Paper - 5 in Gujarati Short Stories by Divya books and stories PDF | કાગળ - 5

The Author
Featured Books
Categories
Share

કાગળ - 5

" બા, તમે જરાય મૂંઝાશો નઇ... એમ તો અસ્પતાલ વાળા હારા સે હેમંત ને કાગળ દેશે તમે ચિંતા ના કરો શાંતિ રાખો." કરશનભાઈ કંચનબા ને સમજાવતા હતા એટલા માં પૉસ્ટ માસ્તર ગામમાં ટપાલ ને કાગળ દેતા દેતા કંચનબા ની શેરીમાં આવી પહોંચે છે. પૉસ્ટ માસ્તર ને જોતા ની સાથે જ કરશનભાઈ એ કંચનબા ને કહ્યું "પેલી કોર જરી ભાળો બા , આ માસ્તર આયા સે એમને જ તમે પૂછી લો કે કાગળ હેમંત ને પોચ્યો સે કે નથ પોચ્યો..."

કંચનબા પૉસ્ટ માસ્તર ને બોલાવે છે "ઓ માસ્તર... ટપાલી...અરે ઓ માસ્તર...જરીક ઓય થાતાં જાજો." પૉસ્ટ માસ્તરે વળતો જવાબ આપતા કહ્યું બા ઘડીક ધરપત રાખો તમારે ત્યાં જ આવું છું આ હીરાલાલ ના ત્યાં ટપાલો દઇને આયો. બે પાંચ મિનીટ પછી "કંચનબા, ચમ સો મજા માં ને? તબિયત પોણી સારા ને?" માસ્તરે કંચનબા ની ડેલી એ આવી ને કીધું. " તું હંધુય છોડ... પેલા એ મને કે કે તે હેમંત ને કાગળ પૂગાડયો કે નઇ?" કંચનબા એ માસ્તર ને પૂછ્યું. પૉસ્ટ માસ્તરે જવાબ આપતા કહ્યું "બા, કાગળ પહોંચી ગયો અને આજ હું તમારા હાટું વળતો કાગળ લઇને આપવા આયો છું. અસ્પતાલ માંથી તમારી હાટું જ આયો છે લ્યો... હવે હું જાઉં રામ રામ" આમ કહી કાગળ કંચનબા ના હાથમાં કાગળ આપી પૉસ્ટ માસ્તર ત્યાં થી રવાના થતા હતા ત્યારે કંચનબા એ ખુશ થઈ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા પછી માસ્તર ત્યાં થી બીજા ને કાગળ આપવા નીકળી જાય છે અને આ બાજુ કંચનબા અધીરા બની જાય છે " કરશન, અરજણીયાને ઝટ બારે બોલાવજે આ કાગળ માં શું લખ્યું છે વાંચી હંભળાવે..." હા બા હું અરજણ ને બોલાવું સુ એમ કહી કરશનભાઈ અર્જુન ને ઘરમાંથી બહાર આવા બૂમ પાડે છે " અરજણ ... બારે આવજે..." " બાપુ શું કામ છે હું ભણું છું ?" " પછી ભણજે પેલા આ કાગળ વાંચી આલ." "હા ... બાપુ આયો " અર્જુન બહાર આવીને જેવું કાગળ વાંચવાનું શરૂ કરે છે કે તરત કંચનબા " અરજણ ઝટ સારા સમાચાર હંભળાવ..." " બા, વાંચીશ ત્યારે ખબર પડશે ને કે સમાચાર સારા છે કે માઠા " અર્જુને કહ્યું. " હા હા બેટા, તું વાંચ ભગવાન કરે સારા જ વાવડ હોય મને હવે ધીરજ નથી રેતી." અર્જુને કહ્યું હા હું વાંચું છું સારું ત્યારે સાંભળો હવે...

" હેમંત કાકા ની તબિયત હવે સારી છે એ દવા પણ ટાઇમસર લઇ લે છે અને ખાવાનું પણ બરાબર ખાઇ લે છે. હેમંત કાકા ના નર્સે આ કાગળ લખીને મોકલ્યો છે અને કીધું છે કે એક-બે દી' માં એમને રજા આપશે. બા તમે કાકા ની ચિંતા ના કરતા એવું ખાસ કીધું છે." આ સાંભળતા ની સાથે જ કંચનબા હરખાઇ જાય છે અને ઉપર તરફ જોઇને હાથ જોડીને કહે છે "હે મારા હરિ, તારો પાળ માનું એટલો ઓછો છે તે મારી પ્રાર્થના હોભળી મારો ભરોસો તે તોડ્યો નઇ તારો ઉપકાર... જે દી' હેમંત ઘેર આવશે તે દી' હું સવાશેર પરસાદ ધરીશ ને પાંચ નાળિયેર વધેરીશ તે મારા કાળજાના કટકાને બચાયો છે આ મારો કો'લ સે."

* * *
હેમંતભાઈ નું ઑક્સિજન લેવલ ધીરે ધીરે વધવા લાગ્યું હતું ડૉક્ટરે તેમને ડિસ્ચાર્જ માટેની પરમિશન આપી દીધી હતી. નર્સે બધા પેપર્સ રેડી કરીને તેમને ઘરે લઈ જવા કરશનભાઈ ને ફોન કરીને જણાવી દીધું હતું. બપોરે જમ્યા પછી હેમંતભાઈ ને ડિસ્ચાર્જ કરવાના હતા. બીજી બાજુ આ સમાચાર મળતાં જ કરશનભાઈ ગાડી લઈને હૉસ્પિટલ આવી પહોંચે છે અને ઘરે હેમંતભાઈ નું સ્વાગત કરવા તૈયારી કરવાનું કહે છે.

કરશનભાઈ જેવા હેમંતભાઈ ના રૂમ માં પહોચ્યા તેવું જ પોતાના કોઈને જોઇને હેમંતભાઈ ના ચહેરા પર અનોખું સ્મિત આવી ગયું બાકી રોજ તો રૂમનો દરવાજો ખૂલતાં ડૉક્ટર અને નર્સ ને જોઇને હેમંતભાઈ કંટાળી ગયા હતા.

"આવ ભાઈ કરશન, આજ ઘણા દી' પછી આ દરવાજો ખૂલવાનો ચર્ ર્ ર્... અવાજ મને ઘોંઘાટ નથી લાગ્યો બાકી તો રોજ દરવાજો ખૂલે ને કાં'તો ઇન્જેક્શન આપી જાય કાં'તો દવા..." હેમંતભાઈ એ કહ્યું. "હાલ ભાઇ, થઇજા તૈયાર હવે આ અવાજો તને હેરાન નહીં કરે. ઘરે હંધાય તારી વાટ જોઇને બેઠા છે."કરશનભાઈ એ કહ્યું.

ત્યારપછી કરશનભાઈ અને હેમંતભાઈ પોતાને ગામ પહોંચે છે ત્યાં તેમનું આરતી અને ફૂલહારથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું એવું સ્વાગત જાણે કે કોઈ યોધ્ધો યુધ્ધ સંગ્રામ જીતીને આવ્યો હોય તેમ આમે કંચનબાને મન આ જંગ કોઈ યુધ્ધ સંગ્રામ થી રતીભાર પણ ઓછી નહોતી.