Vandana - 11 in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | વંદના - 11

Featured Books
Categories
Share

વંદના - 11

વંદના-૧૧
ગત અંકથી ચાલુ...

મારી માતાને અશોક કાકાના મિત્રે મોડી રાત સુધી ત્યાં જ રેહવાનો આદેશ આપ્યો હતો. આવા આલિશાન બંગલામાં ભવ્ય પાર્ટી થવાની છે તે વાત સાંભળીને હું તો ખૂબ જ ખુશ થઈને કુદા કુદ કરી રહી હતી. મે પણ મારી માતા સાથે તે પાર્ટીમાં હાજર રહેવાની જીદ કરી. પરંતુ મારી માતાએ મને તે પાર્ટીમાં સાથે લઈ જવું ઉચિત લાગતું ના હોવાથી તે મને સમજાવવાના પર્યત કરી રહી હતી.


" જો બેટા! તું હજી નાની છે તારાથી ત્યાં ના અવાઈ અને તું ત્યાં કરીશ શું? હું ત્યાં કામ માટે જાવ છું"

" માં હું તને કામમાં મદદ કરાવીશ. અને હા હું ત્યાં જરા પણ મસ્તી નહિ કરું તને શિકાયતનો એક મોકો પણ નહિ આપું પણ પ્લીઝ તું મને પાર્ટીમાં આવવા દે ને."

" જો દીકરા ખોટી જીદ નહિ કર શેઠ જ્યારે બહારગામ ગયા હશે ત્યારે તને ત્યાં લઈ જઈશ અત્યારે તું શાંતિથી દાદી પાસે સૂઈ જજે હો તું મારી વહાલી દીકરી છે ને"

એટલા માં મારી દાદી રૂમમાં પ્રવેશતા બોલ્યા" ના ના તારા ગયા પછી પણ તે માં માં નામનું રટણ કર્યા કરશે ન સુવે ના તો કોઈને સુવા દેશે. તું એને સાથે જ લઈજા"

" પરંતુ બા ત્યાં વંદના નું શું કામ. મને તેને ત્યાં લઈ જવું ઉચિત નથી લાગતું ત્યાં મોટા મોટા વેપારીઓ આવવાના છે શરાબની મહેફિલ જામશે. હું તો ત્યાં કામ માટે જઈ રહી છું મને તો હવે આદત થઈ ગઈ છે એ લોકોના એઠા ગ્લાસ ઉઠાવવાની પરંતુ હું નથી ચાહતી કે મારી દીકરી આવું કામ કરે. મારે તો તેને ભણાવી ગણાવી ને મોટી ઓફિસર બનાવવી છે. અને તમને તો ખબર છે ને આ દુનિયા કેવી છે હું નથી ચાહતી કે કોઈની પણ ગંદી નજર મારી દીકરી પર પડે."

" જો એક મજૂરની દીકરી મજુર જ ગણાય આ તો ઠીક છે કે તારા શેઠે તેના ભણવાનો તમામ ખર્ચો ઉપાડવાની જવાબદારી લીધી છે નહીતો તું ક્યાંથી લાવત આટલા પૈસા અને એક દિવસ તારી છોકરી તને કામમાં થોડી મદદ કરાવી લેશે તો એમાં કોઈ પહાડ નથી તૂટી પડવાનો અને તું છો ને ત્યાં એનું ધ્યાન રાખવા માટે પછી શું થવાનું એને?"

" હા બા પરતું એ ત્યાં હશે તો મારું પૂરું ધ્યાન એના ઉપર જ રહેશે. ક્યાંય મસ્તી તો નથી કરતી હોય ને? ક્યાંય કોઈ તોડ ફોડ કરી તો ?હું ત્યાં મન લગાવીને કામ પણ નહિ કરી શકું."

" એ હું કઈ ના જાણું તું વંદનાને તારી સાથે જ લઇજા અહીંયા રહેશે તો મને શાંતિથી સુવા પણ નહિ દે." આટલું કહેતા બા રૂમની બહાર નીકળી ગયા..

મારી માતા પણ દુવિધામાં પડી ગઈ કે શું કરે થોડી વાર વિચાર કરીને અંતે મને સાથે લઈ જવાનો વિચાર કર્યો. વિચાર્યું કે ત્યાં બીજા પણ ઘણા કામ કરતા નોકરો છે એમની સાથે સચવાઈ જશે. હું તો તે પાર્ટીને નિહાળવા ખૂબ ઉત્સાહિત હતી. મન તો જાણે હિલોળે ચઢ્યું હતું એટલે ખુશ થઈ ગઈ. પરંતુ મારી માતાને મનમાં કંઇક ચુભતું હતું એને મને લઈ જવાનો શું અણગમો હતો એ અત્યારે હું સારી રીતે સમજી શકું છું . મને તે પાર્ટીમાં લઈ જવા માટે ખચકાટ અનુભવતી હતી છતાં કમને એ મને તેની સાથે લઈ ગઈ. પાર્ટી માં લઇ જતા પહેલા ઘણા ખરા સૂચનો પણ મને સંભળાવ્યા. મારે તો કોઈ પણ સંજોગોમાં પાર્ટીમાં જવું જ હતું એટલે મારા માતાની કોઈ પણ વાત સાંભળ્યા વગર એની દરેક વાતમાં મે હા માં હા મેળવી. આખરે અમે બંને પાર્ટીમાં જવા નીકળ્યા.

હું ઘણી વખત અશોકકાકા ના મિત્રના બંગલામાં મારી માતા સાથે ગઈ હતી પણ આજ ની રોનક કંઇક અલગ જ હતી. એક તો તેનો વિશાળ બંગલો ઘણા એકરોમાં ફેલાયેલો હતો. ગાર્ડન થી માંડીને બંગલાની દરેક દીવાલો ઉપર શણગાર સજાવવામાં આવ્યો હતો. જાણે આજે મે કોઈ રાજમહેલમાં પ્રવેશ કર્યો હોય એવો એહસાસ થઇ રહ્યો હતો. બંગલા પ્રવેશતા જ અંદર જવાના રસ્તે લાલ જાજમ પથરાયેલી હતી. ઘણા નોકરો લાલ જાજમ ની બંને બાજુ ફૂલદાની ગોઠવી રહ્યા હતા. બંગલામાં હાજર દરેક માણસો પોતાનું કાર્ય પૂર્ણ કરવા દોડાદોડી કરી રહ્યા હતા. આગળ જતાં અમુક માણસો દીવાલ પર અવનવી પેઇન્ટિંગ લગાડી રહ્યા હતા. હું એ પેઇન્ટિંગ જોવા થોડી વાર ત્યાં રોકાણી ત્યાં જ મારી માતાએ મારું બાવડું પકડી તેની સાથે ચાલવાનું ઈશારામાં સમજાવ્યું. હું દરેક જગ્યાને નીરખતા નીરખતા રસોઈઘરમાં પહોંચી જ્યાં અવનવી વાનગીઓની તૈયાર થઈ રહી હતી. મહેમાનો માટે મિષ્ટાન થી લઈને નીતનવા પકવાન બનવાનો આદેશ હતો. મારી માતાના હાથમાં એક લિસ્ટ સોંપવામાં આવ્યું જેમાં મહેમાનો માટે કંઈ કંઈ વાનગી બનાવવી તેની વિગતો લખી હતી. હું ત્યાં બનતા પકવાન ની ખુશ્બૂથી આકર્ષિત થઈ મે મારી મા ને ત્યાંના વ્યંજન ખાવાની ઈચ્છા દર્શાવી પરતું મારી માતાએ મને ઠપકો આપતા એક જગ્યા પર બેસી રેહવાનું કહ્યું.


ત્યાં જ રસોઈ ઘરની બારી માંથી દેખાતા ગાર્ડનમાં મે માળી કાકાને કામ કરતા જોયા. હું ઘણી વાર બંગલામાં આવતી ત્યારે એ માળી કાકા સાથે રમતી તે મને બધા ફૂલોની જાણકારી આપતા હું એમને ફૂલછોડ ને પાણી આપવામાં મદદ પણ કરતી. માળી કાકાને જોઈને મે મારી માતાને માળી કાકા પાસે જવું છું એમ કહેતા જ બહાર દોડી ગઈ. બહાર ગાર્ડનમાં એક ફાઉન્ટન લાગેલું હતું. અલગ અલગ કલરની લાઈટ થી સુશોભિત થયેલો એ ફુવારો જોઈને હું અચંબિત થઈ ગઈ. દોડતી તે ફુવારા પાસે પહોંચી ગઈ. તે ફુવારાની લાઈટ જોઈને હું ઘણી આનંદ અનુભવતી હતી ત્યાં જ કોઈ ભરાવદાર હાથ મારા ખભા પર પડ્યો.

" એય છોકરી કોણ છે તું? અહીંયા શું કરે છે?"

એ વ્યક્તિના હાથનો આમ અચાનક સ્પર્શ થતાં હું એકદમ ગભરાઈ ગઈ. તેના અવાજ માં એક અજીબ જ ક્રૂરતા હતી. તેનો સ્પર્શથી મારા આખા શરીરમાં કંપારી થવા લાગી. તેની આંખોમાં કઈક એવું હતું જે મને ભયભીત કરી ગયું. હું તે વ્યક્તિને જવાબ આપ્યા વગર જ ત્યાંથી રસોઈઘર તરફ દોડી. મને દોડતા જોઈને માળી કાકા પણ બોલી ઉઠ્યા "અરે વંદના આમ દોડતી ક્યાં જાય છે?" પરંતુ મે માળી કાકાનો અવાજ સાંભળ્યો ના સાંભળ્યો ને દોડતી મારી માતા પાસે આવીને ઊભી રહી ગઈ. મને હાંફતા જોઈને મારી માતા એ પણ મને પૂછ્યું " વંદના શું થયું દીકરા કેમ આટલી ગભરાયેલી લાગે છે?"

" કાઈ નહિ માં દોડીને આવી એટલે થાકી ગઈ" મે અજાણતાં નો ડોળ કરતા કહ્યું..

" અચ્છા તો મળી આવી તારા માળી કાકાને ?"

" ના માં એ બહુ કામમાં હતા એટલે હું ત્યાં થી પાછી આવી ગઈ"

થોડી જ વારમાં ભવ્ય પાર્ટી ની શરૂવાત થઈ ગઈ. ધીરે ધીરે એક પછી એક મોટા મોટા ધનાઢયઓ એકથી એક ચડિયાતા પોશાક અને જવેરાત પેહરીને પ્રવેશતા હતા. હું તો આ બધું જોઇને સ્તબ્ધ બની ને જોઈ રહી હતી. મારી માતાની મરજી ના હોવા છતાં હું આ પાર્ટી ને ચૂપકે થી તે રૂમની બારીમાંથી બહાર ગાર્ડનમાં ઊભી રહીને નિહાળી રહી હતી. પાર્ટીમાં ઘણા મહેમાનો વિલાયતી શરાબની મહેફિલ જમાવી રહ્યા હતા તો કેટલાક અવનવા ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા. ઘણા શોખીન મહેમાનો તો હાથમાં શરાબનો ગ્લાસ લઈને ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. હું આ બધું જોઇને એક અલગ જ આનંદ ની અનભૂતિ કરી રહી હતી. મારી માતા ત્યાં આવેલા મહેમાનોને ભોજન પીરસી રહી હતી.

એટલામાં ફરી કોઈ વ્યક્તિનો મને સ્પર્શ થયો પરંતુ આ વખતનો સ્પર્શ કઈક અજીબ હતો હું એ સ્પર્શથી ગભરાઈને પાછળ જોયું તો કોઈ આધેડ વયનો માણસ હાથમાં શરાબનો ગ્લાસ લઈને ઊભો હતો. તેની આંખોમાં એવું તો કઈક અજીબ હતું જે મને ખૂંચવા લાગ્યું તેની ક્રૂરતા ભરી નજરથી મારી રૂંહ કાંપી ઉઠી. તેને મારી સામે જોઇને મૂદુ હાસ્ય રેલ્યું. એ વ્યક્તિની હાજરીથી જાણે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો. તેને ફરી મારા ગાલ પર સ્પર્શ કર્યો. તેના સ્પર્શમાં એક અજીબ જ ગંધ આવતી હતી. મે ગભરાઈ ત્યાં થી ભાગવાના પ્રયત્ન કર્યા. પરંતુ તેણે મને ખેંચીને પોતાની બાહોમાં જકડી લીધી. તે જ સમય મારી માતા મને જોવા માટે બહાર આવી..

ક્રમશ....