Hostel - 2 in Hindi Horror Stories by Rahul Narmade ¬ चमकार ¬ books and stories PDF | હોસ્ટેલ - 2

Featured Books
Categories
Share

હોસ્ટેલ - 2

અંકિત અને રિયા ફરીથી એક થઈ ગયા, રિયા ના પિતાએ નવઘણ સાથે નક્કી કર્યુ હતું પરંતુ નવઘણ ના પરિવારે પૂરજોર વિરોધ કરવાથી નવઘણે રિયા ને છોડવી પડી, ત્યારબાદ રિયા ને અંકિત ની ખૂબ યાદ આવી, ખૂબ રોયા બાદ તેણે અંકિત ની માફી માંગી પરંતુ અંકિત પણ માથા નો રહ્યો તેણે એક મહિના સુધી રિયા સાથે ઝગડો કર્યો અને શરત મૂકી કે પ્રથમ કોર્ટ મેરેજ ત્યાર બાદ જ ધામધૂમ થી સગાઈ અને લગ્ન, અને તેમ જ થયું બંને એ કોર્ટ માં લગ્ન નોંધણી કરાવી અને ત્યાર બાદ સમાજ ની સામે સગાઈ કરી અને ચાર મહિના પછી બેય ના ધામધૂમથી લગ્ન થવાના છે. અંકિત એક ફાઇનાન્સ કંપની માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રિયા M. B. A ના સેકંડ યર માં છે, કેમકે નવઘણ ના ચક્કર માં તેનું એક વર્ષ બગડી ગયું હતું.

રિયા અને અંકિત બંને શહેર માં દૂર પરંતુ એક ફેમસ રેસ્ટોરન્ટ માં ડિનર માટે ગયા હતા, તેઓ બંને અંકિત ના સ્કૂટર પર ગયેલા,રેસ્ટોરન્ટ માં જતા સમયે વરસાદ ન હતો પણ પાછા વળતા સમયે બંને ને વરસાદ નડી ગયો ચારે બાજુ પાણી ભરાયેલું હતું સ્કૂટર ના સાયલન્સર માં પાણી જવાથી સ્કૂટર ઊભું રહી ગયું.

સ્કૂટર ઊભું રાખી ને બંને બહાર ઉતર્યા અને તેઓની સામે જ એક ખંડેર જેવું મકાન હતું ઉપર લખ્યું હતું "ગુણાતી બાગ" ઈ. સ. 1925, આ 40 વર્ષ જુનું બંધ મકાન હતું, મોટો એવું ફળિયું હતું અને વચ્ચે મકાન હતું આ મકાન ખાલી જમીન પર જ હતું ઉપર સીધી અગાશી હતી, રિયા ડરી રહી હતી
અંકિતે કહ્યું :"આપણે અહીંયા રોકાઈ જઈએ"
રિયા (ચોંકી ને) : "અહીંયા?!! આ ડરામણા મકાન માં?"
અંકિત :" હા બીજો કોઈ ઉપાય પણ નથી આગળ ક્યાંય રહેવા જેવું શેલ્ટર પણ નથી"

અંકિત ની વાત સાચી હતી આ એક સૂમસામ વિસ્તાર હતો જ્યાં આજુ બાજુ થોડી, છૂટીછવાઇ દુકાનો હતી જે બંધ હતી અને વચ્ચે આ ખંડેર હતું અંકિત અંદર ગયો, તેણે જોયું કે અહીંયા મકાન ના દરવાજા માં તાળું માત્ર લટકાવેલું હતું, ખંડેર સમજીને ત્યાં કોઈ આવતું નહીં હોય. અંકિત પાછા ફરતી વેળાએ થોડો સામાન ખરીદેલો,જેમાં કરિયાણું, મીણબત્તી અને બાકસ હતા, તેઓ બંને અંદર ગયા, ત્યાં જઈ તેણે 4 મીણબત્તીઓ સળગાવી જેને તેમાંથી એક મીણબત્તી લઈ ને બંને જણ પૂરું ઘર ફર્યા, આ ઘર માં ત્રણ રૂમ, એક મોટો હોલ અને એક મોટું કિચન હતું મકાન પાછળ ના ભાગ માં એક ખુલ્લો સિમેન્ટ નો બનેલો ટાંકો હતો જેમાં વરસાદ નું ચોક્ખું પાણી હતું. આ મકાન માં અમુક વસ્તુઓ એમનમ જ પડી હતી જેમકે હોલ માં ટેબલ ખુરશી, બાથરૂમ માં તૂટેલી ડોલ, રસોડામાં અમુક વાસણો વગેરે.

રિયા મીણબત્તી લઈ ને એક રૂમમાં ગઈ, તે બધું જ જોઈ રહી હતી ત્યારે અચાનક પાછળ ફરી ત્યારે એકદમ ભયાનક દ્રશ્ય જોયું પાછળ જ અંકિત ઊભો હતો અને તેણે તેના મો માં હોરર સિરિયલો માં ભૂતિયા દાંત વાળું ચોકઠું પહેરે એવું ચોકઠું પહેરેલુ, લીલા રંગ નું એ ચોકઠું રેડિયમ હોઈ અંધારા માં ચમકતું હતું અને તેણે મૂંગું અટ્ટહાસ્ય કર્યુ,અંકિત પાસે તેના બાળપણ ના સમય નું ભૂતિયા ચોકઠું હતું જે ઘણી વખત પહેરીને રિયા ને ડરાવતો રહેતો હતો, રિયા ના ધબકારા વધી ગયા હતા તેણે ગુસ્સામાં અંકિત ને કહ્યું, "ડિસગસ્ટિંગ અંકિત, આ કાંઈ ટાઈમ છે મજાક કરવાનો. આવા વેરાન ખંડેર માં અને આવી કાળી રાત્રે તને મજાક સૂઝે છે" અંકિત ચૂપ હતો, રિયા ત્યાં થી ચાલી ગઈ.

રિયા ને ગરમી થતી હતી, વાતાવરણ માં આમેય વરસાદી ગરમી હતી, રિયા ને ન્હાવાની ઈચ્છા થઈ રહી હતી તેણે બાથરૂમ માં ડોલ જોઈને ન્હાવા માટે મન બનાવી લીધું, અંકિત હોલ માં જ બેઠો હતો, રિયા હજી પણ ગુસ્સા માં હતી તેણે નારાજ થઈને અંકિત ને કહ્યું "મને ગરમી થાય છે, મારે નહાવું છે".
અંકિત "ઓકે, નાહી લે તો"
અંકિત પાછળ આવેલા સિમેન્ટ ના ખુલ્લા ટાંકા માં જઈ ને ડોલ ભરી આવ્યો અને બાથરૂમ માં મૂકી દીધી, રિયા ન્હાવા માટે ગઈ.

પાંચ મિનિટ બાદ રિયા બહાર આવી, તેના ખુલ્લા વાળ અને શરીર પર ટુવાલ પહેરીને અંકિત પાસે એકદમ થી નજીક આવી ગઈ, અંકિત તેને જોઈ ને ચોંકેલો હતો, રિયા ની આંખ માં એક ચોક્કસ પ્રકારનો નશો હોય તેવું લાગી રહ્યું હતું, તે અંકિત ને પ્રેમ ભરી નજરે જોઈ રહી હતી. અંકિત પણ યુવાની ના ઉત્સાહ માં અને યૌવન હિલોળે ચઢી રહ્યું હોઈ રિયા સામું જોઈ રહ્યો હતો અને મદહોશ થઈ રહ્યો હતો, અંકિત કહે છે
અંકિત : "આમ શું જોવે છે? મને જોયો નથી ક્યારેય"
રિયા (માદકતા ના નશા સાથે) : "નહીં!! નથી જોયો, આજે જેવો લાગશ તેવો પહેલા ક્યારેય નથી જોયો!!"
અંકિત (જરાક સરખો થયો) : "જા હવે, કપડાં બદલ સરખા"
તેણે રિયા ને હળવો ધક્કો માર્યો, અને રિયા અંકિત ને પ્રેમ ભરી નજરે જોતા જોતા રૂમ તરફ ગઈ. પાંચ મિનિટ સુધી કઈ ના થયું પરંતુ થોડી વાર પછી રિયા જે બાથરૂમ માં નાહી રહી હતી તે બાથરૂમ નો દરવાજો અચાનક ખુલ્યો અને રિયા તેમાંથી બહાર આવી, તે વ્યવસ્થિત કપડાં પહેરીને આવી હતી અંકિત આ જોઈને હવે હેરાન હતો, રિયા તેની સામે આવી ને થોડે દૂર ઉભી રહી, અંકિત તેને ડોળા ફાડી ફાડી ને જોઈ રહ્યો હતો.
રિયા (આશ્ચર્ય સાથે) : "શું થયું અંકિત?!!"
અંકિત : "તું તો રૂમ માં કપડાં પહેરવા ગયેલી ને? તો બાથરૂમ માં કઈ રીતે પહોંચી?"
રિયા : "શું? રૂમ માં? હું તો અત્યારે બહાર આવી નાહી ને"
અંકિત : "અરે તું જ તો હમણાં ટુવાલ પહેરીને બહાર આવી અને રૂમ માં ગઈ!!!"
રિયા : "ના અંકિત, હું તો અત્યારે જ બહાર આવી, અને તને ખબર છે ને મને નાહતા વાર લાગે છે!!"
અંકિત :" રિયા બોવ થયો મજાક, સાચું બોલ તું બહાર નીકળી ને રૂમ માં ગઈ તો ફરી પાછી બાથરૂમ માં કઈ રીતે પહોંચી?!!!!"
રિયા (ગુસ્સા માં) :" મજાક તું કરે છે અંકિત!! હું ન્હાવા ગઈ એ પહેલાં તે મને તારા ભૂતિયા દાંત પહેરીને ડરાવી હતી તેનું શું?!!
અંકિત :" શું કહ્યું?!! મેં પેલા દાંત પહેરીને ડરાવી??!! રિયા હું પાગલ થોડો છું, હું કાંઈ 24 કલાક દાંત ભેગા લઈને થોડો ફરતો હોવ!!"
રિયા :" તું સાચું બોલે છે?"
અંકિત : "હા રિયા, સાવ સાચું કહું છું. તું કહે તેના સોગંદ"
રિયા ડરી ગઈ તેણે કહ્યું : "અને હું પણ સાચું જ કહું છું, હું પણ નાહિ ને અત્યારે જ બહાર આવી "
અંકિત :" એક મિનિટ!! મેં તને ડરાવી નથી અને હું વર્ણન કરું છું તેમ તું બહાર નથી આવી તો પછી તારો અને મારો સામનો જેની સાથે થયો તે હતું કોણ??!!! "

રૂમ માં સન્નાટો હતો, 4-5 મીણબત્તીઓ સળગી રહી હતી, સન્નાટા ને પણ સાંભળી શકાય તેવી સ્થિતિ હતી, તેઓ બંને એકબીજા ની સામું ડર સાથે જોઈ રહ્યા હતા.
રિયા :" અંકિત લેટ્સ ગો! ભાગો અહીં થી, ગમે તે હોય મને અહીંયા રહેવું ખતરા થી ખાલી નથી!! અહીંયા કૈંક ગરબડ છે"!!! અંકિત ડરના માર્યો હા હા કરી રહ્યો હતો, તેઓ કંઈપણ કરે તે પહેલા ધરતી હલવાની શરૂ થઈ, પ્રચંડ તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો, અંકિત અને રિયા કંઇપણ કરે તે પહેલાં મકાન ની છત એકદમ પ્રચંડ તીવ્રતા સાથે તૂટી પડી અને તેઓ છત ની નીચે આવી ને દબાઈ ગયા.

મોડી રાત હતી છત ના કાટમાળ નીચે દબાઈ ગયેલ બંને માથી, રિયા ની આંખો ખૂલી આશ્ચર્ય એ હતું કે બેય જીવિત હતા, તેણે અંકિત ને રોતા રોતા ઉઠાવ્યો અંકિત પણ ઉઠયો, કાટમાળ હટાવી બંને ઉભા થયા, બંને માં જેટલી તાકાત હતી તેટલા જોર થી બેય ભાગ્યા, અંકિત સ્કૂટર ને દોરી લઈ ને ભાગ્યો બંને લગભગ થોડે દૂર જઈ ને એક દુકાન ની છત નીચે બેસી ગયા અને દૂર આવેલા "ગુણાતી બાગ" ના પડી ગયેલા કાટમાળ ને જોઈને રડી રહ્યા હતા, બાકીની રાત તેઓએ વરસાદ ની ઠંડી માં ઠૂંઠવાઈ ને ત્યાં જ પસાર કરી.

સવાર પડતાં વરસાદી પાણી ઉતરી ગયું અંકિત ને માથું દુઃખી રહ્યું હતું અને રિયા ના આંસુ હજી થોભતા નહતા. અંકિતે સ્કૂટર શરૂ કરી જોયું અને સ્કૂટર શરૂ થઈ ગયું, બેય પોતપોતાના ઘરે પરત આવી ગયા હતા. બંને એ પોતાના ઘરે વરસાદ વાળી ઘટના પહેલેથી કહી દીધી હતી માટે પ્રશ્ન ઉભા થવાની શક્યતા નહોતી. અંકિત ઘરે સ્નાન કરી ને થોડી વાર આરામ કર્યો, તેણે જોયું કે તેના શરીર પર એક પણ ઘાવ ના હતો અને કાટમાળ નીચે દબાઈ ગયો હતો તેમ છતાં પણ તેને દુખાવો જરાય ન હતો, ત્યારબાદ ઉઠી ને ટીવી શરૂ કર્યુ, ટીવી ચેનલ બદલતા બદલતા તેની નજર "બરોડા સિટી ન્યૂઝ" પર પડી, આ ચેનલ પર વડોદરા શહેર ની ઐતિહાસિક જગ્યાઓ વિશે લાઈવ વર્ણન આવી રહ્યું હતુ.

અંકિત ફરી એક વાર થીજી ગયો હતો કેમ કે તેમાં એક જાગ્યા હતી "ગુણાતી બાગ"!! ન્યૂઝ ની હેડલાઈન કંઈક આવી હતી :" 96 વર્ષ થી બરોડા શહેર ના ઈતિહાસ ને દર્શાવતું એક ખંડેર, કે જે આજ દિન સુધી અડીખમ ઉભું છે!!!"