શારીફના લગ્નને માત્ર એક વર્ષ પૂરું થયું હતું અને તેને એમ લાગવા માંડયું હતું કે સમય ખૂબ ધીમો ચાલી રહ્યો છે. તેના પ્રેમ લગ્ન થયા હતા અને છતાં પણ તેને વિચિત્ર લાગતું હતું કે જીવનમાંથી અચાનક રોમાંચ ક્યાં ગાયબ થઈ ગયો હતો! “ખેર કોને ખબર પણ કદાચ જિંદગી આવી જ હશે” તે આમ વિચારતો અને મનોમન કહેતો કે તેણે થોડો ઇંતેજાર કરવો જોઇએ અને બધુ નીરસ આપમેળે ફરી રોમાંચક બની જશે.
શારીફ પોલીસમાં નોકરી કરતો હતો. તેનું કામ કચેરીમાં જે ફરિયાદો આવતી તેનો નિકાલ કરવાનું અને ગુનેગારોને પકડવાનું હતું. રોજબરોજ કોઈને કોઈ કેસ માં તેને શામિલ થવું પડતું. ક્યારેક તો એવા કેસ આવતા કે તેને વિચિત્ર લાગતું કે કઈ રીતે સંજોગો માણસ ને અમાનવીય કર્મો કરાવી ગુનેગાર બનાવી દે છે. જીવન જ એટલું અનિશ્ચિત બની ગયું છે કે માણસ તેની સ્વસ્થતા ગુમાવી બેસે છે અને ગેરમાર્ગે દોરાઈ જાય છે. શારીફ તેના નોકરીના અનુભવોમાથી કઈક શીખી પોતાની સરખામણી મનોમન બીજાઓ સાથે કરતો અને નિર્ણય કરતો કે કંઈ પણ થાય પરંતુ હું આજીવન એક સારો મનુષ્ય બની રહીશ. “અને આ માત્ર મારુ જ નહી દરેક મનુષ્ય નું લક્ષ્ય હોવું જોઇયે”. છતાં પણ ઘણી વાર એવા સંજોગો બનતા કે તે ગુસ્સે થઈ જતો અને ખરાબ વર્તન કરતો પણ જેવુ તેને પોતાનો નિર્ણય યાદ આવતો કે તે તરત શાંત થઈ જતો અને બીજી વાર આવું ન કરવાનું પોતાની જાતને યાદ અપાવતો.
એક દિવસની વાત છે જ્યારે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ શાંતિ થી પસાર થઈ ગયો હતો. રાત પડી ગઈ હતી અને શારીફ પોતાની ખુરશીમાં બેઠો હતો. પત્નીએ આજે ઘરે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું અને તે ઘેર જવા આતુર હતો. એવામાં જ પોલીશ સ્ટેશનની બહાર કોઈ વાહન ઊભા રેહવાનો અવાજ આવ્યો.
“જો તો બહાર કોણ છે?” શારીફે કોન્સટેબલને કહ્યું.
કોન્સટેબલ બહાર જાય તે પેહલા જ એક સ્ત્રી ઝડપથી અંદર પ્રવેશી. શારીફ તેની ખુરશી પર ટટ્ટાર બેઠો આ હલચલ જોઈ રહ્યો. આવનાર સ્ત્રી નજીક આવી અને શારીફ ના ટેબલ પાસે તેની સામે ઊભી રહી. શારીફ તેને તાકી રહ્યો. બેશક આટલી જડતાથી તાકી રહેવાનુ કારણ હતું કે તેણે આ ચહેરાને પહેલા ક્યાંક જોયો હતો. તેણે યાદ આવ્યું કે આ છોકરી તેની નાનપણની મિત્ર હતી અને સ્કૂલમાં બંને સાથે ભણતા. તેનું નામ પણ તેને યાદ હતું – સંતોક. “શું તે પણ મને ઓળખી ગઈ હશે?” શારીફ હજી તેની સામે જોઈ રહ્યો હતો. તેનું મન વધારે કોઈ સ્મૃતિઓ ઊભી કરે તે પહેલા તે પહેલા જ સામે ઊભેલી સ્ત્રીએ મૌન તોડ્યું.
“મારે ફરિયાદ લખાવવી છે”
એ જ અવાજ જે તે વર્ષો પહેલા સાંભળતો, દરરોજ. અને આજે ફરીથી સાંભળી રહ્યો છે. રતિભાર પણ કોઈ ફેર નહી. શારીફે સ્ત્રીની સામે જોઈ તેના ચહેરા પરના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ કાઈ કળી ન શક્યો. તેને પોતાની આ જૂની અજાણી મિત્ર સામે કોન્સ્ટેબલની હાજરી માં વાત કરવાનું થોડું અજુગતું લાગ્યું આથી તેને બહાર ઊભા રહેવાનુ કહ્યું.
“તમે બેસો ને.” શારીફે ઊભા થઈ સામે ઉભેલા મહેમાનને ખુરશી તરફ ઈશારો કરતાં કહ્યું. સ્ત્રી કઈ બોલ્યા વગર ખુરશી પર બેઠી.
“તમારું નામ સંતોક છે ને!” શારીફે પુછ્યું
“હા”
“તમને યાદ હોય તો આપડે સ્કૂલ માં સાથે ભણતા.” શારીફે આતુરતાથી કહ્યું.
“હા” સ્ત્રીએ ફરીથી ટૂંક માં જવાબ આપ્યો.
કેટલું નવાઈભર્યું હતું કે વર્ષો પછી કોઈક પરિચિતને જોતાં શારીફ તદ્દન અસ્વસ્થ થઈ ગયો હતો અને જાણે તેના આ મહેમાન ને આવી લાગણી ની કોઈ કિંમત ન હોય તેમ આ ક્ષણોને અવગણી રહી હતી.
“કોના વિરુધ્ધ ફરિયાદ નોંધાવવી છે તમારે?” શારીફે પણ વધારે લાગણીવશ ન બની કામ ની વાત કરતાં કહ્યું.
“મારા પતિ વિરુદ્ધ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમનું વર્તન બરાબર નથી. વગર કારણે ગુસ્સામાં અપશબ્દો બોલે છે. ત્યાં સુધી તો વાંધો ન હતો પણ હવે વાત મારામારી પર ઉતરી આવી છે. અને મને ડર લાગે છે કે કોઈ દિવસે તે મને મારી પણ નાખશે” સ્ત્રી એ એકી શ્વાસે બધુ કહ્યું. તેના અવાજ માં રહેલો દર્દ શારીફ ને હવે મહેસૂસ થયો.
“ઘરેલુ હિંસા બહુ ગંભીર ગુનો છે. જો તમારા પતિ ગુનેગાર સાબિત થશે તો તેમને આકરી સજા થશે.” શારીફે પોલીસની ભાષામાં કહ્યું.
“હા સજા થાય એટલે તો હું ફરિયાદ નોંધાવવા આવી છુ. આખરે સ્ત્રીઓની સહનશક્તિની પણ કોઈક હદ હોય છે” સ્ત્રી એ દુખી અવાજે કહ્યું.
“સારું કર્યું તમે ફરિયાદ લખાવવાની હિમ્મત કરી. કેટલીય સ્ત્રીઓ છે જે આવો અત્યાચાર ચૂપચાપ સહન કરી લે છે અને નરકની જિંદગી જીવે છે. તમે તેમના માટે એક મિશાલ છો. હું હમણાં જ તમારી ફરિયાદ નોંધું છુ” એમ કહી શારીફે દરવાજા બહાર નજર કરી. કોન્સટેબલ ન દેખાતા તેને અવાજ કર્યો પણ કોઈ વળતી પ્રતિક્રિયા ન મળતા શારીફે કોન્સટેબલ આવે ત્યાં સુધી વાત ચાલુ રાખવાનું વિચાર્યું.
“શું નામ છે તમારા પતિનું?”
“મૈનાક પ્રતાપ” સ્ત્રી એ જવાબ આપ્યો.
“શું કરે છે તેઓ?
“પોલીસ માં છે. સાહેબ ની પોસ્ટ પર” તેણીએ કહ્યું
“એટલે તમે મૈનાક પ્રતાપ સાહેબ ની વાત કરો છો? શારીફે આશ્ચર્ય પામતાં પુછ્યું.
“હા હું એમની જ વાત કરું છુ.” સ્ત્રી એ શાંતિ થી જવાબ આપ્યો
“અવિશ્વશનીય!. મૈનાક પ્રતાપ સાહેબ તો એક મોટા અધિકારી છે.” શારીફે કહ્યું.
તેના માનવામાં ન આવતું હતું કે આ સ્વપ્ન છે કે હકીકત. શું કરવું તે પણ તેને સમજાતું ન હતું. પરિશ્થિતી આમેય વિચિત્ર હતી અને એમાં પણ સાહેબની વિરુદ્ધ ફરિયાદ ની વાત થી શારીફ મૂંઝાણો હતો.
શારીફે તેના ભૂતકાળની મિત્રને સલાહ આપી કે તેને આ મામલો ઘરની ચાર દિવાલોની અંદર જ સુલઝાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. સંતોક ને આ સલાહ અપમાન જેવી લાગી. તેને પણ વાત સમજાતી હતી કે તેના પતિનું નામ આવતા શારીફ હવે ફરિયાદ નોંધવામાં આનાકાની કરતો હતો.
“વાત ઘરની અંદર જ સુલઝાવવાનો મે પ્રયત્ન કર્યો પણ હવે મને લાગે છે કે મારે ફરિયાદ જ નોંધાવી જોઇએ.” તેણીએ કહ્યું.
શારીફ કંઇક વિચાર માં પડ્યો હતો.તેને સમજાતું ન હતું કે શું કરવું. જો બીજી કોઈ સ્ત્રી હોત તો કોઇ પ્રશ્ન ન હતો પણ આ તો તેની નાનપણની મિત્ર હતી.
“શું તમારા માં હવે એટલું પણ સ્વમાન નથી રહ્યુ કે તમે કોઇ સ્ત્રી ની ફરિયાદ નોંધી શકો?” સંતોકે ધારદાર અવાજે પુછ્યું.
શારીફને આ સાંભળી કોઈ આંચકો ન લાગ્યો જાણે કે તેને તેને ખબર જ હોય કે આવો કોઈ સવાલ આવશે જ. શારીફે ફરીથી તેણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે તો ઉશ્કેરાઈ ગઈ હતી. તે હવે ગુસ્સે ભરાઈ હતી અને ત્યાથી રોશમાં જ ચાલી ગઈ. શારીફે તેને રોકી નહી.
“હે ભગવાન! કેટલા વર્ષો બાદ જૂના મિત્રને મળવાનું થયું પણ આ રીતે?” શારીફે મનોમન વિચાર્યું. તે ફરી પાછો ખુરશી પર બેઠો અને ક્યાય સુધી વિચારોમાં ખોવાયેલો રહ્યો.
“તમારે તેને મળવા જવું જોઈએ અને માફી માંગવી જોઈએ” શારીફની પત્ની એ તેને કહ્યું.શારીફની પત્ની સ્વાદિષ્ટ રસોઈ બનાવતી. શારીફ તેના વખાણ કરતાં થાકતો નહી. રાત્રે જમીને કચેરીમાં જે જે બન્યું હતું તે બધી વાત શારીફે તેની પત્ની ને કહી ત્યારે તેની પત્ની એ ઉપર મુજબ ના શબ્દો કહ્યા.શારીફ હમેશા બધી વાત તેની પત્ની સાથે કરતો અને તે પોતાની સમાજ પ્રમાણે પ્રતિક્રિયા આપતી.
“કોઈ વિકલ્પ નહી હોય ત્યારે જ તે ફરિયાદ લખાવવા આવી હશે ને અને એમાય જો જૂનો મિત્ર મદદ ના કરે તો એનાથી ભૂંડું શું!”. શારીફ માટે આ વાત હવે અસહ્ય બની ગઈ હતી કારણકે ભૂતકાળની યાદો એ ફરી તેને હચમચાવી નાખ્યો હતો. તે જાણતો હતો કે કોઈ ની મદદ ન કરે તેવો કાયર પોતે ન હતો. કોઈ અજાણ્યો હોત તો પણ તેને જરૂર મદદ કરી હોત. પણ સંતોક તેને મોઢા પર કાયર કહીને ચાલી ગઈ હતી. તે સાચે જ ગુસ્સામાં હતી. શારીફે પોતાના બચાવ પક્ષમાં વિચાર્યું કે તેની શું ખાતરી કે તેનો વાંક નહી જ હોય? વળી તેની અંદરના મિત્ર એ સામો જવાબ આપ્યો કે તે સંતોક ને તે નાનપણથી ઓળખે છે અને તેનો વાંક નહી જ હોય.
“ તારી વાત સાચી છે. મારે જરૂર તેને મળવા જવુ જોઇએ.” શારીફે તેની પત્નીને કહ્યું.
“ ઠીક છે. હવે ચિંતા કર્યા વગર સૂઈ જાઓ. બધા સારા વાના થશે.”
શારીફને આ સાંભળી સારું લાગ્યું. તે ક્યાય સુધી વિચારતો પથારીમાં પડ્યો રહ્યો.
બીજા દિવસે શારીફ સંતોકને મળવા તેના ઘરે પહોંચ્યો. ઘરનો દરવાજો બંધ હતો આથી તેને દરવાજા પર બે ટકોરા મારી દરવાજો ખૂલવાની વાટ જોતો ઊભો રહ્યો. એકાદ મિનિટ પછી દરવાજો ઉઘડ્યો. સંતોક હજી પણ પહેલાની જેમ જ સુંદર લાગતી હતી. શારીફે હાસ્ય વેર્યુ પણ સંતોકે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
“અંદર આવવાનું નહી કહો?” શારીફે થોડી ગમ્મત કરી. સંતોક મૌન જ રહીને પાછળ હઠી અને તે અંદર પ્રવેશ્યો. તે અંદર જઈ શારીફ માટે પાણી લઈ આવી.
“સાહેબ ઘરે નથી?” શારીફે ઘરમાં નજર કરતાં પુછ્યું.
“ના.તે કામ થી બે દિવસ બહાર ગયા છે. આજે જ કદાચ પાછા આવી જશે.”
“બરાબર” શારીફે કહ્યું.
“તમે અચાનક અહી કેમ આવ્યા?” સંતોકે સવાલ કર્યો.
શારીફ ને ખબર જ હતી કે આ સવાલ નો જવાબ તેને આપવાનો થશે જ છતાં પણ તે કોઈ જવાબ વિચારીને આવ્યો ન હતો. હકીકતમાં તેને શું જવાબ આપવો તેના વિષે ઘણું વિચાર્યું હતું પણ તેને કોઈ ઢંગનો જવાબ સૂઝયો ન હતો.
“તમારા પતિને ખબર છે કે તમે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા?” શારીફે સામો સવાલ કર્યો.
“ના પણ મે તેમને ચેતવણી આપી હતી કે જો તમે મને વધારે હેરાન કરશો તો હું પોલીસમાં તમારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવીશ”. પણ લાગે છે કે તેમને વિશ્વાસ હતો કે હું આવી હિમ્મત કોઈ દિવસ નહી કરું.
સંતોકના શબ્દો એકદમ ધારદાર હતા. ખરેખર વ્યક્તિ આવી જ રીતે વિચારતો હોય છે. ખાસ કરીને પુરુષ. શારીફ મૂંઝવણમાં હતો કે હવે શું કહેવું એવામાં ઘરની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો.
“લાગે છે સાહેબ આવી ગયા” સંતોકે સચેત થતાં કહ્યું.
શારીફ પણ ઊભો થયો. સાહેબ અંદર પ્રવેશ્યા. સાહેબ નું વ્યક્તિત્વ તુરંત જ ધ્યાન ખેંચે તેવું હતું. ઊંચા અને લાંબા, કસાયેલું શરીર, વિશાળ બાહુઓ, આકર્ષક ચહેરો અને શાંત આંખો એકદમ કોઈ મોટા અધિકારી ને શોભે એવું જ તેમનું વ્યક્તિત્વ હતું. પોતાના ઘરમાં કોઈ ખાખી પોશાકધારી અફસર ને જોઈને તેમને આશ્ચર્ય થયું. સાહેબે વારાફરતી તેમની પત્ની અને શારીફ સામે જોયું. સાહેબની મૂંઝવણ વધારયા વિના શારીફે પોતાની ઓળખાણ આપી અને બંનેએ હાથ મલાવ્યા. સંતોક અંદર પાણી લેવા ચાલી ગઈ.
“અફસર કેમ અહી મારા ઘરે? બધુ બરાબર તો છે ને?” સાહેબે પુછ્યું. તેમનો અવાજ શાંત છતાં પ્રભાવશાળી હતો. એટલામાં સંતોક પાણી લઈ અંદરથી આવી. તેણે સાહેબને આ સવાલ પૂછતા સાંભળ્યા હતા.
“ હું ગઈ કાલે પોલીસખાતામાં ઘરેલુ હિંસાની ફરિયાદ લખાવવા ગઈ હતી. કદાચ તે બાબતે જ તે વાત કરવા આવ્યા હશે.”
સાહેબને આ સાંભળી આઘાત લાગ્યો. શારીફ પણ સંતોકનું આ નીડર સ્વરૂપ જોઈને આશ્ચર્ય પામ્યો હતો. અનુભવી સાહેબે કોઈ તુરંત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહેવાનુ પસંદ કર્યું. ઘરમાં શાંતિ પથરાઈ રહી.
રાત નો સમય હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શારીફ અત્યારે સાહેબ સાથે હતો. મોડી સવારે ઘરમાં જે બન્યું તે પછી સાહેબે શારીફને મળવાનું આમંત્રણ આપ્યું હતું. સાહેબે કદાચ આવું ન કર્યું હોત પણ જ્યારે સંતોકે તેમને કહ્યું કે તે અને શારીફ બંને સ્કૂલ માં સાથે હતા અને એકબીજાને સારી રીતે ઓળખાતા એટલે સાહેબે શારીફને મળવાનું વિચાર્યું હતું. સંતોકને જરાય વિચાર સુધા પણ ન હતો કે શારીફ પોલીસમાં નોકરી કરતો હતો અને એ પણ આટલામાં જ. આ વાત સંતોકે સાહેબને ન કહેતા અધ્યાહાર રાખી હતી અને નિષ્કર્ષ નીકાળવાનું તેમના માથે છોડયું હતું. જે કઈ બન્યું તે બધુ કોઈ પૂર્વ આયોજન વગર જ બન્યું હતું.
“મને ખબર ન હતી કે સંતોકનો કોઈ નાનપણનો મિત્ર પોલીસમાં છે!” મૈનાક સાહેબે શરૂઆત કરી.
“ જી સાહેબ” શારીફે ટૂંકમાં પતાવ્યું.
“શું વાતચીત થઈ હતી તમારા બંને વચ્ચે? સ્ંતોકે મને કહ્યું કે તમે ફરિયાદ નોંધવાની ના પાડી?” મૈનાક સાહેબે વાત જાણવાની કોશીશ કરી. શારીફ પણ આ વાત સમજતો હતો આથી તેને જે બન્યું હતું તે બધુ સાહેબને અક્ષરસહ: કહ્યું. “મારી તો એટલી જ સલાહ હતી કે મૈનાક સાહેબ એક રીસ્પેક્ટેડ અધિકારી છે આથી આ વાત ઘરની અંદર રહે તે જ સારું છે”
“તમારી સાથે વાત કરતાં લાગે છે કે તમે એક વ્યવહારુ માણસ છો” મૈનાક સાહેબે શારીફની પ્રશંસા કરતાં કહ્યું. શારીફને પોતાને પ્રશંસા સાંભળી ખુશી થઈ. ત્યારબાદ સાહેબે જે કઈ પણ વાત હતી તે શારીફને કહી સંભાળાવી.
“છેલ્લા ઘણા સમયથી હું મારામાં કેટલાક ફેરફારો અનુભવી રહ્યો હતો. કોઈ કારણસર અચાનક બધુ બોરિંગ લાગવા માંડ્યુ. મારી શરાબ પીવાની આદતમાં વધારો થઈ રહ્યો હતો અને સૌથી મહત્વની વાત કે સંતોકને શક થઈ ચૂક્યો હતો કે હું કોઈ અન્ય સ્ત્રી ને બહાર મળી રહ્યો હતો. ઘણી વાર લગભગ મોડી રાત સુધી ઘરે ન આવતો. અમે પહેલાની જેમ વાતો કરતાં ન હતા. તે મને તેની શંકાઓ વિષે પૂછતી અને હું જવાબ આપવાનું ટાળતો અથવા ખોટું બોલતો. મને તેના વારંવાર પૂછાતા સવાલો પર ગુસ્સો આવવા લાગ્યો હતો અને માનસિક શાંતિ માટે હું વધારે ને વધારે શરાબ પીતો. એકવાર હું નશામાં હતો ત્યારે ફરી તેને સવાલો પૂછ્યા અને મે તેના પર હાથ ઉપાડયો. થોડા દિવસ ત્યારબાદ કઈ ન બન્યું પણ ફરી તેને સવાલો પૂછવાના શરૂ કર્યા. તેણી મને ધમકી આપતી કે “જો મે બરાબર વર્તન ના કર્યું તો હું કંઈ પણ કરીશ”. હું તેને ગણકારતો નહી. ત્યારબાદ મારે કોઈ કામ ના સિલસિલામાં બહાર જવાનું થયું અને પછી તમને ખબર જ છે કે શું થયું.”
સાહેબે પોતાની વાત પૂર્ણ કરી. શારીફને સૂઝ પડતી ન હતી કે તેને શું જવાબ આપવો. થોડી ક્ષણો બન્નેમાંથી કોઈ કશું બોલ્યું નહી.
“મને સમજાતું નથી કે આ બધુ તમે મને શું કામ કહી રહ્યા છો?” શારીફે પુછ્યું.
“મને લાગ્યું કે તમે મારે પત્નીના નાનપણના મિત્ર છો તો મારી કઈક મદદ કરી શકશો આમાં” સાહેબે કહ્યું.
“જરૂર. પણ હું આમાં શું મદદ કરી શકું?” શારીફે આશ્ચર્ય પામતા પુછ્યું.
“જો તમે મારી મદદ કરશો તો આ વખતે તમને પ્રમોશન મળે તેની જવાબદારી મારી.” સાહેબે શારીફ સામે જોતાં કહ્યું. શારીફ કળી શકતો ન હતો કે સાહેબ શું કહેવા માંગતા હતા પણ તેને પોતાનું ભવિષ્ય ઉજળું દેખાતું હતું. પણ જ્યારે સાહેબે તેને કહ્યું કે તે ખરેખર શું કહેવા માંગતા હતા ત્યારે તેને આંચકો લાગ્યો હતો. મોડી રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તેની રાહ જોઈને બેઠી હતી.
બીજા દિવસે શારીફ સંતોકને મળવા જાય છે અને સાહેબના કહેવા પ્રમાણે તેમના વચ્ચે જે વાત થઈ હતી તે તેને કહે છે. સંતોકે શાંતિથી બધુ સાંભળ્યુ પણ કોઈ પ્રતિક્રિયા ન આપી એટલે શારીફ ને થોડું વિચિત્ર લાગ્યું. શારીફને થયું કે સંતોક આઘાતના કારણે હેબતાઈ ગઈ છે.
“મારે જરૂર કોઈ બીજો રસ્તો શોધી કાઢવો પડશે.” સંતોકે મક્કમતાપૂર્વક કહ્યું, તે વિચારમગ્ન હતી.
“જરૂર પણ શાંતિથી અને ધ્યાનપૂર્વક” શારીફ તેની વ્યથા સમજતો હતો. “ અને કૃપા કરીને મને માફ કરજે કે આવી વિકટ પરિશ્થિતી માં હું તારે પડખે ઊભો નથી રહી શકતો કારણકે જો હું મદદ કરીશ તો તારે જ હેરાન થવું પડશે જે હું ઈચ્છ્તો તો નથી.” શારીફે તેનું દુ:ખ પ્રકટ કર્યું.
“હું સમજી શકું છુ. તારે દુખી થવાની જરૂર નથી. પણ હું તને જ્યારે યાદ કરુ ત્યારે તું હાજર થઈ જજે” સંતોકે ઠંડા હૃદયે કહ્યું. “ચોકકસ” અને શારીફ ત્યાથી ભારી હૃદયે ચાલ્યો જાય છે.
આ વાત પૂરી થયાના લગભગ બે દિવસ પછી સાહેબ શારીફની કચેરીમાં ઉતાવળા આવે છે. શારીફને સાહેબને જોઈને કોઈ આશ્ચર્ય નથી થતું જાણે કે તેને ખબર જ હોય કે સાહેબ આ રીતે આવશે.
“સંતોક ક્યાં છે?” સાહેબે પુછ્યું.
“મને ખબર નથી” શારીફે શાંતિ થી કહ્યું.
“ખોટું ના બોલીશ.તે તેની સાથે વાત કરી ત્યારથી તે ગાયબ છે.’ સાહેબ કડક અવાજે બોલ્યા.
“મને સાચે નથી ખબર તે ક્યાં છે. મે તો તમે જે કહ્યું હતું એ તે પ્રમાણે જ તેની સાથે વાત કરી હતી”
“સાચે સાચું બોલ તમારા બંન્ને વચ્ચે શું વાત થઈ હતી? ક્યાં છે તે?” સાહેબ ગુસ્સામાં હતા.
“એજ કે જો તારે શાંતિ થી જીવવું હોય તો બીજી કોઈ પંચાત કર્યા વગર શાંતિથી ઘર માં પડી રહેજે. પુરુષને હક છે કે મન ફાવે ત્યારે અને મન ફાવે તેની સાથે મોડી રાત સુધી ઘરની બહાર ફરી શકે છે અને જો સ્ત્રીને આ વાત થી તકલીફ હોય તો પુરુષ તેના પર હાથ પણ ઉપાડી શકે છે. આ જ પુરુષની વ્યાખ્યા ચ્હે. અને જો તારે શાંતિથી જીવવું હોય તો તારે આ વ્યાખ્યા અનુસાર જ ચાલવું પડશે અને જો નહી ચાલે તો પછી તારી સાથે જે કંઈ પણ થશે તેની જવાબદાર તુ જ હોઇશ”
સાહેબ ગુસ્સામાં તમતમતા શારીફને જોઈ રહ્યા.
“પણ મે સંતોકને એ નથી કહ્યું કે જો હું તમારી મદદ નહી કરું તો તમે મારી સાથે શું કરશો”
શારીફે કહ્યું પણ આ શબ્દો સાહેબના કાને અથડાય એ પહેલા તો સાહેબ નીકળી ગયા હતા. શારીફ મુસ્કુરાતો તેમની પીઠ તરફ જોઈ રહ્યો.