Ghar - 13 in Gujarati Horror Stories by Pooja Bhindi books and stories PDF | ઘર - (ભાગ -૧૩)

Featured Books
Categories
Share

ઘર - (ભાગ -૧૩)


અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવાજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.”

પ્રીતિએ પોતાનો હાથ છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં.

અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે એકલો હતો,મનથી ભાંગી ગયેલો હતો, કારણકે તેને પોતાનાં સપનાનાં ઘરમાં જે ચહેરો દેખાતો હતો એ ચહેરો તેને તરછોડીને ચાલ્યો ગયો હતો.

કેફેમાં બેઠેલો અનુભવ પોતાની કોરી આંખો વડે નવાં બની રહેલાં ઘરને જોઇ રહ્યો. તેણે નિધિ તરફ જોયું અને કહ્યું, “થેંક્યું.”ઘણી મહેનત કરવાં છતાં પણ અનુભવ માત્ર આ એક જ શબ્દ બોલી શક્યો અને ત્યાંથી ઉભો થઇને ચાલ્યો ગયો. નિધિ તેને જતો જોઇ રહી.

“કાશ,મેં આટલું મોડું ન કર્યું હોત અને ત્યારે જ અનુભવને બધું જણાવી દીધું હોત તો કદાચ અનુભવ અને પ્રીતિ અત્યારે સાથે હોત.”

મીલી હોલમાં બેસી ટીવી જોઇ રહી હતી. આજે સવારથી જ તેનું મન ઉચાટથી ભરેલું હતું.તેને આજે સવારે બનેલી ઘટના યાદ આવી.

મીલી સ્વાતીનાં આઠ વર્ષનાં દીકરા નિખિલને મઝા ન હોવાથી તેની ખબર પુછવા ગઇ હતી. નિખિલને સતત બે દિવસથી તાવ આવતો હતો તેથી સ્વાતિ તેનાં માથાં પર મીઠાવારા પાણીનાં પોતા મુકતી હતી.નિખિલને દવા નહોતી પીવી તેથી તેને લાડથી સમજાવી દવા પીવરાવી.પછી નિખિલનાં માથાં ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને સુવડાવી દીધો.મીલી જેટલો સમય ત્યાં રહી એટલો સમય સ્વાતીનાં હૃદયમાંથી છલકાતાં માતૃભાવને જોઇ રહી.

ખબર નહીં કેમ પરંતુ આજે મીલીને સ્વાતિની ઈર્ષા થઇ રહી હતી. હોલમાં બેઠેલી મીલી વિચારી રહી હતી, “સ્વાતિ કેટલી નસીબદાર છે કે તેને એક સંતાન છે.જેને એ ઈચ્છે ત્યારે લાડ આપે છે, તોફાન કરે ત્યારે ડાટ આપે છે અને બીમાર હોય ત્યારે દેખભાળ રાખે છે."

“ભગવાન તમે મને કેમ બધી માતાઓ જેવું નસીબ ન આપ્યું?તમે કેમ મારાં નિયતિમાં સંતાનસુખ ન લખ્યું?”શું મને મમતા દેખાડવાનો મોકો ક્યારેય નહીં મળે?શું આ ઘરમાં બાળકની કીકીયારીઓ ક્યારેય નહીં ગુંજે?મીલીએ મંદિર સામે જોઇને પૂછ્યું.ત્યાં જ મિલીનો ફોન વાગ્યો.

“હેલો મીલી,હું નીકળી ગયો છું.થોડો ટ્રાફિક છે પણ હું અડધી કલાકમાં પહોંચી જઇશ.”અનુભવે ફોનમાં કહ્યું.

“ઓકે.”મીલી ફોન મુકી રસોડામાં ગઇ.

રસોઇ થઇ ગયા બાદ તેણે બધું જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર મુક્યું.અચાનક તેનું ધ્યાન ડાઇનિંગ ટેબલનાં કાચ પર દેખાતાં ચહેરા પર ગયું. તે સ્ત્રી ઉપર સીડી પાસે ઉભી હતી. તેણે ક્રીમ કલરનાં કપડાં પહેર્યાં હતાં જેમાં અમુક જગ્યાએ લોહીનાં ડાઘ હતાં.એ ડાઘ તેનાં હાથનાં કાંડા પાસે થોડાંક વધારે ઘાટાં હતાં. તેનાં વાળ વિખરાયેલાં હતાં અને આંખો,તેની આંખો એકદમ લાલઘુમ હતી.તે સ્ત્રીનું ડાઇનિંગ ટેબલનાં કાચમાં આટલું ભયાનક રૂપ જોઇને મીલી ઘભરાઇ ગઇ અને ડાઇનિંગ ટેબલથી દુર ખસી ગઇ. દુર ખસવામાં તેનો હાથ કઢીનાં બાઉલને અડી ગયો.તેથી એ બાઉલ સીધું તેનાં પગ ઉપર ઢોરાણું. ગરમ કઢી તેનાં પગ ઉપર પડવાથી તે ચિલ્લાઈ ઉઠી. ત્યાં જ અનુભવ ઘરમાં આવ્યો. તેનું ધ્યાન મીલી પર પડ્યું.તે મીલી તરફ દોડ્યો.

અનુભવે મીલીને સોફા ઉપર બેસાડી અને તેનો પગ ધીમે-ધીમે સાફ કર્યો.પછી ઉપરથી ક્રીમ લઇ આવી તેનાં પગ પર લગાવી.

“મીલી, સાવ આમ હોય?ક્યાં ધ્યાન હતું તારું?”અનુભવે ઠપકો આપતાં કહ્યું.

મીલીએ ડરતાં-ડરતાં પાછળ ફરી અને સીડી પાસે જોયું.પણ ત્યાં કોઇ જ નહતું.

“મીલી, થોડું ધ્યાન રાખતી જા.જો તો ખરાં તારો પગ. એકદમ લાલ થઇ ગયો છે.”અનુભવે તેનાં પગ ઉપર ફૂંક મારતાં કહ્યું.

“હું ટેબલ ઉપર કઢી મૂકવાં ગઇ અને અચાનક મારાં પગ પાસે ગરોળી આવી ગઇ.એટલે મારાં હાથમાંથી બાઉલ પડી ગયું.”મીલી અનુભવ ચિંતા ન કરે એટલે જાણીજોઇને ખોટું બોલી.

“અચ્છા, તો ગરોળી ઉપર ગરમ કઢી નાંખવા ગઇ એમાં તારો પગ દાજી ગયો.એમ ને?”અનુભવે હસીને પુછ્યું.

“એક તો મારો પગ દાજી ગયો છે અને તમને મજાક સુજે છે?”

“સારું, હવે નહીં કરું બસ. ચાલ હવે, જમી લઇએ.”

અનુભવે મીલીને ઉભી કરી અને ડાઇનિંગ ટેબલ પર બેસાડી. ડાઇનિંગ ટેબલમાં જોતાં જ મીલીને એ ડરામણો ચહેરો યાદ આવી ગયો. તેનાં શરીરમાંથી કંપારી છુટી ગઇ.

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવ પોતાનાં પલંગ પરથી ઉભો થયો અને મીલી તરફ એક નઝર કરી સ્ટોરરૂમ તરફ ગયો.

( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)