મોડી રાત્રે ' આશીર્વાદ' બંગલોમાં આશિષ અને રુચિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવતો હતો.
રુચિકા, " આશિષ, આજે તો પપ્પા એ હદ જ કરી નાખી. તેમણે મારા પર બુમો પાડી અને મને ધમકાવી પણ..."
આશિષ, "જો રુચુ, એવું પણ બને કે તારી કંઈ ભૂલ થઈ હશે."
રુચિકા , " મારી ભૂલ?? આશિષ મેં મમ્મીને માત્ર કિચનમાંથી બહાર શું કાઢ્યા, ત્યાં તો પપ્પા એ તો આખું ઘર માથે લીધું"
આશિષે થોડાં કંટાળા અને થાકના ભાવ સાથે પૂછ્યું, " પણ તે શું કામ મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા???"
રુચિકા, " અરે, આશિષ , મમ્મીની તબિયત તો તું જાણે જ છે ને! તેઓ કિચનમાં પુરીઓ તળતા હતા, અરે, કદાચ તેમને ચક્કર - બકકર આવી જાય અને કંઈ થઈ જાય તો... તો બધું મારા પર જ આવે ને કે વહુએ કંઈ ધ્યાન ન રાખ્યું કે વહુ કંઈ કામ નહીં કરતી હોય બધું તેના સાસુ પાસે જ કામ કરાવતી હશે વગેરે વગેરે.... તારે તો માત્ર ઑફિસ જ સંભાળવાની છે જ્યારે મારે.... મારે તો ઘર, તને અને વળી તારા મમ્મી પપ્પાને પણ સંભાળવાના ને?? તો ય ભૂલ તો મારી જ ને???"
રુચિકાની વાતથી અકળાય ને આશીષે કહ્યું, " એવી કોઈ વાત નથી રુચિકા, આવી નાની નાની વાતો હવે જવા દે... હું પપ્પા સાથે વાત કરી લઈશ બસ..."
રુચિકા, " નાની વાત... આ તને નાની વાત લાગે છે!! કાલે તેઓ મારા પર હાથ પણ ઉપાડી શકે...અને હા, હું તને ક્યાં રોજ રોજ કાંઈ કહું છું."આટલું બોલતા રુચિકા જોર જોરથી રદવા લાગી,"બસ મારે જ જતું કરવાનું હું તો તેમને મારા મમ્મી પપ્પા જેટલું જ માન આપું છું તો પણ...."
આગળ થોડી શાંત થતા રુચિકા એ ઉમેર્યું," મને ખબર છે આશિષ તું થાક્યો પાક્યો આવતો હોય એટલે તને હું હેરાન નથી કરતી પણ આજનું પપ્પાનું બીહેવીયર જોઈને તને કહેવું પડ્યું..."
રુચિકાએ આશિષને ચૂપ જોઈ વાત આગળ વધારી," હજુ બે દિવસ પહેલા મેં મારી બધી ફ્રેન્ડને આપણે ત્યાં ડિનર માટે બોલાવી હતી.એમના માટે બહારથી જમવાનું ઓર્ડર કર્યું હતું. મમ્મી પપ્પાને મેં રૂમ જ રહેવા અને જમવા સમજાવ્યું હતું.છતાં પણ હજુ તો હું અને મારી ફ્રેન્ડ્સ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈએ એ પહેલાં તો મમ્મી - પપ્પા જમવા બેસી ગયા. બોલ મને ત્યારે એટલી શરમ આવી હતી. તો પણ એમને શું ફેર પડે બોલ."આશિષ ચૂપ ચાપ તેની વાત સાંભળતો રહ્યો.
રુચિકા એ આગળ ચલાવ્યું," એક વાત સમજી લે આશિષ કે હવે હું તારા મમ્મી પપ્પા ને સહન નહિ કરી શકું. આ ઘરમાં એ રહેશે કે પછી હું.. નિર્ણય તારે કરવાનો છે."આશિષ તો રુચિકાની આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. રુચિકાની આ વાતો આશિષની સાથે સાથે બાજુના બીજા રૂમમાં તેના માતા- પિતા જગદીશ ભાઈ અને ગાયત્રી બેન પણ સાંભળતા હતા. અને વિચારતાં હતા કે વહુ એક વર્ષમાં આટલી કેમ બદલાય ગઈ! જ્યારે લગ્ન કરીને આવી ત્યારે તો આખો દિવસ ' મમ્મી પપ્પા' કહેતા તેની જીભ થાકતી ન હતી. તેમનો પડ્યો બોલ ઝીલતી હતી. આવી વહુ પામીને તેઓ સદા ઈશ્વરનો પાડ માનતા પણ કોણ જાણે કેમ એવું શું કે છેલ્લા ત્રણ મહિનાથી તો જાણે સાવ બદલાઈ જ ગઈ.પણ આશિષની સમજાવટથી તેમને એવું લાગ્યું કે ભલે દીકરો તો હજુ આપણો જ છે ને??
બંને પતિ- પત્ની તો પોતાના વિચારોમાં જ ડૂબેલા હતા ત્યાં જ દરવાજા પર ટકોરા પડ્યા એટલે ગાયત્રી બહેને દરવાજો ખોલ્યો તો સામે આશિષ હતો.
" અરે, આવ બેટા.... હમણાં તું મોડો આવે છે અને અમે વહેલા સુઈ જઈએ છીએ તો, એક જ ઘરમાં રહેવા છતાં તને ઘણા દિવસે જોયો જાણે." ગાયત્રી બહેને આશિષના માથે હાથ મુકતા કહ્યું.
" બોલ બેટા, કંઈ કામ હતું?? કારખાનાના કામ અંગે કઈ પૂછવું હતું??"જગદીશ ભાઈ
" પપ્પા, મમ્મી, માંડ્યું છે આ બધું?? એક તો આખો દિવસ મારે કારખાનાનું કામ સંભાળવાનું ને રાત્રે તમારી રોજની માથાકૂટ...."
" પણ વાત શું છે, બેટા?" ગાયત્રી બહેન
" ઓહ, જાણે તમને કંઈ જ ખબર જ નથી. તમે બંને રુચિકાને શું કામ પરેશાન કરો છો? કેટલું ધ્યાન રાખે છે એ તમારું?? એ તમારું કેટલું વિચારે છે અને તમે તેની જ પાછળ પડી ગયા છો." આશિષ અકળાઈને જરા ઊંચા અવાજે બોલ્યો.
ગાયત્રી બહેન આશિષને શાંત પાડતા બોલ્યા, " બેટા, તું પહેલા અમારી વાત તો સાંભળ.... અમે કંઈ જ નથી કહ્યું રુચિકાને...."
" મારે કોઈની કોઈ વાત નથી સાંભળવી...થકી ગયો છું હું હવે રોજ રોજના આ કજીયાથી, કંટાળી ગયો છું હવે તો...."થોડી વાર આશિષ ચૂપ થઈ ગયો પછી બોલ્યો," જુઓ, મમ્મી પપ્પા, તમારે અહીં રહેવું હોય તો પ્લીઝ શાંતિથી રહો નહિતર...."
"નહિતર.... નહિતર ....શું બેટા???આખી વાત પૂરી કર." અત્યાર સુધી ચૂપ રહેલ જગદીશ ભાઈ થોડાં ટટ્ટાર થઈ બોલ્યા.
" નહિતર પપ્પા તમે બંને વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાવ. હું કોઈ સારી વ્યવસ્થાવાળા વૃદ્ધાશ્રમમાં તમારી સગવડ કરાવી દઈશ. ઇન ફેક્ટ મેં મારા એક મિત્ર સાથે વાત પણ કરી લીધી છે. બે દિવસમાં ગુ તમને ત્યાં મૂકી જઈશ." આશીષે ઠંડે કલેજે વાત કરી દીધી.
"તું અમને વૃદ્ધાશ્રમમાં મુકીશ, બેટા... ગાયત્રી બહેનને ગળે ડૂમો બાઝી ગયો હોય એવા સ્વરે કહ્યું.
" મમ્મી, ત્યાં તમને કોઈ તકલીફ નહિ થાય. તમને બંનેને તમારા જેવા અનેક વૃદ્ધોની કંપની પણ મળી રહેશે.અને વળી હું અને રુચિકા પણ તમને અવાર નવાર મળી જઈશું. આ ઘરની શાંતિ માટે આ એક જ રસ્તો મને સૂઝે છે કે તમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાવ."
" તું....તું...અમને વૃદ્ધાશ્રમમાં મોકલીશ. આ અમારું- મારુ ઘર છે અને આ ઘરમાંથી અમને તું... તું... કાઢી મુકીશ." જગદીશ ભાઈ આવેશમાં આવીને બોલ્યા.
" આ ઘર તમારું હતું પપ્પાજી. પણ આ ઘર હવે આશિષ અને મારું છે..." અચાનક આવીને રુચિકા બોલી.
" બેટા... વહુ બેટા... તને કાંઈ ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું બસ. આટલાં મોટા બંગલાને છોડીને તમે અમને વૃદ્ધાશ્રમમાં મોકલશો તો આપણી કેટલી બદનામીન થશે, બેટા. અમે કોઈ પણ એક રૂમમાં પડ્યા રહીશું. અમે તમારી બંનેની સામે પણ નહીં આવીએ, દીકરા. આવું ન કર.આ ઉંમરે અમને આવી રીતે ન તરછોડ બેટા." ગાયત્રી બહેન કરગરવા લાગ્યા.
" મમ્મી, અત્યારે હું થાકી ગયો છું . પ્લીઝ હવે આ કકળાટ બંધ કર. અને હા, ત્યાં તમને બંનેને કોઈ વાંધો નહિ આવે . અને કહું છું ને અમે તને મળવા આવતા રહીશું. આમાં જ આપણી ભલાઈ રહેશે. તમે પણ ખુશ અને અહીં અમે પણ..." આશિષે સાવ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું.
ગાયત્રી બહેન રડતાં રહ્યા પણ એમના દીકરા પર તેમના આંસુઓની કોઈ અસર ન થઇ...
(ક્રમશઃ)