પૃથ્વીએ પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે ધીરેથી બોલ્યો "શેઠ પેલા ભેજાગેપ પાકિસ્તાનીઓ અહીં મુંબઈમાં છે.”
"શું? તને ક્યાંથી ખબર?"
"તમે મિટિંગમાં હોવ તો પછી ફોન કરું. આતો મને લાગ્યું કે આટલી મોટી ખબર તમને આપવી જોઈએ એટલે.."
"એક મિનિટ ચાલુ રાખ "કહીને અનોપચંદે સામે બેઠેલા 2 જાણે 10 મિનિટ પછી આવવા કહ્યું. તે બંને ઉભા થઈને બહાર ગયા. પછી અનોપચંદે કહ્યું" હવે બોલ શું વાત છે. તું ક્યાં છે એ કહે એટલે બેકઅપ ટીમને મોકલાવું. અને જો જે જરા જાળવજે. તારી જેમ એ બન્ને પણ ભેજાગેપ છે."
" મારી ચિંતા ન કરો. એ 2 માંથી એકને મેં જયપુર મોકલી આપ્યો છે અને હવે અહીંયા એક જ છે."
“તારી ચિંતા ન થાય એવું કેમ બને અત્યારે મારી પાસે તારા જેવા માણસ ખૂબ જ શોર્ટેજ છે. અને જયપુર એટલે કે તું સરલાબેન ને એરપોર્ટ સુધી મૂકવા ગયો હતો? મૂર્ખ છો તું. જેવી ફ્લાઇટ ઉપડશે કે પેલાને અંદાજ આવી જશે કે તે એને મૂર્ખ બનાવ્યો છે. પછી જયપુર ઉતરીનેએ આગ્રામાં કંઈક સેટિંગ કરશે તો.સરલા હેરાન થશે. તને એરપોર્ટ જવાની ના પડી હતી.પણ તને શોખ છે. ખેર પેલા મનસુખનું શું થયું."
"એ તો ગયો જહન્નમમાં અને ઈરાની ગયો જયપુર અને અડધા કલાકમાં હની પહોંચશે ઉપર."
"પૃથ્વી મેં તારા કરતા વધુ દિવાળી જોઈ છે. શું તને એમ લાગે છે કે એકલો હની તને મળશે, અરે, એણે ઓછામાં ઓછા 8-10 જણાને બોલાવ્યા હશે. અને તને અચાનક ભીડવશેએ પબ્લિકમાં તારા પર હુમલો નહીં કરે પણ જેવો સુમસામ રસ્તો મળશે કે તારા પર એટેક કરશે. તું એક કામ કર હમણાં જ્યાં છો ત્યાં જ બેસી રહે. પંદર મિનિટમાં ટીમ પહોંચી જશે. પછી આગળ ઉપર તારી રીતે નિર્ણય લેજે"
"સોરી શેઠ મેં નિર્ણય લઇ લીધો છે હું બહાર જાવ છું હાઇવેથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના રસ્તેથી આગળ જઈશ."
"પણ તારી પાસે વેપન?"
"લીલીપુટ છે મારી પાસે"
"લીલીપુટ. ઓહ એનાથી શું થાય 7 રાઉન્ડ પછી શું ધારો કે એ 10 માણસો હશે તો.? ચુપચાપ ત્યાં જ બેઠો રહે. ટીમ 15 મિનિટમાં પહોંચશે."
"હું નીકળું છું મને ઉતાવળ છે ઓલા હનીને ઉપર પહોંચાડવાની. અને જીતુભા 5-30 વાગ્યા સુધીમાં હેડ ઓફિસમાં પહોંચી જશે કદાચ હું મરી જાઉં તો મારી જગ્યાએ મારા જેવો જ એક બીજો માણસ તમને આપતો જાઉં છું બાય. જીવતો હોઈશ તો કલાક પછી ફરીથી તમને ડિસ્ટર્બ કરીશ." કહીને પૃથ્વીએ ફોન કટ કરી નાખ્યો. પછી આળસ મરડીને ઉભો થયો કાઉન્ટર પર જઈને બિલ ચૂકવ્યું અને બહાર નીકળ્યો. પાર્કિંગમાંથી પોતાની કાર બહાર કાઢી અને એરપોર્ટની બહાર નીકળ્યો બેક વ્યુ મિરરમાં જોયું તો હની એક બાઈકમાં એની પાછળ આવતો હતો એક સ્મિત પૃથ્વીના ચહેરા પર આવ્યું એ જાણતો હતો કે હની એ આગળ ક્યાંક એના માણસોને ઉભા કર્યા જ હશે.
xxx
જે વખતે પૃથ્વી એરપોર્ટ ની બહાર નીકળ્યો એ જ વખતે શેખર પોતાની કાર લઈને એરપોર્ટ જવા નીકળ્યો.પૃથ્વીના ઘણા કામ આ પહેલા એને કર્યા હતા.પણ..છેલ્લા 3-4 મહિનામાં એ બે એક વખત એરપોર્ટ પર ટાઇમસર ન પહોંચી શક્યો કેમ કે એ પ્રેમમાં પડ્યો હતો અને છેલ્લીવાર સરલાબેનને લેવા ગયો ત્યારે એ અડધો કલાક મોડો હતો. અને સરલાબેન નારાજ થયા હતા. આજે જો પોતે મોડો પહોંચશે તો પૃથ્વી નારાજ થશે અને એ એને પોસાય એમ ન હતું આમ તો એ પ્રાઇવેટ ટેક્સી ચલાવતો. એનું મુખ્ય કામ ડ્રાઇવિંગ કરીને લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું હતું. પણ પૃથ્વીએ એનામાં 2 વર્ષ પહેલા વિશ્વાસ મુક્યા પછી એને દર મહિને એક ચોક્કસ રકમ મળી જતી. અને બદલામાં પૃથ્વી કે શેઠ અનોપચંદની કંપનીના અમુક લોકો ફોન કરે એ પ્રમાણે, લોકોને એરપોર્ટ સુધી કે પછી જ્યાં કહે ત્યાં સલામત પહોંચાડી આવવાનું હતું. લગભગ દોઢ કલાક પહેલા પૃથ્વીનો ફોન આવ્યો કે તરત એણે પોતાની કાર ચેક કરી લીધી.સરલાબેનની ફ્લાઇટ આવે એ પહેલા એને એરપોર્ટ પહોંચી જવું હતું. આજનું કામ બરાબર થાય તો પૃથ્વી કહીને થોડા રૂપિયા એ એડવાન્સમાં માંગવાનો હતો 2 મહિનામાં એના લગ્ન હતા. એટલે જ લગભગ 1 કલાક પહેલા નીકળ્યો હતો એના ઘરથી અડધો કલાકના રસ્તે એરપોર્ટ હતું. અચાનક એના ફોનમાં રીંગ વાગી એને જોયું તો એની પ્રેમિકા, એની થનારી પત્નીનો ફોન હતો. "ઓહ શીટ " કહીને એને ફોન ઉચક્યો. "બોલ જાનુ"
“ક્યાં છે તું" સામેથી એની પ્રેમિકા એ કહ્યું.
"એક વરદી મળી છે એરપોર્ટ જાઉં છું. ત્યાંથી મથુરા." ડ્રાઇવિંગ કરતા કરતા એને જવાબ આપ્યો.
"પણ તું તો મને આજે મળવાનો હતો દયાલ બાગમાં ?
"અરે, આ પાર્ટી સાથે પર રાઉન્ડ નહીં મહિનાનો કોન્ટ્રાકટ છે કામ હોય કે ન હોય દર મહિને પૂરો પગાર આપે જેટલું હું પહેલા કામ કરતો હતો અને કમાતો હતો એટલા. અને એમનું કામ ન હોય ત્યારે બીજી વરદીમાં મળે એટલી કમાણી એક્સ્ટ્રા. આમેય લગ્ન કરશું એટલે ખર્ચ વધશે જ "
એ તો બરાબર છે પણ મને આજે તને મળવાનું બહુ મન હતું. પ્લીઝ માત્ર 5 મિનિટ મને મળતો જા."
આજે નહીં, એટલે કે હમણાં નહીં હું સાંજે મથુરાથી આવીને મળું છું"
"મારા માટે ટાઈમ જ નથી તારી પાસે" કહીને એની થનારી પત્નીએ ફોન મુકી દીધો. શેખર હલ્લો હલ્લો કરતો રહ્યો પણ ફોન કટ થઈ ગયો. એણે એક હાથે ડ્રાઇવિંગ કરતા કરતા એનો નંબર ડાયલ કરવા લાગ્યો. પણ એનો ફોન બંધ આવતો હતો. ઓહ ગોડ આ છોકરી મારામાં પાગલ છે અને મને પાગલ કરી દેશે. બબડતા એને ફરીથી ફોન જોડવાનો પ્રયાસ કરવા લાગ્યો એનું ધ્યાન ફોનની સ્ક્રીન પર હતું. અચાનક એક નાનકડી છોકરી રોડ પર સાઇકલ ચલાવતી એની સામે આવી ગઈ. "ઓહ નો... " કરીને એણે બ્રેક દબાવી કાર હ્ચમચાઈને ઉભી રહી પણ છતાં સાઈકલ સાથે હળવેકથી ટકરાઈ પેલી છોકરી નીચે પડી ગઈ એના ગોઠણમાં અને હાથમાં થોડું છોલાયું હતું. આ આગ્રાની બહાર નીકળવાની પહેલાની છેલ્લી વસ્તી હતી ત્યાં લગભગ બધા ગરીબ રહેતા હતા. ગરીબ અને ખતરનાક પણ.
"એ એ દેખો કારવાલે ને લડકી કો ઉંડા દિયા" કોઈએ બૂમ પડી અને અચાનક લોકો ભેગા થવા લાગ્યા.શેખર ગભરાયો એકવાર તો વિચાર્યું કે ભાગી જાઉં પણ જો ભાગતા પકડાઈ જાય તો ચોક્કસ માર પડશે એના કરતા આ છોકરીના માં બાપને સમજાવીને થોડા રૂપિયા આપી દઈશ તો હજી ટાઇમે પહોંચી શકાશે. ઝડપથી વિચારીને એ કારની બહાર આવ્યો "અરે અરે કઈ નથી થયું થોડું છોલાયું છે મેં તો બ્રેક મારી હતી એ અચાનક સામે આવી ગઈ" એવા વાક્યો એ બોલવા લાગ્યો. છોકરીનો બાપ આગળ આવ્યો અને શેખરનો કાંઠલો પકડ્યો. છોકરીની માં છોકરીને ઉભી કરીને કેટલું વાગ્યું છે એવું પૂછતી હતી. કોઈકે કહ્યું કે "પહેલા તેને દવાખાને લઇ જાવ". છોકરીના બાપે કાંઠલો છોડીને છોકરીને ઊંચકી કારમાં ગોઠવાયો. શેખરે કૈક અચકાતા કહ્યું "મને મોડું થાય છે, પ્લીઝ તમે આને દવાખાને લઇ જાવ પાટાપિંડી ના 50 રૂપિયા થશે આ લ્યો આ ત્રણસો રૂપિયા રાખો એને ફ્રૂટ ખવડાવજો સાંજ સુધીમાં આ દોડતી થઇ જશે. છોકરીની માં આગળ આવી અને એના હાથમાંથી રૂપિયા ઝૂંટવી લીધા પછી કારનું પાછળ નું બારણું ખોલીને અંદર બેસી ગઈ અને શેખરને કહ્યું. "ભલે મોડું થતું હોય અહીં નજીકમાં જ દવાખાનું છે ત્યાં મારી મુન્નીને પાટાપિંડી કરાવી અને અમને પાછા મૂકીને પછી અહીંથી જજે નહીતો તું ને તારી આ કાર બંને ભાંગી જશે. એ સુરેશ આ સાઇકલ મારા ઘર પાસે મૂકી દે" નાછૂટકે શેખર ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો નજીકવાળું દવાખાનું 8-10 મિનિટ ના અંતરે હતું. વળી ડોક્ટર બપોર હોવાથી સુઈ ગયા હતા. શેખરે જઈને મહામહેનતે ડોક્ટરને ઉઠાડી લઇ આવ્યો. પાટાપિંડી કરી અને ડોક્ટરની ફી પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવીને જયારે એ લોકોને પાછા વસ્તીમાં પહોંચાડ્યા ત્યાં સુધીમાં લગભગ પોણો કલાક થઈ ગયો હતો. એણે પૃથ્વીને ફોન જોડ્યો પુરી રીંગ વાગી પણ પૃથ્વીએ ફોન ન ઉપાડ્યો બીજી વાર પણ એ જ થયું. કંટાળી ને એણે કાર એરપોર્ટ બાજુ દોડાવી એ ખુબ નિરાશ હતો. એરપોર્ટ હજી 25 મિનિટ ના અંતરે હતું.લગભગ 3-20 વાગ્યા હતા. એ જ વખતે મુંબઈ થી આવેલ સરલાબેન ની ફ્લાઇટ આગ્રામાં લેન્ડ થઇ હતી.
xxx
લગભગ દોઢ વાગ્યે જીતુભા મોહિની અને સોનલ જમીને ઊભા થયા "ભાઈ મારે મસાલાવાળું પાન ખાવું છે" સોનલે કહ્યું'
"તું લાફો ખાઈશ પહેલા" જીતુભા ગુસ્સામાં હતો'
"જીતુ" મોહિનીએ કહ્યું.
" ઓ હો જીતુભા માંથી જીતુ. બહુ પ્રગતિ કરી લીધી છે તમે બન્નેએ હું 2 દિવસ બહારગામ ગઈ એમાં " સોનલે ટોંટ મારતા કહ્યું.
" જો સોનલ જીતુ ખુબ જ થાકેલો છે એને આરામ કરવા દે ચાલો આપણે બન્ને લટાર મારી આવીએ અને પાન ખાઈ આવીએ."
" મારે હવે પાન નથી ખાવું પણ હું બાપુ આગળ અને ફૈબા આગળ તમારી બંનેની ચાડી ખાઈશ. માન્યુંકે મારી ભૂલ હતી પણ આટલો ગુસ્સો હું માં વગરની..." સોનલે પોતાનું અચૂક શસ્ત્ર વાપર્યું.
"બસ સોનકી, સોરી મારી ભૂલ હતી કે મેં ગુસ્સો કર્યો. હકીકતમાં તો ત્યાં હોલ પર જ તને બે લાફા મારવાનું મન હતું. તને ખબર છે કેટલી ચિંતા થઇ છે મને તારી. આ મોહિનીને આટલો પ્રેમ કરતો હોવા છતાં કોઈ દિવસ એની સાથે ડાયરેક વાત નથી કરી અને આજે તારી ચિંતામાં રાત્રે અઢી વાગે સુવા છતાં છ વાગ્યામાં એના ઘરે પહોંચી ગયો તું ક્યાં છે એ જાણવા. અને તારી ફોઈ ફોનમાં વાત કરું તો તારા વિષે જ પૂછે છે મારી સોનલનું ધ્યાન રાખજે. હવે તું જ કહે તું દોઢ વાગે દાદર સ્ટેશન ઉતરવાની હો અને પછી ન ઉતરે અને પછી છેક બીજા દિવસે બપોર સુધી ફોન પણ ન કરે તો ચિંતા તો થાય જ ને. મામા તારા વિશે પૂછે તો હું શું જવાબ આપું? જીતુભાએ રડમસ અવાજે કહ્યું.
"સોરી જીતુડા મારી તો ખુબ મોટી ભૂલ છે જ હવેથી એવું નહીં થાય. પણ તું પ્લીઝ બાપુને ન કહેતો નહીં તો મને ખીજાશે." સોનલે રડતા રડતા કહ્યું. જીતુભાએ એની પાસે જઈને એને હગ કર્યું અને કહ્યું “બસ હવે રડમાં મને તારી જેમ ચાડી ખાવાની આદત નથી પણ તું હવે 21 વર્ષની થઈ થોડી પાકટ થા, છોકરમત છોડ. તારી ચિંતા થાય છે એટલે જ ગુસ્સો આવે છે. કેમ કે અમે બધા તને પ્રેમ કરીએ છીએ. તને કંઈ થયું હોત તો....."
"હવે તારા જેવો ભાઈ હોય તો કોઈ મારું શું બગાડી લેવાનું છે અને 2-3 જણાને તો હું એકલી જ પહોંચી વળું એમ છું તને નથી ખબર કરાટે અને જુડોની ટ્રેનિંગ તે જ મને જબરદસ્તી કરાવી છે. આ મોહિનીને નહોતા કરવા તોય મારી સાથે સાથે પરાણે ટ્રેઈન કરી છે. હવે જા અમને છોકરીઓને વાતો કરવા દે અને તું સુઈ જાં, પણ જો જે હો રાત્રે જમવામાં ઉઠી જજે સવાર સુધી ઘોરતો નહીં. રાત્રે જમીને અમને આઈસ્ક્રીમ ખવડાવવાનો છે પછી આપણે બંને મોહિનીને મુકવા જશું."
"અરે મારે તો સાડા ચાર વાગ્યે નરીમાન પોઇન્ટ જવાનું છે અને આવતા મોડું થશે લગભગ 8 વાગશે."
" હવે કાલે એ કામ કરજે આજે આરામ કરને" સોનલે કહ્યું.
" ના આજનું કામ બહુ જ અગત્યનું છે. અને જો યાદ રાખજો તમે બંને ઘરની બહાર નીકળતા નહીં. હું ન આવું ત્યાં સુધી. ખાસ તો તું સોનકી જો ઘરની બહાર પગ મૂક્યો તો તારું ગળું દબાવી દઈશ.
"હવે જ જ જોયો મોટો ગળા દબાવવા વાળો.તારે જ્યાં અને જ્યારે જવું હોય ત્યાં જજે હું તો બાજુવાળી રિવા દીદીને લઈને મોહિની સાથે સાંજે પાણીપુરી ખાવા નીચે રોડ પર જઈશ. થાય ઈ કરી લેજે." સોનલે કહ્યું અને જીતુભા ગુસ્સાભરી નજરે એની સામે જોયું અચાનક મોહિની બોલી "જીતુ હું અને સોનલ પાણીપુરી ખાવા રિવા દીદી સાથે નીચે જશું જ. જોઈએ છે અમને કોણ રોકે છે " કહીને સોનલને તાળી મારી અને પછી જીતુભા સામે જોઈને આંખથી ધીરજ રાખવા ઈશારો કર્યો. .
.
ક્રમશ: પૃથ્વી એકલો હની અને એના સાથીઓનો સામનો કરવા નીકળી પડ્યો છે. શું એ પહોંચી વળશે? બેકઅપ ટીમના મેમ્બરો પૃથ્વીની મદદ કરશે?.શેખરને મોડું થઇ ગયું છે. તો સરલાબેન આગ્રાથી મથુરા કેવી રીએ જશે? ઈરાનીએ કઈ પ્લાન કર્યો છે? જાણવા માટે વાંચો તલાશ -13