Pati Patni ane pret - 44 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૪૪

Featured Books
Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૪૪

પતિ પત્ની અને પ્રેત ૪૪

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૪

રેતાને પાછી ફરતી જોઇ રિલોક આગ્રહ કરતાં બોલ્યો:"રેતા, તારે ત્યાં જવું જોઇએ. જાગતીબેન જો જયનાના પ્રેતના વશમાં થઇ ગયા હશે તો એમની સાથે કંઇપણ થઇ શકે છે. એમણે ભલે તને ના પાડી હોય પણ મારું માનવું છે કે તારે એમની પાછળ જઇને રહસ્ય જાણવું જોઇએ. તારી પાસે તો પવિત્ર મંગળસૂત્ર છે. એ તારી રક્ષા કરશે. તને જયનાનું પ્રેત કોઇ હાનિ પહોંચાડી શકશે નહીં. તારા મંગળસૂત્ર સામે જયનાના પ્રેતના કોઇ મંત્ર કામ કરશે નહીં..."

"રિલોક, રેતાને જવાની જરૂર નથી...' બોલીને આદેશ કરતા હોય એમ ચિલ્વા ભગતે ઇશારાથી એને પાછી ફરવા કહ્યું.

રેતા આદેશનું પાલન કરતી હોય એમ એમની નજીક ઝાડ પાછળ આવી એટલે તે બોલ્યા:"રિલોક, રેતાને અત્યાર સુધી એના મંગળસૂત્રએ ભલે બચાવી હોય પણ મને લાગે છે કે જયનાનું પ્રેત વિશિષ્ટ શક્તિઓ મેળવી ચૂક્યું છે અથવા તેણે એનો પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું છે. અમારા ગુરૂ દીનાનાથ તો ઘણી સાધના કરી ચૂક્યા છે. એમના વશમાં આ પ્રેત થયું નથી ત્યારે સામાન્ય માનવી માટે એને પડકારવાનું કામ મુશ્કેલ બની રહેશે. અને જાગતીબેન મને સંપૂર્ણ ભાનમાં લાગ્યા. નાગદા એના ઘર તરફ મોં કરીને ચાલી રહી હતી ત્યારે એમણે રેતાને ઇશારો કરીને અટકાવી છે. એમણે નાગદા સાથે શું વાત કરી અને શા માટે એની પાછળ જઇ રહ્યા છે એ જાણ્યા વગર આપણે આગળનું પગલું ભરવું નથી. રેતાને તો આમ પણ એમણે અહીં આવવાની ના પાડી હતી. મને સાથે લીધો હતો પરંતુ ખરેખર તો તને કોઇ કારણથી ખાસ સાથે લઇ આવ્યા છે. હવે જે કંઇ યોજના મુજબ થશે એમાં જરૂર તારી ભૂમિકા રહેવાની છે...'

રિલોકને ચિલ્વા ભગતની વાત યોગ્ય લાગી રહી હતી. તેણે એમની વાતને માન આપતાં કહ્યું:"ભગતજી, તમે બરાબર કહો છો. આપણે ઉતાવળ કરવી નથી. જાગતીબેન તેમની યોજનામાં આગળ વધી રહ્યા છે..."

"જાગતીબેન પણ સફળ ના રહ્યા તો વિરેન આપણાને ક્યારે મળશે?" રેતાએ આંખમાં આંસુ સાથે ચિંતા વ્યક્ત કરી.

"રેતા, હવે થોડી ધીરજ રાખ. જાગતીબેન જરૂર કોઇ સારું પરિણામ લાવશે. એમને સફળતા મળશે એવો અંદાજ આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે જે કંઇ જોયું એમાં તો એવું લાગ્યું છે કે નાગદા જાણે જાગતીબેનના વશમાં આવી ગઇ છે. તેણે જાગતીબેનને કોઇ નુકસાન પહોંચાડ્યું નથી...'

"માતાજી, મારા વિરેનની રક્ષા કરજો...' બોલતી રેતા આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગી.

ચિલ્વા ભગત એકદમ બોલી ઉઠ્યા:"રિલોક..જો જો..નાગદાની પાછળ જાગતીબેન એમના મકાનમાં પ્રવેશ્યા પછી નાગદા બહાર આવી અને આમતેમ નજર નાખીને દરવાજો બંધ કરી દીધો છે..."

"ભગતજી, તમે તમારી શક્તિ સાથે તૈયાર રહેજો. ક્યાંક નાગદાની આ ચાલ તો નહીં હોય ને?" રિલોકનું દિલ ધડકવા લાગ્યું હતું.

***

નાગદાને મકાનના દરવાજા તરફ આગળ વધતી જોઇ દોડતા પોતાના ખાટલા સુધી પહોંચતા વિરેનની સાથે અથડાયેલું કબૂતર જમીન પર પડ્યું અને પછી પાછું ઉડીને બારી પર જઇ બેસી ગયું. કબૂતર અચાનક ઉડીને અથડાયું હતું. પહેલાં તો વિરેનને ખ્યાલ જ ન આવ્યો કે શું અથડાયું છે. તે ડરથી ધ્રૂજી રહ્યો હતો. તેણે કબૂતરને નીચે પડતું જોયું ત્યારે રાહત થઇ. કબૂતરને ઇજા થઇ નથી એ જોઇ એને હાથથી પકડી ઉંચકવા જાય એ પહેલાં જ તે ઉડીને જતું રહ્યું. વિરેનને થયું કે પોતાની પાસે સમય નથી. તે કબૂતર વિશે વધારે વિચાર કર્યા વગર ઝડપથી ખાટલામાં સૂઇ ગયો.

તે શાંતિથી આંખો મીંચીને પડ્યો હતો ત્યારે એક કિચૂડાટ સાથે દરવાજો ખૂલવાનો અને કોઇના પગલાનો અવાજ આવ્યો. એનાથી તેના દિલની ધડકન વધી ગઇ. એક અજાણ્યો ભય તેના દિલમાં પેઠો. નાગદાએ જાગતીબેનને 'આવો' કહ્યું અને દરવાજો આડો કરીને એમને વિરેનના ખાટલા પાસે દોરી ગઇ.

વિરેન આંખો બંધ અને કાન ખુલ્લા રાખીને સૂતો હતો.

જાગતીબેન વિરેનને જોઇ જ રહ્યા. માથા પર બાંધેલા પાટાથી ખ્યાલ આવતો હતો કે તેને ઇજા પહોંચેલી છે. પરંતુ એમણે ચહેરો ઓળખી લીધો. આ વિરેન જ છે... રેતાનો પતિ! બિચારી કેટલાય દિવસથી પોતાના પતિને શોધી રહી છે અને આ સ્વાલા એને પોતાની પાસે છુપાવીને બેઠી છે.

નાગદા પૂછવા લાગી:"તમે એમને ઓળખો છો?"

જાગતીબેન કહે:"હા, આ રેતાના પતિ જ છે...મેં એમનો ફોટો રેતા પાસે જોયો છે...તું એમને મુક્ત કરી દે..."

વિરેનને થયું કે પોતે આ સ્ત્રીનો ગુલામ છે કે શું? આવેલી કોઇ સ્ત્રી મને મુક્ત કરવા કેમ કહી રહી છે? પોતે ક્યાં ફસાઇ ગયો છે? પોતાને છોડાવવા માટે કોણ આવ્યું હશે? અવાજ તો અજાણ્યો લાગે છે.

વિરેન એકાએક આંખો ખોલીને બેઠો થઇ ગયો. નાગદા અને જાગતીબેન ચોંકીને એને જોઇ રહ્યા. વિરેને બંનેની તરફ નજર નખી. તે ના નાગદાને ઓળખતો હતો ના જાગતીબેનને. પણ તેમની વાત પરથી એવું લાગતું હતું કે બંને એને સારી રીતે ઓળખે છે.

"આપ કોણ છો? અને હું અહીં કેવી રીતે આવી ગયો છું?" વિરેનના પ્રશ્નો સાંભળીને નાગદા જેટલી આશ્ચર્ય ના પામી એનાથી વધુ તેનો અવાજ સાંભળીને હેરતથી જોવા લાગી હતી.

"તમે તો બોલી શકતા ન હતા? તમારો અવાજ પાછો કેવી રીતે આવી ગયો?" નાગદાના સ્વરમાં ખુશીનો રણકો હતો.

"હું...હું તો બોલી જ શકું છું. આ ઇજાને કારણે અને કોઇ અજાણી જગ્યાએ આવી પહોંચ્યો હોવાથી ભય અને આશંકાથી મૌન થઇ ગયો હતો....હું તમને ઓળખતો નથી. મેં પહેલી વખત તમને જોયા છે..." વિરેન કંઇક વિચારીને કારણ આપતાં બોલ્યો.

"આપણે આટલા દિવસથી સાથે છીએ અને એમ કેમ પૂછો છો કે હું કોણ છું?" નરવીર બોલતો થયો પણ એને ઓળખતો ન હોવાની વાત કરી રહ્યો હતો એટલે નાગદાએ પોતાના મનમાં સળવળતો સવાલ પૂછ્યો.

"હું અહીં ક્યારે અને કેવી રીતે આવ્યો એના વિશે કંઇ યાદ જ આવતું નથી. મને એટલું યાદ છે કે મારી કારને અકસ્માત થયો હતો. મેં જ્યારે આંખો ખોલી ત્યારે આ ખાટલામાં પડેલો હતો..." વિરેન હકીકત બયાન કરવા લાગ્યો.

નાગદાને સમજાઇ ગયું કે વિરેનની યાદદાસ્ત પાછી આવી ગઇ છે. ઝાડ પરથી પડ્યા પછી તેના માથામાં ઇજા પહોંચી હતી. એ બેભાન થઇ ગયો હતો. પોતે એના અવાજની ચિંતા કરીને વૈદ્યને બોલાવવા જઇ રહી હતી ત્યાં જાગતીબેન મળ્યા અને તેણે અહીં પાછું આવવું પડ્યું. હવે વૈદ્ય પાસે જવાની કોઇ જરૂર નથી. રેતાનો પતિ સ્વસ્થ થઇ ગયો છે. અને તેને આટલા દિવસોની કોઇ વાત યાદ નથી તો એ મારે પણ અત્યારે ભૂલી જવી જોઇએ. તેને કે જાગતીબેનને ખબર ના પડવી જોઇએ કે મેં વિરેનને પતિ માનીને મારી ઇચ્છા પૂરી કરવા કેવા પ્રયત્ન કર્યા છે. હવે જાગતીબેનની વાત પર જ ધ્યાન આપવું જોઇએ.

"શું વિચારે છે?" જાગતીબેન નાગદાને વિચારમાં પડેલી જોઇ ડર સાથે બોલ્યા. જાગતીબેનને થયું કે નાગદા પોતાની સાથે થયેલી વાતથી ફરી તો નહીં જાય ને? પ્રેતનો ભારોસો કેવી રીતે થાય? એણે ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથને પણ ચકમો આપ્યો હતો. પહેલી વખત પ્રેત સાથે પનારો પડ્યો છે. મારે સતર્ક રહેવું પડશે.

વધુ પીસ્તાલીસમા પ્રકરણમાં...