Punjanm - 27 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 27

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 27

પુનર્જન્મ 27


' વોટ , જુબાની સ્નેહા એ નહોતી આપી? '
' ના , જુબાની મેં આપી હતી.'
મોનિકા અને અનિકેત બન્ને વૃંદાની સામે જોઈ રહ્યા. વૃંદા ટેબલ પર પડતા ઝુમ્મરના અજવાળાને જોઈ રહી હતી.

' એ દિવસે સાંજે મારા માસા બળવંતમાસા , સ્નેહાના પિતા આવ્યા. એમણે મારા બા , બાપુ સાથે ઘણી વાતો કરી. રાત્રે હું અને મારા બાપુ , માસા સાથે એમના ઘરે ગયા. સ્નેહા દીદી ક્યાંય દેખાયા નહિ. પણ અંદરનો ઓરડો બંધ હતો. મને કંઈ સમજાતું ન હતું.

રાત્રે મને મોડે સુધી સમજાવવામાં આવી. એક મોબાઈલમાં એક યુવકનો ફોટો મને ગોખાઈ જાય ત્યાં સુધી બતાવવામાં આવ્યો. મને સમજાવવામાં આવ્યું. તું સ્નેહા છે. આ યુવક અનિકેત છે. એણે તારું શોષણ કર્યું , મતલબ સ્નેહાનું શોષણ કર્યું. મને બધું જ સમજાવ્યું. અનિકેતના ઘર, સગા, કોર્ટમાં શું કહેવું એ વગેરે..
મને કોઈને મળવા દેવામાં નહોતી આવતી. એક દિવસ મને મારા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી કોર્ટમાં લઇ જવામાં આવી. ત્યાં કેટલાક વકીલો, મારા પિતા, માસા વગેરે હતા. મને પૂછવામાં આવ્યું...
' તમારું નામ ? '
' સ્નેહા.. '
' તમે અનિકેતને ઓળખો છો ? '
' હા , સ્કૂલ કોલેજમાં અમે સાથે હતા. એક જ ગામમાં અમે રહીએ છીએ. એમની બહેન સુરભિ મારી બહેનપણી છે. '
' એણે તમારી સાથે કોઈ જબરજસ્તી કરી હતી ? '
' હા.. '
' ક્યારે ? કેવી રીતે ? '
' એક દિવસ હું સુરભિને મળવા ગઈ. ત્યારે હું દસમા ધોરણમાં ભણતી હતી. એણે એનો ગેરફાયદો ઉઠાવ્યો અને હું કોઈને કહીશ તો એ મારા નાના ભાઈને મારી નાંખશે અને મારા ચહેરા પર એસિડ નાંખશે એવી ધમકી આપી. પછી એ કાયમનું થઈ ગયું. કોલેજમાં પણ એ મારી ઇચ્છા વિરુદ્ધ બોલાવતો રહ્યો... '
' એણે તમારી સાથે શું કર્યું. '
હું નીચે જોઈ ચુપચાપ ઉભી રહી...
' મિસ. સ્નેહા ' ગભરાશો નહી. કોર્ટને બતાવો. '
હું કંઈ ના બોલી...
' મિસ સ્નેહા , ડરશો નહિ. શું એણે તમારા પર બળાત્કાર કર્યો હતો. '
મને ગોખાવેલા શબ્દો યાદ હતા. મેં કહ્યું...
' ના , એણે મારા પર બળાત્કાર તો નહતો કર્યો. પણ અનેક વાર મારી ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તીથી ગંદું કામ કરતો હતો. '
સ્નેહાના વકીલ ઇચ્છતા નહોતા કે સ્નેહાનું મેડિકલ થાય. માટે બળાત્કારનો મુદ્દો સાઈડમાં કરી દીધો હતો.
મને બીજા કેટલાક સવાલો પૂછ્યા. પછી અમે ઘરે આવ્યા... '

કમરામાં થોડીવાર સન્નાટો વ્યાપી ગયો...
' સ્નેહા ક્યાં છે ? '
' એ મને ખબર નથી. સાચે જ ખબર નથી. કોઈ કશું કહેતું નથી. માસી તો આ બધું થયું પછી છ મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા. '
' સ્નેહા એ મેરેજ કરી લીધા. ? '
' જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ના. નથી કર્યા. '
અનિકેતે આંખો બંધ કરી દીધી. એની નજર સમક્ષ સ્નેહાનો ચહેરો ઉપસી આવ્યો. ક્યાં હશે એ ? સુખી તો હશે ને ?

' મોનિકાજી, નવ વાગી ગયા. હું જાઉં? ઘરે બધા રાહ જોતા હશે. '
મોનિકા : ' વૃંદા, મોડું થઈ ગયું છે. હું ગાડી મોકલું છું. '
અનિકેત : ' તમને વાંધો ના હોય તો હું પણ નીકળું જ છું. આપને છોડી દઈશ.'
વૃંદા મોનિકા સામે જોઈ રહી...
મોનિકા : ' વૃંદા, તને વાંધો ના હોય તો અનિકેત છોડી દેશે. પણ મન કચવાતું હોય તો હું ગાડી મોકલું છું. '
અનિકેત : ' વૃંદા, તું ના પાડીશ તો મને ખોટું નહિ લાગે. '
વૃંદા એક પળ વિચારી રહી...
'મને વાંધો નથી. હું અનિકેત સાથે જઈશ. '

બન્ને બહાર નીકળ્યા. મોનિકા બહાર સુધી આવી. સિક્યુરિટી ગાર્ડ એલર્ટ થઈ ગયો. અનિકેતે જીપ બહાર કાઢી. વૃંદા અનિકેતની સાથે આગળ બેઠી. અનિકેતે મોનિકાને બાય કહી જીપ રવાના કરી.મોનિકા બન્નેને જતા જોઈ રહી. એનું મન ભરાઈ આવ્યું....

***************************

વૃંદા રસ્તો બતાવતી ગઈ એમ અનિકેત જીપ ચલાવતો ગયો. અનિકેતની જીપ કહેવાને તો જીપ હતી. પણ અનિકેતે એમાં સારામાં સારા સસ્પેન્શન નખાવ્યા હતા. સરસ મુલાયમ સીટો હતી. માટે બેસનાર એકદમ કમ્ફર્ટ ફિલ કરતો. થોડીવાર જીપ ચલાવ્યા પછી અનિકેતે મૌન તોડ્યું...

' વૃંદા , સ્નેહા ક્યાં છે ? '
' સાચે જ મને ખબર નથી. કદાચ એકલા માસા ને જ ખબર છે. '
' સુખી તો છે ને ? '
વૃંદા જોઈ રહી અનિકેતની આંખોમાં ચિંતાના ભાવ હતા.
' એક વર્ષ પહેલાં એ એક લગ્નમાં મળી હતી. સ્વસ્થ હતી. પણ સુખની વ્યાખ્યા શું? મને ખબર નથી કે એ મનથી સુખી હતી કે નહિ.'
' એણે લગ્ન કરી લીધા ? '
' હું ચોક્કસ નથી, પણ કદાચ ના. કેમકે એ જ્યારે મળી ત્યારે એકલી જ મળી છે. '
' એનો કોઈ ફોન નમ્બર કે એડ્રેસ ? '
' સોરી અનિકેત , મારી પાસે કંઈ નથી. '
' કદાચ ક્યાંય મળે તો મારો મેસેજ આપીશ ? '
' બોલો. '
' એને કહેજે તારા હાથમાં મહેંદી જોવા કોઈ હજુ તલશે છે. '
' ચોક્કસ. '

વૃંદાનું ઘર આવી ગયું હતું. સામાન્ય લાગતી સોસાયટીની બહાર વૃંદા ઉતરી. અનિકેત એને જતી જોઈ રહ્યો. સેઇમ સ્નેહા... આવી જ હતી.. સોરી હજુ ક્યાંક હશે મારી સ્નેહા... હે ઈશ્વર, મારી સ્નેહા જ્યાં હોય ત્યાં સલામત અને સુખી રાખજે.....

****************************


અનિકેત ગામમાં આવ્યો ત્યારે રાતના પોણા અગિયાર થવા આવ્યા હતા. થોડા નવરા માણસો ગામના પાદરે ગપ્પા મારતા હતા. થોડા જુવાનિયા પાનના ગલ્લે ટોળટપ્પા કરતા હતા. માસીના ઘરની લાઈટ બંધ હતી. કદાચ સુઈ ગયા હશે...

ખડકી ખોલી અનિકેત અંદર આવ્યો. ખડકી અંદરથી બંધ કરી ઘરમાં ગયો. કપડાં બદલી બહાર ખાટલામાં આડો પડ્યો....

આજે મન પરથી ભાર ઉતરી ગયો હતો. અત્યાર સુધી એને કહેવામાં આવ્યું હતું કે સ્નેહાની જુબાનીના કારણે એને સજા થઈ હતી. એ જેલમાં તડપતો હતો. સ્નેહા આવું કરે ? એ મને પ્રેમ કરતી હતી. એનું મન કહેતું હતું સ્નેહા આવું ના કરે. અને આજે એ જીત્યો. એની સ્નેહા એ એના વિરુદ્ધ કોઈ જુબાની આપી ન હતી. એ મન થી હળવો થઈ ગયો..

પણ મનમાં એક વિચાર આવ્યો. તો વૃંદા એ જુબાની કેમ આપી ? કદાચ સ્નેહા પોતાની વિરુદ્ધ જુબાની આપવા તૈયાર ના થઇ હોય. યસ , એટલે જ વૃંદાને સ્નેહા બનાવી રજૂ કરી હોય. વૃંદાનું સ્નેહાની કોપી હોવું અનિકેતને ભારે પડ્યું. છતાં આજે એ હળવાશ અનુભવતો હતો. પોતાનો પ્રેમ જીત્યો હતો.

આકાશના તારાને એ જોઈ રહ્યો. મન એ તારાઓને પૂછતું હતું... ક્યાં છે મારી સ્નેહા ?


(ક્રમશ:)

15 સપ્ટેમ્બર 2020