હું પૂર્વી આજે કેટલાય વર્ષો પછી અતીતની જૂની યાદોને ફંફોસવા બેઠી છું..... મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી હું... મને બરાબર યાદ છે વતનનું અમારું એ નાનકડું એવું ઘર.... પરંતુ, એ ઘરની યાદો આજેય મારા મનમાં ભવ્ય રીતે સંજોવાયેલી છે.... મારા બાળપણના એ ઘરની શેરીમાં બહેનપણીઓ સાથે, મિત્રો સાથે હું ઘર-ઘર રમતી તે આજેય મને યાદ છે. ત્યારે મારું ઘર રમતનો એક ભાગ હતો પરંતુ, આજે મારું ઘર એ એક વાસ્તવિકતા છે. આજે જાણે મને લાગે છે કે રમત રમતી વખતે ઘર-ઘરની રમત રમવાની ખૂબ જ મજા આવતી... બહેનપણીઓ સાથે મળીને રસોઈ બનાવવાનું... સાથે ફરવા જવાનું..... ઘરને સજાવવાનું મને ખૂબ ગમતું અને ખૂબ જ સ્વપ્નની નગરી જેવું લાગતું પરંતુ.., ધીમે-ધીમે હું યુવાન થઈ અને વાસ્તવિકતા સાથે જ્યારે મારો પ્રથમ પરિચય થયો ત્યારે "મારું ઘર"ની કિંમત કેટલી ચૂકવવી પડતી હોય છે તેનો મને અહેસાસ થયો. વાસ્તવિકતા અને રમત વચ્ચેનો ખરો ભેદ હું સમજી....
જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ મારું ઘર રમત ન રહેતા મારું વાસ્તવિક સ્વપ્ન બની ગયું. ચિરાગ સાથે લગ્ન કરીને હું સાસરે આવી ત્યારે દરેક સ્ત્રીએ જેમ "મારું ઘર" વિશેના સપનાઓ સેવ્યા હોય છે તેમ મેં પણ મારા સપનાઓની દુનિયાથી મારા ઘરને સજાવ્યું હતું. ઘરમાં પગ મૂકતાં જ નાનપણથી મોટા થયા ત્યાં સુધી મળેલા સંસ્કારોને અનુરૂપ ઘરમાં દરેક સાથે હળી મળીને રહેવાનું..., ઘરની
જવાબદારીઓનું પૂરું ધ્યાન રાખવાનું...., કોઈની લાગણી ન દુભાય અને કોઈને કશીય આપણાથી તકલીફ ના પડે તેની સતત કાળજી રાખવામાં સમયના કેટલાય વહાણાંઓ વાઈ ગયા....! ઘરના દરેકની કાળજી રાખવામાં અને ઘરની જવાબદારીઓના બોજ નીચે જાણે મારા સપનાઓ તો અગ્નિસંસ્કાર જ થઈ ગયો. મારા સપનાના ઘરની ઝંખના તો પત્તાના મહેલની જેમ કડડભૂસ જ થઈ ગઈ.... બીજાના આનંદનું ધ્યાન રાખવામાં હું મારા જ આનંદને ભૂલી ગઈ. સાસરીયાના ઘરને "મારું ઘર" કરવામાં હું મારું પોતાનું અસ્તીત્વ જ ખોઇ બેઠી.. છતાં, આ વાતનો મને આનંદ હોત જો ખરેખર આ ઘરને હું મારું ઘર બનાવી શકી હોત. પણ આ તો જિંદગીની પરીક્ષા છે. આપણે રોજ પરીક્ષાની તૈયારી કરીએ અને જિંદગી રોજ સિલેબસ જ બદલી નાંખે. બસ આવું જ કંઈક મારી સાથે જિંદગીમાં સતત ચાલતું રહ્યું. જિંદગીની પરીક્ષામાં હું પાસ થવા માટે હું સતત મથતી જ રહી...
જિંદગીની વાસ્તવિકતા હંમેશા નગ્ન અને કડવા સત્ય જેવી હોય છે એ આજે હું બરાબર સમજી ચૂકી છું. જીવનની પાનખરે આવીને ઊભેલી હું હજુ પણ મારા સાસરીયાના ઘરને મારું ઘર બનાવી નથી શકી કારણ કે લગ્નના આટલા વર્ષો પછી પણ ઘરના અંગત સભ્ય તરીકે મારો સ્વીકાર થઈ શકતો નથી. વાતોમાં અને વર્તનમાં રહેતો પારકાપણાનો ભેદભાવ કેવી રીતે છૂપો રહી શકે....? મને લાગે છે કે આપણે બધું જ કરી છૂટીએ છતાં પણ શું આપણે એમના માટે એક પારકી સ્ત્રી જ રહેતા હોઈશું ...??!! આપણને જેમ લાગણી છે તેમ એમને લાગણી નહીં હોય...? આટલું બધું છોડીને આવ્યા પછી અને આખી જિંદગીની કુરબાની આપી દીધા પછી શું એમને સહેજ પણ આપણા પ્રત્યે લાગણી નહી થતી હોય...? મારું-મારું કરીને સતત 'સ્વ'ને પણ ભુલીને બધું જ કરી છૂટવા છતાં જ્યારે વર્તનમાં ભેદભાવ દેખાય ને ત્યારે હૃદય ઉપર પડેલા પીડાના ઉઝરડાઓને કદાપિ ભૂંસી શકાતા નથી. આ ઉઝરડાઓ જિંદગીના અંતિમ સમય સુધી ક્યારેય રૂઝાતા પણ નથી કારણ કે જ્યારે આપણું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું હોય ત્યારે આ દર્દનાક પીડાને કેવી રીતે ભૂલી શકાય...?
બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે કહેવામાં આવતું કે..., "દીકરી તો પારકી થાપણ કહેવાય." યુવાન થયા અને સાસરે આવ્યા તો આ ઘરમાં પણ પારકી સ્ત્રી જ બની રહ્યા..... બરાબર બાવીસ વર્ષે યુવાનીના ઉંબરે ઊભેલી હતી ત્યારે મેં સાસરે પગ મૂક્યો હતો. ઘરની જવાબદારીઓમાં કોઈ કચાશ ન રહે તે માટે હું સતત પ્રયત્નશીલ રહેતી. ઘરમાં મોટા ભાઇ-ભાભી , નાની નણંદ, સાસુ-સસરા, હું અને ચિરાગ આવો અમારો સંયુક્ત પરિવાર. રોજ સવારથી સાંજ સુધી ઘરના દરેક સભ્યની જવાબદારીઓનો ખ્યાલ રાખવાનું એક નિયમિત રૂટિન બની ગયેલું. કેટલીય વાર મને યાદ છે કે ઘરમાં બધાને જ વાર-તહેવાર હોય પરંતુ, મારે અને મોટા ભાભીને તો બધા જ દિવસ સરખા. સવારથી સાંજ સુધી બસ એ જ કામ અને જવાબદારી. આટલા વર્ષોમાં મને ક્યારે યાદ નથી કે કોઈએ ખાલી કહેવા ખાતર પણ પૂછ્યું હોય કે તું ખુશ તો છે ને...?, તને કંઈ તકલીફ તો નથી ને...? આવા સહાનુભૂતિભર્યા બે શબ્દો માટે કાયમ હું ઝંખતી રહી પણ કદાપિ બે-પાંચ પ્રેમભર્યા શબ્દો પણ કાને ન અથડાયા..... અને આટલું કરવા છતાં પણ કેટલીય વાર વર્તનમાં ભેદભાવ જોવા મળી જતો. વર્તનમાં દેખાતી આ ઉણપ ઘણીવાર અસહનીય બની જતી પરંતુ, સામે કોઈપણ પ્રત્યુતર આપવાને બદલે સંસ્કાર આડે આવી જતા અને મૌન રહીને આ કડવા ઘૂંટ સહી લેતી... માતા-પિતાને પણ એમના જીવનની ઢળતી સંધ્યાએ મારા જીવનની આવી દુઃખની વાત કરીને દુઃખી કરવા મને યોગ્ય ન લાગતું.... એ પોતાની ફરજના ભાગરૂપે હંમેશા મારા ખબર-અંતર પૂછ્યા કરતા પરંતુ , હું હંમેશા હસતા મુખે જ વાત કરતી. મારા દુઃખનો અણસાર કદાપિ એમને આવવા ન દેતી.... કારણ કે દીકરીનો બાપ સાસરિયાઓની સામે હંમેશા લાચાર કહેવાય... હું મારી બે-પાંચ વાત કદાચ કહું પણ ખરી તો પણ મારા બુઢ્ઢા મા-બાપ શું કરી શકવાના હતા..? એ ન્યાયે હું જીવનભર મૌન રહીને બધું જ સહેતી રહી.....
પ્રસંગોપાત ઘરમાં આજે બધાને બહાર જવાનું થયું હોવાથી અનાયાસે આજે બે-પાંચ ફુરસદની પળો સાથે મારી મુલાકાત થઈ શકી. બસ ઘરમાં ડ્રોઇંગરૂમમાં ઝૂલા ઉપર બેઠી અને ખબર નહિ કેમ જાણે ઝુલા ઉપર બેસતા જ આજે અત્યાર સુધીની જિંદગીની દરેક ક્ષણો પિક્ચરના સ્ક્રીનની જેમ મારી આંખ સામેથી પસાર થવા લાગી... દરેક નાની-નાની ઘટનાઓ મારી આંખ સામેથી પસાર થઈ રહી છે. યુવાનીમાં સાસરે જ્યારે પગ મૂક્યો ત્યારે સાસરિયાંને "મારું ઘર" બનાવવા માટે મેં કેટલાય શમણાંઓ સેવ્યા હતા. આ શમણાંઓની મારે આટલી કિંમત ચૂકવવી પડશે તેની મને ખબર જ ન હતી. આજે દુઃખ એ વાતનું છે કે આટલી કિંમત ચૂકવ્યા પછી પણ જો આ ઘર 'મારું ઘર" બની શક્યું હોત તો તેનો મને ચોક્કસ આનંદ હોત... પરંતુ, જીવનની વસંત ગુમાવીને પાનખરે પહોંચી છતાં આ ઘરને "મારું ઘર" બનાવી શકી નથી. બસ આ ઘર માટે તો હું હંમેશા પારકી જ રહી... ગળે બાઝી ગયેલા પીડાના આ અશ્રુઓને રોકવા માટે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ કદાચ આજે આ પીડાના અશ્રુઓને રોકવામાં હું અસફળ રહી. હૃદયમાં વર્ષોથી ધરબાયેલી આ કારમી વેદના આજે સમુદ્ર બનીને મારી આંખમાંથી વહી રહી છે... ઝૂલા ઉપર બેસીને આજે અતીતને યાદ કરું છું ત્યારે મને લાગે છે કે....., જિંદગીનો કેટલોય કીમતી સમય મેં પારકાને પોતાના કરવામાં ખર્ચી નાંખ્યો... જિંદગીની આ કોઈપણ ક્ષણને હું ફરી પાછી લાવી નહીં શકું તેનો મને અફસોસ છે કારણ કે આ એકપણ ક્ષણને મેં મારા માટે નથી જીવી અને જેમના માટે જીવતી રહી ત્યાં મારી કોઈ જ કદર થઇ ન શકી.... મારા શરીર પર દેખાતી આ કરચલીઓ એ ઉંમરના લીધે પડેલી કરચલીઓ નથી પરંતુ, મારા હૃદયમાં જે કારમી વેદનાઓ દબાયેલી છે જેણે મને અકાળે વૃદ્ધ બનાવી દિધી તેના આ પુરાવા છે..... મને લાગે છે કે માણસ જિંદગીના ૯૦ વર્ષે પણ નથી થાકતો જો તેને પ્રેમ અને હૂંફ મળી જતા હોય પરંતુ...., આ જ માણસ જિંદગીના 50 વર્ષે પણ થાકી જાય છે જો તેને જિંદગી જીવવા માટે.... બીજાનો પ્રેમ પામવા માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હોય....આ સંઘર્ષ એક એવી ચીજ છે ને કે જે માણસને અકાળે વૃદ્ધ બનાવી દે...!! મારી સાથે પણ કંઈક આવું જ થયું..... અભ્યાસમાં સતત પ્રથમ અંક પ્રાપ્ત કરતી હું જિંદગીની પરીક્ષામાં ક્યારેય પાસીંગ માર્ક પણ લાવી ન શકી...
આથમતા સુરજ જેવી મારી આ જિંદગીની સમી સાંજે હવે મારા મનની ફરિયાદ પણ કોને કરું...? હે કુદરત..., હે ઈશ્વર...., મને તારાથી બસ એક જ સવાલ છે કે...., તે સ્ત્રીને હંમેશા માટે પારકી શું કામ રાખી ? માતા-પિતાના ઘરે પણ તે "પારકી થાપણ" અને સાસરિયે પણ તેને 'બહારથી આવેલી સ્ત્રી' અને "પારકી સ્ત્રી" તરીકેની દ્રષ્ટિથી જ જોવામાં આવી. તો હે કુદરત..., ખરેખર સ્ત્રીનું પોતાનું ઘર કયું..? બધાના માટે જીવતી...., જવાબદારીઓના તોફાની સમંદરમાં તરવા મથતી આ સ્ત્રીને તે કશું જ પોતાના માટે ન આપ્યું...? જ્યાં પણ જાય ત્યાં હંમેશા સૌ તેને પારકી જ ગણતા રહ્યા... આવો અન્યાય એક સ્ત્રી સાથે જ કેમ...?
હે ઈશ્વર..., હું તારા જવાબની આતુરતાથી રાહ જોઇ રહી છું કારણ કે મને તો મારા આ પ્રશ્નનો જવાબ નથી મળતો માટે મારે હવે તારી પાસેથી જ આનો જવાબ જોઈએ છે. અને મારા આ સવાલનો જવાબ તું મને એક દિવસ મને જરૂર આપીશ એ આશાએ હું બાકીની જિંદગી પણ જીવી લઈશ....
- ૐ ગુરુ