Lost - 4 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 4

Featured Books
Categories
Share

લોસ્ટ - 4

પ્રકરણ ૪

જિજ્ઞાસા અને રયાન એરપોર્ટમાંથી બહાર આવ્યાં ત્યારે જીવન પહેલેથીજ ત્યાં ઉભો હતો, જિજ્ઞાસા દોડતી જઈને જીવનને ભેંટી પડી અને રડવા લાગી.
"અરે દીદી તમે કેમ રડો ? તમે તો મારી બહાદુર દીદી છો." જીવનએ જિજ્ઞાસાના આંસુ લૂંછ્યા.
"તું મુંબઈમાં? તને કોણે કહ્યું કે અમે....."જિજ્ઞાસા આગળ કઈ બોલે તેના પહેલાંજ જીવન તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો,"જીયાએ બધી વાત કરી મને ફોન પર, આપણે રાવિને શોધી લઈશું."

"તેં મીરા અને ચાંદનીને આ વાત તો નથી કરીને?" જિજ્ઞાસાને ચિંતા થઇ રહી હતી.
"ના, તેં બન્નેને ચિંતા ન થાય એટલે એમને વાત નથી કરી." જીવનએ રયાનને આલિંગન આપ્યું, બન્નેનો સામાન ડેકીમાં મુક્યો અને ડ્રાઈવરને હોટેલ તાજ જવાનો આદેશ આપ્યો.
"ક્યાં ગઈ હશે મારી રાવિ? ક્યાંક એવુ તો નથીને કે રાવિને તેના ભૂતકાળ વિશે કંઈક ખબર પડી ગઈ હશે અને એ ચાલી ગઈ હશે આપણને છોડીને?" જિજ્ઞાસાનું મન હજારો આશંકાઓથી ફફડતું હતું.

ગુરુજીના બન્ને માણસો એક ખલ અને કોઈ વિચિત્ર પ્રકારના ફળ સાથે પાછા ફર્યા, તેમને જોઈને ગુરુજીનો ગુસ્સો વધી ગયો, "અરે સોમા, ભીમા, હું શું કરું તમારા બેયનું? આ જડીબુટ્ટી કેમ લાવ્યા છો?"
"આ છોકરીને જલ્દી ભાનમાં લાવવા આ જડીબુટ્ટી આપવી પડશે, મુંબઈથી ગુજરાત સુધી આ છોકરી બેભાન અવસ્થામાં રે' એટલે અમે તેને અમે ખુબ ભારે દવા આપી હતી." સોમાએ જવાબ આપ્યો, અને ભીમો જડીબુટ્ટી પિસવા બેઠો.

જડીબુટ્ટીનો રસ બેભાન છોકરીના મોઢામાં નાખતાજ તેની પાંપણો હલી, થોડીવાર પછી તેં ભાનમાં આવી અને ભાનમાં આવતાંજ તેની સામે ઉભેલા ભીમાને જોરથી લાત મારી.
સોમો દોડીને તેને પકડવા આવ્યો, પણ તેણી વીજળીની ઝડપે ત્યાંથી ખસી ગઈ.
"મને કોણ લાવ્યું છે અહીં? એ પંડિત, તું અહીં શું કરે છે?" ગુરુજીને જોઈને તેં છોકરીની આંખો ગુસ્સામાં લાલ થઇ ગઈ.

"તું, તું એજ છે ને જે પેલા મંદિરમાં આવી હતી મારી પાસે તારા પ્રશ્નનો ઉકેલ માંગવા?" ગુરુજીએ ખાતરી કરવા પૂછ્યું.
"હા, એમાં સવાલ પૂછવા જેવું શું છે? તું તો એવી રીતે પૂછી રહ્યો છે જાણે મારા જેવી દેખાતી હજારો છોકરીયો હોય, આખી દુનિયામાં રાધિકા વન પીસ છે સમજ્યો પંડિત." રાધિકાએ ડાબા હાથથી તેના વાળ ઉલાળ્યા.

"તારું નામ રાધિકા છે?" રાવિકાએ પૂછ્યું.
"આ કોણ બોલ્યું બે." રાધિકાએ તેની પાછળથી આવેલા અવાજની દિશામાં નજર ફેરવી, રાવિકા અને રાધિકાની આંખો મળી અને બન્નેની રાધિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
"તું કોણ છે?" રાધિકાએ આગળ વધીને રાવિકાના ચેહરા પર આંગળીઓ ફેરવી, તેના જેવીજ જીવતી જાગતી એક છોકરી છે એવી ખાતરી થતાંજ તેણીએ તેનો હાથ પાછો ખેંચી લીધો.
"રાવિકા રાઠોડ." રાવિકાએ તેનો હાથ લાંબો કર્યો.
"તારો અવાજ પણ સેમ મારા જેવો, ચેહરો, શરીર બધુજ, હાઉ?" રાધિકા હજુયે શૉકમાં હતી.

આ બન્નેનું ધ્યાન તેમની તરફ નથી એ જોઈને સોમો અને ભીમો રાધિકા તરફ ધસ્યા, બન્નેને આવતા જોઈને રાવિકાની આંખો પહોળી થઇ ગઈ, રાવિકા મોટેથી બોલે એના પહેલાંજ જાણે રાધિકા તેના મનની વાત સમજી ગઈ હોય એમ તેણીએ પાછળ ફરીને જોયું.
સોમા અને ભીમાને પોતાની તરફ આવતા જોઈને રાધિકા સચેત થઇ ગઈ, તેની આસપાસ પડેલા હાડકા ઉપાડ્યા અને વારાફરતી બન્નેની પીઠ ઉપર સતત વાર કરવા લાગી.

અગ્નિકુંડની આજુબાજુ પડેલી રાખ મુઠીમાં ભરીને તેણીએ ત્રણેય પુરુષોની આંખોમાં ફેંકી અને ત્યાંથી ભાગી ગઈ, થોડીક સેકન્ડ પછી તેં દોડતી ગુફામાં પાછી આવી, રાવિકાનો હાથ પકડીને તેને ખેંચીને લઇ ગઈ.
"અરે, તું બેવકૂફ છે કે શું? તારી જિંદગીની પણ પરવા નથી તને?" રાવિકાએ દોડતાં દોડતાં પૂછ્યું.
રાવિકાએ કોઈ જવાબ ન આપ્યો, બન્ને દોડતી દોડતી જંગલની વચ્ચોવચ આવી ગઈ હતી.

"તારી પાસે ફોન છે? રાવિકાને જિજ્ઞાસાની યાદ આવી ગઈ.
રાધિકાએ તેના ખિસ્સા તપાસ્યા, તેનો ફોન કાઢ્યો અને રાવિકાને આપ્યો.
"હેલ્લો, કોણ?" સામે છેડેથી જિજ્ઞાસાએ પૂછ્યું.
"માસી, હું રાવિ......" રાવિકા આટલુ બોલી ત્યાંતો સામે છેડેથી સવાલોનો મારો થઇ ગયો, "ક્યાં છે તું બેટા? તારો ફોન કેમ બંધ હતો? તને ખબર નઈ પડતી કે માસીને એક ફોન કરી લઉં, તું ઠીક તો છે ને? અને ક્યાં છે તું?"

"હું ઠીક છું માસી અને ક્યાં છું એ મને નથી ખબર, એક મિનિટ હા." રાવિકાએ રાધિકાને પૂછ્યું, "આ કઈ જગ્યા છે?"
"મને શું ખબર?" રાધિકાએ ખભા ઉછાળ્યા.
"એ કોણ છે રાવિ?" જિજ્ઞાસાને એક જાણીતો અવાજ સાંભળ્યો હોય એવુ લાગ્યું.
"એ હું તમને પછી જણાવીશ, હું જલ્દી પાછી ન્યૂ યોર્ક આવી જઈશ, તમે ચિંતા ન કરતાં." રાવિકાએ રાધિકા વિશે જિજ્ઞાસાને રૂબરૂમાં જણાવવાનું નક્કી કર્યું.

"તું મને તારું લોકેશન મોકલ, હું હાલ મુંબઈમાં છું." જિજ્ઞાસાનું મન થોડું શાંત થયું હતું.
"સારું, હું ટ્રાય કરું છું." રાવિકાએ ફોન કટ કરીને નેટવર્ક જોયું, પણ નેટ ચાલુ થઇ શકે એવુ નેટવર્ક ન્હોતું.
"તું મારી સાથે ચાલ, આપણે અહીંથી નીકળીને મુંબઈ પહોંચવું પડશે." રાવિકા એક અંદાજ સાથે પૂર્વ દિશા તરફ આગળ વધી. ખાસું ચાલ્યા પછી એક રસ્તો નજરે ચડ્યો, બન્ને ખુશ થઈને એકબીજાને ભેંટી પડી.

"અહીં કોઈ ટેક્ષી મળશે?" રાવિકાએ પૂછ્યું.
"કદાચ મળે કદાચ ન પણ મળે. આ કદાચ બાલારામ જંગલ છે. જો આ બાલારામ જંગલ જ હશે તો આપણે ચિત્રાસણી પહોંચવું પડશે, ત્યાંથી અમદાવાદ જવાની વ્યવસ્થા થઇ શકશે." રાધિકાએ અનુમાન લગાવ્યું.
"આપણે અમદાવાદ નઈ મુંબઈ જવાનું છે." રાવિકાએ ટકોર કરી.

"તું પહેલીવાર ગુજરાત આવી છે ને?" રાધિકાએ રસ્તાનું નિરીક્ષણ કરતાં પૂછ્યું.
"હું પહેલીવાર ભારત આવી છું અને આટલી બધી મુસીબતો મારા માથે પડી." રાવિકાને તેના ભારત આવવાના નિર્ણય માટે પસ્તાવો થઇ રહ્યો હતો.

"હા, એટલેજ. અમદાવાદથી જ મુંબઈની ટ્રેન મળશે." રાધિકા પશ્ચિમ તરફ ચાલવા લાગી.
"ટ્રેન કેમ? આપણે ફ્લાઇટથી જઈશું." રાવિકા તેની સાથે પશ્ચિમ તરફ આગળ વધી.
"તું ફ્લાઇટમાં બેસી શકે એટલી અમીર છે?" ફ્લાઇટનું નામ સાંભળીને રાધિકા ઉભી રહી ગઈ.
"ના, હું ફ્લાઇટ ખરીદી શકું એટલી અમીર છું." રાવિકાએ ખભા ઉછાળ્યા અને આગળ વધી ગઈ.

"મારી પાસે તો ૨૦ રૂપિયા જ છે, તારી પાસે કેટલા પૈસા છે?" રાધિકાએ તેના ખિસ્સામાંથી ચીમળાયેલી ૨૦ની નોટ કાઢી.
"ઇન્ડિયન કરન્સી?" રાવિકાએ તેના ખિસ્સામાંથી નોટનું બંડલ કાઢ્યું અને રાધિકાને આપ્યું.
"૧૫૦૦૦..... " પૈસા ગણ્યા પછી રાધિકાની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ.
"મેં શોપિંગ માટે ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરાવ્યા હતા ન્યૂ યોર્ક કરન્સીમાંથી, મને આઈડિયા ન્હોતો કે અહીં શું પ્રાઇસ હશે વસ્તુઓની તો વધારે કરાવી લીધા. શોપિંગ પછી આટલા વધી ગયા તો ખિસ્સામાં મૂકી દીધા." રાવિકાએ કહ્યું.

"શોપિંગ કર્યા પછી ૧૫૦૦૦ વધ્યા?" રાધિકા હજુયે શૉકમાં હતી.
"ઓછા છે? આટલા પૈસાથી આપણે મુંબઈ નહીં પહોંચી શકીયે? કે' તો મને કેટલા જોઈશે, તો હું માસીને કહીને અરેંજ કરાવી લઉં." રાવિકા માટે રાધિકાનું રિયેકશન અજુગતું હતું.
"અરે આટલામાં તો તું ૧૦ વાર મુંબઈ જઈ શકે." રાધિકાએ ૨૦૦૦ની નોટ લઈને બાકીના પૈસા રાવિકાના હાથમા પાછા મુક્યા અને આજુબાજુની દુકાનોમાં ફરી આવી.

"શું થયું? ક્યાં ગઈ હતી?" રાવિકાને કાંઈજ ગતાગમ પડતી ન્હોતી.
"છુટ્ટા કરાવવા ગઈ હતી, રીક્ષાનું ભાડુ અને બસની ટિકિટ માટે છુટા તો જોઈશે ને." રાધિકાએ ૧૦૦ની પાંચ અને ૫૦૦ની ત્રણ નોટો બતાવી.
"મને ભૂખ લાગી છે, આજુબાજુ સારી હોટેલ નહીં હોય?" રાવિકાના પેટમાં કુકડા બોલી રહ્યા હતા.
"અહીં સારી હોટેલ તો એકજ છે, પણ એ જરા મોંઘી પડશે." રાધિકાને પણ ભૂખ તો લાગી જ હતી.

"મારા માટે કાંઈજ મોંઘુ નથી, તું મને લઈજા ત્યાં." રાવિકાને કકડીને ભૂખ લાગી હતી.
બન્ને છોકરીઓ રીક્ષા કરીને બાલારામ પેલેસ પહોંચી, રીક્ષામાંથી નીચે ઉતરીને રીક્ષાનું ભાડુ ચૂકવ્યું, પેલેસનો એન્ટ્રી પાસ લીધો અને અંદર ગઈ.

આ તરફ રાવિકાનો ફોન આવતાંજ જીવનએ તેનો દોસ્ત માધવ જે પોલીસ ખાતામાં હતો તેની પાસે એ નંબરનું લોકેશન ચેક કરાવડાવ્યું, "આ ફોન ગુજરાતથી આવેલો છે." માધવએ નકશા તરફ ઈશારો કર્યો.
"ગુજરાતમાં ક્યાંથી?" જિજ્ઞાસાનું હ્રદય ગુજરાતનું નામે સાંભળીને ફફડી ઉઠ્યું.
માધવએ ફરીથી જોઈને લોકેશન ઝૂમ કરીને જિજ્ઞાસાને બતાવ્યું.

મેપમાં જે લોકેશન બતાવતા હતા એ જોઈને જિજ્ઞાસા ચક્કર ખાઈને નીચે પડી, જીવન અને રયાનએ તેને ઉપાડીને ખુરશીમાં બેસાડી અને તેના ચેહરા પર પાણીની છાલક મારી.
હોશમાં આવતાંજ જિજ્ઞાસાએ સામેની સ્ક્રીન પર ઈશારો કર્યો અને રયાન સામે જોઈને બોલી, "બાલા..... બાલારામ.... એ જ જગ્યા, જ્યાં ૨૧ વર્ષ પહેલાં મારી સોનું......"

ક્રમશ: