સરપ્રાઇઝ !! લગભગ દોઢ વર્ષ પછી તારો અવાજ સાંભળવા મળ્યો. મેં સુરત છોડ્યું તે વખતે આપણે છેલ્લે છેલ્લે મળ્યા હતા. મેં વચ્ચે એક વાર તને કોલ કર્યો હતો પણ લાગ્યો ન હતો "
" હા જાનકી.... મારો નંબર બદલાઈ ગયો છે " શિવાની બોલી.
" મને લાગે છે કેતન અમેરિકાથી આવી ગયા છે... એ સમાચાર આપવા જ મને ફોન કર્યો. રાઈટ ? " જાનકીએ એકદમ જ ઉત્સાહમાં આવીને પૂછ્યું.
" હાફ રાઈટ.. હાફ રોંગ " શિવાની ઉદાસ હૃદયથી બોલી.
" હું સમજી નહીં.. શિવાની. "
" કેતનભાઇ આવી ગયા છે એ સાવ સાચું પણ એ સમાચાર આપવા ફોન કર્યો છે એ ખોટું. " શિવાની બોલી.
" મને કંઈ સમજાય એવું બોલ શિવાની. હું કન્ફયુઝ થઈ ગઈ છું. અને તારો અવાજ પણ થોડોક મને ઉદાસ લાગે છે. "
" હા જાનકી... કેતનભાઇ તો બે મહિનાથી સુરત આવી ગયા છે પણ.. ત્રણ દિવસ પહેલાં જ કાયમ માટે હવે ઘર છોડીને જામનગર જતા રહ્યા છે. અને હવે કાયમ માટે ત્યાં જ રહેવાના છે. કારણ કોઈને કહેતા નથી છેલ્લા એક મહિનાથી અમે બધાએ એમને બહુ જ સમજાવ્યા." અને શિવાનીનો અવાજ રૂંધાઈ ગયો. બોલતા બોલતા એક ડૂસકું મુકાઈ ગયું. એને ભાઈ માટે બહુ જ લાગણી હતી. એ રડી પડી.
" શિવાની રિલેક્સ.. રડ નહી. આપણે કોઈક રસ્તો કાઢીશું. પ્લીઝ તું મને બધી વાત કર. હવે તો મને પણ ચિંતા થવા લાગી" જાનકી બોલી.
શિવાની થોડી સ્વસ્થ થઇ. આંખો લૂછી નાખી અને ફરી વાતનું અનુસંધાન કર્યું.
" સોરી.. જાનકી... કેતનભાઇ ઘર છોડીને કાયમ માટે જામનગર જતા રહ્યા છે. પપ્પાનો કરોડોનો ડાયમંડનો બિઝનેસ છે. મોટાભાઈ સાથે કેતનભાઇની ભાગીદારી પણ છે છતાં ભાઈએ આવું પગલું કેમ ભર્યું હશે ? અને એવું પણ નથી કે ઘરમાં કોઈની સાથે મનદુઃખ થયું હોય. એ અમેરિકાથી જ નિર્ણય લઈને આવ્યા હોય એવું લગે છે. " શિવાની બોલી.
" તું ચિંતા ના કર.. આપણે કંઇક વિચારવું પડશે. તારી વાત ગંભીર છે " જાનકી બોલી.
" એટલે જ તો તને ફોન કર્યો. તમે બંને એકબીજાથી ખૂબ નજીક હતાં. કદાચ તને એ ઘર છોડવાનું સાચું કારણ કહી શકે. એવું પણ બને કે તારા કહેવાથી કેતનભાઇ કદાચ પાછા ઘરે આવી શકે . " શિવાનીએ કહ્યું.
" તારી આખી વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ફોન ઉપર વાત કરવાથી આ વાત નું સોલ્યુશન નહીં આવે. મારે હવે તાત્કાલિક જામનગર જ જવું પડશે. તું મને કેતનનો નવો નંબર અને જામનગર નું એડ્રેસ લખાવી દે. આમ પણ બે વર્ષથી કેતનને મળી નથી એટલે મળવાનું પણ બહુ મન છે." જાનકી બોલી.
"હા જાનકી... તું તત્કાલ જા. મને તારામાં પુરેપુરો વિશ્વાસ છે. ભાઈને અગર કોઈ મનાવી શકે તો તું જ મનાવી શકીશ. કમ સે કમ ઘર છોડવાનું સાચું કારણ તો એ તને કહેશે જ. " શિવાનીએ કહ્યું અને કેતનનો મોબાઈલ નંબર અને એડ્રેસ લખાવ્યું.
************************
સિકંદરાબાદ થી જામનગર તરફ જતો પોરબંદર એક્સપ્રેસ પોતાની તેજ ગતિથી દોડી રહ્યો હતો. સેકન્ડ એ.સી. કોચ માં વિન્ડો પાસે બેઠેલી જાનકી બહારનું કુદરતી સૌંદર્ય જોવાના બદલે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી.
શિવાની સાથે વાતચીત કર્યા પછી એ ખુબ જ બેચેન બની ગઈ હતી. તાત્કાલિક જામનગર જવાનો નિર્ણય એણે લઈ લીધો. સવારે ઊઠીને એણે બધી તૈયારીઓ ચાલુ કરી. હમણાં મમ્મી પપ્પાને કેતન વિશેની કોઈપણ ચર્ચા કરવાની ટાળી. એણે તત્કાલ કોટામાં ટિકિટ બુક કરાવી. એ જોબ કરતી હતી એટલે એક મિટિંગમાં પૂના જાઉં છું એવો જવાબ મમ્મી પપ્પાને આપી દીધો અને ઓફિસે પણ ફોન કરી દીધો.
રાત્રે ઉપડતા સૌરાષ્ટ્ર મેલમાં રિઝર્વેશન ફૂલ હતું એટલે એને બીજા દિવસે સવારે છ વાગ્યાની પોરબંદર એક્સપ્રેસમાં કન્ફર્મ ટિકિટ મળી. એ માટુંગા રહેતી હતી અને ટ્રેન છેક વસઇ થી ઉપડતી હતી. એ વહેલી સવારે ચાર વાગે ઉઠી ગઈ અને તૈયાર થઇ ને દાદર સ્ટેશને પહોંચી ગઈ. ત્યાંથી એ વિરાર જતી ફાસ્ટ ટ્રેનમાં બેસીને સાડા પાંચ વાગ્યે વસાઈ પહોંચી ગઈ.
નવ વાગ્યા આસપાસ સુરત સ્ટેશન આવ્યું. એને ચા પીવાની ઈચ્છા થઈ. આમ તો વહેલી સવારે સાડા ચાર વાગે ચા પીધેલી પણ રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ચા પીવાની ટેવ એટલે મોટું સ્ટેશન આવે એની એ રાહ જોતી હતી. ડીપ બેગ ટી તો પેન્ટ્રી કારમાં થી પણ આવતી હતી પણ એને ઘર જેવી તૈયાર બનાવેલી ચા વધારે ભાવતી હતી.
એ ઊભી થઈ. થોડીક આળસ મરડી અને પ્લેટફોર્મ ઉપર આવીને ઉભી રહી. આ શહેર સાથે તો એની ઘણી બધી સ્મૃતિઓ સંકળાયેલી હતી. વર્ષો સુધી સુરતમાં જ રહી હતી અને એનો એકમાત્ર બોયફ્રેન્ડ કેતન સાવલિયા પણ સુરતનો જ હતો ને ? ભૂતકાળની યાદોથી એનું દિલ ભરાઈ આવ્યું.
સામે જ એક ટી સ્ટોલ હતો. ટ્રેન દસ મિનિટ ઉભી રહેતી હતી. એણે પૈસા ચૂકવી ચાનો પેપર કપ હાથમાં લીધો. બાજુના ખાલી બાંકડા ઉપર બેસી એણે શાંતિથી ચા પીધી. એક વિચાર તો એવો આવ્યો કે શિવાની સાથે વાત કરી લઉં કે હું જામનગર જવા નીકળી ગઈ છું પરંતુ પછી વિચાર બદલી નાખ્યો. સુરતની આ ધરતી ઉપર એને પોતીકાપણું લાગતું હતું.
પ્લેટફોર્મ ઉપર થોડીક લટાર મારીને એણે પગ છૂટા કર્યા. ટ્રેનની વ્હીસલ વાગી એટલે એ દરવાજા પાસે આવીને ઊભી રહી. જેવી ટ્રેન સ્ટાર્ટ થઈ કે તરત જ એ કોચમાં ચડી અને સૌથી પહેલા બાથરૂમ જઈ આવી. એ.સી. કોચ હતો અને પાછો સવારનો સમય હતો એટલે વારંવાર બાથરૂમ જવાની ઈચ્છા થતી હતી. ફ્રેશ થઈને એ સીટ ઉપર જઈને બેઠી.
જામનગર છેક સાંજે સાત વાગે આવતું હતું. હજુ દસ કલાક આમને આમ પસાર કરવાના હતા. એટલા માટે જ એ રાતની ટ્રેન વધારે પસંદ કરતી હતી. કમ્પાર્ટમેન્ટમાં એની સાથે બીજા ત્રણ પેસેન્જર્સ હતા પણ એ બધા સાઉથ ઇન્ડિયન હતા કારણકે ટ્રેન છેક સિકંદરાબાદથી આવતી હતી.
એણે જમવાનું નોંધાવેલું હતું એટલે બપોરે બાર વાગ્યે જેવી ટ્રેન નડીયાદ થી ઉપડી કે તરત જ લંચ સર્વ કરવામાં આવ્યું. ભોજન પ્રમાણમાં સારું હતું. બે પરોઠા, દહીં, દાળ, ભાત અને વટાણા બટેટાનું મિક્સ શાક.
બપોરે એક વાગ્યે અમદાવાદમાં ટ્રેઈન લગભગ અડધો કલાક ઊભી રહી. અહીંથી ડીઝલ એન્જિન લાગતું હતું. જાનકી નીચે ઉતરી અને બુક સ્ટોલ ઉપર જઈને એક બે મેગેઝીન ખરીદી લીધાં જેથી સમય પસાર થઈ શકે.
એ સૌરાષ્ટ્રમાં પહેલીવાર જઈ રહી હતી. પેલાં ત્રણ સાઉથ ઇન્ડિયન પેસેન્જર્સ અમદાવાદમાં ઉતરી ગયાં હતાં અને ત્રણ નવાં પેસેન્જર્સ એમની જગ્યાએ આવી ગયાં હતાં. જેમાં બે પુરુષો હતા અને એક આધેડ ઉંમરનાં બહેન હતાં.
એમની વાતચીતની ભાષા સંપૂર્ણ દેશી કાઠીયાવાડી હતી. ભાષા ગુજરાતી હોવા છતાં ઘણા શબ્દો નવા હતા. બોલવાનો લહેકો પણ એક અલગ પ્રકારનો હતો. જાનકીને એમની વાતો સાંભળવાની મજા આવી.
આ લોકો ખૂબ જ વાતોડિયા હતા અને છેક રાજકોટ આવ્યું ત્યાં સુધી એમની વાતો ખૂટી નહીં. સેકન્ડ એ.સી.માં બેઠેલા એ લોકો દેખાતા હતા તો સુખી પરિવાર ના પણ ભાષા સાવ ગામઠી હતી !! જો કે એ લોકોની વાતો સાંભળવામાં જાનકીનો સમય પસાર થઈ ગયો. ત્રણેય જણાં રાજકોટ ઉતરી ગયાં.
રાજકોટથી જામનગર નો રસ્તો માત્ર દોઢ કલાકનો હતો. અને આ દોઢ કલાક જાનકી માટે જબરદસ્ત ઉત્તેજનાનો હતો કારણકે જામનગર આવી રહ્યું હતું અને થોડા સમયમાં જ એ એના ખાસ બોયફ્રેન્ડ કેતનને બે વર્ષના લાંબા ગાળા પછી મળવાની હતી !!
' બે વર્ષમાં કેતન બદલાઈ ગયો તો નહીં હોય ને ? અમેરિકામાં એના જીવનમાં કોઈ બીજું પાત્ર તો નહીં આવ્યું હોય ને ? કેતન ને સુરત પાછો લઈ જવા એ હરખભેર દોડી તો આવી છે પણ આવશે ખરો ? "
સવાલો તો ઘણા બધા મનમાં ચકરાતા હતા પરંતુ કોઈ પણ સવાલનો જવાબ જાનકી પાસે નહોતો !!
સાંજે સાત વાગે જામનગરની ધરતી પર જાનકીએ પહેલીવાર પગ મૂક્યો અને સ્ટેશનની બહાર આવીને રિક્ષામાં પટેલ કોલોની નું એડ્રેસ રીક્ષાવાળાને સમજાવી દીધું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)