Aage bhi jaane na tu - 45 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 45

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આગે ભી જાને ના તુ - 45

પ્રકરણ - ૪૫/પિસ્તાલીસ

ગતાંકમાં વાંચ્યું...

મનીષ અને માયા મંદિરમાં જાય છે અને અચાનક કોઈ સળવળાટ થતા મંદિરના દરવાજા બંધ થઈ જાય છે...અનન્યાને વારંવાર એક સપનું સતાવી રહ્યું છે જેમાં એક સ્ત્રી એને કમરપટ્ટો આપી રહી છે અને એ કમરપટ્ટો એને ભરડો લે છે.. આ વાત એ અનંતરાયને કરે છે અને અનંતરાય એને એક તસવીર બતાડે છે....

હવે આગળ....

"આ સ્ત્રી જ તરાના છે અનન્યા..." અનંતરાયે મોબાઈલમાં તસવીર બતાડતા કહ્યું.

"શું....? આ... આ...તો મારી તસ્વીર છે....એ મારા સપનામાં કેમ આવે છે..શું કહેવા માગે છે...બધું મારા સમજની બહાર છે. પપ્પા પ્લીઝ મને આઝમગઢ લઈ જાઓ.. મારે રાજીવ પાસે જવું છે...એનો જીવ જોખમમાં છે અને આપણી પાસે સમય બહુ ઓછો..." અનન્યા હાથ જોડી અનંતરાય સામે કરગરી રહી હતી, "અને...રાજીવે તો મને ક્યારેય નથી કીધું કે મારી અને તરાનાની સુરત આટલી મળતી આવે છે અને તમે... તમે....બંનેએ પણ મારાથી આ વાત છુપાડી. પૂછી શકું કે કેમ?"

અનંતરાય અને સુજાતા નિરુત્તર અને નિઃશબ્દ બની નીચી ગરદને અનન્યા સામે ઊભા હતા.

"આટઆટલું બની ગયું અને તમે મને જાણ પણ ન થવા દીધી. પોતાની પુત્રવધૂ બનાવવા જઈ રહ્યા છો કે પારકી થાપણ... ? મારી તો બધું જ સમજની બહાર છે. કઈ ભૂલભૂલૈયામાં ભૂલી પડી છું હું? પ્લીઝ પપ્પા, મને આઝમગઢ જવું છે" અનન્યાની આંખોમાં અનોખી ચમક જોઈ અનંતરાય એક ક્ષણ માટે આભા બની અતીતના ઓવારે પહોંચી ગયા, પળભર તો એમને સામે અનન્યા નહિ પણ તરાના જ હાજર છે એવી ભ્રાંતિ થઈ.

"હા....હા...હું તને આઝમગઢ લઈ જાઉં છું... પણ... હું પોતેય ક્યારેય ત્યાં ગયો નથી, નથી કોઈ ઠામ, નથી કોઈ ઠેકાણું, આપણે જઈશું કેવી રીતે?" અનંતરાય હજી પણ અનન્યાની વાત માનવા રાજી નહોતા.

"હું છું ને...મને ખબર છે ત્યાં જવાનો રસ્તો...એ..ટ..લે... એમ કે આજકાલ ક્યાંય પહોંચવું અઘરું નથી, ટેકનોલોજી કેટલી વધી ગઈ છે... મોબાઈલમાં બધી જ ઇન્ફોર્મેશન મળવી આસાન છે.. હું અને તમે આઝમગઢ જઈએ અને મમ્મી અહીં રોશની પાસે રહે.. હું ઘરે ફોન કરીને કહી દઉં છું." અનન્યાની આઝમગઢ જવાની આટલી ઉતાવળ અનંતરાયથી છાની ન રહી. એક અજાણ્યા ડર સાથે એમણે અનન્યા સાથે જવાની હા તો પાડી દીધી પણ મનમાં સળવળતા શંકાના સાપોલિયા એમની મગજશક્તિ પર હાવી થઈ ગયા હતા અને મનમાં ચાલતી અવઢવને નેવે મૂકી એમણે કારની ચાવી લીધી અને સુજાતાને જરૂરી સુચનો આપી એ પોતાના સ્ટડીરૂમમાં ગયા અને તિજોરીમાંથી એક નાનકડું બોક્સ અને પોતાની રિવોલ્વર લઈ સ્ટડીરૂમ લોક કરી બહાર નીકળ્યા અને નીચે પોર્ચમાં પાર્ક કરેલી પોતાની ગાડી બહાર કાઢી એટલે ગેટ પાસે ઉભી રહેલી અનન્યા પણ ગાડીમાં બેઠી અને અનંતરાયે ગાડી પુરપાટ દોડાવી. અહીંયા આનંતરાયની ગાડી બહાર નીકળી અને ત્યાં જમનાબેન બધાની નજર ચૂકવી સ્ટડીરૂમમાં દાખલ થયા.

*** *** ***

જોરવરસિંહ અને નટવરસિંહ સાથે કેશવપરથી એમની જીપમાં આઝમગઢ જવા નીકળી પડ્યા અને પાછળ કનકબા વસુમતી સાથે ત્યાં જ રોકાઈ ગયા અને પરબત પણ એ બેયનું ધ્યાન રાખવા કેશવપર રોકાઈ ગયો.

"જોરુભા, આપણે નીકળી તો પડ્યા છીએ પણ મને એમ લાગે છે કે એ પહેલાં આપણે પોલિસ ફરિયાદ નોંધાવવી જોઈએ."

"ના....ના....નટુભા, હમણાં નહિ, પહેલા આપણી રીતે તપાસ કરીએ, પછી જો જરૂર પડશે તો શક્તિ અને પ્રતાપને જાણ કરશું"

જોરવરસિંહ સાથે વાત કરતા કરતા નટવરસિંહ ગાડી ચલાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા હતા. જેમ બને એમ વહેલી તકે આઝમગઢ પહોંચવું બહુ જ અગત્યનું હતું. રસ્તાના વળાંકો સાથે બંનેના વિચારો પણ વળાંકો લેતા હતા. રસ્તામાં ક્યાંય ચા પણ પીવા રોકાયા વગર અવિરત ગાડી ચલાવતા નટવરસિંહના ચહેરા પર થાક વર્તાઈ રહ્યો હતો.

"નટુભા, લાવો હવે હું ગાડી ચલાવું, તમે થાકી ગયા છો અને આમ પણ હવે આઝમગઢ બહુ લાંબુ નથી."

નટવરસિંહે સ્ટિયરિંગ જોરવરસિંહના હાથમાં સોંપ્યું અને પોતે પાછળ બેસી, આઝમગઢના રણમાં આગળની સફર માટે ઊંટનો ઇન્તેઝામ કરવાની પેરવીમાં લાગી ગયા અને ફોન દ્વારા કોઈને ઊંટ તૈયાર રાખવાનું કહી આંખો મીંચી, બારીએ માથું ટેકવી વિચારોના દરિયામાં ગરકાવ થઈ ગયા.

*** *** ***

"પપ્પા, તમે પાછળ આરામથી બેસો, હું ડ્રાઇવ કરું છું." મોબાઈલમાં લોકેશન મેપ ઓન કરી, આઝમગઢનું લોકેશન સેટ કરી સીટની સામે મોબાઈલ ગોઠવતી અનન્યા અનંતરાયને સમજાવી રહી હતી. ગાડી હજી મેઇનરોડ પર જ પહોંચી હતી. અનંતરાયે ઘણી આનાકાની કરી પણ અનન્યા એકની બે ન થઈ એટલે અનંતરાયે એની વાત માની પણ પાછલી સીટ પર બેસવાને બદલે આગળની સીટ પર જ બેઠા.

"અચ્છા પપ્પા, મને માંડીને વાત કરો કે આ તરાના કોણ હતી અને એનો ચહેરો અદ્દલ મારા જેવો કેમ મિન્સ કે મારો ચહેરો એના જેવો કેમ દેખાય છે....અને...."

"અનન્યા, મને ઘડીક શ્વાસ તો ખાવા દે, આમેય આઝમગઢ પહોંચતા ઘણી વાર લાગશે ત્યાં સુધી હું તને તરાના વિશે જેટલું હું જાણું છું એ તને જરૂર જણાવીશ પણ એની વાત સાંભળતા તારે કાનની સાથે આંખો પણ ખુલ્લી રાખી રસ્તા પર ગાડી ચલાવતા ધ્યાન આપવું પડશે નહિતર તરાનાની ફક્ત વાતો કરવાને બદલે આપણે ડાયરેકટ એની પાસે જ પહોંચી જઈશું.." ઘણા લાંબા સમયના અંતરાલ પછી અનંતરાય મુક્તપણે હસ્યા હતા અને એમને હસતા જોઈ અનન્યા પણ હસી પડી.

"એમ કાંઈ થોડું હોતું હશે પપ્પા, મારા કાન તમારી વાતો પર હશે અને આંખો રસ્તા પર અને આપણે તરાના સુધી હેમખેમ પહોંચી જશું, ડોન્ટ વરી. આજે તમારા ચહેરા પર હાસ્ય જોઈ મારા દિલ પર રહેલો ભાર અને મગજ પર રહેલું ટેંશન બંને ઘટી ગયાં."

રસ્તામાં અનંતરાયે તરાના અને આમિરઅલી થી લઈને રાજા ઉદયસિંહ, રાણી ચિત્રાદેવી, અર્જુનસિંહ, લાજુબાઈ, જમના, વેજપર, ખીમજી પટેલ, જોરવરસિંહ, પોતાના માતા-પિતા વલ્લભરાય અને નિર્મળા એ બધા વિશે ટૂંકમાં જરૂરી વાતો અનન્યાને જણાવી અને અનન્યા બધી વાતો ધ્યાનથી સાંભળી પોતાના મગજના કોમ્પ્યુટરમાં સેવ કરી રહી હતી.


*** *** ***

જીપ રણપ્રદેશની સરહદે પહોંચી ત્યારે બપોર ઢળી ચુકી હતી, તડકો નરમ પડ્યો હતો, આસપાસના કોઈ ગામમાંથી ચરવા આવેલું ગાયોનું ધણ ગામ તરફ પાછું વળી રહ્યું હતું, એમની પાછળ મોટી કાઠી લઈ હંકારતો, બુચકારા કરતો ભરવાડ પોતાની મોજમાં ચાલ્યો જતો હતો. રણમાં પ્રવેશતી જીપને આશ્ચર્યથી જોતો ઘડીક ઉભો રહ્યો પણ મોડું થવાની લ્હાયમાં માથું ખંજવાળતો પાછો ગાયોની પાછળ ચાલવા માંડ્યો અને હજી થોડોક આગળ ચાલ્યો હશે ત્યાં જ બીજી ગાડીને પણ રણની સીમે આવતા જોઈ વળી ઉભો રહ્યો, પછી કંઈ બન્યું ન હોય એમ ઝડપથી ગાયોને હંકારતો ગામ ભણી ચાલવા લાગ્યો.

નટવરસિંહે કહ્યા પ્રમાણે એમની ઓળખના કોઈ વણજારા જેવા ભાઈ બે ઊંટ અને એક પોટલામાં કેટલોક સામાન લઈ રાહ જોતા ત્યાં ઉભા હતા. નટવરસિંહે નીચે ઉતરી પોતાની જીપની ચાવી એમને સોંપી દીધી અને એમની સાથે કેટલીક વાતચીત કરી એટલે એ ભાઈ જીપ લઈ રવાના થઈ ગયા.

નટવરસિંહે પહેલા જોરવરસિંહને એક ઊંટ પર બેસાડ્યા અને પોટલું એમના ખોળામાં મૂક્યું અને પોતે બીજા ઊંટ પર સવાર થયા. ઊંટ હજી ઉભા જ થયા હતા એટલામાં એક ગાડી ત્યાં આવીને ઉભી રહી.

"જોરાવર.....જોરાવર...... " ગાડીમાંથી અવાજ સંભળાતા જોરુભા અને નટુભા ઉભા રહ્યા.

"અનંત......અંતુ......" જોરુભાએ ઊંટ પરથી કૂદકો માર્યો અને ગાડીમાંથી બહાર નીકળી ઉભા રહેલા અનંતરાય પાસે દોડતા પહોંચ્યા.

આવા વેરાન રણપ્રદેશમાં જોરુભાને કોણ બોલાવી રહ્યું હતું અને જોરુભા પણ અચાનક ઊંટ પરથી કૂદીને દોડ્યા એ જોઈ નટુભાએ પણ ઊંટ ઉભું રાખ્યું અને નીચે ઉતર્યા.

અનંતરાય અને જોરુભા એકબીજાને કેટલાંય વર્ષો મળી રહ્યા હતા, એમના પાછલા દિવસો જાણે પાછા આવી ગયા હોય એમ જોશભેર એકમેકને ગળે વળગી ભેટી પડ્યા.

નટવરસિંહને હજુ કોઈ ગડ નહોતી બેસતી. જોરુભાને આટલા પ્રેમથી ભેટનાર વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ તો નહીં જ હોય એટલો ખ્યાલ તો એમનેય આવી ગયો હતો.

અનન્યા હજી ગાડીમાં જ બેઠી હતી અને રાજીવનો ફોન ટ્રાય કરી રહી હતી પણ આ રેતાળ રણપ્રદેશમાં પહોંચતા જ નેટવર્ક પણ સંતાકૂકડી રમતું આવજાવ કરી રહ્યું હતું અને રાજીવનો ફોન તો લાગતો જ નહોતો, સતત 'નોટ રિચેબલ' ની ટેપ વાગી રહી હતી.

"ગાડીમાંથી બહાર નીકળ્યા પછી ફરીથી ટ્રાય કરી જોઉં" એમ વિચારતી અનન્યાએ ગાડીમાંથી બહાર પગ મૂક્યો પણ અનંતરાય અને જોરુભાને આટલી લાગણીથી ભેટતા જોઈ એની આંખો પણ સુખદ આશ્ચર્ય અને અશ્રુઓથી ઉભરાઈ આવી. પળ માટે રાજીવને ફોન કરવાનું ભૂલી જઈ પોતાના દુપટ્ટાથી આંખો લૂછી રહી હતી.

"અંતુ, આ છે મારા વેવાઈ, માયાના પિતા, નટવરસિંહ," જોરુભાએ અનંતરાયનો પરિચય કરાવ્યો. બેય જણે એકબીજાને હાથ જોડી અભિવાદન કર્યું.

"જોરાવર.... આ જો, આ છે મારા રાજીવની પસંદ, એની ભાવિ પત્ની અને અમારી ભાવિ કુળવધુ, અનન્યા.." અનંતરાય જોરુભાને અનન્યા પાસે લઈ ગયા ત્યારે એ હવાથી ઉડેલો એના ચહેરાને ઢાંકતો દુપટ્ટો સરખો કરી રહી હતી.

"અનન્યા, બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ.."

અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરવરસિંહની સામે આવી ઉભી રહી ત્યારે જોરવરસિંહના ફાટી આંખે એને જોઈ મનોમન વિચારી રહ્યા, " આ અનન્યા જ છે કે પછી તરાના...!!??"

અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર રહસ્યમય સ્મિત રેલાઈ ગયું....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.