મિતલ ઠક્કર
નયનાને ખબર હતી કે પિતા હીરાભાઇ તેના જિતેન સાથેના પ્રેમ સંબંધ પર સંમતિની મહોર મારવાના નથી. પિતા જૂનવાણી વિચારના હતા. મા હયાત હોત તો વાત અલગ હતી. પિતા એક દીકરીને એટલું વહાલ કરતા હોય છે કે તેના દુ:ખ માટે વિચાર કરીને દુ:ખી થતા રહે છે. તેમ છતાં એક નાનકડી આશા સાથે આજે પિતાજીને પોતાની વાત કરવાનો નિર્ણય કરી લીધો. જો પિતાજીની સંમતિ ના હોય તો જિતેન સાથેના સંબંધમાં આગળ વધવાનો અર્થ ન હતો. તે જિતેનને મળીને આ વાત કરીને જ આવી હતી. તેની વાતથી જિતેન નિરાશ થયો હતો. તેને શંકા પડી ગઇ હતી કે તેમની લવસ્ટોરી અધૂરી રહેવાની હતી.
નયનાએ જમી લીધા પછી હીરાભાઇ સમક્ષ ધીમેથી વાત મૂકી:"પપ્પા, હું મારી પસંદના છોકરા સાથે લગ્ન કરવા માંગું છું."
હીરાભાઇ નવાઇ સાથે બોલ્યા:"બેટા, આપણી પરંપરા રહી છે અને પરિવારે પસંદ કરેલા છોકરા સાથે દીકરીએ પરણવું એના હિતમાં હોય છે..."
નયના આંખો ઝુકાવીને શરમાતા બોલી:"પપ્પા, હું જિતેન નામના છોકરાને પ્રેમ કરવા લાગી છું. તેણે હમણાં જ વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો છે. શહેરમાં મામલતદાર ઓફિસ નજીક એક કેબિન ભાડે રાખીને સરકારી કામો માટે એફિડેવિટને એવી કામગીરી કરે છે. ઇમાનદાર અને સાલસ સ્વભાવનો છોકરો છે. મને સારી રીતે રાખશે..."
નયનાની વાત સાંભળી હીરાભાઇ વિચારમાં પડી ગયા. છોકરા વિશે હીરાભાઇએ બીજા થોડા પ્રશ્નો કર્યા ત્યારે નયનાને આશા જાગી કે જિતેનની વાતોથી પ્રભાવિત થઇને હકારાત્મક વિચારશે. અસલમાં જિતેન એમના પરિવાર માટે કેમ યોગ્ય નથી એની દલીલ માટે બધું પૂછી રહ્યા હતા.
તેમણે સમજાવવાનું શરૂ કર્યું:"બેટા, તારી માના અવસાન પછી એની ભૂમિકા મારે ભજવવાની છે. તું દુ:ખી ના થાય એવો છોકરો પસંદ કરવાનો છે...પ્રેમ લગ્નો સફળ થતા નથી. તારી મા સાથેના મારા લગ્ન ગોઠવાયેલા હતા. હું એને કે એ મને મળી ન હતી. એકબીજાના પરિવારની પ્રતિષ્ઠાને આધારે જ લગ્ન નક્કી થયા હતા. છતાં તેં જોયું ને કેવો પ્રેમભર્યો સંસાર રહ્યો..?"
નયના વચ્ચે બોલી:"પપ્પા, તમારા જમાનાની વાત અલગ હતી. આજે છોકરા-છોકરીઓ પોતાની પસંદને મહત્વ આપે છે. હું તમને ખાતરી આપું છું કે જિતેન મને સારી રીતે રાખશે. એક અઠવાડિયામાં એને ઓળખી ગઇ છું..."
"બેટા. એક સપ્તાહમાં જ તું એનાથી પ્રભાવિત થઇ ગઇ છે એનો અર્થ એ છે કે આ તારી મુગ્ધાવસ્થા છે. એમાં પ્રેમ સિવાય બીજું કંઇ દેખાતું નથી. મને આપણા સમાજના એવા અનેક કિસ્સાની ખબર છે જેમાં પ્રેમ લગ્ન સફળ થયા નથી. છોકરીએ છોકરા કરતાં તેના પરિવારની સાથે રહેવાનું હોય છે. જો પરિવાર વ્યવસ્થિત ના હોય તો એ દુ:ખી થાય છે..."
નયના કરગરી:"પપ્પા, તમે ચાહો તો એના પરિવારને મળી લો..."
"જો બેટા, તું ભાવનામાં વહી રહી છે. એમની અને આપણી જાતિ અલગ છે. એમના વિચારો, રીત-રિવાજ, પધ્ધતિઓ બધું અલગ હશે. એમાં ગોઠવાઇ શકવાનું મુશ્કેલ બનશે. અને હા, તું લગ્નલાયક થઇ ગઇ છે એની મને ખબર છે. મેં સમાજમાં છોકરાઓ શોધવાનું શરૂ કરી દીધું છે. આવતા અઠવાડિયે જ સમાજના એક મોભી એમના છોકરા સાથે તને જોવા આવવાના છે..." કહી નયનાના માથા પર હાથ મૂકી હીરાભાઇ એમના રૂમમાં જતા રહ્યા.
નયનાને થયું કે પિતાને સમજાવી શકાય એમ નથી. તેમની સાથે વધારે દલીલો કરીને દુ:ખી થવામાં કોઇ સાર ન હતો. એક દીકરી તરીકે નયનાને પિતા પ્રત્યે લાગણી હતી. તેણે વિચાર્યું કે ભલે એમની ખુશીમાં મારી ખુશી નથી પરંતુ એ મારા માટે સારું વિચારી રહ્યા હશે. જિતેન સાથેનો પ્રેમ તો થોડા દિવસોનો છે. પિતાનો પ્રેમ અને ખુશી પણ મહત્વના છે. જિતેન સમજદાર છે. પ્રેમ પ્રકરણ શરૂ થતાં પહેલાં જ પૂરું થઇ જાય તો બંને ઓછા દુ:ખી થઇશું. નયનાએ પોતાની સખી તોરલને ફોન કરીને પિતા સાથેની ચર્ચાની વાત કરી ત્યારે તે ગુસ્સે થઇ ગઇ. નયના જાણતી હતી કે તોરલ આધુનિકતાના રંગે વધારે રંગાયેલી છે. તેને મન પરિવારના વિચાર અને લાગણી બહુ મહત્વ ધરાવતા નથી. નયનાએ કહ્યું કે તે પિતાની લાગણી વિરુધ્ધ જવાનું યોગ્ય માનતી નથી. એ ભલે જૂનવાણી છે પણ અનુભવી છે. એમને જિતેનના પરિવાર વિશે વાત કરી પણ એમની ઇચ્છા સમાજના છોકરા સાથે કરવાની છે. એ દીકરીનું હિત જ ઇચ્છે છે. તોરલને નયનાની વાતો નર્યા લાગણીવેડા લાગી.
બીજા દિવસે નયના નોકરીએથી છૂટીને એ બસ મથક પાસે પહોંચી જ્યાં જિતેન સાથે મુલાકાત થઇ હતી. જિતેન વકીલાતનું ભણીને શહેરમાં મામલતદાર કચેરી પાસે કામ કરવા બસમાં જ આવતો હતો. તેની સાથે બસમાં બેઠક આવી અને હાથમાં એક પુસ્તક જોઇ વાંચવાની શોખીન નયનાએ વાત શરૂ કરી. બંનેના શોખ સમાન નીકળ્યા. બંનેએ સાહિત્ય અને કળા વિશે વાતો કરી. એ સિલસિલો એક જ અઠવાડિયામાં પ્રેમમાં બદલાઇ ગયો હતો. બંનેએ એકબીજાના મન વાંચી લીધા હતા. વાતવાતમાં પોતાના પરિવાર વિશે વાત કરી દીધી હતી. બંને એકબીજાને દિલોજાનથી ચાહવા લાગ્યા હતા. બંનેના પ્રેમમાં એક પવિત્રતા હતી. એકબીજાને શારિરીક રીતે સ્પર્શવાનો પણ પ્રયત્ન કર્યો ન હતો. એકબીજા માટે માનની લાગણી હતી. જિતેનને હીરાભાઇનો અને નયનાને જિતેનના પરિવારનો સ્વભાવ ગમ્યો હતો. હવે એ બધું જ ભૂલી જવાનું હતું.
શહેરના બસ ડેપોના એક ખૂણા પર બાંકડે બેસીને નયનાની રાહ જોતા જિતેનને એની ધીમી ચાલ અને ચહેરા પર છવાયેલી નિરાશા પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે તેમના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકાઇ જવાનું છે. જિતેન મનોમન એવી પ્રાર્થના કરતો હતો કે તેની ધારણા ખોટી સાબિત થાય.
નયનાએ પિતાના વિચારો જણાવી દીધા અને વધારે કોઇ ચર્ચા કર્યા વગર આજે જ અલગ થવાનો નિર્ધાર જાહેર કરી દીધો. જિતેન સમજુ હતો. તેણે કોઇ દલીલ ના કરી અને નયનાના પિતાના નિર્ણયને માથે ચઢાવી દીધો. જિતેન રોજ નયના સાથે જવા એક એસટી બસને જવા દેતો હતો. આજથી જ બંનેએ અલગ-અલગ બસમાં જવાનું શરૂ કરી દીધું.
નયનાએ ઘરે જઇને પિતાને વાત કરી દીધી કે તેણે જિતેનને તેમનો નિર્ણય સંભળાવી દીધો છે અને અમે ક્યારેય ન મળવાનું નક્કી કરી લીધું છે. નયનાએ એમને સમાજના છોકરા સાથેની મુલાકાત ગોઠવવા પણ કહી દીધું. હીરાભાઇને એ વાતનું દુ:ખ થયું કે તેમણે નયનાને દુ:ખી કરી છે. પરંતુ તેના ભવિષ્યને જોતાં કોઇ અજાણ્યા છોકરા કરતાં સમાજના છોકરા સાથે લગ્ન કરાવવાનું ઉચિત છે.
રાત્રે તોરલને ફોન કરીને જિતેન સાથેના પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હોવાની વાત કરી ત્યારે તેણે નયનાને ગાંડી ગણી. આ રીતે પોતાની લાગણીઓને દબાવવા બદલ તેને સંભળાવ્યું. નયનાએ પિતા એનું ભલું ઇચ્છતા હોવાની જ વાત કરી.
આ તરફ જિતેન તરફડતો હતો. તે નયનાને ભૂલી શકતો ન હતો. છેલ્લા એક સપ્તાહથી તેનું મન કામમાં લાગતું ન હતું. તેણે સાચા દિલથી નયનાને પ્રેમ કર્યો હતો. ઘણા અરજદારો એની ફરિયાદ કરવા લાગ્યા હતા. તે સરકારી કામના કાગળો તૈયાર કરવામાં ભૂલ કરવા લાગ્યો હતો. એક જણની એફિડેવિટ તૈયાર કરીને એને સોંપી એ પછી એક વૃધ્ધ લાકડીના ટેકે આવ્યા હતા એમને કામનું પૂછ્યું. એમનાથી બોલાતું ન હતું. જિતેને પાણી આપ્યું અને બેસવા કહ્યું. વૃધ્ધે પોતાનું નામ શંકરભાઇ આપ્યું અને શહેરમાં દીકરાએ ભાડાનું ઘર બદલ્યું હોવાથી આધારકાર્ડમાં નામ ફેરફાર કરવાનું કામ કરી આપવા કહ્યું. જિતેને તેમને સમજાવ્યું કે આ કામ મામલતદાર ઓફિસમાં જ થાય છે. તેણે એક ફોર્મ કાઢીને તેમને આપતાં કહ્યું:"કાકા, મારી પાસે આ ફોર્મ છે, એ ભરીને એની સાથે જરૂરી પુરાવા મૂકીને અરજી કરી દો..."
અચાનક શંકરભાઇને જોરથી ખાંસી આવી અને એમનાથી ઊભા ના થવાયું. તેમના આંખ પરના કાળા ચશ્મા જોઇ જિતેનને અંદાજ આવી ગયો કે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી જોવામાં તકલીફ હશે. તેણે ફોર્મ ભરી આપવાની વાત કરી ત્યારે શંકરભાઇએ ઘરે દીકરા પાસે ભરાવી લઇશ એમ કહી કેબિન બહાર પગ મૂકયા. તેમને ચાલવામાં શ્રમ પડતો હતો. જિતેનને થયું કે કાકાની તબિયત સારી લાગતી નથી. તેણે એમનો હાથ પકડ્યો અને બાજુની દુકાનવાળાને કહ્યું કે તારું એક્ટિવા આપ હું હમણાં આવું છું. તેણે શંકરભાઇને સરનામું પૂછ્યું અને બેસી જવા કહ્યું. શંકરભાઇએ આનાકાની કરી પરંતુ એમની તબિયત જોતાં જિતેન નજીકમાં જ ઘર હોવાથી મૂકી આવવા નીકળ્યો. રસ્તામાં તેની શંકરભાઇ સાથે થોડી વાત થઇ ત્યારે એને થયું કે એમનો દીકરો કેવો કહેવાય કે આટલી ઉંમરે આવી અવસ્થામાં સરકારી કામના ધક્કા ખાવા મોકલી આપે છે.
એકટિવા પરથી ઉતરી શંકરભાઇએ એને ઘરે આવવાનો વિવેક કર્યો. જિતેને ના પાડી પણ શંકરભાઇએ ચા માટે વિશેષ આગ્રહ કર્યો ત્યારે તે ના પાડી શક્યો નહીં.
તે ઘરમાં જઇ બેઠો એટલે શંકરભાઇએ કહ્યું:"બેટા, તું બહુ નેકદિલ અને સંસ્કારી છે. મારી દીકરી સાથે તારી મુલાકાત કરાવવા માગું છું. તને પસંદ આવે તો આપણે વાત આગળ વધારીશું..."
જિતેન તરત જ બોલ્યો:"ના કાકા, એવી કોઇ જરૂર નથી. સાચું કહું તો હું હમણાં લગ્ન વિશે વિચારવાનો જ નથી. હું એક એવા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છું કે તમારી માફી ચાહું છું..."
"ઠીક છે. જેવી તારી મરજી. પણ તને છોકરી સારી મળે એવા મારા આશીર્વાદ છે...તું મને મૂકી ગયો એ માટે આભાર!" કહીને બૂમ પાડી:"બેટા, જલદી ચા લાવજે...ભાઇને મોડું થાય છે."
શંકરભાઇની છોકરી ચા લઇને આવી અને જિતેને કપરકાબી લઇ પીવાનું શરૂ કર્યું.
"ભાઇ, જરા ઊંચે તો જો..." શંકરભાઇ બોલ્યા એટલે જિતેને માથું ઊંચું કરીને જોયું તો નયના ઊભી હતી.
જિતેન ઊભો થઇ ગયો.
"આ મારા પિતા હીરાભાઇ છે..." કહીને નયનાએ એને બેસવા કહી આગળ કહ્યું:"મારી સખી તોરલ સાથેની બધી વાતો એમણે સાંભળી લીધી હતી. અને મને ગઇકાલે તારી સાથે અજાણ્યા વૃધ્ધ તરીકે મુલાકાત કરવાની યોજનાની વાત કરી હતી. તારા વિશેનો સારો અભિપ્રાય જાણી એ તારી પરીક્ષા લેવા તારી પાસે આવ્યા હતા. અને મને આ એમના મિત્રના ઘરે મૂકીને કહી ગયા હતા. કહ્યું હતું કે જો હું કહું કે ચા લાવ તો તારે સમજવાનું કે હું જિતેનને પસંદ કરું છું!"
જિતેન બાઘો બનીને નયનાને સાંભળી રહ્યો હતો. પછી બોલ્યો:"પ્રેમની ડગર બહુ કઠિન હોવાનું સાંભળ્યું હતું. આ તો બહુ સરળ રીતે પ્રેમ મળી ગયો..."
"બેટા, તારો સરળ સ્વભાવ અને ભલી લાગણી તને આ મંઝિલ સુધી લઇ આવી છે..." કહી હીરાભાઇએ ચશ્મા અને લાકડી એક ટેબલ પર મૂકી કહ્યું:"બાજુના રૂમમાં જઇને તમે મુલાકાત કરી લો. પરંપરા મુજબ એકબીજાને મળીને જાણી લો. જો એકબીજાને પસંદ આવશો તો ગોળધાણા ખાઇશું!"
બધાં હસી પડ્યા.
- મિતલ ઠક્કર