Punjanm - 30 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 30

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 30













પુનર્જન્મ 30

મોનિકાનું મન અકળાતું હતું. એણે બધી તરફ નજર કરી જોઈ. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દેખાતો ન હતો. એને એના પિતા યાદ આવી ગયા. એની આંખોમાં ભીનાશ આવી ગઈ.

' કોઈ પણ પરિસ્થિતિ આવે, ડરવાનું નહિ બેટા , એનો સામનો કરવાનો. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. '
આ શબ્દો હતા, મોનિકાના પિતાના. પરંતુ મોનિકા એની માતા ઉપર ગઈ હતી. ખૂબ જ સુંદર અને એટલી જ સંવેદનશીલ. મોનિકા એના પિતા જેટલી મજબૂત ન હતી.

માનવી ગમે તેટલો મજબૂત હોય. પણ ક્યારેક તો એ થાકે છે. મોનિકાના પિતા એટલા પ્રચંડ આત્મવિશ્વાસ થી ભરપૂર હતા છતાં મોનિકાની માતાના મૃત્યુ સમયે એ પડી ભાંગ્યા હતા. બીજી વાર જ્યારે એ ખુદ જ્યારે બીમાર પડ્યા ત્યારે એ બીજી વાર પડી ભાંગ્યા. એમને મોનિકાની ચિંતા હતી. આ મબલખ સંપત્તિ અને આ ખુબસુરત છોકરી.. આ સમાજમાં કેવી રીતે એ જીવશે. અને એ આ જવાબદારી સચદેવાને સોંપી પોતાની વ્હાલી પત્ની પાસે ચાલ્યા....

મોનિકા ધીમે ધીમે ઘડાતી ગઈ. પણ સ્નેહાળ, સંવેદનશીલ છોકરી દુનિયાને સમજવામાં મોડી પડી.. પહેલી ખબર એને એ પડી કે સચદેવા હવે એના માટે વિશ્વાસપાત્ર નથી. અને આજે ખબર પડી કે સુધીર... છી... જેને આટલો પ્રેમ કર્યો... જેને સઘળું સોંપી દીધું એ એક સેક્રેટરી સાથે... ફાલ્ગુની સાથે.. છી...

એને રડવું હતું. કોઇના આગળ મન હલકું કરવું હતું. પણ કોના આગળ ? એના મન સમક્ષ અનિકેતનો ચહેરો આવી ગયો. કોણ જાણે કેમ એ જ્યારે અનિકેતને યાદ કરતી ત્યારે એને પોતાને બચાવવા દોડતા યુવકનું દ્રશ્ય યાદ આવતું. એ એનામાં કોઈ સ્વજનનો ભાવ જોતી હતી...

મોનિકાએ મોબાઈલ ઉઠાવ્યો અને અનિકેતને ફોન લગાવ્યો...

**************************

અનિકેતની જીપ હજુ ગામના પાદરે પહોંચી હશે અને મોબાઈલમાં રીંગ વાગી...

' હેલો અનિકેત, મોનિકા હિયર.. '
' બોલો મોનિકાજી. '
' તારી પાસે ટાઈમ છે ? '
' અત્યારે ? '
' હા , અત્યારે.'
' હા , ફ્રી જ છું. કંઈ કામ હતું ? '
' હા , તું મને મળવા આવી શકે છે ? '
' હા , જરૂર. '
' તું આવ , ઘરે હું તારી રાહ જોઉં છું. '
અનિકેતે જીપ પાછી વાળી...

****************************
મોનિકા એના બેડરૂમમાં અનિકેતની રાહ જોતી હતી. અનિકેત આવ્યો ત્યારે સાડા બાર થઈ ગયા હતા. મોનિકા એના વિશાળ બેડ પર તકિયાના ટેકે બેઠેલી હતી. એના ચહેરા પરના ખુશીના ભાવ ગાયબ હતા.
' આવ અનિકેત, તારી જ રાહ જોતી હતી. બેસ. '
અનિકેતે ખુરશી પર સ્થાન લીધું.
' જમીશ ? '
' થેન્ક્સ, ઘરે જઈ ને જમીશ. '
' નો થેન્ક્સ. '
અનિકેતે જોયું મોનિકા આજે થાકેલી લાગતી હતી. આંખ નીચે ઉજાગરો સ્પષ્ટ દેખાતો હતો.
' મોનિકાજી , તમારી તબિયત સારી ના હોય તો સાંજનો પ્રોગ્રામ કેન્સલ કરી દઈએ. '
' ના, હું સાંજે ચોક્કસ આવીશ. '
અનિકેત મોનિકાની સામે જોઈ રહ્યો. એ ક્યાંક ખોવાયેલી હતી.
' અનિકેત, એક વાત પૂછું ? સાચો જવાબ આપીશ ? '
અનિકેત મોનિકાની સામે એક પળ જોઈ રહ્યો.
' બોલો મોનિકાજી. કોશિશ કરીશ. '
' જ્યારે મારા ઉપર એસિડ એટેક થયો ત્યારે મારી ગાડીના ડ્રાયવરે ક્યાં હોવું જોઈતું હતું ? એ ગાડી માં ન હતો. ગાડી લોક કરી દૂર ઉભો હતો. '
' એણે તમારી ગાડીમાં હાજર રહેવું જોઈતું હતું. '
' તને એનું ગાડી માંથી દૂર રહેવું અજાયબ નથી લાગતું. કે મને કોઈ ભ્રમ થાય છે ? '
' તમને શંકા થાય એ સ્વાભાવિક છે. પણ કદાચ એ કોઈ કામથી ગયો હોય અને તમે જલ્દી આવી ગયા હોય.'
' મેં બી... કદાચ એવું બની શકે. પરંતુ મને કંઇક અજુગતું લાગે છે. '
' આવું થાય ત્યારે આવા વિચારો આવે એ સ્વાભાવિક છે. પણ તમે એને બોલાવીને જ પૂછી લો. '
' આજ કાલ કોઈ સાચું ક્યાં બોલે છે. '
અનિકેતને એવું લાગ્યું કે આ વાક્ય એના માટે કહેવાયું છે. એને એવું લાગ્યું કે મોનિકાની નજર એના હદયમાં જઈ એના ભાવ વાંચી શકે છે.
' તો સુધીર સર સાથે વાત કરો. એમણે તમારા માટે સરસ સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે. એ તમારા માટે બહુ ચિંતિત છે. '
અનિકેતને પોતાના શબ્દો ખોખલા લાગ્યા.
' સુધીર સર, તારો સુધીર... '
અચાનક મોનિકાના ચહેરા પર ગુસ્સાના ભાવ આવ્યા. અનિકેતને એક પળ એવું લાગ્યું કે કદાચ મોનિકા પોતાના પ્લાન વિશે તો નથી જાણી ગઈ ને.
મોનિકા બેડ પરથી ઉઠી. અનિકેતનો હાથ બાવડેથી પકડયો અને એને ખેંચીને લઈ ગઈ. લાયબ્રેરીનો દરવાજો ખોલી એ અનિકેતને અંદર લઈ ગઈ. મોનિકાનું શરીર ગુસ્સાથી કાંપતું હતું. એને ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એ ભયંકર આક્રોશમાં હતી.....

' તારો સુધીર સર એ બે બદામની સેક્રેટરી સાથે. આ.. આ... સોફા પર... છી..... મારો અધિકાર એ બે બદામની સેક્રેટરી ને... અને મારા જ ઘરમાં... હું એને નહિ છોડું.... હું એને ખતમ કરી નાંખીશ... '

અને મોનિકા ડ્રોઅરમાંથી એક લાંબુ ચાકુ કાઢી સોફા પર અંધાધૂંધ ઘા કરવા લાગી. અનિકેતને લાગ્યું જાણે એને હિસ્ટીરિયાનો હુમલો આવ્યો છે.

અનિકેતે મોનિકાને પકડી અને ચાકુ લઈ સાઈડમાં મુક્યું અને મોનિકા અનિકેતને વળગી પડી. એ ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. અનિકેતને સમજાતું ન હતું કે મોનિકાને કેવી રીતે આશ્વાસન આપવું....

' રિલેક્સ મોનિકાજી રિલેક્સ. આવેશમાં આવીને ભરેલું પગલું ક્યારેય સફળતા નથી આપતું. બી કુલ.
જે થયું છે એને બદલી શકાતું નથી. માટે એમને નુકસાન કરી કંઈ નહીં મળે. સિવાય કે જેલ... બી કુલ. શાંતિથી વિચારી પગલું ભરો. '

થોડી વારે મોનિકા સ્વસ્થ થઈ. એ વોશરૂમ જઇ, ફ્રેશ થઈને આવી...

' જમીશ કે નાસ્તો લઈશ ? '
' ઓનલી કોફી... '
મોનિકા એ કોલ કરી કોફી મંગાવી.
' અનિકેત મારે તારો સાથ જોઈએ છે. આપીશ ? '
' શક્ય હશે તો શ્યોર. '
' મારે મારો કેટલોક સ્ટાફ બદલવો છે. તારા ધ્યાનમાં વિશ્વાસુ હોય કોઈ તો.. ! '
અનિકેત મોનિકા તરફ જોઈ રહ્યો....

' મારે મારો ડ્રાયવર, સેફટી ગાર્ડ, કુક અને કેરટેકર બદલવા છે. પણ કોઈ એજનસી માંથી નહિ. પણ તારા કોઈ વિશ્વાસુ હોય એવા. '
' હું તમને મદદ કરી શકું પણ એમાંના કેટલાય સંજોગોના ગુન્હેગાર થઈ જેલમાં ગયેલા છે. '

' શું જેલમાં ગયેલા લોકો વિશ્વાસપાત્ર ના હોય. '
' હોય. '
' તારી જવાબદારી રહેશે. '
' હા, મને યોગ્ય લાગે એવા જ માણસ આપીશ. '
' હા, પણ તું જેમને મોકલે એમને ડાયરેકટ મોકલજે. સુધીર કે સચદેવાને એ ખબર ના પડવી જોઈએ કે તારો આમાં કોઈ રોલ છે. '
' ઓ.કે... ડોન્ટ વરી...

****************************

કેરટેકર કોફી મૂકી ગઈ હતી. મોનિકા કોઈ વિચારોમાં ખોવાયેલી હતી. અનિકેત મોનિકાના મનોભાવને સમજવાની કોશિશ કરી રહ્યો હતો..

' અનિકેત એક સવાલ પૂછું. સાચો જવાબ આપીશ. '
' બોલો. '
' પણ જવાબ સાચો જોઈએ. તને તારા હદયમાં જે છે એના સૌગંધ... '
' બોલો. '
' આટલો સમય થયો પણ આપણો સંબધ સ્પષ્ટ નથી થયો. એને કોઈ નામ આપણે નથી આપ્યું. '
' હું કાંઈ સમજ્યો નહિ. '
' સ્પષ્ટ કહું. '
' બોલો. '
' તું મને કેવા રૂપમાં પસંદ કરીશ. મિત્ર , પ્રેમિકા કે અન્ય રૂપે. '
અનિકેતે આવા પ્રશ્નની અપેક્ષા નહોતી રાખી. એ મુંઝાઈ ગયો...
' મેં ક્યારેય આવો વિચાર નથી કર્યો. '
' તો કર, અને બોલ, એક સુંદર મશહૂર એક્ટ્રેસ ને તું ક્યા રૂપમાં જુએ છે. '
' એક સુંદર સ્ત્રીને વ્યક્તિ એના સુંદરતાના અર્થમાં જ જુએ છે. '
' તો કોઈ સંકોચ ના રાખતો. તારો કોઈ પણ જવાબ મને ગમશે. '
' હું વિચારીને જવાબ આપીશ. '
' સાંજે હું વહેલી આવીશ. માસીને કહેજે જમવાનું બનાવે. આપણે સાથે જમીશું અને તારો જવાબ પણ સાંજ સુધી તૈયાર રાખજે. '

*****************************

અનિકેત જીપ લઈને નીકળ્યો ત્યારે બે વાગી ચુક્યા હતા. મોનિકાનો સુંદર ચહેરો એની નજર સમક્ષ તરવરતો હતો. અને સાથે સાથે એના શબ્દો એના કાનમાં એના ગુંજતા હતા....

' તું મને ક્યા રૂપમાં પસંદ કરીશ... મિત્ર , પ્રેમિકા... તું સંકોચ ના રાખતો... તારો જવાબ મને ગમશે... '

(ક્રમશ:)


22 સપ્ટેમ્બર 2020