MOJISTAN - 31 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 31

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મોજીસ્તાન - 31

મોજીસ્તાન (31)

બાબો ઘેર આવ્યો ત્યારે ખૂબ ગુસ્સામાં હતો. જાદવની ટોળકીને માર મારતી વખતે એણે બુલેટનો અવાજ સાંભળ્યો હતો. બાબો તરત સમજી ગયો કે તખુભા આવી રહ્યા છે. જાદવ તખુભાનો ખાસ માણસ હતો એ પણ બાબો બરાબર જાણતો હતો. એટલે તરત જ એ કપાસના પાકમાં ઘૂસીને નાસી આવ્યો હતો, છતાં એની દાઝ હજી ઉતરી નહોતી.

"તખુભા નો આવ્યા હોત તો સાલાઓને જીવતા ન છોડત. મને મારવાના કાવતરા કરે છે! અરે તમે ચાર હતા..પણ ચાલીસ હોવ તોય હું પોગી જાઉં એવો છું એ તમે હજી જાણતા નથી.. મારા આ બાહુઓમાં એક હજાર હાથીનું બળ છે..એક પાટુ મારુ તો આ પૃથ્વીને ધ્રૂજાવી નાખું. જાદવા તું હજી મને જાણતો નથી.. અને ચંચીયા તું હવે ક્યાં જવાનો છો...
સાલ્લા બે કોડીના નીચ મનુષ્ય..તારા રાઈ રાઈ જેવડા ટુકડા કરીને હું ભોંયમાં ભંડારી દઈશ.. અને ભીમલા અને ખીમલા..કૂતરાઓ..નહીં નહીં...
ભૂંડણીની ઓલાદો.. કીચડમાં વસતા કીડાઓ.. નીચ અને અધમ પાપ આચરનાર પાપીયાઓ... હું તમારો સર્વનાશ કરી નાખીશ..હું કોણ..હું કોણ..સાક્ષાત દુર્વાસાનો અવતાર છું. મારા ક્રોધથી તમે બળીને ભષ્મ થઈ જશો..." બાબો જાદવની વાડીએથી ગામમાં આવ્યો ત્યાં સુધી આમ બબડતો હતો.

એનો ચહેરો હજી લાલચોળ હતો.
એકાએક એને પોતાનો ખાસ દોસ્ત ટેમુ યાદ આવ્યો. બાબાએ તરત જ ટેમુની દુકાનનો રસ્તો લીધો.

ટેમુની દુકાન સુપર સ્ટોર જેવી હતી.
ગામડામાં દરેક વેપારી બધી જ ચીજો રાખતા હોય છે. ટાઢિયો ટેમુ હવે ઘણો સુધર્યો હતો પણ ક્યારેક કોઈ બહુ ઉતાવળ કરે તો જાણી જોઈને એ પોતાના મૂળ સ્વભાવ પર આવીને પેલા ગ્રાહકનો સમય ખાવા લાગી જતો.
ટેમુની સિસ્ટમ એવી હતી કે એ ગ્રાહક પાસેથી પૈસા પહેલા લઈ લેતો અને વસ્તુ પોતાની રીતે સાવ શાંતિથી આપતો એટલે પેલો ગ્રાહક ગમે તેટલી ઉતાવળ હોય તો પણ છટકી શકતો નહીં.. ગરોળીના મોંમાં ઝડપાયેલું ફુદુ છૂટવા તરફડીયા મારે એમ એ ગ્રાહક ટેમુની ટાઢાશમાં અકળાઈ જતો.

બાબો આવ્યો ત્યારે ટેમુએ આવો જ એક ગ્રાહક પકડ્યો હતો.
એ હતા પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ પો.ચો.પટકીયા..!
એમનું આખું નામ તો પોપટલાલ ચોલાભાઈ પટકીયા..તેઓ ત્રણ અક્ષરની સહી કરતા.'પો.ચો.પ.' એટલે ગામના લોકો એમને પોચા પ તરીકે ઓળખાતા. આપણે પણ હવે આપણી વાર્તામાં પ્રવેશેલા પો.ચો.પટકીયા સાહેબને પોચા પ સાહેબ તરીકે જ ઓળખીશું.

થોડું એમના વિશે જાણી લઈએ.

પોચા પસાહેબ હજી છ મહિના પહેલા જ આચાર્ય થયા હતા. એ પહેલાં તેઓ હિન્દી વિષય ભણાવતા શિક્ષક હતા. એકસો વીસ નંબરની સુગંધી તમાકુના પાનના તેઓ ખૂબ શોખીન હતા. બ્રિસ્ટોલ સિગારેટ એમની ફેવરિટ હતી.
એમના મોંમાં એકસો વીસનું પાન સતત ચવાતું રહેતું. એક પાન પૂરું થાય કે તરત એમના ખિસ્સામાં પડેલી પાનથી ભરેલી ડબ્બીમાંથી બીજું પાન નીકળીને એમના ગલોફામાં ગોઠવાઈ જતું. રિસેસમાં તેઓ સ્કૂલની પાછળ જઈ સિગારેટનો દમ મારી આવતા.
વર્ગમાં આ પોચા પસાહેબ ખુરશીમાંથી ભાગ્યે જ ઊભા થતા. ક્યારેક એમના પગ ટેબલ પર ગોઠવાઈ જતા અને પીઠ ખુરશીના ટેકે ગોઠવાતી. આવા સમયે ગલોફામાં ભરેલા પાનમાંથી ઝરતા રસની મજા લેતા લેતા એ ઘડીક ઊંઘી જતા.
ક્લાસમાં બે મૉનિટર ઊભા રાખીને ક્લાસમાં શાંતિ જળવાઈ રહે એનો બંદોબસ્ત કરી લેતા.
"એય..ભૂત..સીધો બેસ, ઓ પલીત વાતો ન કર.." છોકરાઓને કાયમ તેમના વર્ગમાં ભૂત અને પલિત બની રહેવું પડતું.
અત્યારે આ પોચા પસાહેબ ટેમુની દુકાને રિસેસમાં ખાવા માટે ચાર પાંચ પાન લેવા આવ્યા હતા. સાંજ પડી ગઈ હોવાથી એમને એકાદ વિદ્યાર્થીના ઘેરથી મફત શાકભાજીની વ્યવસ્થા કરીને ઘેર જવાનું હતું એટલે ઉતાવળ હતી.
ટેમુ પોતે ભણતો ત્યારે આ પોચા પસાહેબે એને ભૂત અને પલિતની ઉપમા બહુ આપી હતી. કોઈપણ વિદ્યાર્થીને હિન્દી વાંચતા આવડ્યું હોય એવું તો ખુદ પોચા પસાહેબને પણ ખબર નહોતી.
એટલે ટેમુ આજ આ પોચા પ સાહેબનો વારો પાડવાના મૂડમાં હતો.સાહેબ પાસેથી પાંચ પાનના પચીસ રૂપિયા (એક પાન પાંચ રૂપિયામાં મળતું) ગલ્લામાં નાખીને ટેમુએ પાંચ પાનની કિનારીઓને કાતરથી ધીમે ધીમે કાપવાની શરૂઆત કરી હતી.

કોઈ ડોકટર ઑપરેશન ટેબલ પર પડેલા દર્દીના શરીર પર એમનું ઓજાર ધીમે ધીમે ફેરવે એટલી નજાકતથી ટેમુ પાણી ભરેલી ટ્રેમાંથી પાન લઈ એકદમ ધીમે ધીમે કાપી રહ્યો હતો. એ જોઈ પોચા પસાહેબ બોલ્યા, "અલ્યા, તું તો સાવ ટાઢો ને ટાઢો જ રિયો..લે ઝટ મારે મોડું થાય છે..."

પોચા પસાહેબને એક વિદ્યાર્થીએ પોતાના ઘરે શાકભાજી લેવા આવવાનું કહ્યું ત્યારે સ્ટાફના બીજા શિક્ષકો પણ હાજર હતા.
આ પહેલા પોતે મોડા પડેલા ત્યારે ચંદુલાલ શાકનો થેલો ભરી ગયા હતા.
ચંદુલાલ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાની કોશિશ કરતા હતા. એ વખતે હિન્દી ઉપર અંગ્રેજી ભારે પડી હતી. આજ પણ એ ચંદુલાલ જાણી ગયો હતો કે વેલજી લીંબાને ત્યાં શાકભાજીના વેલાય બહુ છે અને લીંબુ પણ બહુ પાકે છે..!

"હા..હા..સાબ..હમ અભીચ આપકું પાન બનાઈકે દે રેલા હય. કયા હય કી પાનકુ કઈંચી સે લવ હો ગયેલા હય તો ક્યા હય કી ઉસકા મન નહીં કરતા પાનકું કાટને કા..તો ઐસા હય કી અપુન સમજા રહેલા હય..કી હમરે હિન્દી કા માસ્ટર આયેલા હય ઔર ઉનકો અખ્ખા દિન પાન ચબાના હોતા હય..તું અપુન કી ઈજ્જત ફાલૂદા મત કરને કા કયા.. આઈસા અપુન ઇસ નાસમજ કંઈચી કો બોલ રેલા હય..આપ ટેંશન નહીં લેને કા..સાબ.. આપને ભૂત પલિત બનાકે અપુન કો ઢાંસુ હિન્દી પઢાયેલા હય..અપુન આપકો બહુત માન રહેલા હય...લો દેખો આપકા એક પાનકા કટિંગ તો હોઈચ ગયેલા હય."

ટેમુએ ઉપર મુજબ ડાયલોગ મારીને કાઉન્ટર પર એ પાન મૂક્યું.
કાઉન્ટર પર બજારમાં ઉડેલી ધૂળ પથરાઈ ગઈ હતી. ટેમુએ એ ધૂળ સાફ કરવાની તસ્દી ન લીધી.
પોચા પસાહેબ ટેમુનું હિન્દી સાંભળીને અને કાઉન્ટર પર ધૂળમાં જ પાન મૂક્યું એ જોઈને થોડા સખત થયા.
"અલ્યા ડફોળ, આ ધૂળ તો સાફ કર..
અને હિન્દીમાં હાંકયા વગર જલ્દી હાથ હાંક."

"આ શરીર પણ એક દિવસ આ ધૂળમાં મળી જશે. તમારા બધા સંતાપ તેદી' ટળી જશે. તમારો આ માનવ અવતાર ફળી જશે. લ્યો ત્યારે એક પાન અમનેય ખવડાવો. આમ તો તમે ગુરુ છો..પણ હું તો બ્રહ્મતેજનો તણખો છું એટલે બળીને ભષ્મ થઈ જાવ એ પહેલાં થોડું પુણ્ય કમાઈ લો. એકાએક આવી પડેલી આ તક ચૂકી ન જતા..હો સાહેબ..." બાબાએ ટેમુની દુકાનનું પગથિયુ ચડીને પોચા પસાહેબ પાસે ઊભા રહીને કહ્યું.

"અલ્યા બાબા તું તો બહુ જ્ઞાની થઈ ગયો." પોચા પસાહેબ હસ્યાં અને ટેમુને કહ્યું, ''લે ભાઈ જલદી કર..હજી તો એક પાન પણ મળ્યું નથી ત્યાં માંગણ આવી પહોંચ્યા."

"વો હમરા દોસ્ત હય સાબ, આપ કા જીગરા નહીં હય તો કોઈ બાત ના સે..
હમ ઉસ્કુ ખિલાયેગા ઓર પિલાયેગા ભી..લેકિન આપ ઉસ્કુ માગણ બોલનેકા નહીં.. કયા હય કી અપુન અભિચ દુસરે પાન પર કંઈચી ચલા રેલા હય. યે કંઈચી ઔર પાન સાથ સાથ હી રે'લા હોને કે વાસ્તે કયા હય કઈ કંઈચી કા દિલ પાન કો કાટને સે હીંચકીચા રેલા હય..અપુન સમજા બુજા કે આપકે વાસ્તે પાન કટવા રેલા હય..લેકિન આપ ટેંશન મત લેના સાબ..મય આપકી ઈજ્જત કરતા હય.
કયા હય કી આપને અપુન કો ભૂત પલિત બનાકે ઢાંસુ હિન્દી પઢાયેલા હય." આમ કહી ટેમુએ બીજું પાન પણ કાઉન્ટર સાફ કર્યા વગર મૂક્યું.

"અલ્યા ડફોળ તું ડાયલોગ પછી મારજે.
પેલા આ તારું કાઉન્ટર તો સાફ કર.
કેટલી માટી જામી છે એ તો જો..અને ઉતાવળ રાખને મારે અહીં રાત નથી રોકાવાનું." પોચા પસાહેબ પહેલા કરતા એક આંટો વધુ સખત થયા.

"આ કાયા પણ માટીમાંથી જ બની છે ને..! આખરે તો આપણે પંચ મહાભૂતમાં ભળી જવાનું છે, જમીન, વાયુ,
અગ્નિ, પાણી અને આકાશ આ પંચ મહાભૂત છે એ તો તમે જાણતા જ હશો.
તો આખરે આ માટીમાં જ ભળી જવાનું છે ત્યારે એ માટીનો વિરોધ શા માટે ? હેં સાહેબ, આ માટીનો વિરોધ શા માટે..?" બાબાએ પોચા સાહેબનો હાથ પકડીને કહ્યું.

"તને માટીનો વાંધો ન હોય તો બજારમાંથી મુઠ્ઠી ભરીને નાખને તારા મોઢામાં..મને જ્ઞાન આપવાનું બંધ કરીને મૂંગો મૂંગો ઊભો રહે."

" તમે ક્રોધ કરી રહ્યા છો...જ્ઞાની પુરુષને ક્રોધ શોભતો નથી. પાન ખાવાનો તમને મોહ છે. આપ આચાર્ય છો છતાં કામ, ક્રોધ, મોહ અને માયાના બંધનમાં બંધાયેલા જણાઈ રહ્યા છો..અને જ્યારે ક્રોધ આપણી ઉપર સવાર થઈ જાય છે ત્યારે આપણે સ્થળ અને કાળનું ભાન ગુમાવી બેસતાં હોઈએ છીએ..અને કોને શું કહી રહ્યા છીએ એનું પણ ભાન રહેતું નથી. તમે એક બ્રાહ્મણને જ્ઞાન આપવાની મનાઈ ફરમાવીને એક અત્યંત હિણું કાર્ય કર્યું છે. આવા વાક્યો તમને શોભતા નથી. આખરે તમે ગુરુ છો છતાં હે પોપટ નામધારી પોચા મનુષ્ય, તમે ખૂબ બુરું બોલી રહ્યા છો..છતાં હું તમને માફ કરું છું કારણ કે હું જાણું છું ક્ષમા વીરસ્ય ભૂષણમ..ક્ષમા એ વીરોનું આભૂષણ છે..."
કહી બાબાએ ટેમુને આંખ મારી.

પોચા પસાહેબને હવે શું બોલવું એ સમજાતું નહોતું. પોતાના પચીસ રૂપિયા સલવાયા ન હોત તો એક મિનિટ પણ તેઓ અહીં ઊભા રહેવા માંગતા નહોતા.

બાબાએ આંખ મારી એટલે ટેમુએ એનો દાવ કર્યો,
"દેખીયે સાબ, એ તીસરા પાન અપુનને ઉઠાયેલા હય..આપકું ટોટલ પાંચ પાન ચઈએ બરોબર..? તો સમજો કે આધે સે જ્યાદા કામ તો હો હી ગયેલા હય.. ઔર એ પાન મયને ખાસ આપકે વાસ્તેહીંચ બચાકે રખેલા હય..પૂરા પક્ક કર પીલા હો ગયેલા હય..સાબ પક્કા પાન ખાને કા મજ્જા જ કુછ ઔર હય..કયું કી અપુન કો ભૂત ઔર..."
"બંધ થા.. તું..બંધ થા.. સાલ્લા ક્યારનો શું ભચડ ભચડ ચોંટ્યો છે..જલદી પાન બનાવીને આપ મને..નહીંતર તારા આ પાંદડા નાખ પાછા..અને લાવ મારા પૈસા પાછા..લવારો કરી કરીને મારું માથું પકવી નાખ્યું.. લાવ મારા પૈસા..નથી જોઈતા પાન મારે." પોચા સાહેબ હવે મિજાજ ગુમાવી ચૂક્યા હતા.

"જુઓ..આ આપને શોભતું નથી..
એક શિષ્ય પોતાના ગુરુ માટે
કાળજીપૂર્વક ઉત્તમ પાન બનાવી રહ્યો છે અને તમે ક્રોધમાં અંધ થઈને...."

"તું અહીંથી હાલતીનો થઈ જા ને બાપા..તને પગે લાગું." પોચા સાહેબે બાબો આગળ બેન્ડ બજાવે એ પહેલાં એને હાથ જોડ્યા.

ટેમુની દુકાને અવારનવાર મફતના તમાશા થતા હતા. મુખ્ય બજાર અને સાંજનો સમય હોવાથી ઘણી અવરજવર હતી. બેચાર સ્ત્રીઓ પણ પોતાનો વારો આવે એની રાહ જોઈને ઊભી હતી. પોચા પસાહેબે પાડેલી રાડો સાંભળીને જતા આવતા લોકો ટેમુની દુકાન આગળ ગોળના ગાંગડા પર ભેગા થતા મકોડાની જેમ જમા થવા લાગ્યા.

"જુઓ સાહેબ, આમ બૂમાબૂમ કરીને તમે કરેલા અઘોર પાપમાંથી તમે છટકી જશો એમ તમે માનતા હોવ તો એ તમારી ભૂલ છે. તમે પોપટ નામધારી હોવા છતાં ક્યારેય મીઠું બોલ્યા નથી. તમારા વિદ્યાર્થીઓને તમે હમેંશા ભૂત અને પલિત કહીને જ બોલાવ્યા છે...અને આખી જિંદગી હિન્દી સિવાય બીજો કોઈ વિષય તમે ભણાવ્યો નથી છતાં તમારા વર્ગમાં કોઈ બાળકને હિન્દીનો હ આવડ્યો હોય એવું મારી જાણમાં આવ્યું નથી..આ પરથી સાબિત થાય છે કે તમે તમારી ફરજ બરાબર બજાવી નથી. સરકારનો પગાર આ પાન બીડા પાછળ વ્યય થયો છે..તમે રૌ રૌ નર્કના અધિકારી છો એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી...હવે આગળની વાત તમને હિન્દી ભાષામાં તમારો પ્રિય શિષ્ય નામે ટેમુ જણાવશે, જે તમે શાંતિથી સાંભળીને ધીરજ રાખશો તો કદાચ વૈતરણી નદીમાં ડબકા ખાતી વેળા તમને એકાદ તરણું તરવા મળી રહે એમ બને."

પોચા પસાહેબ કાંઈ જવાબ આપે એ પહેલાં જ બાબાએ ઉછાળેલો બોલ ટેમુએ ઝીલી લીધો.

"દેખીએ સાબ, એ પક્ક કર પિલા પડ ગયા હે એ તીસરે નંબર કા પાન ભી કટ હોકર રેડી હો ચૂકેલા હય..અબ બારી હય ચોથે નંબર કા..ઉશ્કે પીછે આયેગા નંબર પાંચ.. ઉશ્કે બાદ ચૂના લગેગા..અપુન પાન કો હી ચૂના લગાતા હય..આજકલ આદમી આદમી કો ભી ચૂના લગા રહેલા હય..લેકિન અપુન કો આપને ભૂત ઓર પલિત બનાકર જો ઢાંસુ હિન્દી પઢાયેલા હય ઉસકી વજહ સે અપુન કો જિંદગી જીને કા તરીકે હાથ લગેલા હય..કુચ્ચ ભી હો જાય..કુચ્ચ ભી..ચાહે એ જમીન ફટ જાય..યા તો ફિર આસમાન ફટકર આપકે પિછવાડે મેં ઘૂસ જાય લેકિન અપુન આદમી કો ચૂના નહીં લગાયેગા..કયું કી અપુન આપકી ભોત ઈજ્જત કરતા હય... આખીર આપને ટેબલ કે ઉપર પેર ચઢાકે પઢાયેલા હય..આપ ટેંશન નહીં લેનેકા..."

"તમે બેઉ મારી મશ્કરી કરી રહ્યા છો..તારે પાન દેવા હોય તો દે..નહીંતર હું હવે અહીં એક મિનિટ પણ ઊભો નહીં રહું..ચાલ બાબલા આઘો ખસ." પોચા પસાહેબે એકદમ સખત થઈ બાબાને ધક્કો માર્યો.

બાબાએ પોચા પસાહેબનો હાથ પકડી રાખ્યો.
"એમ મન પર ક્રોધને સવાર થવા દેશો ? તમારો આહાર બનવા પોતાની જાતને એની પ્રિય સખી પાસે કપાવીને કાઉન્ટર પર પડેલા આ ચાર પાંદડાની પણ તમને દયા નથી આવતી ? હે પોપટ નામધારી મનુષ્ય તમે શાંત થાવ અને તમારા પલિત શિષ્યના હાથે બનેલા પાન લઈને અહીંથી સ્થાનાંતર કરો એવું હું ઉચ્ચકુળનો બ્રાહ્મણ પુત્ર ઇચ્છી રહ્યો છું...."

એ સાંભળીને બાબાના મજબૂત હાથમાંથી પોતાનું કાંડુ છોડાવવા મથતા પોચા પસાહેબને જોઈ ભેગા થયેલા લોકો હસી પડ્યા.

પોચા પસાહેબનો મિજાજ ગયો.
છુટ્ટો રહેલો બીજો હાથ ઉપાડીને એમણે બાબાને તમાચો મારી દીધો.

જાદવઆણી મંડળીને ઢીબીને આવેલો બાબો ટેમુની દુકાને આવીને થોડો શાંત થયો હતો ત્યાં પોચા પસાહેબની મશ્કરી કરવા જતાં એને લાફો ખાવો પડ્યો. ટેમુની દુકાને ભેગા થયેલા લોકોની હાજરીમાં બાબો આ અપમાન સહન કરી શકે તેમ નહોતો પણ પોચા પસાહેબ આખરે શિક્ષક હતા.
"તભાભાભાએ આપેલા ગુરુદેવો ભવ: ના સંસ્કાર આડે ન આવતા હોત તો પોચા પસાહેબ, તમને આજ પોપટમાંથી હોલો બનાવ્યા વગર હું જવા ન દેત...એટલે જેમ બને તેમ જલ્દી મારી નજર સામેથી અદ્રશ્ય થઈ જાવ." કહી બાબાએ પસાહેબને ધક્કો મારીને એમનો પકડેલો હાથ છોડી દીધો.

ટેમુના ઊંચા ઓટલા પરથી ગબડેલા પસાહેબનો નીચે તમાશો જોવા ભેગા થયેલા લોકોએ પકડી ન લીધા હોત તો પાન ખાવા પધારેલા પસાહેબ ગોથું ખાઈને જમીન પર લાંબા થઈ ગયા હોત.

"કહેવા દે તભાભાભાને.. હું જોઈ લઈશ તને.." એમ કહી પોચા પસાહેબ પોચા પગે ત્યાંથી રવાના થઈ ગયા. ટેમુ ઝડપથી કાઉન્ટર કૂદીને બહાર આવ્યો. બાબાનો પકડી રાખ્યો કારણ કે ટેમુ જાણતો હતો કે જો બાબો વિફરશે તો નકામું ન થવાનું થશે.

ટેમુએ માંડ બાબાને શાંત પાડીને પાન ખવડાવ્યું. બીજા ગ્રાહકો આવવા લાગતા બાબો પોતાના ઘરે ઉપડ્યો. એ વખતે નગીનદાસે તભાભાભાને જાદવ અને બાબા વચ્ચે થયેલી મારપીટને ખુનખરાબા તરીકે જણાવી હતી.

(ક્રમશઃ)