પ્રાયશ્ચિત- પ્રકરણ ૭
દુનિયામાં બધા જ માણસો સરખા નથી હોતા. કેટલાક લોકોને તમાશો જોવામાં બહુ જ રસ હોય છે. આવા જ કોઈ પડોશીએ સાંજે પોલીસ સ્ટેશને ફોન કરી દીધો.
" સાહેબ પટેલ કોલોની શેરી નંબર ૪ માં એક છોકરીએ બપોરે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સમયસર મેડિકલ સારવાર મળતાં છોકરી તો બચી ગઇ છે પરંતુ એ લોકોએ પોલીસ સ્ટેશનને જાણ નથી કરી. એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ હતી એટલે મેં આપને ફોન કર્યો. "
અને એ જાગૃત નાગરિકે મિસ્ત્રી પરિવારનું એડ્રેસ પણ આપી દીધું અને પોતે પોતાના મકાનના આગળના વરંડામાં ખુરશી નાખીને પોલીસ જીપની રાહ જોતો બેસી ગયો.
અડધી કલાકમાં લગભગ સાંજે સાત વાગ્યે પોલીસની જીપ આવીને મિસ્ત્રીના ઘર પાસે ઉભી રહી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડા મકાનની અંદર ગયો.
" તમે તમારી દીકરીની આત્મહત્યાનો કેસ પોલીસથી છુપાવ્યો છે. એને સમયસર મેડિકલ સારવાર મળી ગઈ એટલે એ બચી ગઇ છે. પણ તમે ગુનો કર્યો છે. તમારે એ ડોક્ટરનું નામ પણ મને લખાવવું પડશે " ચાવડાએ રુઆબ છાંટ્યો.
" સાહેબ ડોક્ટરને બોલાવવા ની જરૂર જ નથી પડી. આ એની મમ્મી એને જોઈ ગઈ કે તરત જ અમે એને નીચે ઉતારી દીધી. એ બેહોશ પણ નહોતી થઈ. " જશુભાઈ બોલ્યા.
" તમે કહો એમ ના ચાલે. મારે કેસ કરવો જ પડશે. " ચાવડા બોલ્યો. ત્યાં સુધીમાં તો પેલા જાગૃત નાગરિક પણ એમના ઘરે તમાશો જોવા આવી ગયા હતા. બીજા પણ ત્રણ ચાર જણા ભેગા થઇ ગયા હતા.
" અરે નીતા તું પેલા ત્રીજા બંગલાવાળા ભાઈ જે હાજર હતા એમને તાત્કાલિક બોલાવી લાવ. એ બિચારા દોડતા આવ્યા હતા. આપણે તો એમનું નામ પણ પૂછ્યું નથી. " જશુભાઈ મિસ્ત્રીએ પોતાની દીકરી નીતાને કહ્યું.
નીતા દોડતી કેતનના ઘરે આવી અને હાથ જોડીને ઊભી રહી. બહુ જ ગભરાયેલી હતી.
" સાહેબ પોલીસની જીપ આવી છે. તે લોકો પોલીસ કેસ કરવાનું કહે છે. કહે છે કે તમે ખોટું બોલો છો. "
કેતન તરત જ નીતાની સાથે મિસ્ત્રીના ઘરે આવ્યો અને સબ ઇન્સ્પેક્ટર ચાવડા સામે ઉભો રહ્યો.
" બોલો સાહેબ શું પ્રોબ્લેમ છે ? જે પૂછવું હોય તે મને પૂછો. " કેતને કહ્યું.
" તમે તમારું કામ કરો મિસ્ટર. સુસાઇડ નો કેસ છે. અમને અમારું કામ કરવા દો. મેડિકલ સારવારથી છોકરી બચી ગઇ છે. આ લોકોએ ગુનો કર્યો છે. કેસ તો થશે જ "
" ઘટના બની ત્યારે હું પણ તરત જ આવી ગયો હતો. છોકરી ને કંઈ પણ થાય એ પહેલાં જ એને નીચે ઉતારી લીધી હતી. મેડિકલ ટ્રીટમેન્ટ ની વાત જ બક્વાસ છે. કોઈની ખોટી માહિતીના આધારે આ રીતે તમે કોઈ પરિવારને હેરાન ના કરી શકો. બહુ બહુ તો જાણવાજોગ નોંધ લખી શકો" કેતને ચાવડાને કહ્યું.
" મને તમે કાયદા ના શીખવાડો. તમે જે પણ હોય તે ! તમે તમારું કામ કરો. નહીં તો હું બધાને અહીંથી બહાર કાઢીશ. " ચાવડાએ દાટી આપી.
હવે કેતનનો પિત્તો ગયો. તેણે તરત જ સાઇડ માં જઈને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ આશિષ અંકલને ઇંગ્લિશમાં વાત કરી. આખા કેસની વિગત સમજાવી. ચાવડાની ધમકીની પણ વાત કરી.
" સારુ... તું ચાવડાને ફોન આપ. "
અને કેતને ચાવડા ને ફોન આપ્યો " વાત કરો હવે. પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ છે "
ચાવડા ખુરશીમાંથી ઉભો થઇ ગયો. એણે ફોન કાને ધર્યો.
" ચાવડા અત્યારે જ તમે તાત્કાલિક પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસે હાજર થઈ જાવ. ચાર્જશીટની સાથે તમારી ટ્રાન્સફરનો ઓર્ડર પણ લઇ જાવ. "
" સોરી સર...મને માફ કરો... મારી ભૂલ થઈ ગઈ.. હું આ સાહેબને ઓળખી શક્યો નહીં. હવે ફરી ક્યારે પણ નનામા ફોન સાંભળીને આવી ભૂલ કે ઉતાવળ નહીં કરું. મારી નવી નવી જોબ છે સાહેબ. " ચાવડા રીતસર ફોન ઉપર કરગરતો હતો.
" એ સાહેબ ની માફી માગો. એ માફ કરશે તો હું કંઈ નહીં કરું " સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા.
ચાવડાએ પોઝિશન લઈને કેતનને સલામ કરી અને મોબાઈલ પાછો આપ્યો.
"સર મને બચાવી લો. મારી નવી નવી નોકરી છે. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ બહુ જ ગુસ્સામાં છે. " ચાવડા લગભગ રડવા જેવો થઈ ગયો હતો અને કેતનને પગે લાગીને ઉભો રહ્યો હતો. એને ખાતરી થઇ ગઇ હતી કે આ કોઈ મોટા પોલીસ અધિકારી જ છે.
" એક શરતે... જે માણસે તમને આ સ્યુસાઇડ કેસ માટે ફોન કર્યો અને ખોટી માહિતી આપી કે મેડીકલ સારવારના કારણે છોકરી બચી ગઈ એનો નંબર મને આપો. મારે એની સામે હવે પોલીસ કેસ કરવો પડશે. " કેતને ગુસ્સામાં કહ્યું.
અને પેલા જાગૃત નાગરિકની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી થઇ ગઇ હતી. હવે એ ધ્રુજવા લાગ્યો હતો. તમાશો જોવા નીકળ્યો હતો પરંતુ હવે પોતાનો જ તમાશો થવાનો હતો સોસાયટીમાં !! એ ઝડપથી સરકીને બહાર નીકળી ગયો.
ચાવડાએ પોલીસ સ્ટેશને ફોન કરીને એ નંબર સર્ચ કરવાનો આદેશ આપી દીધો. અને કેતનને પોતાનો મોબાઈલ નંબર પણ આપી દીધો.
" સાહેબ તમે ચાર વાગ્યે મને ફોન કરજો. હું નંબર તમને આપી દઈશ. " અને ફરીથી પગે લાગીને એ કોન્સ્ટેબલને લઈને રવાના થયો.
આખો મિસ્ત્રી પરિવાર અને ભેગા થયેલા લોકો કેતનને ખૂબ જ અહોભાવથી જોવા લાગ્યા.
" સાહેબ માફ કરજો પણ અમે તમને ઓળખી નો શક્યા. તમે આજે ના હોત તો અમે આજે હેરાન-પરેશાન થઈ જાત !! " જશુભાઈ મિસ્ત્રી અને એની પત્ની દયાબેન કેતનને પગે લાગ્યાં.
" મેં તો માત્ર મારી ફરજ બજાવી છે વડીલ. તમે હવે કોઇપણ જાતની ચિંતા કરશો નહીં. હવે મારે તમારી દિકરી જો નોર્મલ થઈ હોય તો તેની સાથે દસ મિનિટ વાત કરવી છે. "
" જી સાહેબ તમે બેસો... હું જલ્પાને બેડરૂમમાં જઈને જરા મળી લઉં. " અને બંને પતિ-પત્ની બેડરૂમમાં ગયા. બાકીના લોકો ધીમે ધીમે વિખરાઈ ગયા.
જશુભાઈએ બેડરૂમમાં જઈ પોતાની દીકરી જલ્પા સાથે વાત કરી.
" બેટા આપણા મકાનથી ત્રીજા મકાનમાં એક નવા સાહેબ રહેવા આવ્યા છે. બપોરે આ પ્રસંગ બન્યો ત્યારે એ દોડતા આવ્યા હતા અને અત્યારે પોલીસની જીપ આવી ત્યારે પણ એ સાહેબે એવી કમાલ કરી કે પોલીસ ભાગી ગઈ. એ તને દસ મિનિટ મળવા માંગે છે બેટા. તું શાંતિથી એમની સાથે વાત કર. હું એમને અહીં મોકલું છું." જશુભાઈ એ જલ્પાને બે હાથ જોડી વિનંતી કરી.
" તમે અંદર બેડરૂમમાં જઈ શકો છો સાહેબ." મિસ્ત્રી બોલ્યા.
કેતન બેડરૂમ માં ગયો અને પલંગની સામે રાખેલી ખુરશી ઉપર બેઠો.
" જલ્પા તમે કેટલું ભણેલા છો ? " કેતને શરૂઆત કરી.
" જી સાહેબ મેં એમબીએ ફાઇનાન્સ કર્યું છે. " જલ્પાએ ધીરેથી કહ્યું.
" ગુડ... તમને વાંધો ના હોય તો આટલું જલદ પગલું ભરવા પાછળનું કારણ હું જાણી શકું ? " કેતને હળવે રહીને પૂછ્યું.
" સાહેબ બે વર્ષથી જામજોધપુરના હિરેન સાથે મારી સગાઈ થયેલી છે. એ લોકો છ મહિના થાય એટલે કોઈને કોઈ ડિમાન્ડ મારા પપ્પા પાસે કરે છે અને લગ્ન લંબાવ્યા કરે છે. અત્યાર સુધીમાં બે લાખની મદદ મારા પપ્પા કરી ચૂક્યા છે. મારી બે નાની બહેનો પણ છે. પપ્પા મારી પાછળ કેટલું ઘસાયા કરે ? છેલ્લે છેલ્લે તો વ્યાજે લાવીને પચાસ હજાર આપેલા. "
" હવે એને નવું બાઈક લેવું છે. એક લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. ના આપીએ તો સગપણ તોડી નાખવાની વાત કરે છે. જો સગપણ તોડી નાખું તો પેલા બે લાખ રૂપિયા ડૂબી જાય અને અમારી નાતમાં સગપણ તૂટે એટલે જલદી કોઈ હાથ ના પકડે. લાખ રૂપિયાનું પપ્પાને નવું દેવું કરાવું એના કરતાં તો મરી જવું સારું. " જલ્પા એક શ્વાસે બધું બોલી ગઈ.
"સારું... તું મને હિરેનનો નંબર આપ. તું ચિંતા ના કર. હું બધું ઠીક કરી દઈશ અને તારાં લગ્ન પણ કરાવીશ. અને હા આવતીકાલે સાંજ સુધી તારો ફોન સ્વીચ ઓફ કરી દેજે. હિરેનનો ફોન તારા ઘરની કોઈ પણ વ્યક્તિ ઉપર આવે તો ઉપાડવાનો નહીં એવી સૂચના આપી દેજે "
જલ્પાએ કેતનને હિરેનનો નંબર લખાવ્યો. કેતન ઉભો થઈને બેડરૂમની બહાર નીકળી ગયો.
" વડીલ મેં બધી વાત સમજી લીધી છે. તમે કોઈ ચિંતા ના કરશો. બધું સારું થઈ જશે. " અને કેતન નીકળી ગયો.
સાંજે ચાર વાગ્યે ચાવડા પાસેથી કેતને પેલા કહેવાતા જાગૃત નાગરિક નો નંબર લઇ લીધો.
" ચાવડા તમારે મારું એક કામ કરવાનું છે." કેતને કહ્યું.
" જી... સાહેબ"
" એક નંબર લખાવું છું. હિરેન નામ છે એનું. તમે પોલીસ સ્ટેશનથી ફોન કરીને એને કાલે પોલીસ સ્ટેશન બોલાવો. એ આવે એટલે મને ફોન કરી દેજો. હું પણ આવી જઈશ. દહેજ માટે થઈને છોકરીને આત્મહત્યા કરવા મજબુર કરનાર એ હરામીને આઈપીસી ની કલમ ૩૦૬ અને ૪૯૮-એ લગાડીને એરેસ્ટ કરી લો." કહીને કેતને હિરેનનો નંબર ચાવડાને લખાવી દીધો.
" જી સર.... કામ થઈ જશે " ચાવડા હરખમાં આવી ગયો. આવા મોટા સાહેબને સાચવવા જ પડે !! ભવિષ્યમાં બહુ કામના છે.
હવે કેતને તરત જ પેલા જાગૃત નાગરિકને ફોન લગાવ્યો.
" તમારા પડોશમાંથી કેતન બોલું. જરા ઘરે પધારશો ? "
" જી.. જી... સાહેબ. બસ હમણાં જ આવ્યો. " અને દસ મિનિટમાં તો એ કેતન ના ઘરે હાજર થઈ ગયો.
" બેસો.. શું નામ તમારું ? "
" જી... નરેશ બ્રહ્મભટ્ટ "
" પડોશીઓને હેરાન કરવાના ધંધા ચાલુ કર્યા છે ? શરમ નથી આવતી ? પોલીસને ખોટી માહિતી આપીને કોઈને હેરાન કરવાના કેસમાં હું તમારી સામે એફઆઈઆર કરી રહ્યો છું. તમને આઈપીસી ની કલમ ૨૧૧ હેઠળ બે વર્ષની સજા હું કરાવીશ. તમાશા જોવાના બહુ શોખ છે ને ? અત્યારે પોલીસને બોલાવું છું અને તમને જ એરેસ્ટ કરાવું છું "
" સાહેબ મને માફ કરો. હવે ક્યારે પણ આવી ભૂલ નહીં કરું. મારી એકની એક દીકરી ના સોગંદ. " અને નરેશ જેલની સજા સાંભળીને રડવા જેવો થઈ ગયો. એણે કેતન ની તાકાત જોઈ લીધી હતી. હવે એ ખરેખર ડરી ગયો.
" તમે અત્યારે ને અત્યારે જશુભાઈ મિસ્ત્રી ના ઘરે જઈને એમની માફી માગી આવો અને કબૂલ કરો કે પોલીસને તમે જ બોલાવી હતી. જશુભાઈ માફ કરવાનું કહેશે તો હું કરી દઈશ "
અને નરેશ બ્રહ્મભટ્ટ લગભગ દોડતો જ જશુભાઈના ઘરે ગયો અને પાંચ મિનિટમાં જશુભાઈ ને બોલાવી લાવ્યો.
" જશુભાઈ તમારી જ પડોશમાં રહી ને તમારા ઘરનો તમાશો કરનાર આ વ્યક્તિને તમારે માફ કરવો છે ? પોલીસને એમણે જ બોલાવી હતી અને મેડિકલ સારવારની ખોટી વાત કરી હતી. "
" જવા દો સાહેબ. મારે કોઈનું પણ ખોટું કરવું નથી. ઈશ્વર સૌને પોતાના કર્મોનો બદલો આપે જ છે. "
આજુબાજુના પડોશીઓ પણ ભેગા થઇ ગયા હતા. નરેશભાઈ પોતે જ તમાશો બની ગયા હતા.
"આજ પછી આવા ધંધા છોડી દેજો. " કહીને કેતન ઘરની અંદર ચાલી ગયો. સહુ પડોશી વિખરાઈ ગયા.
કેતનના આજના પરાક્રમ ની ચર્ચા આખી પટેલ કોલોની માં થઈ રહી હતી. બાજુની જ શેરી માં રહેતા મનસુખ માલવિયા ના કાન સુધી પણ આ વાત પહોંચી ગઈ હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)