The victory of emotions in Gujarati Love Stories by Jignya Rajput books and stories PDF | લાગણીઓની જીત

Featured Books
Categories
Share

લાગણીઓની જીત


આશા છે કે તમને આ વાર્તા પસંંદ આવશેે...😊🙇🏻‍♀️🙏


શિયાળાની કડકડતી ઠંડીમાં અવની ધીમા પગે ઘરની બહાર નીકળી ગઈ. જતાં જતાં એકવાર પોતાના સ્વર્ગ સમાન ઘર તરફ એક નજર કરી.

રાતના લગભગ બાર વાગ્યાની આસપાસ જ્યારે બધાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા, ત્યારે અવની પોતાના કપડાં, થોડા પૈસા તેમજ તેની અમૂલ્ય વસ્તુઓ પોતાના બેગમાં ભરી ઘરની બહાર નીકળી ગઈ.

રાતના સમયે સૂનસાન લાગી રહેલી સોસાયટીમાં થી બહાર નીકળી અવની સીધી જ હાઇવે પર આવી. હાઇવે પર વાહનોની અવરજવર ચાલુ જ રહેતી. અવની હાઇવે ની બંને બાજુએ લગાવેલા બલ્બના પ્રકાશમાં ચાલી રહી હતી. અવની એ પોતાના કદમોની ગતિમાં વધારો કર્યો.

અવની હવે એ જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં તેને વિહાને આવવાનું કહ્યું હતું. અવની તો પહોંચી ગઈ, પણ વિહાન હજુ સુધી આવ્યો નહોતો.

થોડા સમય રાહ જોઈ છતાં પણ વિહાન આવ્યો નહિ. અંતે અવની ઉભી ઉભી થાકી ગઈ. રોડની બાજુમાં બલ્બની નીચે એક ઓટલો હતો. અવની ત્યાં આવીને બેસી ગઈ.

“ આ વિહાન હજુ કેમ ના આવ્યો..” વિહાનને ફોન કરવાના ઉદ્દેશ્યથી અવનીને પોતાના બેગમાં હાથ નાખ્યો. લંબચોરસ આકારનું કંઇક અવનીના હાથને અડક્યું. અવનીને તેને ફોન સમજીને બેગમાંથી બહાર કાઢ્યો. તે ફોન નહોતો પણ એક નાનકડી લંબચોરસ આકારની લાકડાની પેટી હતી.

અવની એ તે પેટીને ખોલી. બ્લબનાં પ્રકાશમાં પેટી અંદરની વસ્તુઓ ચમકી. નાના નાના જીવજંતુઓ પોતાની પાંખો ફેલાવીને બલ્બની ચોમેર ઘૂમી રહ્યાં હતાં. એક નાનું અમથું પતંગિયું અવનીના હાથ ઉપર આવીને બેઠું. અવનીએ ધીમે રહીને તે પતંગિયાને અડકવા ગઈ, પણ જેવો અવનીનો હાથ આગળ વધ્યો એવુંજ પતંગિયું હાથ ઉપરથી ઉડી ને પાછું એ પોતાના અન્ય સાથી પતંગિયા સાથે બલ્બની આજુબાજુ ઘૂમવા લાગ્યું. બલ્બની આજુબાજુ અસંખ્ય જીવજંતુઓ ને ગુમી રહેલા જોઈને અવનીના દિલમાં દબાવેલી લાગણીઓ બહાર આવી વહેવા લાગી.

એ મમ્મીનો પ્રેમાળ હાથ, એ પપ્પાનો હસતો ચહેરો, એ નાના ભાઈ સાથે રોજ નાની નાની વાતોમાં થતી મીઠી તકરાર. એ રોજ સાંજે દાદીના હાથો વડે માથામાં કરવામાં આવતી ચંપી. આ બધું જ અવનીના આંખોમાં ઉભરી આવ્યું.

અચાનક એ ખુલ્લા હાઇવે વચ્ચે ઠંડું પવનું ઝોંકુ આવ્યું. જે સીધું જ અવનીના હદયમાં સમાઈ ગયું. એ નાના ભાઈએ ચોકલેટ લેવા ફ્રીઝ ખોલ્યું ત્યારે જે ફ્રીઝમાં થી ઠંડી હવાઓ બહાર આવી એવીજ આ હાઇવે ની ઠંડી હવાઓ અવનીના શરીરમાં પ્રવેશી ગઈ. તેના રોમે રોમમાં લાગણીઓ ઉભરી આવી. અચાનક આંખ માંથી આંસુ સરી પડ્યું. એ ટપકતા આંસુ એ અવનીને એક અવાજ સંભળાયો...

... અવનીના મમ્મીનાં શબ્દો તેના કાને અથડાયા,“ અરે મારી અવી તો આટલી નિર્બળ નથી. તું કોણ છે અને શા માટે રડે છે.”

અવનીએ પોતાના આંખના આંસુ સાફ કર્યા. ત્યાર બાદ હાઇવે ની આજુબાજુ નજર કરી પણ ત્યાં તો ફક્ત વાહનોની જ અવરજવર ચાલુ હતી.

અચાનક વિમાનનો અવાજ અવનીના કાને પડ્યો.અવનીને એક નજર અવકાશ તરફ કરી.મધ્ય રાત્રિ નો સમય હતો એટલે આકાશમાં તારાઓ ટમટમી રહ્યાં હતાં. વિમાનના અવાજ સાથે તેની બંને બાજુ લાલ રંગની લાઈટો ઝગમગી રહી હતી.

“ પાપા હું પણ એક દિવસ આમજ વિમાન ની ડ્રાઈવર બનીશ અને તમને બધાને ફરવા લઈ જઈશ.” અવની તેના મમ્મી પપ્પા સાથે પોતાના મકાનની આગાસી ઉપર ઉભી આકાશમાં દોડી રહેલા વિમાન તરફ આંગળી ચીંધતા કહ્યું.
“ અવી.. વિમાન ચલાવનાર ને ડ્રાઇવર નહિ પાયલટ કેવાય. તું રોજે આ વાત ભૂલી જાય છે.” અવનીની મમ્મીએ તેને ટકોર કરતાં કહ્યું.

“ મને ખબર છે મમ્મી એતો બસ તને ખીજવવા...”
અવનીની ની વાત સાંભળીને તેના મમ્મી પપ્પા હસી પડ્યા. અવની પણ તેમની સાથે હસતી જ હતી ત્યાં..

અચાનક ગાડીનું હોર્ન વાગ્યું. અવની હસતાં મોઢે વિચારોમાંથી બહાર આવી. સતત વાહનોના ઘોંઘાટથી અવનીનું માથું દુઃખવા લાગ્યું. પોતાના હાથો વડે તે કપાળના બંને છેડે જોરથી દબાવવા લાગી.

“ ઓહ...! આજે ફરી આ માથાનો દુઃખાવો મારી લાડલી ને હેરાન કરવા આવી ગયો. તું ચિંતા ના કર હમણાં જો તેને ભગાડી મૂકું.” અવનીના દાદી હાથમાં કાચની વાટકીમાં નવશેકું તેલ લઈને અવનીના માથામાં ચંપી કરવા આવી પહોંચ્યા.

અવની નીચે માથું નમાવીને બેઠી હતી અચાનક ઊંચું જોયું. તેની આંખો ની સામે તેનું હસતું રમતું પરિવાર ઘૂમી રહ્યું હતું.

“ હું કેવડી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. મારા સ્વર્ગ સમાન પરિવારને હું આમ કહ્યા વગર અર્ધી રાત્રે છોડીને આવતી રહી. પાપા ની પ્રિન્સેસ, મમ્મીની અવી, છોટુની દીદી, દાદીની લાડલી. હું જો જતી રઈશ તેમને છોડીને તો તેઓ તો જીતે જી મરી જશે. ક્યાં શોધશે એ મને તેમના સ્વપ્નોમાં તેમની યાદોમાં કે એ આલ્બમ માં..!? અને વિહાન તેના પરિવારનું શું..?” અવની ના આંસુઓ ગંગાની જેમ વહેવા લાગ્યા.

અવની એ રડતી આંખે પોતાના બેગમાં થી ફોન કાઢ્યો. બે વાર લોક ખોલવાની કોશિશ કરી ના ખોલ્યો. છેવટે ત્રીજી વાર પોતાના આંખના આંસુ સાફ કરીને લોક ખોલ્યો.

પ્રથમ નંબર વિહાનનો જ હતો. અવની એ વિહાનને ફોન કર્યો. જેવી રીંગ ગઈ તેવો જ સામેથી ફોન ઉપાડ્યો. જાણે અવનીના કોલની આતુરતા પૂર્વક રાહ જોઈને કોઈક ના બેઠું હોય.

સામેથી કોઈ કંઈ બોલે એ પેલા જ અવની એ બોલવાનું ચાલુ કરી દીધુ.

“ વિહાન માંડી વાળ આ વિચારને. શું આપણે આપણા હસતાં રમતાં સ્વર્ગ સમાન પરિવારને આમ એકલાં છોડીને જતાં રહેશું તો આપણે ક્યારેય આપણું સુખી કુટુંબ વસાવી શકશું. અને તું તો પરિવારનો આધાર સ્તંભ છે. જો આજે આપણે આમ પરિવારને છોડીને જતા રહેશું તો તારા મમ્મી પપ્પા નું શું તેમના ઘડપણ નો એક માત્ર સહારો તું જ છે..! અને ધારા તારી નાનકી લાડલી બેન એ કોના હાથે રાખી બાંધશે. મને માફ કરજે વિહાન પણ હું આ નહિ કરી શકું. ઘરે થી ભાગી જવાનો વિચાર તું પણ માંડી વાળ. અને આપણે બંને ભેગા મળીને મનાવશું આપણા પરિવારને. મને વિશ્વાસ છે એ માની જશે. અને જો ના માને તો સમજી લેશું ભગવાન ને મંજુર નહિ હોય. કદાચ પ્રેમ તો બીજો મળ્યો રહેશે પણ પરિવાર... અને આ સ્વર્ગ સમાન પરિવારને છોડીને આપણે ક્યાં નર્ગમાં ભટકીશું.” આટલું કહીને અવની ચોધાર આંસુડે રડી પડી. અવનીનો કોલ કપાઈ જતાં...

વિહાન નો ફોન હજુ તેના પપ્પા ના હાથમાં હતો. અચાનક અવનીનો ફોન કપાતા જ તેઓ હોસ્પિટલમાં વિહાન જે રૂમમાં દાખલ હતો એ રૂમના દરવાજા પાસે બેસીને રડી પડ્યા.

“ મે વિહાનની આવી હાલતની જિમ્મેદાર જેને ઠેરાવી એ છોકરી ....” વિહાનના પપ્પા આગળ એક પણ શબ્દ બોલી શક્યા નહિ.

“ વિહાન એના રૂમની બાલ્કનીમાં થી નીચે ઉતરવા ગયો અને તેનો પગ લપસ્યો જેના લીધે તેની આ હાલત છે. આપણે વગર જાણ્યે એ છોકરીને મનમાં કેટલા અપશબ્દો બોલ્યાં. પણ ખરેખર અવની તો એક ... આપણે વિહાનના પ્રેમને સમજી જ ના શક્યાં તેના લીધે જ વિહાન આમ ઘર છોડીને જઈ રહ્યો હતો." વિહાન ની મમ્મીએ પસ્તાવા સાથે કહ્યું.

“ અવની.... અવની..." વિહાન અર્ધ મૂર્છિત હાલતમાં અવનીનું નામ લઈ રહ્યો હતો. આ બાજુ અવનીતો...

પોતાના આંખોમાંના આંસુ સાફ કરી, અવની એ હાથમાં રહેલી નાનકડી લંબચોરસ લાકડાની પેટી ને બંદ કરીને પોતાના બેગમાં મૂકી પોતાની સોસાયટી તરફ પાછી વળી.

હાઇવે વટાવીને તે આવી પહોંચી પોતાની સોસાયટીમાં, નજરની સામે જ તેનું સ્વર્ગ હતું. તેની હસતી રમતી દુનિયા તે સ્વર્ગમાં ચેન થી ઊંઘી રહી હતી. અવનીને પોતાના ઘરનો દરવાજો ખોલી ધીમે પગલે અંદર ઢળી. જેવી અંદર ઢળી તેવીજ લાઈટ ની સ્વીચ ચાલુ થઈ આખા ઘરમાં પ્રકાશ પથરાઈ ગયો. અવનીને એક નજર સામે કરી તો તેના મમ્મી પપ્પા સામે સોફા ઉપર બેઠાં હતાં.

અવનીના હાથમાં રહેલો બેગ નીચે પડી ગયુ. બેગ જમીન સાથે અથડાતા જ તેમાંની કિંમતી વસ્તુ બહાર ઉછળી આવી. તેના મમ્મી - પપ્પા અવનીની નજીક આવ્યા અવની કંઈ બોલે એ પેલા જ તેના પપ્પા એ તેને ગળે લગાવી લીધી. અવનીની આંખો માંથી ફરીવાર આંસુ ટપકવા લાગ્યા.

“ ઓ વાહ..!! મારી મનપસંદ ચોકલેટ..” બેગ જમીન સાથે અથડાતાં જે અવાજ થયો હતો તેના કારણે અવનીનો નાનો ભાઈ ઊંઘ માંથી જાગી ગયો.

બેગમાં કિંમતી વસ્તુમાં ચોકલેટ થતાં ફેમિલી ફોટો હતાં. જે અવની યાદગીરી સ્વરૂપે પોતાની સાથે લઈ જવા માંગતી હતી. આમ નાના ભાઈની કાલી વાલી ભાષા સાંભળીને બધાં હસી પડ્યા. એ ફેમિલી ફોટો ની જેમ આખો પરિવાર એક થયો. એ રાતે બધાં આરામથી ઊંઘી ગયા.

*****
બે દિવસ પછી...

અવની દર્પણ સામે પોતાનું મો રાખી માથું ગુંથતી હતી. આછા પિંક કલરના પ્લાઝામાં તે એક રૂપસુંદરી લાગી રહી હતી. દર્પણ પાસે પડેલા ફોનમાં અવનીને એક વાર જોયું. ના તો કોઈનો ફોન કે ના કોઈ મેસેજ. અવની વિહાનના વિચારોમાં ખોવાય છે ત્યાંજ એકાએક તેના રૂમની બારી ખુલ્લી ગઈ. એ બારી માંથી પવનની સાથે એક જાણીતી પરફ્યુમ ની સુગંધ આવી.

“ વિહાન...” અવની તે પરફયુમ ની સુગંધ ને ઓળખી ગઇ. તે એકાએક પોતાના હાથમાંથી કાંસકો મૂકીને બારી તરફ ભાગવા ગઈ. અચાનક તેનો દુપટ્ટો ટેબલના છેડે આવેલી ખીલી સાથે અટકાણ્યો. અવની એ જેમ તેમ કરી દુપટ્ટો છોડાવી બારી તરફ ભાગી. નીચે નજર કરી તો ત્યાં કોઈ નહોતું. ફક્ત એક સફેદ કલરની કાર તેના દરવાજા પાસે ઉભી હતી. અવની હતાશ થઇ ને પાછી દર્પણ પાસે આવીને બેસી ગઈ.

અચાનક અવનીના ઘરનો ડૉરબેલ વાગ્યો. અવનીના પપ્પાએ દરવાજો ખોલ્યો. તેમના દરવાજે આ શહેરના જાણીતા વકીલ સૌરભ શાહ, વિધિ શાહ તથા તેમનો એકનો એક દીકરો વિહાન શાહ ઉભા હતા. અવનીના પપ્પા તો હજુ વિચારી રહ્યાં હતાં કે આટલાં મોટા વકલી મારાં ઘરે ત્યાંજ સૌરભ શાહ બોલી ઉઠ્યા...“ ઘરમાં બોલાવશો કે નહિ.”

“ આવો આવો વકીલ શ્રી .” અચાનક વિચારોમાંથી પાછા વળતાં અવનીના પપ્પા એ કહ્યું.

બધાં જ ઘરમાં ગયા.અવનીના મમ્મી રસોડામાં થી પાણી લઈને આવ્યા.
“ અવની ક્યાં છે..?” વિહાને ઘરમાં ચારે બાજુ નજર ઘુમાવી તેને અવની ક્યાંય નજરે આવી નહિ જેથી વિહાને ઉતાવળમાં પૂછી જ લીધું.

“ બેટા ધીરજ રાખ. પેલા અવનીનાં પરિવાર સાથે તો વાતચીત કરી લે. અવની થોડી ક્યાંય ભાગી જવાની છે એને હંમેશા માટે તારી બનાવા માટે તો અહીં આવ્યા છીએ.” વિહાનની મમ્મીએ વિહાનને કહ્યું.

“ હમેશાં માટે હું કંઈ સમજ્યો નહિ.” અવનીના પપ્પા એ વાત અધ્ધ વચ્ચે જ કાપતાં કહ્યું.

સૌરભ શાહે એ રાતે બનેલી ઘટના વિશે બધી જ માહિતી આપી. અવનીના ના મમ્મી - પપ્પાના આંખમાં ઝરમરિયા આવી ગયા.

“ દીદી ત્યાં કેમ ઉભી છે અહી આવો ને.” અવનીના નાના ભાઈએ અવનીને ખૂણામાં ઉભેલી જોતા કહ્યું.અવની બધું જ સાંભળી રહી હતી.

વિહાન પોતાની જગ્યાએથી ઊભો થયો અને અવનીને ભેટી પડ્યો.

“ અવની તે બચાવી લીધું આપણા સ્વર્ગ સમાન ઘરને..” વિહાનના આટલા શબ્દો પૂરા થતાં જ બંને પરિવાર એક થયા. એ ફેમિલી ફોટો આખરે બચી ગયો. આ સ્વર્ગ સમાન પરિવારના સંખ્યામાં વધારો થયો.

બધાએ એક બીજાનું મોં મીઠું કરાવ્યું. અવનીને પોતાના તથા વિહાનના પરિવારને તૂટતાં બચાવી લીધો.અવનીના દાદીએ બંનેને આર્શિવાદ આપ્યાં. બંને પરિવારમાં ખુશીઓની હવા ફેલાઈ ગઈ.