Face in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ચેહરે

Featured Books
Categories
Share

ચેહરે

ચેહરે

-રાકેશ ઠક્કર

અગાઉ હલ્કી-ફુલ્કી ફિલ્મો બનાવતા નિર્દેશક રૂમી જાફરીની અમિતાભ-ઇમરાન જેવા સ્ટાર સાથેની 'ચેહરે' માં એક બંગલામાં ન્યાય તોળવાની વાર્તા અલગ પ્રકારની છે અને એક નવો પ્રયોગ છે. જેમાં તારીખ પર તારીખ આપવાને બદલે એક જ સુનાવણીમાં ન્યાય કરવામાં આવે છે. લેખક સારા વિષયને વિશ્વસનીય બનાવવામાં સફળ થયા નથી. બે કલાકની ફિલ્મ એક જ ઘરમાં બતાવવામાં આવનાર હોય ત્યારે મજબૂત પટકથા જોઇએ. સીધી સરળ વાર્તા પર વધારે મહેનત ના થઇ અને ડાયલોગબાજી પર જ ધ્યાન આપવામાં આવ્યું. થિયેટરમાં એક નાટક જોતા હોય એવો પણ અનુભવ થાય છે. ફિલ્મના ઘણા દ્રશ્યોમાં હવે પછી શું થશે તેનો અંદાજ આવી જાય છે. આનાથી વધુ ચાલાકી અને રહસ્ય 'સીઆઇડી' સિરિયલના કોઇપણ એપિસોડમાં મળી જશે. દિલ્લીની એક જાહેરાત કંપનીનો મુખ્ય અધિકારી બનતો ઇમરાન ખરાબ મોસમને કરણે એક બંગલામાં રોકાય છે. ત્યાં એની મુલાકાત કોર્ટ-કચેરીમાં કામ કરી નિવૃત્ત થયેલા ચાર વૃધ્ધો સાથે થાય છે. એ ચારેય જણ ઇમરાનને એક મોકડ્રામામાં જબરદસ્તી સામેલ કરે છે. અને તેના પર બૉસની હત્યા કરી એજન્સી પર કબ્જો જમાવવાનો આરોપ મૂકે છે. એમાં ઇમરાન અને તેની પ્રેમિકા ક્રિસ્ટલનો ફ્લેશબેક પણ છે. જોકે, ફ્લેશબેક પછી અંતનો અંદાજ આવવા લાગે છે. ઇમરાન હકીકતમાં ખૂની નીકળે છે કે નહીં એ ફિલ્મના અંતમાં બતાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં અમિતાભનો તેર મિનિટનો અતિશય લાંબો મૉનોલોગ 'ચેહરે' ની વાર્તાના મૂળ મુદ્દાને બદલે નિર્ભયા પરના બળાત્કારની વાત પર વધુ કેન્દ્રિત રહ્યો. આ મૉનોલોગને મહિલાઓની સુરક્ષા પરના એક વિડીયો તરીકે ઉપયોગમાં લેવાનું વિચારવામાં આવ્યું છે. મૉનોલોગનો વિચાર અને લેખન ખુદ અમિતાભના છે. નિર્માતા આનંદ પંડિતનો દાવો છે કે દુનિયામાં કોઇ અભિનેતાએ આજ સુધી કોઇ મુદ્દા પર આટલો લાંબો મૉનોલોગ આપ્યો નથી. પરંતુ અમિતાભના લાંબા મૉનોલોગનો રેકોર્ડ બનાવવામાં ફિલ્મને નુકસાન થયું છે. જો ટૂંકો અને જરૂરી પંચ સાથેનો હોત તો પ્રભાવ પાડી શક્યો હોત. અમિતાભની 'પિંક' નો 'નો મીન્સ નો' સંવાદ જે પ્રભાવ ઊભો કરી ગયો હતો એ કામ તેર મિનિટનો મૉનોલોગ પણ કરી શકતો નથી. (કાશ! કોઇએ ફિલ્મની ભલાઇ માટે તેમને આટલા લાંબા મૉનોલોગ માટે ના પાડી હોત!) બને છે એવું કે મૉનોલોગ સિવાયના અમિતાભના 'હમારી અદાલતોં મેં જસ્ટિસ નહીં જજમેન્ટ હોતા હૈ, ઇન્સાફ નહીં ફેંસલા હોતા હૈ' વગેરે સંવાદો વધારે દમદાર સાબિત થાય છે. અમિતાભ બચ્ચન દાઢીની નીચે બાંધેલી નાની ચોટલીના લુકવાળી 'ચેહરે' ની સ્ક્રિપ્ટથી એટલા પ્રભાવિત થયા હતા કે નિર્દેશક રૂમી જાફરી પાસે એક રૂપિયો પણ લીધો ન હતો. એટલું જ નહીં વિદેશમાં શુટિંગ માટે જવાનો પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો હતો. કોવિડની સ્થિતિમાં અમિતાભની છેલ્લી આવેલી 'ગુલાબો સિતાબો' OTT પર વેચાવાની શરૂઆત કરનારી પહેલી હિન્દી ફિલ્મ હતી. હવે કોરોનાની મહામારી ઘટી હોવાથી અમિતાભે 'ચેહરે' ને થિયેટરોમાં રજૂ કરાવી એક રીતે 'બેલ બૉટમ' પછી અક્ષયકુમારને ટેકો જાહેર કર્યો છે. જોકે, સમીક્ષકોએ 'ચેહરે'ને પાંચમાંથી ત્રણ સ્ટાર આપી મોટી સ્ટારકાસ્ટના અભિનયને કારણે થિયેટરમાં એક વખત જોવા જેવી ગણી છે. અમિતાભ પોતાના પાત્રને હંમેશની જેમ જીવી જાય છે. આ વખતે તે પાત્રમાં સંપૂર્ણ ડૂબી ગયા હોય એવું લાગતું નથી. તેમના અવાજમાં અને સંવાદોમાં સહજતાને બદલે નાટકીયતા વધુ છે. કદાચ અગાઉ તે 'બદલા' અને 'પિંક' માં આવી જ ભૂમિકા નિભાવી ગયા હોવાથી એમાં નવીનતા નથી. તે ખરેખર ચહેરા કરતાં આંખોથી વધુ સારો અભિનય કરી જાય છે.

ઇમરાન હાશમીએ પોતાની મર્યાદાઓ છતાં દિગ્ગજ કલાકારો સાથે અભિનયમાં ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. 'ચેહરે' ના એક સંવાદમાં ઇમરાન કહે છે કે,'મેં ઇસ ખેલ સે થક ઔર પક ગયા હૂં, ખત્મ કરો ઇસે.' (એક તબક્કે ફિલ્મથી કંટાળેલા દર્શકોને આ સંવાદ પોતાના મનની વાત લાગે છે!) સહજ અભિનય કરવામાં સૌથી વધુ અનુ કપૂર ધ્યાન ખેંચી જાય છે. બચાવપક્ષના વકીલ તરીકે તે નાના સંવાદોમાં પંચ સાથે હાસ્ય પૂરું પાડવા સાથે રાહત આપે છે. અનુનો બોલવાનો અંદાજ પાત્રને વધારે મજબૂત બનાવે છે. અને તેમના અભિનયના ભરોસા પર ફિલ્મને એક વખત જોવા મજબૂર કરે છે. ધૃતિમાન ચેટર્જી પોતાની ભૂમિકાને ન્યાય આપે છે. રઘુવીર યાદવ અને સિધ્ધાંત કપૂરને સંવાદ બોલવાની કે અભિનયની ખાસ તક મળી નથી. સુશાંતસિંહ રાજપૂતના મોત પછી સતત વિવાદમાં રહેલી રિયા ચક્રવર્તીનું કામ સામાન્ય છે. જ્યારે ક્રિસ્ટલ ડિસૂઝા પોતાની માદકતા અને મોહક અભિનયથી પ્રભાવિત કરે છે. 'ચેહરે' નો પ્રચાર એક મિસ્ટ્રી થ્રિલર તરીકે કરવામાં આવી રહ્યો હતો. અસલમાં તે સામાન્ય કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ સાબિત થાય છે. ફિલ્મને ઇન્ટરવલ સુધી તો એમ જ ખેંચવામાં આવી છે. ઇમરાનના ભૂતકાળના દ્રશ્યોથી વાર્તા ભટકી જાય છે. ફ્લેશબેકમાં વાર્તા ગયા પછી 'ચેહરે' ઇમરાનની અગાઉની ફિલ્મોની યાદ અપાવે છે. ફિલ્મનું ગીત-સંગીત સામાન્ય છે. ટાઇટલ ગીત પ્રભાવશાળી નથી અને 'રંગ દરિયા' ભૂલી જવા જેવું છે.