Punjanm - 26 in Gujarati Thriller by Pankaj Jani books and stories PDF | પુનર્જન્મ - 26

Featured Books
Categories
Share

પુનર્જન્મ - 26

પુનર્જન્મ 26







એ યુવતી આગળ આવી અને મોનિકાની જમણી બાજુ અનિકેતની સામે આવીને બેઠી. અનિકેત એને જોઈ રહ્યો. એ જ છોકરી... કે જે મોનિકાના સ્ટેજ શો સમયે પોતાની પાસે બેઠી હતી.. કદાચ... કદાચ... એ જ.

' વૃંદા , આ અનિકેત. અને અનિકેત આ વૃંદા. સ્નેહાની વાત આપણે કરીશું. પહેલાં જમી લઈએ. '
વૃંદા અનિકેતને જોઈ રહી. એની આંખોમાં એક ભય દેખાતો હતો. અનિકેતને થયું કે આનો ભય મારે દૂર કરવો જોઈએ. નહિ તો કંઈ જાણવા નહિ મળે.
' વૃંદાજી , હું આપને નથી જાણતો. પણ હું તમને વચન આપું છું કે તમને કોઈ નુકસાન તો શું, દુઃખ થાય એવું પણ હું નહિ કરું. '
મોનિકા બોલી....
' અનિકેત , જ્યારે મેં વિડીયો કલીપ જોઈ ત્યારે મેં મને બચાવનારની માહિતી મંગાવી હતી. પોલીસ કમિશ્નરની ઓળખાણથી માહિતી આવી. મેં મારા હજારો ફ્રેન્ડ્સને ફેસબુક પરના મારા પેજ પર પૂછ્યું કે તારા ગામ સંતરામપુર વિશે કોણ જાણે છે. તું માનીશ 100 ઉપર જવાબ આવ્યા. પણ કેટલાક કામના ન હતા. કેટલાક તો પડોશી ગામના હતા. એમાં વૃંદાનો મેસેજ પણ હતો...

મેં એ બધાને મેસેજ કરી પૂછ્યું કે સંતરામપુર વિશે એ કઈ રીતે જાણે છે. મારે સ્નેહાના ઘરના નજીકનું કોઈ વ્યક્તિ જોઈતું હતું. અને વૃંદા મળી.. તને ખબર છે , આ વૃંદા કોણ છે. ? '
' લાગે છે સ્નેહા જેવી જ. પણ સ્નેહા નથી. '
' યસ , વૃંદા સ્નેહાની માસીની દીકરી છે. '
ખાવાનું ટેબલ પર આવી ગયું હતું. બધા એ જમવાનું ચાલુ કર્યું.
મોનિકા : ' પણ અનિકેત આવું અચાનક થયું કેવી રીતે. '
અનિકેતના નજર સમક્ષ આખો ભૂતકાળ તરવરી ઉઠ્યો.
' કોલેજની પરીક્ષાના છેલ્લા દિવસે અમે બન્ને ફિલ્મ જોવા ગયા. મને ખુબ ડર લાગતો હતો. પણ એ ડરતી ન હતી. ત્યાંથી અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ઘરે આવતા ખૂબ મોડું થયું. મને ખુબ ચિંતા હતી. રોજ રાત્રે એના મેસેજ આવતા. પણ બે દિવસ એ ઓનલાઈન જ ના થઇ. ના એનો કોઈ કોલ , ના કોઈ મેસેજ.

બે દિવસ પછી સવારે પોલીસની બે જીપ આવીને ઉભી રહી. મારા ઉપર સ્નેહાને બ્લેકમેઇલિંગ અને એના શારીરિક શોષણનો આરોપ હતો. હું વિરોધ કરતો રહ્યો. પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું. મારા હાથમાં હાથકડી પહેરાવી દીધી. મા અને બહેન વચ્ચે પડ્યા. પણ લેડી કોન્સ્ટેબલે એમને દૂર કર્યા અને મને ધક્કો મારી ખડકીની બહાર લઈ ગયા.

બહાર આખું ગામ ટોળે વળ્યું હતું. કોન્સ્ટેબલ મને જીપમાં બેસાડવા પ્રયત્ન કરતો હતો. પણ મેં વિરોધ કર્યો. પોલીસ ઓફિસરે મારા જડબા પર એક જોરદાર પ્રહાર કર્યો અને મારા પડખામાં એક જોરદાર લાત પડી.

હું નીચે પડી ગયો હતો. મને પડખામાં અસહ્ય દર્દ થતું હતું. મને એવું લાગતું હતું કે મારી એકાદ પાંસળી તૂટી ગઈ હશે. મ્હોમાં દાંત હલી ગયા હતા. મ્હોમાં ગરમ ગરમ પ્રવાહી ભેગું થયું હતું. હોઠનો એક ભાગ ફાટી ગયો હતો. ત્યાંથી ગરમ ગરમ પ્રવાહી બહાર નીકળતું હતું. મેં શર્ટથી એ પ્રવાહી લૂછયું. શર્ટની બાંય લાલ થઈ હતી. એ પ્રવાહી લોહી હતું..

મારી વિરોધ કરવાની ક્ષમતા બે ફટકામાં જ ખતમ થઈ ગઈ હતી. કોન્સ્ટેબલે મને બાવડેથી પકડી ખેંચ્યો અને જીપમાં નાખ્યો. મને તાલુકાના પોલીસ સ્ટેશને લઈ જવા માં આવ્યો.
કોર્ટ માંથી રિમાન્ડ લીધા...
અંધાધૂંધ માર પડ્યો. મારું મગજ સુન્ન થઈ ગયું હતું. મને કંઈ સમજમાં આવતું ન હતું. મારા મામાએ વકીલ રોક્યો. મને જામીન ના મળ્યા. હું ગામમાં ફરિયાદી ને ધમકાવી શકું એમ છું એ દલીલ કોર્ટે માન્ય રાખી. મને કાચા કામનો કેદી ગણી જેલમાં મોકલી આપ્યો.

કેસ ચાલ્યો.. દરેક મુદતે મા , મામા આવતા હતા. આખરે ફરિયાદીની જુબાની પર બધો આધાર રાખવામાં આવ્યો. મને વિશ્વાસ હતો કે સ્નેહા મને દગો ના દઈ શકે. અને મેં કોઈ બ્લેકમેઇલ કે શોષણ કર્યું જ નહતું. પણ કોર્ટમાં ફરિયાદીના વકીલે માંગણી કરી કે ફરિયાદીની ઈચ્છા છે કે એ બંધબારણે જુબાની આપે. એ આરોપીથી ડરે છે....

આખરે બંઘબારણે સ્નેહા એ જુબાની આપી. મેં એને ફસાવી હતી. એના નાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી એની મરજી વિરુદ્ધ સંબધ બાંધ્યો અને એ સંબધ બધા ને કહી દેવાની ધમકી આપી મેં એને બ્લેકમેઇલ કરી.

કોર્ટે એની જુબાની ગ્રાહ્ય રાખી. અને મને દસ વર્ષની કેદ થઈ.
જ્યાં સુધી સ્નેહાએ જુબાની નહોતી આપી ત્યાં સુધી મને વિશ્વાસ હતો કે હું નિર્દોષ છૂટીશ. મેં માતા, મામા અને બહેનને વિશ્વાસ આપ્યો હતો કે હું નિર્દોષ છું. અને એમને મારા પર વિશ્વાસ હતો.

પરંતુ સ્નેહાની જુબાની સાથે આખો માંચડો તૂટી પડ્યો. હું કોર્ટમાં જ ફસડાઈ પડ્યો. મા ને વિશ્વાસ થયો કે હું ખોટું બોલું છું અને એ મારી સામે જોયા વગર મામા અને બહેનને લઈ કોર્ટમાંથી નીકળી ગઈ. એ પછી મને ક્યારેય માનું મોઢું જોવા ના મળ્યું. '

અનિકેતે ચમચી પ્લેટમાં મૂકી. મોનિકા અને વૃંદા અનિકેતને જોઈ રહ્યા હતા. જમવાનું પતી ગયું હતું. આજે આઈસ્ક્રીમ ત્રણેમાંથી કોઈને ગળ્યો ના લાગ્યો.
ઘડિયાળ નો કાંટો આઠ પાંત્રીસ બતાવતો હતો.
વૃંદા: ' મેમ , સુધીર સર નથી ? '
મોનિકા: ' ના , એનું બેગ્લોરમાં શુટીગ છે. કેમ ? '
' મેમ , હું એમની પણ ફેન છું. આપ બન્નેની જોડી વેરી ક્યૂટ છે.'
' થેન્ક્સ. અમે એકબીજાને ખૂબ ચાહિયે છીએ. '
અનિકેત વિચારી રહ્યો હતો. કોઈના મનનો તાગ લેવો કેટલો અઘરો છે. હું , સુધીર કે સચદેવા , કેટલા રહસ્યો હદયમાં છુપાવી ફરીએ છીએ.
અનિકેતે વૃંદા તરફ જોયું.. એવી જ સ્નેહા જેવી જ. એવો જ ચહેરો.. એવી જ સ્કીન... એવા જ વાળ... એવી જ હેર સ્ટાઇલ..... એવી જ કપડાંની સ્ટાઇલ... અને એવું જ હાસ્ય... કદાચ તોફાની પણ એવી જ હશે... ફરક એટલો જ હતો કે કદાચ વૃંદા સ્નેહા કરતા સ્હેજ ભરાવદાર હતી. પણ અનિકેત સ્નેહાને દૂરથી પણ ઓળખવા સક્ષમ હતો. સ્નેહાને એણે સાચા દિલથી પ્રેમ કર્યો હતો...
અનિકેતે વૃંદા ને કહ્યું.
' તમને ખબર છે હું નિર્દોષ છું ? '
' મારું અનુમાન છે કે કદાચ તમે નિર્દોષ છો. '
' કદાચ? શ્યોર નથી ? '
' મને 100 % સાચો જવાબ ખબર નથી. '
' તમેં ક્યા અનુમાન પર કહો છો હું નિર્દોષ છું ? '
વૃંદા મોનિકાની સામે જોઈ રહી. વૃંદાના ચહેરા પર ક્યાંક ડરનો ભાવ હતો. મોનિકાએ વૃંદાના હાથ પર હાથ મૂકી થપથપાવ્યો. અને એને આશ્વસ્ત કરી. અને વૃંદા એ અનિકેત સામે જોઈ કહ્યું....

' કોર્ટમાં તમારા વિરુદ્ધ જુબાની મેં આપી હતી. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે ગુન્હેગાર નથી..'
મોનિકા અને અનિકેત બન્ને સ્તબ્ધ થઈ ગયા....
' વોટ , જુબાની સ્નેહા એ નહોતી આપી ? '

(ક્રમશ:)

12 સપ્ટેમ્બર 2020