MOJISTAN - 39 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 39

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 39

મોજીસ્તાન (39)
''વળી પાછું હું થિયું..'' એમ બબડતું ગામલોક દવાખાને દોડી આવ્યું.આજકાલ ગામમાં ન બનવાની ઘટનાઓ બની રહી હતી. જાદવાની ટોળીને બાબાએ મેથીપાક આપ્યો, પોચા પસાહેબ ટેમુની દુકાનના ઓટલા પરથી પડી ગયા અને આજ હબો અને પશવો બથોબથ આવ્યા હતા.
ડો. લાભુ રામાણી એમની ખાસ નર્સ સાથે 'ચિકિત્સા' પર ચર્ચા કરી રહ્યા હતા એ સમયે વંટોળીયાની જેમ બાબો ધસી આવ્યો હતો.
"ક્યાં છે ડોકટર સાહેબ, ક્યાં છે..
જલ્દી ચાલો. મારા પરમ પૂજ્ય પિતાશ્રી એમના જીવનના છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે.જો તેઓ સ્વર્ગે સિધાવી જશે તો ન થવાનું થશે.એમના પ્રતાપે આ ગામ પર આવતી આફતો આઘી રહી છે..
ધરતીકંપને એમણે તપના બળે ધરતીમાં જ, જેમ મદારી મોરલી વગાડીને ઝેરીલા સાપને શાંત કરી દે છે એમ જ શાંત કરી દીધો છે..
હે વૈદ્યરાજ ફરી એકવાર આપને મહાપુણ્ય કમાવાની અને સ્વર્ગના અધિકારી થવાની તક સાંપડી છે..
માટે જલ્દી તમારી પેટડી લઈને મુજ સંગ ગતિ પકડો.."
ચંપાનો ગોરો હાથ પોતાના હાથમાં લઈને સ્વર્ગના સુખની પ્રારંભિક ક્ષણોને પોતાની કેબિનમાં બેસીને માણી રહેલા ડો. લાભુ રામાણીને બાબો હરાયા ઢોરની જેમ સીધો જ ઘુસી આવ્યો એ જરાય ન ગમ્યું.અને ન જ ગમે ને ! રામાણીને આ ગામમાં પગાર સિવાય બીજી કોઈ કમાણી હોય તો આ ચંપાનો મીઠો સહવાસ જ હતો.બાબાએ ડોકટરના હાથમાં ચંપાનો હાથ જોઈ લીધો હતો..!
"પરસ્ત્રીનો સંગ કરવાનું પાપ એ આપ જેવા વયોવૃદ્ધને જરાપણ શોભતું નથી.આ દવાખાનાના એકાંતમાં તમે બેઉ મહાપાપ આચરી રહ્યા છો એ મેં નજરોનજર જોઈ લીધું છે.હવે જો ફજેતો ન કરવો હોય તો મારા ઘેર પધારવાની કૃપા કરો.ભાભાની સેવા જ તમને આમાંથી ઉગારી શકશે." બાબો બારણામાં ઉભો રહીને ધીમેથી બોલ્યો.
"તું જે સમજ્યો એવું કંઈ હતું નહીં સમજ્યો દોસ્ત ? તું એકદમ સંકુચિત મગજ ધરાવે છે.ડોકટર અને નર્સ વચ્ચેના પવિત્ર સબંધ તને ક્યારેય નહીં સમજાય.જો તું આ વિશે ગામમાં કંઈપણ આડું અવળું ભસવાનો હોય તો હું તારા બાપની સારવાર કરવા આવીશ નહીં સમજ્યો..? તારી જેવા અબુધ ગામડીયાઓથી હું ડરૂ એવો નથી.અને હા હું હજી યુવાન છું, વયોવૃદ્ધ બિલકુલ નથી સમજ્યો ?" ડો.લાભુ રામાણીએ ચંપાનો હાથ છોડી દેતા કહ્યું.
"હું કૂતરો નથી એ તો તમને ખ્યાલ જ હશે.અને હું અબુધ પણ નથી, તમે જે સંતાડવાની કોશિશ કરી રહેલા છો એ મને સ્પષ્ટ દેખાય છે, પણ એ બધું મારા માટે અગત્યનું નથી.અત્યારે તો તમે મારી સાથે મારા ઘેર આવો છો કે નહીં એના પર તમારી આ પ્રેમકથાની ગોપનીયતાનો આધાર છે.સમજ્યા ?" કહી બાબાએ ચંપા સામે જોયું..
"તું તારા રૂપના પ્રભાવથી એક ડૉક્ટરનું મન ચલાયમાન કરી રહી છો.જેમ વરસાદને કારણે ચીકણી માટીમાં ચાલવું અત્યંત કઠિન હોય છે એમ તારી આંખોમાંથી વરસતા વરસાદે ડોક્ટરની ફરજનો રસ્તો તેં અતિશય લપસણો કરી મુક્યો છે.
તું નર્કની અધિકારીણી થઈ જ ગઈ છો એમાં કોઈ શંકાને સ્થાન નથી, છતાં તારા પ્રાયશ્ચિતનો પણ માર્ગ મારી પાસે છે જે હું તને પછીથી જણાવીશ. તારું આ અધમ કૃત્ય પણ હું હમણાં ગુપ્ત જ રાખીશ માટે હે રૂપગર્વિત પરિચારિકા તું હમણાં શાંતિ રાખજે." કહી બાબાએ ડોકટર સામે જોયું.
"શુ થયું છે ભાભાને ? એમને જ અહીં લઈ આવવા હતા ને ! અહીં વધુ સારી સારવાર થઈ શકે છે "
ડોકટર બોલ્યા.
"સાહેબ, જો ભાભા આવી શકે એમ હોત તો જરૂર આવ્યા હોત. તમે વધુ દલીલ કર્યા વગર ચાલો મારી સાથે.."
ડોકટરે કંઈ બોલ્યા વગર બાબાને એમની બ્રિફકેસ આપી.અને ચાલવા લાગ્યા. બાબાએ ચંપા સામે એક નજર નાખીને ડોકટર પાછળ ચાલવા માંડ્યું.
ભાભા આંખ બંધ કરીને ખાટલામાં પડ્યા હતા.એમની આંખ સામે તખુભાની ડેલીમાં ભજવાયેલું દ્રશ્ય ફરીવાર દેખાઈ રહ્યું હતું.
"મારું ઘોર અપમાન થયું છે.એક પરમ પૂજ્ય અને મહાજ્ઞાની મહાપુરુષને ગામના તુચ્છ જંતુઓએ હસી કાઢવાની કુચેષ્ટા કરી છે.મારુ રોમ રોમ ભડકે બળી રહ્યું છે.."ભાભા બબડતા હતા.
એમનું છેલ્લું વાક્ય ઓરડામાં પ્રવેશેલા ડોક્ટરે સાંભળ્યું.
"નકકી ચામડીનો કોઈ રોગ હોવો જોઈએ.કારણ કે રોમ રોમ ભડકે બળતું હોય એટલે ચામડીમાં બળતરા થતી હોય.." એમ મનમાં વિચારીને ડોક્ટરે ભાભાનો હાથ પકડ્યો.
એકાએક કોઈએ પોતાનો હાથ પકડયો હોઈ ભાભાએ ચમકીને આંખો ખોલી..
"તો આખા શરીરે બળતરા થાય છે એમને ? બીજી શું શું તકલીફ છે એ કહો.." ડોક્ટરે સ્ટેથોસ્કોપ ભાભાની છાતી પર મુક્તા કહ્યું.
"તમને કોણે આવવાનું કીધું..? મને નખમાંય રોગ નથી.આમ આઘા ખસો.." કહી ભાભાએ ડૉક્ટરનું સ્ટોથો. ફગાવી દીધું.
"ઠીક, મગજનો તાવ પણ લાગે છે. કારણ કે જ્યારે દર્દી એમ કહે કે મને નખમાંય રોગ નથી ત્યારે તાવ મગજમાં ચડી ગયો હોય છે.." ડોક્ટરે નિદાન કર્યું.
"હંકન..બાર્યથી આયા ત્યારના કંઈક બડબડ કરે છે.આમ કરી નાખું ને તેમ કરી નાખું..એમ કર્યા કરે છે.ઘડીક દાંત કાઢે છે અને ઘડીક રોવા માંડે છે..તેં હે દાગતર શાબ્ય સારું તો થય જશે ને ?" ગોરાણીએ રસોડામાંથી આવીને કહ્યું.
"કદાચ ગાંડપણનો હુમલો આવ્યો હોય એમ બને.પણ કંઈ વાંધો નહીં, ઇન્જેક્શન આપવું પડશે. બીજી દવા આપું છું એટલે સારું થઈ જશે.છતાં જો ફેર ન પડે તો પછી મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે.." ડોક્ટરે એમની પેટી ખોલતા કહ્યું.
"હાય હાય..ભાભાને હુમલો આયો ? અરરર..તો તો શીના બસી હકે..બાબાકાકા તો હજી હાવ નાનું બાળ કેવાય.હે ભગવાન તેં તો ભારે કરી.."
રવજીની વહુ રોજની જેમ છાછ આપવા આવી હતી.એણે ડૉક્ટરનું હુમલા વાળું વાક્ય સાંભળીને સહાનુભૂતિ વ્યક્ત કરી. એ સાંભળી ભાભા ભડકયા.
પથારીમાંથી બેઠા થઈને એમણે બરાડો પડ્યો.
"અલ્યા દાગતર, તને બુદ્ધિ છે કે નહીં..? હું કહું છું કે મને કંઈ નથી થયું તો પણ તું શાનું ઇન્જેક્શન મારવા તૈયાર થયો છો.ગાંડપણનો
હુમલો તો ગામમાં ઘણાયને આવશે, મને નહીં.. જા તારું પેટુ લઈને મારુ નજર સામેથી અદ્રશ્ય થઈ જા કહું છું.."
"તમે શાંતિ રાખો કહું છું.મગજ ઉપર શાંતિ રાખો.દાગતરને એનું કામ કરવા દો.તમારી વગર અમે બે મા દીકરો આ ઉજ્જડ વનમાં એકલા કેમ જીવશું..? આપડા બાબા માથેથી છતર વ્યુ જાય તો એની શુ દશા થાશે..? આમ અમને રઝળતા મૂકીને મોટે ગામતરે જાવા શીદને તિયાર થિયા સો..કવ સુ તમને ભોળાનાથના હમ છે..મારા ને બાબાના હમ છે..
ઘડીક હલ્યા વગર પડ્યા રો.દાગતર શાબ્ય તમતમારે ઈંજીકશન તિયાર કરો.હું ને બાબો જાલી રાખશું.." ગોરાણીએ ભાભાનો હાથ પકડતા કહ્યું.
" તો ચાલો ઊંધા સુવડાવી દ્યો.ચામડીના રોગનું અને ગાંડપણનું ભેગું ઇન્જેક્શન હમણાં જ શોધાયું છે.એ મારી દઈએ એટલે ભાભા તરત ઘોડા જેવા થઈ જશે."ડોક્ટરે એક મોટી સોઈ ઉપાડતા કહ્યું.
"હેં..? ઘોડા જેવા થઈ જશે...? તો તો હણહણાટી કરશેને ? અને ઈમને ખોરાકમમાં તો લીલો રજકો જોશેને ? ગોરાણીમા અમારી વાડીએથી ભેંસ હાટુ બે ભારા લાવી સુ.તો એક ભારો ભાભા હાટુ મૂકી જાશ..પણ તમારે વાસીદુ કરવાવાળી એક રાખવી પડશેને..! કારણ કે ઘોડાની લાદય તો કૈસે કે બવ ગંધાય..!" રવજીની વહુએ કહ્યું..
''ઓ બેન..ભાભા કંઈ ઘોડો નથી બની જવાના..હું એમ કહું છું કે ભાભાની તબિયત ઘોડા જેવી એટલે કે ખૂબ સારી થઈ જશે.."
ડો.રામાણીએ રવજીની વહુને કહી બાબાને કહ્યું, " આ બેનને કહે ને ઘેર જાય.. સમજણ તો કંઈ પડતી નથી."
"લે..અમેય માહણ સવી. હમજણ ચીમ નો પડે.તમે તમારા મોઢેથી બોલ્યા સો કે ભાભા ઘોડો થઈ જાશે. અતારે બધી ભાત્યની દવાયું નીકળી સે.."રવજીની વહુએ ખિજાઈને કહ્યું.
"બેન તમે ઘડીક બહાર જાવ." કહી બાબાએ ભાભાનો બીજો હાથ પકડીને કહ્યું, " ચાલો પિતાજી ઊંધા થઈ જાવ. તમારી જિંદગી કિંમતી છે.અમારી માટે અને આ ગામ માટે પણ..હે પિતાજી આપણે દુઃખ સહન કરીને પણ બીજા જીવોનું કલ્યાણ કરવું જરૂરી છે."
"પણ પુત્ર, મને કશું જ નથી થયું.
હું એકદમ સ્વસ્થ છું. મને કોઈ ગાંડપણ નથી અને ચામડીનો કોઈ રોગ મારી નજીક પણ આવી ન શકે.હું પોતે આયુર્વેદનો જાણકાર છું.." કહી ભાભાએ ડોળા કાઢ્યા.
" ના ના..એમ નથી.તમે બીમાર છો. તમને જોતાવેંત તમારી તબિયત વિશે મને ખ્યાલ આવી ગયો છે..કેટલાક રોગો સૂસુપ્ત હોય છે શરીરમાં એમની કામગીરી શરૂ રહેતી હોય છે..પછી અચાનક હુમલો કરતી હોય છે. આવા જ એક દર્દીએ મારી વાત ન્હોતી માની..માત્ર ત્રણ જ દિવસમાં એમણે જીવ ગુમાવ્યો હતો..હવે તમારે પણ મરી જ જવું હોય તો મારી સારવાર ન લેતા..જેવી તમારી મરજી.." કહી ડોક્ટરને ઇન્જેક્શન પેટીમાં મુકી દીધું.
"ના ના ના..ઈ ભલે ના પાડે. હું હા પાડું છું તમે ઇન્જેક્શન દઈ જ દો.. હાલો તમે ઊંધા થઈ જાવ નકર અમે માદીકરો તમને ઊંધા કરી નાખશુ.." કહી ગોરાણીએ પથારીમાં બેઠેલા ભાભાને ધક્કો મારીને સુવડાવી દીધા.બાબાએ ભભાના પડખામાં હાથ ભરાવ્યા.
ભાભા બરાડા પાડતા રહ્યા.ગોરાણી અને બાબાએ એમને ઊંધા સુવડાવીને દબાવી રાખ્યા.ગોરાણીએ બંને હાથથી ભાભાની પીઠ દબાવી રાખી અને બાબો બંને પગ પર ચડી બેઠો.
લાભુ રામાણીએ એક શીશીમાંથી મોટું ઇન્જેક્શન ભરીને ભાભાનું ધોતિયું નીચું ખેંચી લીધું.
બરાબર એ જ વખતે એમને ખ્યાલ આવ્યો કે બાબા સાથે થયેલી માથાકૂટમાં ચશ્મા તો દવાખાને ટેબલ પર જ પડ્યા રહ્યા હતાં. ઇન્જેક્શન આપતી વખતે જાડા કાચના એ ચશ્મા પહેરવા જરૂરી હતા..!
ઊંધા પડેલા તભાભાભા આંખ બંધ કરીને બબડી રહ્યા હતા.
"મને છોડી દ્યો, મારી વાત સમજો.
હું સંપૂર્ણ સ્વસ્થ છું.. હે પુત્ર તું તો સમજ..આ ડોક્ટરની વિદ્વતા પર મને અનેક શંકાઓ છે..પુત્ર..મારા પુત્ર..!"
ડો. લાભુ રામાણીને ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું હતું. એમના હાથમાં રહેલું ઇન્જેક્શન ભાભાને ચોક્કસ જગ્યાએ આપવાનું હતું એ જગ્યા શોધવા એમણે હાથનો સહારો લીધો.ભાભાની કમર એમણે શોધી કાઢી.
બાબો અને ગોરાણીમા સોય ભોંકાય એ જોઈ શકે તેમ ન્હોતા એટલે એ બંનેએ આંખો બંધ કરી. દીધી હતી.
ઊંધા પડેલા ભાભાની એકદમ નજીક ગોળ તકિયો ભાભાના શરીરને અડીને, સમાંતર પડ્યો હતો. ડોકટરના વિઝનમાં છ ઇંચનો ડિફરન્સ હોવાથી ઇન્જેક્શન એ તકીયામાં લાગી ગયું !!
"મારી દીધું..?" બાબાએ બંધ આંખે પૂછ્યું.
માણસના સામાન્ય શરીરની મુલાયમતા કરતા ભાભાની બોડીમાં અલગ અનુભૂતિ થઈ હોઈ ડોક્ટરને થોડી નવાઈ લાગી હતી.છતાં એ વિશે વધુ વિચાર કર્યા વગર એમણે કહ્યું, "હા હા આપી દીધું છે.હવે ભાભા એકદમ રેડી થઈ જશે."
ગોરાણીએ પણ આંખો ખોલીને ભાભા પરથી એમના મજબૂત હાથોનું દબાણ હટાવી લીધું.બાબો પગ પરથી ઉભો થઇ ગયો.
ભાભાને ડોક્ટરની વિદ્વતા અંગેની અનેક શંકાઓનું ધડમૂળથી નિર્મૂલન થઈ ગયું...
"વાહ, ડોકટર..તમારો હાથ તો ભાઈ ભારે હળવો..મને તો ખબર જ ન પડી કે ક્યારે ઇન્જેકશન દેવાઈ ગયું..સાલ્લુ સાવ ખબર ન પડી..તમે ખરેખર ઇન્જેક્શન માર્યું છે ?"
ડોક્ટરને પણ થોડીવાર પહેલા અનુભવેલી સંવેદનાને કારણે શંકા ગઈ..
"સાલું બરાબર દેખાયું નથી.હવે ખુલાસો કરવામાં આબરૂ જશે એના કરતાં વાહવાહી લઈને અહીંથી જલ્દી નૌ દો ગ્યારહ થઈ જવામાં જ માલ છે " એમ વિચારી લાભુ રામાણી હસ્યા.
"વર્ષોનો અનુભવ છે ગોર મહારાજ..તમારા મનમાં વ્યાપેલી ઉત્તેજના શાંત થઈ જશે. આરામથી ભરપેટ ખાઈને ઊંઘી જજો.ઉઠશો ત્યારે સોળે કળાએ ખીલી ન ઉઠો તો કેજો..લો આ દવા સવાર બપોર અને સાંજ બે બે ટિકડી ગળી જજો..ચાલો બાબાલાલ મને મૂકી જાવ..એટલે હું અન્ય દર્દીઓની સેવામાં લાગી પડું..મનુષ્યની સેવા એ જ મારે મન પ્રભુ સેવા છે..!"
બાબો ડોકટરની પેટી લઈને આગળ થયો. દવાખાના સુધી ડોકટર વિચારતા રહ્યા કે ઇન્જેક્શન ખરેખર ક્યાં લાગ્યું !!

* * *

પરષોત્તમ અને હબાને લઈને નગીનદાસ દવાખાને આવ્યો ત્યારે એની સાથે વીસ પચ્ચીસ જણનું ટોળું ભેગું આવ્યું હતું. ડોકટર હાજર ન્હોતા.પટ્ટાવાળો અબ્દુલ બહારના બાંકડે બેસીને બીડીનું ઠુંઠુ ચૂસતો હતો.
નર્સ ચંપાએ મારામારીનો કેસ હોવાથી પોલીસ બોલાવવાનું કહ્યું એટલે નગીનદાસે હુકમચંદને ફોન કર્યો હતો.એ જ વખતે તખુભાનો માણસ પણ તખુભાને આ ઘટનાની જાણ કરવા તખુભાની ડેલીએ દોડ્યો હતો !
હુકમચંદ હમણાંથી ટેંશનમાં હતો. ચંચો નયના પાસે બે હજાર માંગતો હતો અને આજે સવારે એના મોબાઈલમાં કોઈ અજાણ્યા નંબર પરથી બાજરાના ખેતરમાં ભજવાયેલી શોર્ટ ફિલ્મ મોકલી હતી. હુકમચંદે એ નંબર પર તરત જ ફોન કર્યો હતો પણ એ સ્વીચઓફ હતો.
થોડીવારે બીજા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે હુકમચંદ તું
તો ગયો સમજ..!
એ નંબર પણ સ્વીચઓફ હતો. કોઈ અજાણ્યો માણસ પોતાની ફરતે ગાળિયો કસી રહ્યો હતો એ ખ્યાલ આવતા હુકમચંદ અંદરથી ધ્રુજી ગયો હતો. બોટાદથી પાછા આવતી વખતે નયનાને હોન્ડા પાછળ બેસાડેલી અને રસ્તામાં પ્રેમનો ઉભરો બેસાડવા કોઈના ખેતરમાં ઘુસેલા ત્યારે કોઈ બે માણસોએ પાછળ આવીને પોતાનો વીડિયો ઉતારી લીધો હતો.
જો આ વીડિયો વાઈરલ થાય તો પોતાની રાજકીય કારકિર્દીનું અચ્યુતમ કેશ્વમ થઈ જાય.અને બિચારી નયનાને મરવાનો વારો આવે..જો તખુભા આ બધુ જાણી જાય તો તો ખલ્લાસ થઈ જાય.પોતાને સરપંચપદેથી તરત જ રાજીનામુ આપવું પડે !
"ક્યાંક તખુભાએ તો આ નહીં કરાવ્યું હોય ને !'' હુકમચંદને વિચાર આવ્યો. પછી બીજી જ પળે 'સીધી લિટીના માણસ તખુભાને આવું બધું નો ફાવે' એ વિચાર આવતા થોડી ધરપત થઈ.
તો પછી આ માણસ કોણ હશે..?
એ સવાલનો જવાબ મેળવવા હુકમચંદ દિમાગ કસી રહ્યા હતા ત્યારે જ નગીનદાસનો ફોન આવ્યો.હુકમચંદના દિલમાં ધ્રાસકો પડ્યો.'ક્યાંક આ વીડિયો નગીનદાસને પણ મળ્યો તો નહીં હોય ને..!'
નગીનદાસને શું જવાબ આપવો એ હુકમચંદ વિચારતો હતો.ડરતા ડરતા એણે ફોન ઉંચકીને હળવેથી 'હેલો' કહ્યું.
ધાર્યા કરતાં અલગ મામલો હોવાનો ખ્યાલ આવતા હુકમચંદને થોડી રાહત થઈ.
"સરપંચ સાહેબ, તમારે સરકારી દવાખાને તાત્કાલિક આવવું પડશે. હબલો અને પશવો બાજયા સે. અને બેય સારીપટ ઘાયલ પણ થિયા સે.નર્સ ચંપા પોલીસ બોલાવવાનું કેય સે.." નગીનદાસે એકી શ્વાસે કહ્યું.
"હા..નગીનદાસ, હું હમણાં આવું છું.નર્સને કયો કે ગામના ડખામાં પોલીસ નો બોલાવવાની હોય..ઈ બેય જણની સારવાર ચાલુ કરાવો ત્યાં હું આવું છું.."કહી હુકમચંદે ફોન મુક્યો.
ફરી પેલા વિડીયોના વિચારોએ એમને ઘેરી લીધા..!

* * *
"અરે..એ...નિનાડી..! યાર ઘણા દિવસે ભૂલી પડી..ક્યાં ખોવાઈ ગઈતી યાર..ન કોઈ મેસેજ..ન કોઈ કોલ..નહીં કોઈ મુલાકાત..હું તને કેટલી મીસ કરું છું..યાર..!''
તળાવના કાંઠે પથ્થરની શીલા પર આરામથી પડેલા મગરની જેમ દુકાનના થડા પર લંબાવીને પડેલા ટેમુએ કોઈ દુકાનનો ઓટલો ચડ્યું હોવાનું પ્રતિત થતા આંખ ખોલી.
બંને ખભા પર ફેલાયેલા છુટા વાળ, બે નેણ વચ્ચે કરેલી નાનકડી બિંદી, નાક પર એકદમ સીધી અને પાતળી પટ્ટી જેવી ચુક, પાતળી આઈબ્રો અને હોઠ પર આછી ભુરી લિપસ્ટિક !
ઉન્નત ઉરોજને ઉપસાવતું એકદમ ગુલાબી ટોપ અને બ્લુ જિન્સની કેપ્રી અને પગમાં આછા વાયોલેટ શૂઝ પહેરેલી છોકરીને જોઈ ટેમુએ કાંચીડાની જેમ ડોકું હલાવ્યું.ઘડીભર એ નીનાને ઓળખી જ ન શક્યો.પછી એકદમ લાઈટ થતા એ ચમકીને બેઠો થઈ ગયો અને આનંદના ઉમળકાથી બોલી ઉઠ્યો.
નીનાએ ટેમુનો ઉમળકો જોઈ સ્મિત વેર્યું..
"સોરી યાર ટેમુ..મારા પપ્પા બહુ સ્ટ્રીક છે.તારા મેસેજ વાંચીને એ અહીં આવ્યા હતા અને પછી જે માથાકૂટ થયેલી એ પછી મારો મોબાઇલ પણ એમણે લઈ લીધો છે..યાર મોબાઇલ વગર જીવવું કેટલુ અઘરું છે ! મને ક્યાંય ચેન પડતું નથી..મારી બધી જ ફ્રેન્ડના ફોન મારા પપ્પા જ રીસીવ કરે છે.ફિલ્ટર મૂકી દીધું છે મારા ઇનકમિંગ પર યાર..આજે તો એ બહાર ગામ ગયા છે અને મમ્મી પણ ક્યાંક ગઈ છે એટલે તકનો લાભ લઇ હું તને મળવા આવી ગઈ યાર..કેટલી ગરમી છે ! તું મને અંદર તો લે.." નયનાએ હાથ લાંબા ટૂંકા કરતા દુકાનની બંને બાજુ બજારમાં જોઈને ટેમુને કહ્યું.
"અરે હું તો તને અંદર આવવાનું કહેતા જ ભૂલી ગયો..લાવ તારો હાથ આપ..કાઉન્ટર કૂદીને આવી જા.."કહી ટેમુએ નીનાનો હાથ પકડ્યો.
"જોજે યાર તે દિવસની જેમ મને તારી ઉપર પાડતો નહીં હો.." કહી નીના હસી..
"અરે પડી જઈએ તો પણ તને નહીં વાગવા દઉં.. પ્રોમીસ યાર, ચલ આવ.." કહી ટેમુએ નીનાને કાઉન્ટર પર ચડાવીને હળવેથી દુકાનમાં ઉતારી..
ઘરની ઓસરીમાં ખાટલો નાખીને સુતેલા મીઠાલાલે આંખ ખોલી તો ઓસરીમાં પડતા દુકાનના બારણામાંથી કાઉન્ટર પરથી કોઈ રૂપાળી છોકરીને દુકાનમાં ઉતારતો ટેમુ દેખાયો.
"આ મારો બેટો ભૂખ ભેગા કરવાનો થ્યો સ.." એમ બબડીને મીઠાલાલ ખાટલામાંથી બેઠો થયો..!

(ક્રમશ :)