Honesty in Gujarati Short Stories by Atul Gala books and stories PDF | ઈમાનદારી

Featured Books
Categories
Share

ઈમાનદારી

સમીર ના ધરે આજે ખુશી નો માહોલ હતો.
તમને થશે કે જન્મદિવસ કે લગ્ન પ્રસંગ હશે, પણ ના એવું નથી.
વાત જાણે એમ છે કે સમીર અને એની પત્ની મીનાક્ષી ધણાં સમય થી ઘરકામ અને એમના નાના છોકરા દીવ્યાંશ ની સંભાળ રાખવા માટે બાઈ શોધતા હતા પણ મેળ પડતો ન્હોતો.
સમીર કોમ્પ્યુટર નું પર્સનલ કામ કરતો અને મીનાક્ષી એક પ્રાઈવેટ કંપની ની ઓફિસ માં જોબ કરતી.
કામકાજ ના બહાને બન્ને ને ઘણીવખત મળવાનું થતું અને એ મુલાકાતો પહેલા ફ્રેન્ડ શીપ અને ધીરેધીરે પ્રેમ માં પલટાઈ અને એનો અંત બન્ને ના લવ મેરેજ માં આવ્યો.
એકાદ વર્ષ પપ્પા સાથે ભેગા રહી વન રૂમ કીચન માં સ્વતંત્ર રહેવા ગયો.
એકાદ વર્ષ પછી ખુશખબર આવ્યા અને દીવ્યાંશ ના કિલ્લોલ થી ઘર ભરાઈ ગયું.
સમીર ની જીંદગી માં દીવ્યાંશ ના પગલા શુકનિયાળ નીવડ્યા અને એની પ્રગતિ થઈ અને વન રૂમ કીચન વેંચી બાજુના ટાવર માં ચૌદમે માળે વન બેડરૂમ હોલ કીચન ખરીદી એમાં ટ્રાન્સફર થયા.
બન્ને કામ કરતા એટલે ઘરકામ માટે બાઈ શોધતા હતા અને આજે એક ઓળખીતા એ કીધુ બાજુની ઝૂંપડપટ્ટી માં એક બાઈ છે એને ઘરકામ ની જરૂરત છે, સમીર તરત જ આપેલ એડ્રેસ પર પહોંચ્યો નાની પણ વ્યવસ્થિત સાફસૂફ રૂમ અને એટલી જ સાફ સૂથરી બાઈ સુનંદા ને જોઈ સમીર ને સારુ લાગ્યુ અને થોડીક પૂછપરછ બાદ એને ઘરકામ માટે નક્કી કરી લીધી, બાઈનો મેળ પડ્યો એટલે સમીર ખુશ હતો.
સુનંદા નું કામ ચોખુ હતુ અને મળતાવડા સ્વભાવ થી ઝડપથી એડજસ્ટ થઈ ગઈ અને દીવ્યાંશ ને પણ પોતાના છોકરાની જેમ સાચવતી એટલે સમીર અને મીનાક્ષી ને ધણી રાહત થઈ ગઈ.
ગમેતેમ પણ કામવાળી બાઈ એટલે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો એટલે એની પરીક્ષા લેવા સમીરે એક દિવસ પાંચ સો રૂપિયા ની નોટ સોફા નીચે રાખી અને બેડરૂમ માં બેસી ગયો અને મીનાક્ષી ને કીચન માં મોકલી સુનંદા ને એકલતા આપી એ શું કરે છે એ જોવા લાગ્યો.
સુનંદા સોફા નીચેથી કચરો કાઢવા ઝાડુ મારતા જ પાંચ સો ની નોટ બહાર આવી એણે આમતેમ જોયું કોઈ નથી એટલે નોટ હાથમાં લઈ રસોડા માં ગઈ અને મીનાક્ષી નાં હાથમાં નોટ આપી બોલી ભાભી આ લો સોફા નીચેથી આ નોટ મળી.
કામ પતાવી સુનંદા નીકળી એટલે સમીર અને મીનાક્ષી સાથે બેસી વાત કરવા લાગ્યા અને સુનંદા ઊપર પ્રમાણિકતા ની મહોર લગાવી દીધી.
ધીરે ધીરે દિવસો નીકળતા ગયા અને સુનંદા ઊપર બન્ને નો ભરોસો વધતો ગયો અને ક્યારેક સુનંદા ના ભરોસે ઘર અને દીવ્યાંશ ને મુકી બહાર જતા.
રવિવાર ના સમીર ને રજા હતી એટલે ઘરેજ હતો, કામ પતાવી સુનંદા બોલી સમીર ભાઈ મને પૈસાની જરૂર છે વ્યવસ્થા કરી આપો દર મહીને પગારમાંથી કાપી લેજો
સમીર કાંઈક વિચારી ને બોલ્યો હમણાં તો સગવડ થાય એમ નથી, સાંભળી સુનંદા ઉદાસ ચહેરે ત્યાંથી નીકળી ગઈ.
એક દિવસ સમીર ને મોડુ થયું અને થાકીને આવ્યો હોવાથી કપડા બદલી થોડુંક ખાઈ સુઈ ગયો.
બીજા દિવસે સવારના સુનંદા આવી અને સમીરે ઉતારેલા કપડા લઈ ધોવામાં નાખી દીધા અને કામ પતાવી નીકળી ગઈ.
સમીર મોડો ઉઠ્યો અને તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો, કપડા પહેરી પોતાનું વોલેટ લેવા ગયો પણ વોલેટ દેખાયું નહીં એણે યાદ કર્યુ ક્યાં રખાઈ ગયુ પણ યાદ આવતું નહોતું, અચાનક યાદ આવ્યુ કે રાતના ઘાઈ ઘાઈ માં કપડા ઊતારી એમને એમ મુકી દીધા હતા અને પેન્ટ માં વોલેટ રહી ગઈ હશે.
સમીરે મીનાક્ષી ને બૂમ પાડી પૂછ્યુ મારી ગઈકાલ ની પેન્ટ ક્યાં છે ?
મીનાક્ષી બોલી એ તો સુનંદા એ ધોઈ નાખી, કેમ શું થયું ?
સમીરે બધી વાત કરી અને બોલ્યો કાલે વોલેટ માં વેપારીએ આપેલ પચાસ હજાર નું પેમેન્ટ પણ હતું.
પહેલો શક સુનંદા પર ગયો એને પૈસાની જરૂર હતી મેં ન આપ્યા એટલે પેન્ટ માં મોટી રકમ જોઈ એની નિયત બગડી હશે.
બીજા દિવસે સુનંદા આવી એટલે એની ઉલટતપાસ થઈ અને વોલેટ વિશે પુછ્યું, સુનંદા ગભરાઈ ગઈ અને બોલી મને એ વિષે કાંઈ ખબર નથી.
ઘણી ધાકધમકી આપી,લાલચ આપી પણ સુનંદા એક ની બે ન થઈ છેવટે સમીરે પોલીસ ની ધમકી આપી તો સુનંદા સમીર ને પગે પડી ગઈ અને કરગરતી બોલી સાચેજ મને ખબર નથી મારા વહાલસોયા દિકરા ના સોગન ખાઉં છું.
સાંભળી મીનાક્ષી બોલી જવા દે સમીર જે થવુ હતુ તે થઈ ગયુ પણ હવેથી સુનંદા આપણા ઘરે કામ કરવા નહીં આવે હું બધા કામ જાતે કરી લઈશ.
સુનંદા રડતી રડતી ત્યાંથી નીકળી ગઈ, પાછળ થી સમીર બોલતો હતો આ જમાના માં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી.
દિવસો નીકળતા જતા હતા મીનાક્ષી ને ઘર અને ઓફિસ સંભાળવી ભારે પડતી તો સમીર ને પણ ઘણીવખત ઘર અને દીવ્યાંશ ને સંભાળવા પોતાના કામ છોડી દેવા પડતા પણ હવે કોઈ બાઈ રાખવાની હિમ્મત બન્ને માંથી કોઈની ન્હોતી.
લગભગ બે મહિના નીકળ્યા હશે રક્ષાબંધન નો દિવસ હતો સમીર રાખડી વગર નાં હાથને જોતો વિચારતો હતો કાશ મારા આ કાંડે રાખડી બાંધવા વાળી કોઈ બહેન હોત તો કેટલું સારું થાત અને એ ભીની આંખે ઓફિસ જવા રવાનો થયો.
સાંજે સમીર નો ફોન આવ્યો એણે મીનાક્ષી ને નીચે બોલાવી, મીનાક્ષી એ પૂછ્યું શું કામ છે ?
સમીર બોલ્યો તું જલ્દી આવ આપણે એક જગ્યાએ જવું છે.
મીનાક્ષી લીફ્ટ માં નીચે ઊતરી, સમીર એની રાહ જોતો ઊભો હતો એને લઈ એ બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી તરફ આગળ વધ્યો અને સુનંદા ની રૂમ માં દાખલ થયો, સુનંદા એના નાના બાળક ને બાજુમાં બેસાડી સીલાઈ મશીન પર કપડા સીવતી બેઠી હતી, મીનાક્ષી ને કાંઈ સમજાયુ નહીં કે સમીર એને અહિંયા શું કામ લાવ્યો ?
સામે પક્ષે સુનંદા પણ આશ્ચર્ય થી એ બન્ને ને જોઈ રહી એને ડર લાગ્યો જરૂર આ લોકો પોલીસ ને લઈ આવ્યા હશે એ વિચારે એ સમીર ના પગે પડી ગઈ અને એના બાળક ના માથે હાથ રાખી બોલી સાહેબ સાચે કહું છું મેં તમારી પાકીટ નથી લીધી.
સમીર બન્ને હાથથી એને ઉભી કરતા બોલ્યો બહેન અમને માફ કરી દે અમે તને સમજવામાં થાપ ખાધી.
મીનાક્ષી અને સુનંદા આ સાંભળી અચરજ પામ્યા, મીનાક્ષી બોલી સમીર કાંઈક સમજાય એવું બોલ આ બધુ જોઈ મને તો ચક્કર જેવું થાય છે.
સુનંદા પણ બોલી હા સાહેબ આ બધું શું છે?
સમીર બોલ્યો સાંભળો તે દિવસે મેં આવી ઘાઈ ઘાઈ માં કપડા ઊતારી સાઈડ માં મુક્યા અને સવારે વોલેટ ન મળતા સુનંદા પર આરોપ મૂકી એને કામ પરથી કાઢી નાખી એ આપણી ભૂલ હતી.
હકીકત માં તે દિવસે હું ખૂબ થાકેલો હતો અને ટ્રેનમાં જરા આંખ મળી ગઈ અને અચાનક આંખ ખૂલી ત્યારે ખબર પડી મારું સ્ટેશન આવી ગયું છે અને ઝડપથી દોડી ટ્રેન માંથી ઊતર્યો ત્યારે કોઈ હાથચાલાકી કરી મારું વોલેટ તફડાવી લીધું.
આજે બપોરે નજીક નાં પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો અને મને ત્યાં આવવા જણાવ્યુ.
પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ઈન્સ્પેક્ટર મને બેસાડી મારી વોલેટ બતાડી, જોઈ હું તો હેરાન થઈ ગયો મારું વોલેટ અહિંયા ક્યાંથી ?
ઈન્સ્પેક્ટર બોલ્યા આજે એક ચોર પકડાયો એની પાસેથી ઘણી માલમતા મળી એમાં તમારી વોલેટ હતી અંદર તમારા નામ નંબર હતા, આમતો આ લોકો ચોરીની વોલેટ પૈસા કાઢી ફેંકી દેતા હોય છે પણ તમારા સારા નસીબે આ ડિઝાઈનર વોલેટ ને ચોરે સંભાળી ને રાખી હશે એટલે એમને એમ રહી ગઈ.
ઈન્સ્પેક્ટરે વોલેટ મારા હાથમાં આપી અંદર જોયું તો બધું એમનું એમ પડ્યુ હતુ.
આજના જમાના માં પોલીસ ની આવી ઇમાનદારી જોઈ હું ગદ્-ગદ્ થઈ ગયો અને સીધો તને બોલાવી સુનંદા પાસે માફી માંગવા આવી ગયો.
સમીર સુનંદા તરફ ફર્યો અને બોલ્યો બહેન સવારથી મારો ખાલી હાથ જોઈ હું અફસોસ કરતો હતો પણ હવે મને બહેન મળી ગઈ છે બોલતો બેગમાંથી રાખડી કાઢી હાથ સુનંદા તરફ લંબાવી દીધો.
સાંભળી સુનંદા ની આંખોમાંથી અશ્રુઓની ધાર થઈ અને સમીર ને વળગતા બોલી હું પણ સવારથી અફસોસ કરતી હતી મારો કોઈ ભાઈ નથી અને ભગવાનને ફરિયાદ કરતી હતી મને ભાઈ કેમ ન આપ્યો ?
ભગવાને મારી સાંભળી અને ભાઈ મોકલી આપ્યો, સુનંદા એ સમીર ને રાખડી બાંધી અને બધા હસતા હસતા છૂટા પડ્યા.
સમીર અને મીનાક્ષી ઘરે આવ્યા ત્યારે એમના માથેથી મોટો બોજ ઓછો થઈ ગયો હોય એવી રાહત વર્તાતી હતી.
સવારનાં ડોરબેલ રણકી, મીનાક્ષી એ દરવાજો ખોલ્યો સામે સુનંદા ઉભી હતી અને બોલી આજથી તમારે કામ કરવા ની જરૂર નથી.
અંદર થી સમીર આવ્યો અને બોલ્યો ના ના તને બહેન માની હવે હું તારી પાસે ઘરકામ ન કરાવી શકું.
સુનંદા બોલી મને પણ ખબર છે તમે મને કામ કરવા નહીં દો, અને મને સારું એવું સીલાઈ કામ મળવા માંડ્યુ છે એટલે મારી મોટી બહેન ની છોકરી ને લઈને આવી છું એને કામની બહુ જરૂર છે.
સાંભળી સમીર અને મીનાક્ષી ખુશીથી ઝૂમી ઉઠ્યા.

~ અતુલ ગાલા, કાંદિવલી મુંબઈ.
સંપર્ક - ૭૯૭૭૮૪૮૫૦૫