થલાઇવી
-રાકેશ ઠક્કર
તા.૧૦/૦૯/૨૦૨૧ ના રોજ થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મ 'થલાઇવી' (લીડર) માં કંગના રણોતે એવોર્ડ વિનિંગ અભિનય કર્યો છે. તેને અભિનય માટે પાંચમો રાષ્ટ્રીય એવોર્ડ મળવાની શક્યતા વધી ગઇ છે. કંગનાએ 'થલાઇવી' માં જે.જયલલિતાની ભૂમિકા જીવીને પોતાને અગાઉ મળેલા ચાર રાષ્ટ્રીય એવોર્ડસનું સન્માન વધાર્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 'થલાઇવી' નું ટીઝર રજૂ થયું ત્યારે તેના લુકની મજાક ઉડાવવામાં આવી હતી. અલબત્ત ટ્રેલર જોઇને લોકોને આશા જાગી હતી કે કંગનાએ ગજબનું કામ કર્યું હશે. ફિલ્મ રજૂ થયા પછી તો સમીક્ષકોએ પાંચમાંથી ચાર સુધી સ્ટાર આપીને એમાં એક સ્ટાર કંગનાનો ગણાવી તેના અભિનય પર શ્રેષ્ઠતાની મહોર મારી દીધી છે. તે અભિનયમાં બધાંની 'અમ્મા' સાબિત થઇ છે. ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રીના જીવન પર હોવાથી સ્વાભાવિક રીતે જ તેમની વાર્તામાં હિન્દી દર્શકોને ઓછો રસ પડે એમ છે. જોકે, એમની ઘણી અજાણી વાતો જાણવા મળે એમ છે. હિન્દી દર્શકોને વાંધો આવે એવું બીજું કારણ એ છે કે ઘણા સંવાદ દક્ષિણની ભાષામાં જ રાખ્યા છે અને લોકસભામાં જયલલિતાનું ભાષણ અંગ્રેજીમાં છે. કંગના સિવાય હિન્દી દર્શકોને ફિલ્મ સાથે જોડી શકે એવી કોઇ બીજી કડી નથી. જોકે, એનો અભિનય એવો છે કે એ એકલી જ કાફી છે. કેટલીક ખામીઓ છતાં લગભગ બધા જ સમીક્ષકો તેના એક જ ફિલ્મમાં ચાર જેટલા પાત્રોનો અભિનય જોઇ ઓવારી ગયા છે. જયલલિતાની એક મુખ્ય હીરોઇનથી મુખ્ય રાજકીય વ્યક્તિ બનવાની યાત્રાને તેણે પડદા પર સાકાર કરી છે.
થલાઇવી જયા (કંગના રણોત) પોતાની મા (ભાગ્યશ્રી)ની ઇચ્છાઓ સામે ઝૂકી જઇને તમિલ ફિલ્મોની હીરોઇન બને છે, જેથી ઘર ચલાવવા માટે આવક થતી રહે. જયાને બહુ જલદી સ્ટાર એમ.જી. રામચંદ્રન (અરવિંદ સ્વામી) સાથે ફિલ્મ મળી જાય છે. બંને એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરે છે એટલે એકબીજા પ્રત્યે પ્રેમ જાગે છે. એમ.જી.આર. ના પીએ વીરપ્પન (રાજ અર્જુન) ને પડદા પર સુંદર લાગતી અને દર્શકોને ગમતી આ જોડી માટે ચિંતા કરે છે. તે માને છે કે એમ.જી.આર. ની જયા પ્રત્યેની નજદીકીથી તેની સુપરસ્ટારની કારકિર્દીને નુકસાન થશે. એમ.જી.આર. થોડા વર્ષો પછી કરુણાનિધિ (નાસિર) ના પક્ષમાં સામેલ થઇ રાજકારણમાં આવે છે. અને પછી પોતાનો અલગ પક્ષ બનાવે છે. વર્ષો વીતતાં વધતી ઉંમરને કારણે જયાને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ જાય છે. ત્યારે ફરી એમ.જી.આર. સાથે મુલાકાત થાય છે. જયા ના પાડે છે પણ એક ઘટના તેને પોતાનો ઇરાદો બદલવા મજબૂર કરે છે. ફિલ્મને જયલલિતાની બાયોપિક ગણવામાં આવી છે. છતાં તેમના જીવનના ઘણા મહત્વના પ્રસંગો અને બનાવોનો કોઇ ઉલ્લેખ નથી. જયા પરના ભ્રષ્ટાચારના આક્ષેપો કે વિવાદોને સ્થાન અપાયું નથી.
પહેલા ભાગમાં જયાની ફિલ્મી અને અંગત જીવનની વાતો છે એ આકર્ષિત કરતી નથી. અજયન બાલાના 'થલાઇવી' પુસ્તક પરથી નિર્દેશક એ.એલ. વિજયે બનાવેલી ફિલ્મ ઇન્ટરવલ પછીના ભાગમાં જ્યારે જયા એક સશક્ત મહિલા રાજકારણી તરીકે જમાવટ કરે છે ત્યારે વાર્તા રસપ્રદ બને છે. રાજકારણમાં જયાએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનું ચિત્રણ સરસ છે. નિર્દેશકે પટકથામાં થોડી બેદરકારી દાખવી છે. પરંતુ દરેક પાત્ર માટે કલાકારોની પસંદગી યોગ્ય રહી છે. કલાકારોએ એ પસંદગીને સાર્થક પણ કરી છે. કંગનાએ પોતાના દરેક લુક પર અત્યાધિક કામ કર્યું છે. કંગનાએ શારિરીક રીતે વજન વધારવાની સાથે જયલલિતાની માનસિકતાને પણ સમજીને રજૂ કરી છે. કંગનાના દરેક લુક સાથેના અભિનયની પ્રશંસા થઇ રહી છે. તેણે સાબિત કરી દીધું છે કે પાત્ર જેટલું મુશ્કેલ હોય છે એને એ વધારે સારી રીતે ભજવી શકે છે.
અરવિંદ સ્વામીએ પડકારરૂપ ભૂમિકામાં એવો ગજબનો અભિનય કર્યો છે કે જો ખબર ના હોય તો એ સાચે જ 'એમજીઆર' લાગે. આ 'બોમ્બે' અને 'રોજા' વાળા અરવિંદ સ્વામી છે એવો જરાપણ ખ્યાલ આવતો નથી. અરવિંદે માત્ર લુકથી જ નહીં અભિનયથી પણ પાત્રને સાકાર કર્યું છે. 'કરુણાનિધિ' ના પાત્રમાં નાસિર અદ્દલ એવા જ લાગે છે. બહુ બારીકીથી એમના હાવભાવને પણ અભિનયમાં લાવ્યા છે. પડદા પર એમની હાજરી જ એક અસર ઊભી કરે છે. વર્ષો પછી જોવા મળેલી ભાગ્યશ્રી અને મધુ નાની ભૂમિકામાં પોતાની છાપ છોડી જાય છે. દરેક પાત્રના સંવાદ દમદાર છે. અને પાત્રોને એંશી-નેવુંના દાયકાનો યોગ્ય લુક આપવાનો યશ નીતા લુલ્લાના કોસ્ચ્યુમને આપવો પડે એમ છે. વિજયેન્દ્રપ્રસાદની વાર્તા સારી છે. પરંતુ ઘણા દ્રશ્યોને તરત જ પૂરા કરી દેવામાં આવ્યા છે. જેમકે અરવિંદનું શુટિંગ એક અસંતુષ્ટ નિર્માતા દ્વારા કરવામાં આવે છે એ દ્રશ્ય ઝડપથી પૂરું થઇ જાય છે. એક તબક્કે તો જયલલિતાની આ બાયોપિક કરુણાનિધિ અને એમજીઆર પર કેન્દ્રિત થઇ જાય છે. અલબત્ત નિર્દેશકે વાર્તાના પ્રવાહને સતત વહેતો રાખવાનો પ્રયત્ન કર્યો છે. ક્લાઇમેક્સને દમદાર બનાવ્યો છે અને તેનો બીજો ભાગ લાવવાની શક્યતાઓ રાખી છે. અલબત્ત ગીત-સંગીત ઠીક છે. 'ચલી ચલી' અને 'નૈન બંધે નૈનો સે' તેના નૃત્યને કારણે જોવા જેવા બન્યા છે. કંગનાનો દમદાર અભિનય જોવા અને જે.જયલલિતાની જિંદગીને જાણવા 'થલાઇવી' એક વખત જરૂર જોવા જેવી છે.