અર્પણ
એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.
પ્રસ્તાવના
આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...
પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત
પ્રકરણ-૧૪
શોભબહેન પોતાના પતિની આંખોનો ગુસ્સો જોઈને રીતસર ડઘાઈ જ ગયા. આટલા વર્ષોમાં રમેશભાઈએ ક્યારેય ગુસ્સામાં વળતો જવાબ પણ નહીં આપ્યો અને આજે બધા જ વર્ષોનો એક ઝાટકે હિસાબ રમેશભાઈના શોભાબહેનના ગાલ પર પડેલ એક તમાચાએ કરી નાખ્યો. જરૂરી નથી કે દરેક વાત શાંતિથી કહેવાથી વાત કહેનાર વ્યક્તિ સમજે, પણ બીજીવાર યોગ્ય વિરોધ થયો હોય તો એ વ્યક્તિ એલફેલ બોલતા પહેલા અવશ્ય વિચાર કરશે જ..
રાજેશે પોતાની ચિંતા જણાવતા કહ્યું, "અમૃતાને ગર્ભાશયના મુખનું કેન્સર છે, તરત ઓપરેશન કરાવવું પડે એમ છે, અને આ ઓપરેશનમાં અમૃતાનું ગર્ભાશય પણ કાઢી નાંખવું પડશે... આથી આ કારણસર અમૃતા હવે કયારેય માતા બની શકશે નહીં."
શોભાબહેન પોતાની બેઈજ્જતી અમૃતાના કારણે આખા ઘર સામે થઈ એવું સમજીને હજુ પણ ખોટી મોટપમાં બોલ્યા, "તો તમારાં બંનેના આ આટલા લગ્ન જીવનના વર્ષો ગયા છતાં હજુ તને સંતાન કેમ થયું નહીં? મને તારા સંતાનને જોવું હોય કે આ ઘરને વારસદાર ન જોઈએ??"
આજે જાણે શોભાબહેનના કર્મોનું ફળ એને મળી રહ્યું હતું અથવા તો અમૃતાના નિઃસ્વાર્થ પ્રેમનો હિસાબ થઈ રહ્યો હતો, કારણ કે આટલા વર્ષો સુધી જે સત્ય શોભાબહેન અને ગાયત્રી વચ્ચે અકબંધ રહ્યું એનો ખુલાસો આમ બધા વચ્ચે તો ન જ થાય ને!! પણ શોભાબહેને જાણી જોઈને દીકરાના મોં ને ખોલવાની ફરજ પડાવી...
ગેરસમજ એ ક્ષણિક ઉદ્દભવી શકે,
દોસ્ત! સત્યની છબી એમ થોડી છુપી રહી શકે?
શોભાબહેનની વાત રાજેશથી અવગણવી અશક્ય જ હતી, એણે ગુસ્સામાં કહી જ દીધું કે, "મમ્મી! તમે ઘરને પોતાના તાબા હેઠળ જ રહે માટે જે કંઈ પણ ષડયંત્ર કર્યા હતા એ હું હવે જાણી ગયો છું. અને આ વાત અમૃતાએ મને નથી કહી એ તને જણાવી દઉં જેથી તારા મનમાં કોઈ વહેમ ન રહે. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે," તમે મારી ગેરહાજરીમાં એના પર ગુસ્સો ન ઉતારતા. ૧૨ વર્ષ પહેલા અમારા લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં તમે જે રીતે અમૃતા પર લાંછન લગાવ્યું હતું એની એક માત્ર જાણકાર ગાયત્રી પોતે અમૃતાને માફી માંગતા સમયે બધું બોલી અને હું એમની બધી વાત સાંભળી ગયો. ગાયત્રીએ આ વાત છુપાવી જ હતી પણ એની આંખ ત્યારે ઉઘાડી જયારે માનસકુમારે એના પર શંકા કરી અને અમૃતાએ જ એની એ પીડા માંથી એને સ્વમાનભેર બહાર કાઢી, આથી પોતાની ભૂલને પોતે કબૂલી અને સાચું જે હતું એ બધાને જણાવવાનું કીધું, પણ તમને જેના માટે રોષ છે એ અમૃતાએ જ ગાયત્રીને સોગંદ આપી ચૂપ રાખી અને તમારી આ ઉંમરે તમને પરિવારની સામે નીચું જોવું પડે એ અમૃતા નહોતી ઈચ્છતી માટે ગાયત્રીને ચૂપ રહેવા કહ્યું. તમારા જુઠ્ઠાણાંએ મારા મગજ પર એવી અસર કરી કે હું અમૃતાને સંપૂર્ણ રૂપે સ્વીકારી જ શક્યો નહીં. એનું પરિણામ મેં તો ભોગવ્યું પણ કોઈ જ વાંક વગર અમૃતા પણ ભોગવતી હતી, એ પણ કોઈને ફરિયાદ કર્યા વગર.... અને તમે કહો છો કે અમૃતા પેટમાં પાપ રાખે.... આજે મને તમે બોલવા પર મજબુર કર્યો નહી તો હું પણ ન બોલત..."
રાજેશના એક એક શબ્દ જાણે દરેકના મનને કરવતથી તોડી રહ્યા હોય એમ દર્દ આપી રહ્યા હતા.
રમેશભાઈ બે હાથ જોડીને અમૃતાની માફી માંગતા બોલ્યા, "બેટા માફ કરજે, બહુ મોટી ભૂલ થઈ અમારાથી. અમે તારા દોષી છીએ."
અમૃતાએ તરત એમના હાથને પકડીને કહ્યું, "પપ્પા આવું ન બોલો... મારા ભાગ્યમાં હશે એ મેં ભોગવ્યું.. ભૂલી જાવ બધું. જે થવાનું હતું એ થઈ ગયું."
રમેશભાઈ તરત શોભાબહેનને બોલ્યા, "જોયું શોભા! આ છે ખરેખર આપણા ઘરની લક્ષ્મી... અન્નપૂર્ણા... તું ભાગ્યશાળી છો કે તને આટલી સમજુ અને પ્રેમાળ વહુ મળી છે... અમૃતા અને ભાર્ગવી ખરેખર ગૃહલક્ષ્મી જેમ આપણા ઘરને પાવન કરી રહી છે. આ પરદેશમાં નહીં તો કોણ આમ સમજદારીથી રહે છે.. મને તમારા બંન્ને પર ખુબ ગર્વ છે."
આજે પહેલી વખત શોભાબહેનથી ચૂપ રહેવાયું એ પણ અફસોસ સાથે, છતાં માફી માંગવા જેવો હજુ એમને પ્રશ્ચાતાપ થયો નહીં. એ પોતાનું મોઢું નીચું રાખી બેસી રહ્યા.
ભાર્ગવીએ વાતને પતાવવા કહ્યું, "હું બધા માટે સરસ નાસ્તો અને ચા બનાવી આવું.."
આજનો આખો દિવસ આમ જ વીતી ગયો. રાત્રે ભાર્ગવી પોતાના રૂમમાં પથારી પર બેઠા બેઠા ક્યારની કંઈક વિચારી રહી હોય એવું અપૂર્વને લાગ્યું. એણે પૂછ્યું," ભાર્ગવી ક્યારની શું વિચારમાં ખોવાઈ ગઈ છે?"
ભાર્ગવી બોલી, "અપૂર્વ! હું અમૃતાભાભીનો વિચાર કરું છું. આપણે એની તકલીફ તો દૂર ન કરી શકીએ પણ એમને પોતાના માતૃત્વને ન્યોછાવર કરવા માટે રસ્તો તો બતાવી શકીએ ને?"
અપૂર્વએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "કયો રસ્તો ભાર્ગવી? એટલે તું કહેવા શું માંગે છે? જરા મને વિગતે સમજાવ તો ખબર પડે."
ભાર્ગવી ગભરાતા ગભરાતા બોલી, "શું આપણે અમૃતાભાભી અને રાજેશભાઈને કોઈ બાળક દત્તક લેવાનું કહીએ તો?" ભાર્ગવી બોલતા તો બોલી ગઈ પણ અપૂર્વમાં એ વાતને ગળે ઉતારવાની ક્યાં સમજદારી હતી??
ભાર્ગવીની આ વાત સાંભળીને અપૂર્વ તો એકદમ જ ઉભો થઈ ગયો. અને બોલી ઉઠયો, "ભાર્ગવી! આ તું શું બોલે છે એનું કંઈ ભાન છે કે નહીં તને? એટલે મારો ભાઈ ગામના છોકરા સાચવશે એમ? આપણું લોહી તો આપણું જ હોવું જોઈએ. જેની નસોમાં બીજાનું લોહી હોય એ ક્યારેય આપણા ઘરનો સદસ્ય બની જ ન શકે. સમજી? આ તો તે મને કીધું છે પણ ખબરદાર જો ઘરમાં કોઈને પણ આવી વાત કરી છે તો...અને તું આ જે વાત કરે છે બાળક દત્તક લેવા માટેની પણ તારામાં એટલી પણ અક્કલ નથી કે, બાળકને સાચવવા માટે મા તો સ્વસ્થ હોવી જોઈએ ને? તને લાગે છે કે અમૃતાભાભી સાચવી શકશે એ બાળકને? અરે! જે પોતાની જાતને પણ સાચવી શકતી નથી એ બાળક શું સાચવશે? ક્યારેક તો તારી અકકલ વાપરતી હો...હં..." આટલું બોલતાં તો અપૂર્વ સમસમી ગયો.
પણ ભાર્ગવીએ ખૂબ જ સ્વસ્થતાથી જવાબ આપતાં કહ્યું, "અમૃતભાભી ભલે સ્વસ્થ ન હોય પણ હું તો સ્વસ્થ છું ને? હું સાચવી લઈશ એને. પણ હું આ મુદ્દો ઘરમાં જરૂર ઉઠાવીશ."
"તું શું સાચવવાની હતી? આજ સુધીમાં તે મને આ ઘરનો વારસદાર તો આપ્યો નથી. તારામાં આવડત હોત ને તો આજે તું દીકરીને બદલે દીકરાની મા હોત સમજી! ને જે વાત આજે કરી રહી છે એ ક્યારેય ન કરત.."
"એ તો તમે લોકોએ ભેગાં થઈને મારા સંતાનને જન્મવા જ ન દીધું એની જ આ સજા છે એટલું સમજી લેજો." ભાર્ગવીને એનો ભૂતકાળ યાદ આવી ગયો.
"ઓહ તો તને એનું પેટમાં દુઃખે છે! હું સમજી ગયો અમે લોકોએ તારું એબોર્શન કરાવ્યું હતું એનો તું બદલો લે છે એમ ને? પણ એક વાત સમજી લેજે. મારાં ઘરે બીજું કોઈ સંતાન અવતરશે તો એ દીકરો જ હશે. મારે તો આ ઘરનો વારસદાર જોઈએ સમજી." એટલું કહી અપૂર્વ ત્યાંથી ગુસ્સામાં ચાલી નીકળ્યો.
જોને દોસ્ત! આતો સબંધની કચાશ જ કહેવાય,
દરેક દોષ ફક્ત ગૃહિણીને માથે જ ઠેલવાય!!
આજે અભણ ભાર્ગવી ભણેલી ને ભણેલો અપૂર્વ અભણ લાગી રહ્યો હતો.