MOJISTAN - 38 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોજીસ્તાન - 38

મોજીસ્તાન (38)
તભાભાભા ઘેર આવીને ચૂપચાપ અંદરના ઓરડામાં જતા રહ્યાં. આજે થયેલું અપમાન એમને હાડોહાડ લાગી ગયું હતું.ગોરાણી સમજ્યા કે શરીરમાં મજા જેવું નહીં હોય, એટલે એ તરત જ. પાછળ પૂછપરછ કરવા આવ્યા..

"તે હેં હું શું કવ સુ..? કેમ તમે સુનમુન થઈ ને ઘરમાં ગરી જ્યા છો ? મજા નથી કે શું ? તો દાગતરને ફોન કરવો છે ? બાબાને બોલાવવા મોકલવો છે ?"

"તમેં અત્યારે મને કંઈ પૂછોમાં.આ ગામનું હવે શું કરવું એ મારે વિચારવું પડશે.તમેં ના ન પાડી હોત તો તો ક્યારનું બાળીને ભસ્મ કરી નાખત, પણ રવજીની વહુ છાશ આપી જાય છે એટલે શું થાય ! મારા હાથ તમે બાંધી લીધા ગોરાણી, નહિતર આજ હું ધનોત પનોત કાઢી નાખેત..જાવ જાવ તમારું કામ કરો.મને શાંતિથી વિચારવા દો.." કહી તભાભાભા આંખ મીંચી ગયા.

"સનેપાત ઉપડ્યો લાગે છે.આ ગામ તો કેટલું સારું છે.માણસોય બચાડા માયાળુ છે.કોણ જાણે આમને શું ઘા વાગતા હશે. લાવ બાબાને ડૉક્ટર પાસે મોકલું.ઘેનનું ઇન્જેક્શન મારી દે તો શાંતિથી સુઈ જાય અને કારણ વગરના વિચાર નો કરે." એમ વિચારીને ગોરાણીએ બાબાને બોલાવ્યો..

"બટા, જા ને જરીક સરકારી દવાખાને જઈને દાગતરને બોલાવી લાવ્યને..! તારા પિતાજીની તબિયત પાછી બગડી છે.એમને સનેપાત ઉપડેલો છે.."

બાબાને ડો.લાભુ રામાણી સાથે થયેલો અનુભવ યાદ આવ્યો. પોતાને હડધૂત કરી નાખનાર એ ડોકટર પ્રત્યે બાબાને ભારે નફરત હતી.એટલે એ ઉભો થઈને અંદર આવ્યો.

"શું થાય છે પિતાજી ? ડોકટર બોલાવવો પડશે ? બહુ મોટો સનેપાત થયો છે ?" કહી એણે ભાભાના કપાળે હાથ મુક્યો.

ભાભાએ આંખ ખોલી.એમની આંખોમાંથી આંસુ વહેતા હતા.એ જોઈ બાબો એમની બાજુમાં જ બેસી ગયો.

"પિતાજી તમે રડો છો ? એટલું બધું દુઃખે છે ? છાતીમાં ભીંસ થાય છે ? હુમલો તો નથી આવ્યો ને ? જીવી તો જશોને ? લ્યો હું નોટ પેન લઈ આવું. આપણી મૂડી અને મિલકત કેટલી છે..કોની કોની પાસેથી લેવાના છે એ લખાવી દ્યો.."

બાબાના વચનો સાંભળીને ભાભા ભડકયા.

"અલ્યા મૂર્ખ, મને કંઈ થયું નથી..
હુમલા તો ઘણાયને આવશે. તારો આ બાપ એમ મરે એમ નથી.તું જા અહીંથી." કહી ભાભા પડખું ફરી ગયા.

"નક્કી કંઈક થયું લાગે છે, નકર આમ નો કરે કોય દી.. તું જા ઝટ દાગતરને બોલાવી લાવ્ય.દાગતર નો આવી શકે એમ હોય તો દવા લેતો આવજે.દાગતરને કેજે કે આંખ્યું મીંચીને પડ્યા છે અને બબડાટ કરે છે.ઘેનની ગોળીયું દે તો ખવડાવીને ઘોંટાડી દેવા છે."
ગોરાણીએ ભાભાનો રોગ પારખ્યો હતો.

બાબો તરત જ ઉપડ્યો સરકારી દવાખાને ! હબાની દુકાન પાસેથી નીકળ્યો ત્યારે ચંચો ત્યાં બેઠો હતો.એની સાઇકલ દિવાલના ટેકે પડી હતી.

બાબાએ એ સાઈકલ લઈ જવાનું વિચાર્યું.ચંચાને પૂછવાની એને જરૂર નહોતી.

"એ..એ..બાબાકાકા મારી સાઈકલ ચ્યાં ઉપાડી ? મારે સરપંચની વાડીએ જાવું સે." કહી ચંચો ઉભો થયો.

"તું ઘડીક બેહ, હું દાગતરને બોલાવવા જાવ છું. ભાભાને કંઈક થઈ ગયું છે હમણે આવું પાછો " કહી બાબો સાઈકલ હંકારી ગયો.

બાબાએ લાંબા પાંયસાવાળું પાટલુન પહેર્યું હતું અને ચંચાની સાઈકલને ચેઈનકવર ન્હોતું. બાબાએ બે પેડલ માર્યા કે તરત જ એનું પેન્ટ ચેઇનચક્રમાં ફસાયું !

બાબો એકબાજુ નમ્યો.પોતાનું નવું પાટલુન ચેઈનની મેલીદાટ મળી સાથે રગડાતું જોઈ એને ગુસ્સો આવ્યો.જેવો એ નીચે ઉતરવા ગયો એ સાથે જ એનો એક પગ ચેઈનચક્ર સાથે ખેંચાયો.

બાબો ગડથોલીયું ખાઈને પડ્યો અને સાઈકલ એના પગ પર પડી.
એ દ્રશ્ય જોઈ હબાની દુકાનના બારણામાં બેઠેલો ચંચો હસ્યો..

"લે લેતો જા, તારી જાતના બાબલા તું ઈ જ લાગનો સો.."

હબાએ પણ ઉભા થઈને ડોકું દુકાનની બહાર કાઢ્યું.બજારમાં પડેલા બાબાને જોઈ એણે ચંચાને તાળી આપી.

નગીનદાસ કંઈક કામ હોવાથી બહાર નીકળ્યો હતો.હબા અને ચંચાને તાળીઓ પાડીને હસતા જોઈ એણે બજારમાં જોયું..

"અલ્યા..દોડજો, બાબાકાકા પડી જ્યા."કહી એ એકલો દોડ્યો. બજારે જતા એક બે જણ પણ ઉભા રહ્યા.

નગીનદાસે સાઈકલ ઊંચી કરી પણ બાબાનું પાટલુન સલવાયું હતું.

"મારું પેન્ટ ચેનમાં આવી ગ્યું છે, નગીનદાસ.આ નાલાયક ચંચીયાની સાઈકલે દગો દીધેલ છે.." બાબો બેઠો થઈને ચંચા સામે ડોળા કાઢતો હતો.

નગીનદાસે પેડલ પાછું ફેરવીને બાબાના પેન્ટનું પાંયસુ ચેઈનમાંથી
કાઢ્યું.ચેઈનચક્રના દાંતાએ પેન્ટના પાંયસામાં કાણા પાડી દીધા હતા.
અને બાબો બજારમાં પડ્યો હોવાથી એના કપડાં પણ ધૂળવાળા થયા હતા.

"એકકોરનું પાંયસુ ઢીંસણ હુંધી સડાવી દેવાય.નકર સેનમાં આવી જાય..આવી સેનકવર વગરની સાયકલું લયને નીહરો તો આમ જ થાયને.હું બે મયના મોર્ય મારી સાયકલ લયને ઠેઠ બરવાળે જ્યોતો તોય વાંધો નોતો આયો બોલો.."બજારે ઉભેલો પરસોત્તમ પોતાનો અનુભવ જણાવીને ચાલતો થયો.

બાબાએ ઉભા થઈને ધુળ ખંખેરીને એકબાજુનું પાંયસુ ગોઠણ સુધી ચડાવ્યું.નગીનદાસે સાઈકલ ઉભી કરીને બાબાને આપી.બાબાએ ફરીવાર સાઇકલ પર આરૂઢ થઈ પેડલ માર્યું.પણ સાઈકલનું હેન્ડલ વળી ગયેલું હોવાથી ગતિમાં આવેલી સાઈકલ સીધી જવાને બદલે પેલા બરવાળે જઈ આવેલા સલાહકાર પરસોત્તમના બે પગ વચ્ચે ઘુસી.

"અલ્યા અલ્યા..ઝાલજો.આ સાઇકલ મારા કહ્યામાં નથી.." બાબાએ રાડ પાડી.

પરસોત્તમની પાછળથી બે પગ વચ્ચે સાઇકલનું પૈડું ઘુસ્યુ એટલે એને પણ ધક્કો લાગ્યો.પરસોત્તમ બટકો પણ હાડબળુકો હતો. પહોળા પાંયસાવાળા લેંઘા પર એણે લાંબુ પહેરણ પહેર્યું હતું. જેના ઉપરના ચાર બટન ઘણા સમય પહેલા પહોળા પડી ગયેલા ગાજ સાથે નહીં ફાવવાથી
પહેરણને છોડી ગયેલા. એનું જોઈને નીચેના બે બટન પણ 'અમારે એકલાને શું છે !' એવું બહાનું કાઢીને તૂટી ગયેલા. એટલે પરસોત્તમના શરીર પર પહેરણને પહેરેલું રાખવાની જવાબદારી વચ્ચેના બે બટન પર આવી પડેલી. એ બે બટન પણ આવો કોઈ મોકો મળે એની રાહ જોઈને પરાણે ગાજમાં ગરીને ટીંગાઈ રહેલા.

સાઈકલનું વહીલ પાછળથી બે પગ વચ્ચે ઘુસ્યું એટલે પરસોત્તમનો એ બુશકોટ ખેંચાયો.
ઘણા સમયથી એ પરસોત્તમની સેવામાં હોવાથી એ પણ થાકયો હતો. કારણ કે પરસોત્તમ એને ક્યારેય કાઢતો જ નહોતો.છેલ્લે બે મહિના પહેલા કોકની વાડીએ મોટર ચાલુ હતી ત્યારે પરષોત્તમને નાહવાનું મન થયેલું એ વખતે આ પહેરણને પલળવા મળેલું.બસ તે દિવસની ઘડી ને આજ નો દિવસ.
સાવ જળાઈને ઝીર્ણ થઈ ગયેલો એ બુશકોટ ચ..ર..ર..ર અવાજ સાથે પાછળથી જ ફાટી પડ્યો અને એ અવાજ સાંભળતાની સાથે જ પેલા બેઉ બટને પોતાની નોકરીમાંથી રાજીનામુ આપી દીધું.
હવે આગળથી ખુલી ગયેલો અને પાછળથી ફાટી પડેલો એનો 'બુશકોટ' બને ખભામાં ચીંથરાની જેમ લબડી રહ્યો હતો.

પોતાનો પ્રિય 'બુશકોટ' ફાટ્યો અને બે પગ વચ્ચે ગારાવાળું સાઈકલનું પૈડું ન વાગવાની જગ્યાએ વાગ્યું હોવાથી પરસોત્તમનો પિત્તો ગયો.પૈડાં સહિત એ અવળું ફર્યો એટલે સાઇકલ સહિત બાબો ફરી ધરાશાહી થયો.પરસોત્તમે વાંકા વળીને સાઇકલ પર પડેલા બાબાને બે અડબોથ મારી લીધી. અને સાઇકલ ઊંચકીને ઘા કર્યો.

"તારી જાતના બાબલા, નો હાંકતા આવડતું હોય તો શીદને સાયકલું લય લયને હાલી નિકળો છો. મારો નવો નક્કોર બુશકોટ ફાડી નાખ્યો. મારે નયાં પેલો સોકરો થ્યો ઈ વખતે મારા હાહરાએ લઈ દીધોતો..હાલ્ય અતારે ને અતારે નવો બુશકોટ લેવાના પૈસા દે.." કહી પરસોત્તમે બાબાનો કાંઠલો પકડીને એને ઉભો કર્યો.

બાબો પણ બળુકો હતો.પણ પોતાની ભૂલ હોવાથી અને પરસોત્તમેં બે લાફા મારી લીધી હોવાથી એના કાનમાં તમરાં બોલતા હતા..!

"અલ્યા પશવાભઈ, મારી ભૂલ થઈ ગઈ.. મેં કંઈ જાણી જોઈને તમારા બે પગ વચ્ચે પૈડું નથી પેહાડી દીધું.આ સાઇકલ ઓલ્યા ચંચિયાની છે.એનું હેન્ડલ વળી ગ્યુંતું.મારો કંઈ વાંક નથી.જોવો આ આયો.." કહી બાબાએ ચંચા તરફ આંગળી ચીંધી.

પરસોત્તમે સાઈકલનો ઘા કર્યો એટલે ચંચો હબાની દુકાનમાંથી દોડીને આવ્યો હતો.એની પાછળ હબો પણ આવવા માંગતો હતો પણ ભૂતકાળના બાબા સાથેના ખરાબ અનુભવ યાદ આવતા એ દુકાનની બહાર નીકળીને દૂરથી જ મામલો જોઈ લેવાનું મન બનાવીને ઉભો હતો. નગીનદાસ પણ બાબાને બચાવવા પાછો વળ્યો હતો.અને બીજા બે ચાર જણ પણ ભેગા થઈ ગયા હતા.

"ચીમ અલ્યા આવા પંખા વગરની અને વાંકા હેન્ડલવાળી સાયકલ રાખશ.તારી સાઈકલને લીધે મારો બુશકોટ ફાટ્યો, આ નવો ને નવો લેંઘો મેલો થયો અને બે પગ વસાળે વાગ્યું.હાલ્ય આમ બુશકોટના પૈસા દે." પરસોત્તમેં પોતાનો મેલોદાટ લેંઘો બતાવીને ચંચાને પકડ્યો.

"પણ ઇમાં મારો શું વાંક સે ? મેં કીધુતું કે મારી સાયકલ મોર્ય મોર્ય હાલવાનું ? જરીક સાઈડમાં હાલ્યો હોત તો વાંધો નો આવેત. મેં ના પાડી તોય આ બાબાકાકા
મારી સાયકલ લઈને હાલતા થઈ જ્યા." ચંચાએ પોતાનો બચાવ કર્યો.

"પણ તું ચેનકવર વગરની સાયકલ રાખશ સુ લેવા ? ઈને કારણે જ બાબાકાકા પડ્યાને ? બાબાકાકા પડ્યા અટલે આ પશવો ઉભો રીયો ને ? અને પશવો ઉભો રીયો અટલે મોર્ય મોર્ય હાલ્યોને ? તારી સાઈકલનું હેન્ડલ વળી ગ્યું અટલે પશવાની વાંહે ગરી ગ્યું ને ? આમાં
તારો જ વાંક કેવાય હમજ્યો ?"

નગીનદાસે કોઈની રાહ જોયા વગર જજ બનીને ચુકાદો આપી દીધો.અને પરસોત્તમને ચંચા પર પગલાં લેવા હુકમ કર્યો, " જો ભાઈ પરસોતમ, બાબકાકા તો બામણ કેવાય.ઈમને ગામમાં બધાની સાયકલ લેવાની છૂટ સે કે નય ? પણ આપડે સાયકલ સારી આપવી જોવે ને ? આ તો તારી જેવા મજબૂત માણસની વાંહે ગરી અટલે બવ વાંધી નો આયો..
કોક હલપાંખડી જેવા માણહ વાંહે ગરી ગઈ હોય તો છો મહિનાનો ખાટલો આવે કે બીજું કાંય.."

"હા હા, નગીનભયની વાત બરોબર સે.આ તો બાબાકાકા હતા બાકી બીજું કોક હાંકે તોય આ સાયકલને ચેન ઉપર પંખો જ નથી.ગમે ઈનું પેન્ટ સાવી નાખે.
આ બાબકાકાનું પેન્ટય જોવોને કેવા કાણાં પડી જ્યા સ." બજારે ઉભેલા લોકોમાંથી એક જણે નગીનના ચુકાદાને વ્યાજબી ઠેરવ્યો.

"પણ મેં ચ્યાં માસીના હમ દયન કીધુતું કે મારી સાયકલ લય જાવ.
મેં ના ગુડીતી તોય પરાણે લયને હાલતો થીયો.એક તો મારી સાયકલનો ઘા કરી દીધો સે ને પાસો બુશકોટના પૈસા મારે દેવાના ઈમ ? મેં ચ્યાં એક્સિડન કર્યું સે.
મારી સાયકલ રીપેર કરવાનો ખરસો દેવાને બદલે હામાં પૈસા શેનો માગસ..?" ચંચો ગુસ્સે થઈ ગયો.

"પશવા તેં હમજયા વગર મને બે લાફા માર્યા ઈનું શું ? બામણના દીકરા ઉપર હાથ ઉપડવાનું પાપ કેવડું છે ઈ ખબર્ય છે ? તારા સાત ભવના પુન તો બળી જ્યા.હવે ભાભાને ખબર પડશે તો તારું શુ થશે ? ભાભા બીમાર હોવાથી હું આ ડફોળની સાઈકલ લઈને ઝટ ડોક્ટરને બોલાવવા જતોતો.ઈમાં તેં મને લાફો મારીને પાડી દીધો. હવે તારા પાપનો ઘડો ભરાઈ રહ્યો છે.તું આવતા ભવમાં પાડો થાવાનો છો એ નક્કી છે.." બાબાએ પોતાનું બ્રહ્મશસ્ત્ર કાઢ્યું.

બાબાની વાત સાંભળી પરસોત્તમ વિચારમાં પડ્યો.એ જોઈ નગીનદાસ તરત બોલ્યો, "બામણ
તો પૂજવા લાયક કેવાય.ઈને બડલે ઇમની ઉપર હાથ ઉપાડ્યો.
આ બધા સાક્ષી છે.તખુભાને ખબર પડશે તો પશવા,તારો બુશકોટ તો ફાટી જ્યો સે પણ તારું પાટલુન હોતે જોખમમાં આવી જાશે.તખુભા તો તભાભાની પૂજા કરે છે પૂજા, પશવા તું તો જીયો.."

પશવાના પસ્તાવાનો પાર રહ્યો નહીં. ચંચો એની દૂર ગટરમાં પડેલી સાઇકલ ઉઠાવી રહ્યો હતો.
બાબો કપડાં ખંખેરતો હતો.

"બાબાકાકા, તમે એકદમ વાંહેથી સાયકલનું પૈડું આવવા દીધું અટલે હું જરીક ખીજય જ્યોતો.હાલો હવે જે થીયું ઈ.."
કહી એ ચંચા તરફ ચાલ્યો.

સાઇકલ ઉઠાવી રહેલા ચંચાને પરસોત્તમે પકડ્યો.

"બુશકોટના પૈસા તારે જ દેવા પડહે, કારણ કે સાયકલ તારી હતી.હું બીજું કાંઈ નો જાણું. લાવ્ય હાલ્ય પાનસો રૂપિયા."

"અલ્યા ભઈ, સાયકલ મારી હતી પણ હું હાંકતો ન્હોતો.હું તો હબાની દુકાને બેઠોતો.આમાં હું શીનો પાનસો દવ ?"

"આમ જોવા જાવ તો આમાં હબાનોય વાંક તો ગણાય, કારણ કે ઈની દુકાને આ ચંચીયું બેઠુંતું. જો હબલાએ ઈને ન્યા બેહવા નો દીધો હોત તો બાબાકાકાને સાયકલ મળી નો હોત, ને તો બાબોકાકો સાયકલ લય નો હકત, ને તો ઇમનું પાટલુન સેનમાં આવી નો જાત,ને તો આ પશવોભઈ સલાહ દેવા ઉભો નો રે'ત, ને તો આ પશવાની વાંહે સાયકલનું પૈડું ગરી નો ગીયું હોત, અટલે મારુ કેવાનું ઈમ સે કે આ બધું થીંયુ ઈમાં મૂળ વાંક હબલાનો સે.અટલે પરસોત્તમ તું એકલા ચંચીયાને પકડયમાં. હારે હારે હબલાનેય પકડ્ય." નગીનદાસે ચુકાદામાં ફેરફાર કરીને એક કાંકરે બે પક્ષી મારવાનું નક્કી કર્યું.

"હા હા નગીનભાય બરોબર કે સે.હાલો અલ્યા હબલાની દુકાને."
ભેગા થયેલા ટોળામાંથી એક જણે કહ્યું.

પરસોત્તમને પોતાનું મગજ તો બહુ હતું નહીં.એટલે નગીનદાસ જે ચુકાદો આપે એ બરાબર જ હોય એમ માનીને ચંચાનો કાંઠલો પકડીને એણે હબાની દુકાન બાજુ ચાલવા માંડ્યું. નગીનદાસ એક કાંકરે બે પક્ષી મારવાનો પોતાનો દાવ સફળ થતો જોઈને મૂછમાં હસ્યો.

બાબો આ બધી માથાકુટમાં પડવા માંગતો ન્હોતો એટલે એણે કહ્યું, "નગીનદાસ, તમે મામલો પતાવી નાખજો મારે દવાખાને જવું પડે એમ છે.કારણ કે જો ભાભાને કંઈ થઈ જશે તો ગામ ઉપર આફત આવી પડશે."

"હા હા તમે જાવ, આમાં તમારો કોઈ જ વાંક નથી.તમતમારે ઉપડો. આ પશવાભઈ પોતાના પે'રણનો હિસાબ લીધા વગર રેવાનો નથી.હાલો અલ્યા." નગીનદાસે બાબાને છુટ્ટો કરી દીધો.જેનો વાંક હતો એ બાબો તો જાણે કંઈ બન્યું જ નથી એમ ધૂળ ખંખેરીને ચાલતો થયો.

બાબો હાથ ઉલાળતો દવાખાને ઉપડ્યો.નગીનદાસ ચંચિયાનો વરઘોડો લઈને હબાની દુકાને આવ્યો.

"અલ્યા એય હબલા, તારે લીધે મારો બુશકોટ ફાટ્યો સે.ટોટલ પાનસો દેવાના સે.અઢીસો તું દે અને અઢીસો આ ચંચીયાને દેવા પડસે"
હબો, પરસોત્તમની વાત સાંભળીને ચમક્યો."અલ્યા આમાં મારો વાંક શેનો ? મારે દુકાન ખોલીને બેહવું નઈ ? દુકાન ઉઘાડી હોય તો ગમે ઈ આવીને બેહે.સાયકલય લાવે ને ઘોડુંય લાવે.મારે કોઈને ના થોડી પડાય સે કે સુ કામ સાયકલ લાયો ? બાબલો સાયકલ લયને હાલતો થય જ્યો અને તારા ટાંગામાં ભરાવી દીધી.મહોતામાંય નો હાલે એવા તારા હડી ગયેલા ગાભા જેવા બુશકોટના પાંસ રૂપિયાય કોય નો દે.હાલી સુ નીકળ્યો સો."
હબો અંદરથી હલી ગયો હતો.

"પરસોત્તમભાઈ, આ તો હદ થઈ કેવાય.બીજું બધું માય ગિયું પણ તમારા બુશકોટને હબાએ મહોતુ કીધું.અને પાસો હડી ગયેલો ગાભો કીધો. આ તો તમે હાંભળી લીધું બાકી મને આવું કીધું હોય તો તો હું જીભ જ ખેંહી લવ હો.
વળી તમારા હાહરાએ આપેલો બુશકોટ હતો.અટલે તમારા હાહરાને હોતે ગાળ દીધી કેવાય.
મારા હાહરાને કોય ગાળ દે ને તો હું ઈના મોઢામાં એકેય દાંત નો રેવા દવ. કારણ કે ઈમણે ઈમના કાળજાના કટકા જેવી દીકરી આપડને દય દીધી છે. નકર આપડું શું થાત ! અટલે પશવા હાહરાને તો ગાળ પડવા જ નો દેવાય !..બવ કરી ભાય આ હબાએ તો.." નગીનદાસે પરસોત્તમનો ઉશ્કેર્યો.

"હેં...? મારા હાહરાને ગાળ દીધી ? હવે હું નય મુકું.તારી જાતના હબલા તું હમજશ શુ તારા મનમાં." એમ કહી અડબુથ પરસોત્તમે હબાનો કાંઠલો પકડીને એક અડબોથ મારી દીધી.

હબો પણ પાછો પડે એમ ન્હોતો.પશવાના પેટમાં એણે જોરથી મુક્કો માર્યો.પશવાએ તરત જ એક પાટુ માર્યું.હબાએ પણ પશવાના મોં પર કચકચાવીને એક મુક્કો ઠોકી લીધો.

પશવો અને હબો બથોબથ આવ્યા.હબાને બથ ભરીને પશવાએ હબના પગમાં આંટી મારીને દુકાનના બારણાંમાં પાડી દીધો.હબાએ હાથ લાંબો કરીને ત્રાજવામાં પડેલું વજનીયુ લઈને પશવાના માથામાં ઝીકયું.

ચંચો આ લડાઈ જોઈને પોતાની સાયકલ લઈને ભાગ્યો.એને ભાગતો જોઈ નગીનદાસે ટોળાને ઉશ્કેર્યું, "જોવો જોવો અલ્યા આ મારો બેટો ભાગે છે.પકડો એને. પંખા વગરની સાયકલું લઈને કોકને બઝાડવાના ધંધા કરે સે. અને હવે ભાગે સે.."

ભેગા થયેલા લોકોએ ચંચાને બોચીમાંથી ઝાલ્યો.નગીનદાસે પણ મોકો પારખીને ચંચાને બે ચાર ઝાપટ મારી લીધી.

દુકાનમાં પશવા અને હબા વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળ્યું હતું.બેઉએ એકબીજાને પરાસ્ત કરવા જીવ સટોસટની બાજી ખેલી હોવાથી બેઉ લોહીલુહાણ થઈ ગયા હતા.

ચંચા અને હબાની સારીપટ ધુલાઈ થઈ ગયા પછી નગીનદાસે ફરીવાર મામલો હાથમાં લીધો. અત્યાર સુધીમાં ગામના ઘણા માણસો ભેગા થઈ ગયા હતા.

"અલ્યા આ બેયને સુટા પાડો નકર ખૂન થઈ જાશે એકાદનું.. હાલો અલ્યા આ પશવાને પકડો"

ગામના લોકોએ બેઉને છુટ્ટા પડ્યા.ચંચો ખોંગડાતો ખોંગડાતો પોતાની તૂટી ગયેલી સાયકલ લઈને માંડ ભાગ્યો.

પશવાને અને હબાને દવાખાને લઈ જવામાં આવ્યા.પણ એ વખતે ડો.લાભુ રામાણી ભાભાને ઘેર વિઝીટમાં ગયા હતા.એટલે મુખ્ય નર્સ ચંપાએ કેસ હાથમાં લીધો.મારમારી થઈ હોવાથી પોલીસકેસ કરવો જરૂરી હોઈ હુકમચંદને ફોન કરવામાં આવ્યો.
અને ટોળામાં હાજર તખુભાનો એક માણસ આ સમાચાર આપવા તખુભાની ડેલીએ દોડ્યો.
(ક્રમશ :)