“બાળીનાખો... મને પણ બાળીનાખો... રહેમ કરો મારા પર, આ નર્કથી છોડાવી આપો.” એક ઘરડો ડોસો જેનું અડધું અંગ પેરાલિસિસના લીધે ખોટું પડી ગયું હતું, તે આજે તેની પત્નીનું મૃત્યુ થતાં ત્યાં આવનારા લોકોને આજીજી કરી રહ્યો હતો.
એ સમયે તેના દીકરાનો એક મિત્ર તેમની પાસે જાય છે. જોકે, તેનો દીકરો તો બધાંને એમજ કહે છે કે, તેના પિતાનું મગજ થોડું ઓછું કામ આપે છે. પરંતુ તેમ છતાં તેના એક મિત્રથી ન રહેવાયું એટલે તે એ વૃદ્ધ દાદા પાસે જાય છે અને જઈને તેમનું નામ પૂછે છે,
“દાદા તમારું નામ?”
“કરસનદાસ.” નનામી સામે જોતા-જોતાં ચિંતામાં દાદા બોલ્યાં.
દાદાને જોઈને અને તેમની વાત સાંભળીને એવું લાગતું ન હતું કે, તે ગાંડા થયાં છે અથવા તેમને કોઈ પણ ધરસકો લાગ્યો હોય, ને તે એવું બોલતા હશે. એ પણ સમજવું ખૂબ અઘરું હતું. પરંતુ તે માણસે દાદાને પૂછી જ લીધું.
“કેમ દાદા આટલા મોટા ઘર છે. એકનો એક દીકરો છે. એ પણ ખુબ જ ધનવાન છે. તો શા કારણે તમે આ બધું કરી રહ્યાં છો?”
“બેટા તું જાણતો નથી. આ નરાધમને તે બહાર પણ અલગ છે અને અંદર પણ. અમારી એકને એક સંતાન એટલે હર્ષ. આજથી ત્રીસ વર્ષ પહેલાં તેનો જન્મ એક મોટી હોસ્પિટલમાં બધી જ સુવિધા સાથે થયો હતો.” દાદાની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી.
“જ્યારે બે વર્ષનો થયો ત્યારે પહેલીવાર તેને તાવ આવ્યો અને હું ને મારી પત્ની રમા, આખી રાત જાગીને તેના કપાળ ઉપર પાણીના પોતા મુકતા રહ્યાં. જેવા વહેલી સવારના છએક વાગ્યા કે, હુને મારી પત્ની બંને તેને લઈને હોસ્પિટલ પહોંચી ગયાં. એક દિવસ પછી તેને તાવ ઉતર્યો.
અને અત્યારે છેલ્લા છ મહિનાથી મારી રમા આખી તાવથી ધગધગતી હતી. પણ હરામ જો ઇ મારો દિકરો કે એની વહું એકેય આટો મારવાય આયા હોય તો.”
હર્ષનો મિત્ર આશ્ચર્ય પામ્યો. (મોટા-મોટા સંમેલનોમાં મોટી-મોટી વાતો કરનારો આ હર્ષ તેના માતા-પિતાની સામે પણ નથી જોતો!) થોડીવાર રહીને એ ફરીથી મનોમન બોલ્યો. (ના એવું નોહોય. કદાચ હર્ષ સાચું જ કેહતો હશે. આ ડોશાનું છટકી ગયું છે.) હવે મનથી બહાર નીકળીને ફરીએ માણસ બોલ્યો.
“દાદા તમારા દીકરાને કેટલા દિકરા છે?”
“દીકરા નય ફુલ જેવી દીકરી છે. રોજે અમને જમવાનું આપવા એ જ આવતી. તેની માં એકથાળીમાં અમારા બંનેનું ખાવાનું પીરસી આપતી. એમાંથી અડધું રમા ખાતી અને અડધું મને ખવરાવતી. ઘણીવાર તો વહુ તીખું શાક અને રોટલી મોકલતી એટલે તેની દિકરી અમને ગોળ લાવી આપતી. એ સમયે મારી ફુલ જેવી દિકરીને એની માં બવ જ મારતી.” બોલતા-બોલતા ડોશાની આંખમાંથી આસું સરી પડ્યાં.
“ધાબા ઉપર એક નાની પતરાંની ઓરડી જેમાં માંડ અમારી વસ્તુ જેમ તેમ રહેતી. ભાગ્યે મારો એક મિત્ર એકાદ મહિને અમને મળવા આવતો. આમ તો તેને એક પણ સંતાન ન હતી. પરંતુ, અમારા કરતાં તો સારી જ જિંદગી જીવતો. એ આવતો અને અમારી જરૂરતની વસ્તુ પુરી પાડતો. મને કે'તો. ચાલને કરસન્યા આયા છોકરો... છોકરો કરીને પડ્યો છું, એનાં કરતાં મારી સાથે રહેવા આવતો રે'ને. એન એક મસ્ત મજાની ખાટલી, પાણીની માટલી અને આપડી એ વર્ષો જૂની દારૂની બાટલી. સાચે તું તારા છોકરાંનેય ભુલી જઈશ.” ડોશાની આંખમાંથી ફરી એક આંસુ ટપકયું.
હર્ષના મિત્રને દાદાની કરુણ વાત સાચી લાગી. (પરંતુ જો એટલું બધું કષ્ટ હોય તો તેની સાથે જ ચાલ્યાં જવાયને.) એવું વિચારતો એ માણસ બોલ્યો.
“તો દાદા તમે એમની સાથે શા માટે ન ગયા?”
“હું તો હા જ પાડતો હતો પણ રમા માનતી નોહતી. કે'તી કે, જો આમ ઘરમાંથી નીકળી જઈએ. તો સમાજમાં હર્ષનું નામ બદનામ થાય. અને ભલે એ આપણને હેરાન કરતો પણ આખરે એક દિવસ તો એને જ પછતાવો થાશે. બસ ડોશીની આ વાત માનીને જ હું માની જતો.”
હવે હર્ષનો મિત્ર બોલ્યો,“દાદા પણ તમે અત્યારે તો તમારા મિત્રના ઘરે જઈ શકોને. તો શા માટે મરવાની કે બળવાની વાતો કરો છો?”
“એ ભલા માણસનું ઘર તો અહીંયા જ છે. પણ અત્યારે તે અહીંયા નથી ને. છેલ્લે આયોતો રમાં માંદી પડી ત્યારે અને મોટી-મોટી વાતો કરીને ફોસલાવતો મારી રમાને. પણ કોને ખબર હતી કે એ હવે નય આવે કે, તેના પણ તેડા આવી ગયાં છે. બાકી રહેતું હતું તો એની ડોશીએ એના બારમાંના દિવસે જ સ્વર્ગ સુધારી ગઈ. ભાગ્યશાળી હતા એ બંને. એન... ભલેને સંતાનનું સુખ ન હતું એટલું જ ને. એ સુખ કહેવાય કે દુઃખ, જેને સંતાન છે એ જ સમજી શકે. કે, જેમના લાડકવાયા ક્યારે કાચીડાની જેમ રંગ બદલી નાંખે એની પણ જાણ નો'રે.”
“દાદા એનો મતલબ પે'લા હર્ષ તમને સાચવતો?”
“સાચવતો! દીકરા અમને તો થયું કે સાક્ષાત શ્રવણ આવ્યો છે. અમારી સેવા માટે અને ક્યારેક જો મારી કે રમાની તબિયત બગડી જાય તો, ઉભા પગે રહેતો. આવી સેવા અને ચાકરીથી અમે તો ચકિત હતા. કેમકે, આજુબાજુના લોકોમાં જો કોઈને સારામાં સારો દીકરો મળ્યો હોય તો એ અમારો હતો. પણ કે છે ને કે ચોમાસાની ઋતુમાં ક્યારે આભ પોતાની વાદળની ચાદર કાઢીને આખાય પ્રદેશને અંધારામાં નાંખી દે. એની કોઈને જાણ નથી રહેતી. એમજ એની વાતોમાં આવીને મારી રમાએ મને પરાણે પ્રોપર્ટી પેપરમાં સહી સિક્કા કરાવી નાંખ્યા. જેવી બધી જ સંપત્તિ એના નામે થઈ ગઈ કે, સૌથી પહેલાં તેને ધાબા ઉપર એક નાની ઓરડી બનાવડાવી. જ્યારે મને ખબર પડી કે, એ ઓરડી મારી અને મારી રમા માટે છે. હું તે સહન જ ન કરી શક્યો અને ક્યારે એક તુફાન મારા નિરોગી શરીરમાં વીંટાય ગયું કઈ જ ખબર ન રહી. જ્યારે જાગ્યો ત્યારે જોયું કે હું એક પતરાંની ઓરડીમાં સુતો છું. મારા નીચે એક ગોદડું, પગ ઉપર એક ગોદડું અને માથા નીચે તકિયો, જે બધું જ ખાટલા ઉપર પડ્યું હતું. રમાં મારી બાજુમાં જ ઉભી હતી અને તેમ છતાં અમે તે સ્વિકાર્યું કે, આપણા જ સંસ્કારમાં કંઈક ખામી રહીં હશે. પરંતુ ત્યારે મારુ લોહી ઉકળી ગયું, જ્યારે મારા દીકરાની વહુ ધીમે અવાજે કોઈની સાથે વાત કરી રહી હતી કે, બસ મમ્મી હવે થોડાક દિવસોમાં જ ડોશી-ડોહો સ્વર્ગ સિધારી જશે અને એટલો ખર્ચો ઘટશે.” કરસનદાદાની આંખ લાલ થઈ ગઈ.
“દાદા પણ તમારા દીકરાને આ વાત કેમ ન કરી.”
“બેટા! જો એ અજાણ્યો હોય, તો જણાવાય પણ આ બધી જ વાત એ જાણતો હતો. શું કેવાનું એમને, જે પોતાનાં જ માં-બાપને મારવા ઉભા થયા છે.” દાદા ઢીલા પડી ગયાં.
થોડીવારમાં લોકોને દેખાડવા હર્ષે તેના પપ્પા માટે એક ખુરશી મંગાવી આપી અને કરશનદાદાને તેમાં બેસાડીને સ્મશાન ઘાટ સુધી લઈ જવામાં આવ્યા. પાછળ રમાની નનામીને લઈને ચાર વ્યક્તિ આવી રહ્યાં હતાં. હર્ષનાં માતાના અંતિમ સંસ્કાર કરવા લગભગ બધા જ આવી ગયા હતા. પરંતુ, એક વ્યક્તિ ન હતો અને તે હતો, હર્ષનો એ મિત્ર જે દાદા સાથે વાત કરી રહ્યોં હતો. કેમકે, જ્યારે તે દાદાની વાતની શંકા લઈને હર્ષની પાસે જઈ રહ્યો હતો, ત્યારે તેને જોયું કે, એક પાણીના ગ્લાસમાં ઝેર નંખાઈ રહ્યું હતું અને બે બારમાંના ખર્ચાથી બચવાનો પ્લાન કરાઈ રહ્યોં હતો. તે યોજના બીજું કોઈ નહીં. પરંતુ, હર્ષ પોતે તેની પત્નીને જણાવી રહ્યો હતો.
જ્યારે તે મિત્ર દાદા પાસે આવીને આ વાત કરે છે. ત્યારે દાદાની આંખમાંથી આનંદના આંસુ ટપકયા અને ઉપર આસમાનમાં જોઈને બે હાથ જોડીને બોલ્યાં.
“હે ઈશ્વર ! આજ પછીના દરેક જન્મમાં મને સંતાન વિહીન રાખજે.”
***