MOJISTAN - 32 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 32

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 32

મોજીસ્તાન (32)

જાદવની શેરીમાં મચેલા ઉત્પાત પછી જડી અને ધુડા સાથે એની શેરીની ડોશીઓ અને બીજા બધા દવાખાને દોડી આવ્યાં હતાં. દવાખાનામાં અવ્યવસ્થા સર્જાઈ હતી.

ડો.લાભુ રામાણી, બે નર્સ અને એક કમ્પાઉન્ડર, એમ કુલ ચાર જણના સ્ટાફને ગામલોકો ઘેરી વળ્યાં હતાં. પેલા ચાર જણને ડોક્ટરે પાટાપિંડી કરી ત્યારે પણ છેક અંદર સુધી આ બધું જોવા અને જાણવા ગામલોકો ઘૂસી ગયા હતા.

સરકારી દવાખાનામાં જનરલ વોર્ડ જેવો એક હોલ હતો, જેમાં દસ બેડ હતા.
એમાંથી ચાર બેડ પર આ ચાર જણને સુવડાવ્યા હતા. જાદવાના મોંમાં ધૂળ નાખીને બાબાએ એના મોં પર ઢીકા માર્યા હોવાથી એના બે દાંત પડી ગયા હતા અને ગાલ પર સોજો આવી ગયો હતો. ખીમા અને ભીમાને ઝાડની તૂટેલી ડાળખી વડે સબોડી નાખ્યા હતા. ચંચાને ઊંચકીને થોરિયાની વાડમાં નાખી દીધો હતો. એને ઘણે ઠેકાણે કાંટા ઘૂસી ગયા હતા.
આમ જુઓ તો એકેયની સ્થિતિ ગંભીર કહી શકાય તેવી નહોતી પણ ગામમાં જે અફવા ફેલાયેલી એને કારણે ગામ આખું કામ પડતું મૂકીને દવાખાને ઉમટી પડ્યું હતું..

ડો.લાભુ રામાણીએ ભીડને કંટ્રોલ કરવા ઘણી રાડો પાડી પણ કોઈ ખસતું નહોતું. મુખ્ય નર્સ ચંપા ગોળ મોઢાવાળી, લાંબા ચોટલાવાળી, ભરાવદાર છાતીવાળી અને પતલી કમરવાળી હતી. એ અનુભવે ડોકટર જેટલું જ નોલેજ ધરાવતી થઈ ગઈ હતી.
ગામના પુરુષો જ્યારે પણ દવાખાને દવા લેવા આવે ત્યારે ચંપા પાસે જ સારવાર કરાવવાનો આગ્રહ રાખતા હતા.

જાદવને ધનુરનું ઇન્જેક્શન આપવું જરૂરી હોઈ એણે ડોકટરના ટેબલ પાછળ રહેલા ફ્રીજમાંથી ઇન્જેક્શન ભર્યું, પણ જનરલ વોર્ડમાં ટોળે વળેલા લોકો ખસતા નહોતા.

"અલા.. ભઈ તમે લોકો જરા ખસો કે નહીં..મને તો ચાલવા દો.. ઓ..ભાઈ જરા ખસને..." ટોળા પાછળ હાથમાં ઇન્જેક્શન લઈને ઊભેલી ચંપાએ એક જણનો શર્ટ ખેંચીને કહ્યું.

"અલ્યા હાલવા દ્યો..અલ્યા જગ્યા કરો." એમ કહી એ ખસ્યો. ચંપા માટે ગિરદીમાં જરાક રસ્તો થયો. ચંપા થોડી આગળ વધી કે તરત એની આસપાસ પાછા બધા ગોઠવાઈ ગયા. એ દિવસે ચંપાએ એના વાળ બાંધીને અંબોડો લીધો હતો. ઘાસની પૂળી જેવો વાળનો ગુચ્છો એના માથા પર ફેલાયેલો હતો. ચંપાની પાછળ ઊભેલા માણસોને નવા આવેલા માણસોએ જરા ધક્કો માર્યો એટલે ચંપાના વાળ તરફ એની પાછળ જ ઊભેલા એક જણનું મોં ધકેલાયું. ચંપાએ એના વાળને કોઈના નાકમાં ઘૂસવું નહીં એવી કોઈ સૂચના આપી નહોતી એટલે વાળ પેલાના નાકમાં ઘૂસ્યા...ચંપાએ નાખેલા તેલની સોડમને લઈને પેલાના નસકોરામાં સળવળાટ થયો.

''હાં.. આં... ક છી..ઈ..ઈ..ઈ..."
ચંપાની પાછળ ધક્કે ચડેલા પેલા માણસે જોરદાર છીંક ખાધી એ સાથે જ ચંપાને ધક્કો પણ લાગ્યો.
ચંપાના હાથમાં રહેલું ઇન્જેક્શન એની આગળ લાંબી ડોક કરીને જાદવ વગેરેની દશા જોઈ રહેલા લખમણના કુલ્લામાં ઘૂસી ગયું.

ઇન્જેક્શન ચંપાની બે આંગળી વચ્ચે હતું અને અંગૂઠો ઇન્જેક્શન ઉપર જ હતો. અચાનક છીંકના અવાજ સાથે લાગેલા ધક્કાને કારણે અંગૂઠાએ આજ્ઞા થાય એની રાહ જોયા વગર જ દબાણ આપી દીધું અને લખમણને ધનુરનું ઇન્જેક્શન જોરથી લાગી ગયું.

"ઓહોય...ઓહોય...અલ્યા કોણ ઘોદો મારે સે..?" કહી લખમણ તરત જ અવળું ફર્યો..એ સાથે જ લખમણના પોચા પ્રદેશમાં ખૂંપી ગયેલી સોય ઇન્જેક્શન સાથેથી છૂટી પડી ગઈ...!

"અલી અય..મને અંજીસનનો ઘોદો શું કામ માર્યો..ઓહોય... ઓહોય...." લખમણે રાડ પાડીને પાછળ હાથ મૂક્યો.

"તો છોલાવાને બધા આંય ટોળે વળ્યાં છો..ચાલો હટો બધા. પાછળથી ધક્કો લાગ્યો એટલે તમને ઇન્જેક્શન લાગી ગયું..ચાલો તમે અંદર..સોય બી હજુ અંદર ઘૂસેલી છે." ચંપાએ ખિજાઈને લખમણને ધક્કો માર્યો. એ સાથે જ ટોળામાં હસાહસ થઈ.

''અલ્યા આ નરસે લખમણીયાને અંજીસન ઠોકી દીધું.. સોય માલીપા ભાંગી ગઈ લાગે સે. ભારે કરી..." પેલા છીંક ખાનારે જાહેરાત કરી.
એ જોઈ ચંચાને તપાસી રહેલા ડો.લાભુ રામાણીનો પિત્તો ગયો.

"અલા તમે લોકો સમજો છો કે નહીં..? અહીં શુ મદારીનો ખેલ અમે માંડ્યો છે..તે તમે બધા ટોળે વળ્યાં છો..ચાલો નીકળો બધા અહીંથી.. નહીંતર હમણાં બધાને એક એક ઇન્જેક્શેન ઠોકી દઈશ.
ચાલો હટો બધા..."

ડોક્ટરની રાડ સાંભળીને ટોળું પાછળ ખસ્યું. ચંપા સાથે જાણીજોઈને કેટલાક ઘસાઈને બહાર નીકળ્યા.

"પણ મને તો અંદર લ્યો..? તમારી આ નરસે મને કારણ વગર ઘોદો મારી દીધો." પાછળ ખસતા ટોળા સાથે ખેંચાઈ રહેલા લખમણે બંને હાથ પાછળ રાખીને જોરથી કહ્યું.

"તો અહીં તારી માસી માંદી પડી છે...તે તું ખબર જોવા આવ્યો છો. સાલા નાલાયક...ચાલ આવ અંદર...કઈ જાતના લોકો છો..કંઈ ભાનબાન મળે કે નહીં." કહી ડો. લાભુ રામાણીએ લખમણને પોતાની પાછળ આવવા કહ્યું.
ચંપાએ બાકીના બધાને બહાર કાઢ્યા. એ જ વખતે હુકમચંદ, તભાભાભા અને બાબાને લઈ પોલીસપાર્ટી સાથે દવાખાને આવી પહોંચ્યા. નગીને તભાભાભાને ફોન કર્યા પછી તરત જ બધી માહિતી હુકમચંદને આપી હતી. હવે નગીન સાથે હુકમચંદે સંબંધો સુધાર્યા હતા.

*

પોચા પસાહેબની મશ્કરી કરીને બાબાએ સાહેબનો લાફો તો ખાઈ લીધો પણ એનું મોં ફરી ગયું હતું. ટેમુએ એને શાંત પાડીને પાન ખવડાવ્યું છતાં એનો મૂડ ઠેકાણે આવ્યો ન્હોતો.

જાદવની વાડીએ બનેલી ઘટના બાબાએ ટેમુને જણાવી હતી. ટેમુએ બાબાની પીઠ થાબડીને ધન્યવાદ આપ્યા હતા.
થોડીવારે બાબો એના ઘેર ગયો એટલે ટેમુ પણ દુકાન બંધ કરીને સરકારી દવાખાને ઉપડ્યો હતો.

બાબો ઘેર આવ્યો ત્યારે એનો ચહેરો જોઈ તભાભાભાને ફાળ પડી.

"બાબા..આ...આ...આ હું શું સાંભળી રહ્યો છું. તે જાદવને મારી નાખ્યો? એને સાવ પતાવી દીધો...? દીકરા પોલીસકેસ થશે તો તારે જેલમાં જવું પડશે. તારી વગર તો હું કેમ કરીને જીવીશ...તું તો અમારા બેઉનો આધાર છો દીકરા..જરાક મગજ ઉપર શાંતિ રાખીએ." તભાભાભાએ બાબાનો હાથ પકડીને એને ખાટલા પર બેસાડીને એની બાજુમાં બેઠક લેતા કહ્યું.

"પિતાજી, એ લોકોએ કાવતરું કર્યું હતું. મને પતાવી દેવાનો કારસો કર્યો હતો. મને ફોસલાવીને પેલો નીચ ચંચો, અધમ અને પાપીયા જાદવાની વાડીએ લઈ ગયો..ત્યાં બીજા બે ભૂંડ જેવા હરામી માણસો પણ હાજર હતા. જાદવો મને મારવા ઊભો થયો એટલે હું એ બધા પર તૂટી પડ્યો.
મારી મારીને ખોખરા કરી નાખ્યા. હવે એમાં કોઈ મરી ગ્યો હોય તો મને ખબર નથી. મેં તો આત્મરક્ષા માટે હુમલો કર્યો હતો."

"ઓહ એમ વાત છે ત્યારે..કોઈ વાંધો નહીં.. હણે એને હણવામાં વાંધો નહીં દીકરા..ચાલ આપણે જ પેલા પોલીસકેસ
કરી દઈશું."
તભાભાભાએ બાબાના માથે હાથ મૂક્તા કહ્યું.
એ જ વખતે હુકમચંદ બરવાળેથી આવેલી પોલીસ સાથે તભાભાભાના ઘેર આવ્યો. તભાભાભાના છેલ્લા શબ્દો સાંભળીને એ બોલ્યો,

"તમારે ઉપાધિ કરવાની જરૂર નથી તભાભાભા. મને બધી જ ખબર પડી ગઈ છે. તમે ફરિયાદ લખાવી દો એટલે આ બધા કાવતરાખોરોને સળિયા ગણતા કરી દઈએ."

બાબાએ પોતાની સાથે બનેલી વિગત લખાવી. ઇન્સ્પેકટર મોહન ચુડાસમાએ બાબાની ફરિયાદ લઈને પોતાની સાથે દવાખાને આવવા કહ્યું એટલે હુકમચંદ, તભાભાભા અને બાબો પોલીસજીપમાં ગોઠવાયા.

તભાભાભાની શેરીમાંથી એ જીપ નીકળી. પોલીસજીપમાં બાબાને અને તભાભાભાને સરપંચ સાથે બેઠેલા જોઈ ગામના લોકોના મોં પહોળા થઈ ગયા.

"બાબાને અને તભાભાભાને પોલીસ પકડી ગઈ લાગે સ.જાદવાનું ખૂન કરી નાખ્યું ઈ પાક્કું..હાલો અલ્યા દવાખાને.
બહુ મોટો ડખો થઈ ગયો સ ગામમાં..."
એક નવી અફવાએ જન્મ લીધો. જેટલાએ આ અફવા સાંભળી એ બધા દવાખાને ઉપડ્યા. સ્ત્રીઓ પણ કામ પડતું મૂકીને કદી ન જોયેલું આ કૌતુક જોવા ટોળે વળીને ઉપડી.

સરકારી દવાખાને માણસોની ભીડ જામી.
પોલીસે જે લોકો અંદર પેસી ગયા હતા એ બધા પર દંડાવાળી કરીને બધાને બહાર કાઢ્યા. પેલો લખમણ પોતાની પાછળ ઘૂસી ગયેલી સોય કઢાવીને હજી બહાર જ આવ્યો હતો. એક હાથ એણે દુઃખતા કુલ્લા પર દબાવી રાખ્યો હતો.
ત્યાં જ એક હવાલદારે એને બોચીમાંથી પકડીને બહાર તરફ ધક્કો માર્યો. દરવાજામાં સોટો લઈને ઊભેલા બીજા હવાલદારે એની દુઃખતી સીટ પર એક સોટો વાળી લીધો.

"હોય હોય બાપલીયા..મરી જિયો..રે..." એમ રાડ પાડીને લખમણ બહાર ભાગ્યો.
ભેગું થયેલું લોક સમજ્યું કે જાદવો મરી જ ગયો છે એ પાક્કું..!!

ટોળામાં આવેલા લખમણને બધા ઘેરી વળ્યાં. લખમણ જાદવની લાશ જોઈને આવ્યો છે એમ સમજીને બધા એને અવનવા સવાલો પૂછવા માંડ્યા ત્યારે લખમણીયાએ રાડ પાડીને કહ્યું,

"અલ્યા હાલી શીદને નીકળ્યા સવો..
જાદવો મરી નથી જ્યો. ઈતો મને ઓલ્યાએ સોટો ઠોકયો ઈમાં મેં રાડ પાડી.. હાલો ઘરભેગીના થાવ નકર હમણે ઓલ્યા ફરી વળશે સોટા લઈને..."
કહી લખમણ પાછળ હાથ દબાવતો ભાગ્યો.

હુકમચંદ સાથે આવેલી પોલીસપાર્ટીએ ડો. લાભુ રામાણી પાસેથી જરૂરી માહિતી લઈને જાદવ, ખીમા, ભીમા અને ચંચા વિરુદ્ધ બાબાને મારી નાખવાનું કાવતરું કરવા બદલ કેસ થયો હોવાની જાણ કરી.

ડો.લાભુ રામાણીએ દર્દીઓની તબિયત ગંભીર ન હોવાનું અને સામાન્ય ચોટ આવેલી હોવાનું જણાવ્યું એટલે પોલીસે પેલા ચારેયને હોસ્પિટલના બેડ પરથી ઉઠાવીને જીપમાં બેસાડ્યા.

તભાભાભાએ બહાર એ વખતે દોડીને ચારેયને એકએક તમાચો ઝીંક્યો.

"નીચ અને પાપીયાઓ.. તમારું નખ્ખોદ જજો. મારા દીકરાએ તમારા લોકોનું શું બગાડ્યું હતું, તે તમે એને મારી નાખવા તૈયાર થયા..? નાલાયકો તમને તો હું આજીવન કેદ પડાવીશ."
આ બધું જોઈને એકઠા થયેલા ગામલોકો ટોળે વળીને જાતજાતની વાતો કરી રહ્યા હતા. જબરો કોલાહલ મચ્યો હતો.
જાદવનું ખૂન થઈ ગયું હોવાની અને બાબાને પોલીસ પકડી ગઈ હોવાની વાતો અફવા હોવાનો લોકોને ખ્યાલ આવ્યો હતો.
તભાભાભાએ એકઠી થયેલી માનવ મેદનીને મોટા અવાજે કહેવા માંડ્યું,

"જુઓ લોકો જુઓ...આ ગામમાંથી હવે પુણ્ય પરવારી ગયું છે. ગામમાં બ્રાહ્મણના દીકરાને મારી નાખવાના કાવતરા થઈ રહ્યા છે. આ તો મારા તપના બળે મારો દીકરો આજ સાજોસમો છે...બાકી આ ચાર રાક્ષસો એનો વધ કરવા ભેગા થયા હતા. મારો દીકરો તો ભગવાન શ્રી સત્યનારાયણનો અવતાર છે. આ ઘોર કળિયુગમાં પાપીઓના નાશ કરવા માટે ખુદ ભગવાનને આવવું જ પડે છે...પણ અબુધ અને પામર મનુષ્યો ભગવાનને ઓળખી શકતા નથી. દેવયોગે
અને મારા હજારો વર્ષના તપના કારણે બ્રહ્માજીએ મને વરદાન આપેલું છે. એ મુજબ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ મારે ત્યાં અવતારી થયા છે. આ ગામની ધરતીને પણ પાવન કરી છે. એકલે હાથે એમણે આ ચાર દુષ્ટોને ધૂળ ચાટતા કરી નાખ્યા છે. બોલો બાબા ભગવાનનો જય... શ્રી સત્યનારાયણ ભગવાનની જય..."

ટોળું પણ ભાભાની વાત સાંભળીને ભાવવિભોર થયું પણ ભાભાની વાત લોકોના ગળે જલદી ઉતરતી ન્હોતી.
હજારો વર્ષના તપની વાત સાંભળીને કેટલાંક હસ્યાં...કોઈએ બાબા ભગવાનની જય તો ન બોલાવી પણ કેટલાકે સત્યનારાયણ ભગવાનની જય બોલાવી એટલે તભાભાભાનું માન રહી ગયું.

એ વખતે ધુડા સાથે જડી અને જડીની પાછળ પેલી ડોશીઓ અને એની શેરીના માણસોનું ટોળું પણ દવાખાને પહોંચ્યું.
દૂરથી એ લોકોએ તભાભાભાનું ભાષણ સાંભળ્યું હતું. જડી સાથે આવેલી ડોશીઓ આગળ વધીને તભાભાભા અને બાબાને પગે લાગવા લાગી. એ જોઈ તભાભાભા સૌને આશીર્વાદ આપવા લાગ્યા.

*

"મામલો બહુ ગંભીર છે. અમારા ગામના ગોરબાપાના દીકરાને મારી નાખવાનું કાવતરું કર્યું હતું આ લોકોએ...
ઇન્સ્પેકટર સાહેબ, આ ગુંડા તત્વોને મોટામાં મોટી સજા થવી જોઈએ. આ પહેલા પણ આ જાદવ નામનો જે માણસ છે એણે આ બાબાની પાછળ દોડીને એને બીવડાવ્યો હતો. આ વખતે વાડીએ બોલાવીને મારી નાખવાનું કાવતરું કર્યું પણ અમારો બાબો બળુકો નીકળ્યો. તે સાલાઓને ઢીબી નાખ્યા. આમની સારવાર થઈ ગઈ છે એટલે તરત ધરપકડ કરીને નાખો જેલમાં. મને લાગે છે કે આ લોકોની પાછળ કોઈ બીજાનું દિમાગ પણ હોવું જોઈએ. તમે આ લોકોના રિમાન્ડ લો એટલે અસલ કાવતરું કોના ભેજાની પેદાશ છે ઈ જાણવા મળશે. મારા ગામમાં આવા તત્વો છે એને મારે ઓળખીને ઉઘાડા પાડવા જરૂરી છે, સમજ્યા ચુડાસમા સાહેબ...! તમારું થઈ રહેશે પણ આ લોકોના કુલ્લા તોડવાના છે ઈ પાક્કું..." હુકમચંદ સરપંચે પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું.
હુકમચંદ તખુભાનો વિરોધી હતો. બાબાએ જે ધમાચકરડી મચાવી એને કારણે તખુભાના ખાસ માણસોને ઝપટમાં લેવાની એને તક મળી ગઈ હતી.

"અમને જાવા દ્યો ભાયસાબ. અમે કંઈ મારી નાખવાનું કાવતરું નહોતું કર્યું.
અમથી મારામારી થઈ'તી. સામુકના ઈ બાબલાએ અમને ધોકાવી નાખ્યા સ..બે હાથ જોડીન માફી માગવી સવી...
મે'રબાની કરો હકમસંદજી...તમે જીમ કયો ઈમ કરવા અમે તિયાર સવી." જાદવાએ બોખા મોંએ કરગરવા માંડ્યું.

"ના ના..જાદવા..તું હવે જોઈ લેજે...
અલ્યા ચંચીયા તારી હમણે કવ ઈ તું નયાં શું સોલાવતો'તો..?" હુકમચંદે ચંચાને કહ્યું.

"સર્પસ શાબ..હું તો ખાલી બાબાકાકા હાર્યે જીયો'તો.. આ બધાની ભેગો મનેય મારવા મંડ્યા. હું તો તમારો ખાસ માણસ છવ..મને તો સોડાવો..." ચંચાએ રડવા જેવો થઈ કહ્યું.

પણ હુકમચંદે કોઈને ન છોડાવ્યા.
પોલીસે એ ચારેયને બરવાળા લઈ જઈ કસ્ટડીમાં નાખ્યા.
તખુભાએ દવાખાનેથી પોતાના ઘેર જતું રહેવામાં જ શાણપણ જાણ્યું હતું. આ આખો મામલો હવે થાળે પાડવાની જવાબદારી એમની પર આવી હતી.
કારણ કે જો કેસ થાય તો એમને જુબાની આપવા જવું જ પડે. મારપીટ પછી તખુભા જ આ ટોળકીને દવાખાને લઈ આવ્યા હતા. જો જાદવો આ કામ તખુભાએ કરાવ્યું હોવાનું કહે તો પોતાને પણ તકલીફ પડે એ પણ તખુભા જાણતા હતા. હુકમચંદ જાદવાને સમજાવીને તખુભાને આ કેસમાં સંડોવવા માટે રૂપિયા પણ વાપરે એમ હતો.

(ક્રમશ:)