અનુભવે ઓફિસે પહોંચીને નિધીને પાછો મેસેજ કર્યો, “પ્લીઝ, મને ફોન કર. બહુજ જરૂરી કામ છે.”
થોડી વાર બાદ નિધીનો કોલ આવ્યો.
"હેલો, નિધિ."
"ઓ…તો તને હવે પ્રીતિવિશે પુછવાનો સમય મળી જ ગયો.નિધિએ કટાક્ષમાં કહ્યું."
"નિધિ, પ્લીઝ એવું ના બોલ.એણે ખુદ મને છોડ્યો હતો."
"અને તે એક વાર પણ પ્રયત્ન ન કર્યો એ પાછળનું કારણ જાણવાં."
"મેં પ્રયત્ન ન કર્યો?આ તું કહે છે નિધિ?શું તું નહોતી જાણતી એ કારણ?અને એ બધું જાણવાં છતાં શું પ્રયત્ન કરવાનો બાકી રહે?"
"અનુભવ, શું તને લાગે છે કે પ્રીતિ કોઇ મજબુરી સિવાય તને છોડવાનો નિર્ણય લઇ શકે?"
"એટલે તું શું કહેવા માગે છે?મને તો કંઇ જ સમજાતું નથી.શું આપણે મળી શકીએ?"
"ઠીક છે. કાલે રોંઢે પાંચ વાગ્યે કોફી શોપમાં મળીએ."
ઓકે કહી અનુભવે ફોન મુક્યો. મિહિર અને નિધિની વાતોએ અનુભવને વિચારતો કરી દીધો હતો. શું સાચે જ પોતે પ્રીતિને સમજવામાં ખોટો પડ્યો હતો?
…
રાત્રીનાં આઠ થવાં આવ્યાં હતાં. અનુભવ હજી પણ ઘરે નહતો આવ્યો. તેથી ગાર્ડનમાં બેઠેલી મીલીએ અનુભવને ફોન જોડ્યો.
અનુભવ, ક્યારે આવશો તમે?
હું બસ પહોંચવા જ આવ્યો છું.
આજે કેમ મોડું થઇ ગયું?
આજે સવારે થોડુંક કામ હતું એટલે ઓફિસેથી બે કલાકની લિવ લીધી હતી. એટલે અત્યારે થોડુંક ખેંચવું પડ્યું.
ઓકે. અનુભવ આજે આપણે ગાર્ડનમાં જમીએ?
હા. એ સારો વિચાર છે. તું તૈયારી કરી રાખ. હું લગભગ પંદર-વિસ મિનિટમાં પહોંચી જઇશ.
ઠીક છે.
મીલીએ ફોન મુકી જમવાનું બધું ગાર્ડનમાં ટેબલ ઉપર ગોઠવી દીધું. અનુભવને આવવામાં થોડી વાર હતી એટલે તે હીંચકા પર બેસીને ફોન જોવાં લાગી.
થોડી વાર બાદ ગાડીનું હોર્ન સંભળાતા તે ઉભી થઇ અને દરવાજા તરફ જવા લાગી. ત્યાં જ તેણે ઓઢેલો દુપટ્ટો પાછળથી સહેજ ખેંચાયો જાણે કોઇએ પકડ્યો ન હોય.મીલીના કપાળે પરસેવો બાજી ગયો. તેનામાં પાછળ ફરીને જોવાની હિંમત ન હતી. તેથી તે ત્યાં જ ઉભી રહી ગઇ.
અનુભવ દરવાજો ખોલી અંદર આવ્યો ત્યારે તેની નજર મીલી ઉપર પડી. મીલી પોતાની આંખો બંધ કરી એક જગ્યાએ ઉભી હતી. અનુભવ તેની પાસે ગયો.
શું થયું મીલી?કેમ આમ ઉભી છો?
પહેલાં તો અચાનક પૂછાયેલા પ્રશ્નથી મીલી ઘભરાઇ ગઇ.તેણે પોતાની આંખો ખોલી.સામે અનુભવને જોઇ થોડો હાશકારો અનુભવ્યો અને પોતાની આંગળીએથી પાછળ તરફ ઇશારો કર્યો.
અનુભવે પાછળ જોયું અને ધીમા અવાજે કહ્યું,
“મી..લી…તારો દુપટ્ટો….”
ક..કોને પકડ્યો છે?મીલીએ ડરતાં ડરતાં પૂછ્યું.
“ ખીલીમાં ફસાણો છે.” અનુભવે મીલીના માથાં પર હળવી ટપલી મારતાં કહ્યું.
શું?કહેતાં મીલી પાછળ ફરી.
મીલી, તું પ્લીઝ હવે હોરર મૂવી ન જોતી. અનુભવ હસતાં હસતાં બોલ્યો.
હીંચકા પાછળ એક સ્ત્રી ઉદાસ ઉભી હતી. “તમે ફરી મારો ઇશારો સમજી ન શક્યા.”
…
બીજે દિવસે પોણા પાંચ વાગ્યે અનુભવ કેફે પહોંચ્યો. એક ખુણાનું ટેબલ ગોતી ત્યાં બેઠો.કેફેની સામે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું. અનુભવની નજર ત્યાં બની રહેલા ઘરો ઉપર પડી.
…
અનુભવ અને પ્રીતિ ગ્રીન પાર્કમાં પોતાની જગ્યાએ બેઠાં હતાં. પાર્કની સામે એક ઘર દેખાતું હતું જ્યાં એક વૃદ્ધ દંપતી હીંચકા પર બેઠુ હતું.અનુભવે પ્રીતિનાં ખભા ફરતે પોતાનો હાથ વિટાળ્યો અને દંપતી તરફ આંગળી ચીંધીને કહ્યું, “પ્રીતિ સામે પેલું વૃદ્ધ દંપતી દેખાય છે,આપણે પણ અત્યારે મહેનત કરી કમાઇ લઇશું અને જીવનનાં છેલ્લા વર્ષો આમ જ આપણા સપનાના ઘરમાં વિતાવીશું.”
“અનુભવ, જો વૃદ્ધાવસ્થા પહેલાં જ મને કંઇ થઇ ગયું તો?” પ્રીતિએ પૂછ્યું.
“એવું ના બોલ પ્રીતિ.” અનુભવે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.
પ્રીતિએ અનુભવ સામે જોયું અને કહ્યું, “અનુભવ શું હું કંઇ ખોટું કહી રહી છું?જિંદગીનો શું ભરોસો છે?આજે છે તો કાલે નથી.”
પ્રીતિ, એક તો કેટલાં સમયે આપણે મળવાનો મોકો મળ્યો છે અને એમાં પણ તું આવી વાતો કરે છે.”
“અરે હું તો ખાલી એટલું જ કહું છું કે બધો સારો સમય શું આપણે ભવિષ્ય માટે બચાવીને જ રાખીશું?વર્તમાનનો શું વાંક?તારાં ઘરનું સપનું મેં મારી આંખે પણ જોયું છે.”માનવીએ પોતાની આંખો બંધ કરી અને બોલી,
“આપણે છે ને એક ઘર બનાવીશું, જ્યાં સરસ મજાનું ગાર્ડન હશે, ઘણી જાતનાં વૃક્ષો હશે, એક નાનકડો સ્વિમિંગ પુલ પણ હશે.”પ્રીતિએ બંધ આંખે જ કહ્યું.
“અચ્છા,તો બીજું શું વિચાર્યું છે તે?”અનુભવે પણ પોતાનાં સપનાનું ઘર જોવા આંખો બંધ કરી અને પૂછ્યું.
“આપડે કામ તો આંખું અઠવાડિયું કરવું જ પડશે, પણ થોડો સમય તો આપણને મળશે જ ને. એમાં આપણે ધીરે ધીરે કરીને આપણાં સપનાં પુરા કરતાં જાશું.હું રોજ સવારે ઉઠીને ગાર્ડનમાંથી તાજા ફુલો ચૂંટીશ”પ્રીતિએ કહ્યું.
“અને હું એ ફૂલો આપણાં ઘરમાં જે નાનું મંદીર હશે એમાં ચઢાવીશ,પછી આપણે બંને મળીને આપણાં એક પછી એક સપનાં પુરા થતાં જાય એવી પ્રાર્થના કરીશું.”અનુભવે કહ્યું.
“અનુભવ, તું આપણાં સપનાં પૂરાં કરીશને?”પ્રીતિએ અચાનક પૂછ્યું.
“હા,આપણાં બધાં જ સપનાં આપણે સાથે મળીને પૂરાં કરીશું.”અનુભવે લાગણીભીનાં સ્વરે કહ્યું.
“ચાલ, હવે હું નીકળું.નહીંતર ઘરે પહોંચવામાં મોડું થઇ જશે.”પ્રીતિ પોતાની આંખોમાં આવી ગયેલ આંશુ લુછતાં બોલી અને ઘરે જવા નીકળી પડી.
…
કેફેમાં બેઠેલાં અનુભવનું ધ્યાન દરવાજા પાસે ઉભેલ નિધિ ઉપર પડ્યું. તેણે પોતાનો હાથ ઊંચો કરી નિધિને પોતાનાં ટેબલે બોલાવી.
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)
અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)