Bhut ni naat ma in Gujarati Horror Stories by Om Guru books and stories PDF | ભૂતની નાતમાં

The Author
Featured Books
Categories
Share

ભૂતની નાતમાં

ભૂતની નાતમાં


"તમે જીજાજી અઠવાડિયાથી નાગપુર આવ્યા છો પરંતુ તમે અમને તમારા જીવનમાં બનેલો એક પણ કિસ્સો આજ દિન સુધી સંભળાવ્યો નથી. દીદી કહે છે કે તમે ખૂબ જ રોચક અને અદભૂત કિસ્સા કહો છો. તો આજે અમને પણ એક રોચક કિસ્સો સંભળાવોને." પ્રફુલ સાવંતે પોતાના જીજા મહેશ નાગરેને કહ્યું હતું.

"અરે પ્રફુલ, અમે મિત્રો જ્યારે ભેગા થઇએ ત્યારે મારા મગજમાં કોઇ યાદ હોય તો કિસ્સો સંભળાવી દઉં છું. પણ અત્યારે મને કોઇ કિસ્સો યાદ નથી." મહેશ નાગરેએ કિસ્સો ના સંભળાવા માટે બહાનું કાઢ્યું હતું.

"આમ તો આખા ગામને કિસ્સા સંભળાવતા ફરો છો અને મારા સગા ભાઇને એક કિસ્સો કહેતા તમને પેટમાં દુખે છે?" મહેશ નાગરેની પત્નીએ એને ઠપકો આપતા કહ્યું હતું.

"પ્રફુલ, જે કિસ્સા હું કહેતો હોઉં છું એ કિસ્સાનો હું સાક્ષી રહેલો હોઉં છું. એટલે એ પૂર્ણ રીતે સત્ય હોય છે. માટે મારા ભૂતકાળના અનુભવ ઉપરથી હું કહું છું કે આ કિસ્સો સાંભળવાની માથાકૂટમાં ના પડ. એના કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે." મહેશ નાગરેએ પ્રફુલને સમજાવતા કહ્યું હતું.

"જીજાજી, તમે મને નાનો તો નાનો પણ એક કિસ્સો સંભળાવો, પછી જીવનમાં ક્યારેય પણ હું તમારી પાસેથી કિસ્સો સાંભળવાની જીદ નહીં કરું. મારી પત્ની શેફાલીને પણ તમારો જાત અનુભવેલો કિસ્સો સાંભળવાની બહુ ઇચ્છા છે." પ્રફુલે એની જીદને થોડી પ્રબળ બનાવવા શેફાલીનો પણ સાથ લેતા કહ્યું હતું.

"જો તમારા બધાંની ઇચ્છા છે તો એક કિસ્સો હું તમને સંભળાવું છું. હું 2016-2017-2018માં નિયમિત રીતે મહિનામાં ફીક્સ ચોથો શુક્ર-શનિ-રવિ જયપુર ધંધાના કામ માટે જતો હતો. જયપુરમાં આવેલી જયપુર પેલેસ હોટલમાં હું રોકાતો હતો. આ હોટલનું ભોજન ખૂબ સારું હોવાના કારણે હું ત્યાં જ ઉતરવાનો આગ્રહ રાખતો હતો. સૌપ્રથમવાર આ હોટલમાં હું જ્યારે ઉતર્યો હતો ત્યારે સાંજના હું હોટલના વેઇટીંગ એરીયામાં એક વેપારી સાથે મીટીંગ કરી રહ્યો હતો. મારી બરાબર બાજુમાં હોટલનો પ્રવેશદ્વાર હતો અને મારી બરાબર સામે કોર્નરમાં હોટલનું રીસેપ્શન આવેલું હતું. મારી અને વેપારી વચ્ચે ભાવતાલ માટે રકઝક ચાલી રહી હતી એવામાં એક પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવેશ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાનું નામ લખાવ્યું અને રૂમની ચાવી લઇ એ લીફ્ટમાં પ્રવેશ્યો હતો. પોલીસવાળો આવ્યો હોવાના કારણે મારું ધ્યાન એના તરફ ખેંચાયું હતું. ફરીવાર હું વેપારીની સામે જોઇ ધંધાની ચર્ચાને આગળ વધારવા લાગ્યો હતો. લગભગ પંદર મિનિટ પસાર થઇ હશે અને એક પાદરીએ હોટલમાં પ્રવેશ કર્યો હતો. એ પણ રીસેપ્શન કાઉન્ટર પાસે ગયો હતો. કાઉન્ટર પર પોતાનું નામ લખાવી ચાવી લઇ અને એ પણ લીફ્ટમાં પ્રવેશી ગયો હતો. પાદરી હોટલમાં આવીને રોકાઇ શકે? એવો મારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો પરંતુ વેપારી સાથે ધંધાની અગત્યની વાત ચાલતી હોવાના કારણે ફરીવાર મારું ધ્યાન મેં ધંધાની વાત પર કેન્દ્રિત કર્યું હતું. પાદરી આવ્યા એ ઘટનાની પંદર મિનિટ બાદ હાથમાં કાગળ સાથે કાળો કોટ અને કાળું પેન્ટ પહેરેલો વ્યક્તિ દાખલ થયો. કપડાં ઉપરથી એ વકીલ લાગતો હતો. એ પણ કાઉન્ટર ઉપર ગયો, પોતાનું નામ લખાવ્યું, રૂમની ચાવી લીધી અને લીફ્ટમાં પ્રવેશી ગયો હતો. આ ઘટનામાં મને અચરજ એ લાગી કે ત્રણે જણ પાસે કોઇપણ સામાન ન હતો. બીજી વાતની નવાઇ એ લાગી કે એ લોકો જે કાર્ય સાથે સંકળાયેલા હતાં એ કાર્યને અનુરૂપ યુનિફોર્મ પહેર્યો હતો. મને વિચાર એવો આવ્યો કે જો આ લોકો સામાન લાવ્યા નથી તો આ લોકો ચોક્કસ અહીં જયપુરના જ હશે. તો પછી એ લોકો હોટલમાં રોકાવા કેમ આવ્યા? કોઇ કારણસર હોટલમાં રોકાવા આવ્યા તો પણ પોતાના યુનિફોર્મમાં કેમ આવ્યા? આ સવાલ મારા મગજમાં ઘર કરી ગયો. બીજા દિવસે મારે કોઇ કામ ન હતું છતાં આગલા દિવસે જે સમયે હું હોટલના વેઇટીંગ એરીયામાં બેઠો હતો ત્યાં જઇને બેસી ગયો અને છાપું વાંચવા લાગ્યો હતો. મારા આશ્ચર્ય વચ્ચે એ ત્રણે જણ ફરીવાર એ જ સમયે, એ જ ક્રમમાં હોટલમાં દાખલ થયા અને પોતપોતાના રૂમની ચાવી લઇ લીફ્ટમાં પ્રવેશી ગયા હતાં. ત્રીજા દિવસે સવારે મારે નાસિક પરત આવવાનું હતું એટલે હું મારા મનના વિચારો જયપુરમાં જ છોડી ઘરે પાછો આવી ગયો હતો." મહેશ નાગરે ઊભો રહ્યો અને છત ઉપર ચાલતા પંખા તરફ જોવા લાગ્યો હતો.

"આમાં નવાઇ લાગે એવું શું છે? એ લોકો ચોક્કસ જયપુરના જ હશે અને પોતાના કોઇ અંગત કારણસર બે દિવસ હોટલમાં આવ્યા હશે અને યુનિફોર્મમાં હોટલમાં ના આવી શકાય એવો તો કોઇ નિયમ છે જ નહિ." ડાઇનીંગ ટેબલ પર બેસીને મહેશ નાગરેની વાત સાંભળી રહેલા એના સસરા શક્તિ સાવંત બોલ્યા હતાં.

મહેશે પંખા ઉપરથી નજર હટાવી અને પોતાના સસરા જે એની વાત સાંભળી રહ્યા હતાં એમના ઉપર એણે નજર સ્થિર કરી હતી.

"આપની વાત બીલકુલ સાચી છે. મેં પણ એવું જ વિચાર્યું હતું. બીજા મહિને હું જ્યારે જયપુર ગયો ત્યારે આખા દિવસનું કામ પતાવી હોટલના રીસેપ્શનની બરાબર બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં જમવા માટે જઇ રહ્યો હતો એવામાં જ મારી નજર હોટલના મુખ્ય દરવાજા ઉપર પડી હતી. બરાબર એ જ ક્ષણે ગયા મહિને દેખેલા પોલીસ ઇન્સ્પેક્ટરને મેં અંદર આવતો દેખ્યો હતો. ઇન્સ્પેક્ટર અંદર આવ્યો અને રજીસ્ટરમાં પોતાનું નામ લખાવી રૂમની ચાવી લઇ લીફ્ટમાં પ્રવેશી ગયો હતો. મેં રેસ્ટોરન્ટમાં જમવા જવાનું માંડી વાળ્યું અને સોફામાં જઇને બેસી ગયો હતો. મોબાઇલમાં મેસેજ ચેક કરી રહ્યો છું એવું નાટક કરતા કરતા મારી ઘડિયાળમાં સમય જોવા લાગ્યો હતો. બરાબર પંદર મિનિટ પછી પાદરીએ પ્રવેશ કર્યો હતો. એ પણ એ જ રીતે લીફ્ટમાં પ્રવેશી ગયો હતો. મારા પગ સુન્ન થવા લાગ્યા હતાં અને કપાળ ઉપર પરસેવો વળવા લાગ્યો હતો. પાદરીના આવ્યાના બરાબર પંદર મિનિટ બાદ વકીલે પ્રવેશ કર્યો હતો. વકીલે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મારા હાથ પગ ઠંડા થઇ ગયા હતાં. આ ત્રણેયને ફરીવાર એ જ ક્રમમાં એ જ સમયે આવતા જોઇ મારું મગજ બેર મારી ગયું હતું. હું જમ્યા વગર મારા રૂમમાં જઇ આખી રાત આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો અને સવારે કોઇ નિષ્કર્ષ પર ન આવતા વિચારોને પડતા મુકીને હું તૈયાર થઇ અને જયપુરના માર્કેટમાં મારું ધંધાનું કામ પતાવવા માટે નીકળી ગયો હતો." આટલું બોલી મહેશે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ હાથમાં લઇ થોડું પાણી પીધું હતું.

"હજીયે મને આમાં કાંઇ આશ્ચર્ય દેખાતું નથી. જેમ તમે મહિનાના ચોથા શુક્ર-શનિ-રવિ જયપુરમાં જતા હતાં એમ એ લોકો પોતાનું કામ પતાવી આ જ દિવસો દરમિયાન હોટલમાં આવતા હશે." મહેશની વાત ધ્યાનથી સાંભળી રહેલા પ્રફુલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

"હું આખો દિવસ કામ પતાવી જ્યારે હોટલ પર આવ્યો ત્યારે મેં મારે મારી શંકાનું સમાધાન કરવાનો નિર્ણય લઇ લીધો હતો. બરાબર એ જ સમયે હોટલના વેઇટીંગ એરીયામાં જઇ હાથમાં મેગેઝીન લઇ વાંચવાનો ઢોંગ કરવા લાગ્યો હતો. સમય પ્રમાણે સૌથી પહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ પંદર મિનિટ પછી પાદરીની અને પછી વકીલની એન્ટ્રી થઇ હતી. એ ત્રણેય જણ જ્યારે આવી ગયા ત્યારબાદ હું રીસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો હતો. મેં રીસેપ્શન કાઉન્ટર પાસે જઇ રીસેપ્શન સંભાળતા હોટલના કર્મચારીનું નામ પૂછ્યું હતું. એણે એનું નામ દીપક શર્મા મને કીધું હતું." મહેશ કહી રહ્યો હતો.

"દીપક, હું દર વખતે આવું છું ત્યારે આ ત્રણ જણ આ જ સમયે અને વારાફરતી પંદર મિનિટના અંતરે એક પછી એક અંદર આવે છે અને પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પછી પાદરી અને ત્યારબાદ વકીલ દાખલ થાય છે. છેલ્લા એક મહિનાથી આ કુતૂહલ મને રાતદિવસ શાંતિથી સુવા દેતું નથી. આ લોકો કોણ છે? મારે એમના વિશે જાણવું છે." મેં દીપક શર્માને કહ્યું હતું.

મારી વાત સાંભળી દીપકના કપાળ ઉપર પરસેવો આવવા લાગ્યો હતો.

"જો સાહેબ, તમે આ ચક્કરમાં ના પડો. આ એવું રહસ્ય છે કે હું તમને સમજાવી નહિ શકું અને તમે સમજી નહિ શકો. હું પોતે આ ચક્રવ્યૂહમાં એવો ફસાઇ ગયો છું કે એમાંથી બહાર નીકળવાનો મને પણ રસ્તો મળતો નથી." દીપકની વાત સાંભળી હું અત્યંત નવાઇ પામી ગયો હતો.

"મને ખબર નથી કે તું કયા ચક્રવ્યૂહમાં ફસાયો છે. પરંતુ જ્યારથી આ લોકોને મેં પહેલીવાર જોયા છે ત્યારથી મારું મન અને મગજ બંન્ને સ્થિર રહેતા નથી. માટે આ રહસ્ય તો તારે મને કહેવું જ પડશે." મેં દીપક શર્માને ખૂબ આગ્રહ સાથે કહ્યું હતું.

"જો સાહેબ, પંદર મિનિટમાં મારી ડ્યુટી પતી જાય છે. ત્યારબાદ આપ મને હોટલની સામે આવેલી ચાની કીટલી ઉપર આવીને મળો." દીપકે કહ્યું હતું.

હું પંદર મિનિટની રાહ જોયા વગર તરત જ હોટલની બહાર નીકળ્યો અને હોટલની બરાબર સામે આવેલી ચાની કીટલી ઉપર બેસીને દીપક શર્મા ડ્યુટી પતાવીને બહાર આવે એની રાહ જોવા લાગ્યો હતો. લગભગ વીસ મિનિટ પછી દીપક શર્મા ચાની કીટલી ઉપર આવ્યો અને મારી બાજુમાં આવીને બેસી ગયો હતો.

"જો સાહેબ, હવે હું તમને જે કહી રહ્યો છું એ વાત બરાબર ધ્યાનથી સાંભળજો. મારી વાત ચોક્કસ તમારા મગજમાં નહિ ઉતરે પરંતુ આ સત્ય ઘટના છે. સૌપ્રથમ હું પોલીસ ઇન્સ્પેક્ટરની વાત હું તમને કહું. પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ રવિન્દ્ર શર્મા છે. રવિન્દ્ર શર્મા ખૂબ ઇમાનદાર પોલીસ અધિકારી હતો. રવિન્દ્ર શર્માએ જયપુરના કુખ્યાત ગુનેગાર લાલસીંગને હથિયારના ગેરકાયદેસર વેચાણ માટે ગીરફ્તાર કર્યો હતો. પરંતુ લાલસીંગ એની વગ વાપરીને કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો હતો. કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા બાદ લાલસીંગે પહેલું ખૂન આ પોલીસ ઇન્સ્પેક્ટરનું કર્યું હતું. હવે પાદરીની વાત, લાલસીંગને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે સંત જોસેફે એના વિરૂદ્ધ ગવાહી આપી હતી. લાલસીંગે ઇન્સ્પેક્ટરનું ખૂન કર્યા બાદ સંત જોસેફનું પણ કત્લ કરી નાંખ્યું હતું અને ત્યારબાદ વકીલ મોહિત સેખાવત સરકારી વકીલ તરીકે લાલસીંગની વિરૂદ્ધમાં એને સજા અપાવવા માટે કેસ લડી રહ્યો હતો. પાદરીનું ખૂન કર્યા બાદ લાલસીંગે આ વકીલનું પણ ખૂન કરી નાંખ્યું હતું. લાલસીંગે આ ત્રણેય જણની હત્યા એક દિવસમાં જ કરી હતી. જે ક્રમમાં એણે હત્યા કરી હતી એ જ ક્રમમાં એ લોકો હોટલમાં આવે છે અથવા તો એમ સમજો કે એમની આત્મા હોટલમાં આવે છે. જે દિવસે લાલસીંગે આ લોકોની હત્યા કરી હતી એ જ દિવસે એ રાત્રે હોટલ જયપુર પેલેસમાં આવીને રોકાયો હતો અને એ જ રાત્રે આ ત્રણ જણ હોટલમાં આવ્યા હતાં. એટલે કે એમની આત્માઓ હોટલમાં આવી હતી અને એમણે લાલસીંગનું આ જ હોટલમાં ખૂન કરી નાંખ્યું હતું એવું માનવામાં આવી રહ્યું છે જે સત્ય પણ છે, કારણકે લાલસીંગનું ગળું કોઇએ દબાવ્યું હતું, કોઇએ પગ પકડ્યા હતાં અને કોઇ છાતી પર બેસી ગયું હતું. જેની પુષ્ટિ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થઇ હતી અને લાલસીંગનું ખૂન થયું ત્યારે લાલસીંગનો રૂમ અંદરથી બંધ હતો. સવારે દરવાજો ન ખુલતા મેં પોતે પોલીસની હાજરીમાં દરવાજો તોડ્યો ત્યારે લાલસીંગની લાશ પડેલી હતી." દીપક શર્મા એકધારું બોલી ગયો હતો.

મારા શરીરના બધાં રૂંવાડા ઊભા થઇ ગયા હતાં. કાપો તો લોહી ના નીકળે એવી દશા મારી થઇ ગઇ હતી. હું સપનું તો નથી જોતોને એવું વિચારી મેં મારા ગાલ પર બે લાફા માર્યા હતાં.

"તમે સપનું નથી જોતા. હું તમને જે કાંઇ પણ કહી રહ્યો છું એ સત્ય કહી રહ્યો છું. આ વાતને એક વર્ષ થઇ ગયું છે. હોટલના માલિકે એમના ગુરૂજીને પૂછાવ્યું હતું અને ગુરૂજીએ કહ્યું હતું કે આ ત્રણ આત્મા રોજ હોટલમાં ચૌદ મહિના સુધી આ જ સમયે અને આ જ ક્રમમાં દાખલ થશે. એ હોટલમાં રહેવા આવે અને રહેવા માટે રૂમ માંગે એટલે આપી દેવાનો અને કલાક પછી એ લોકો પોતપોતાના સમયે નીકળી જશે અને જે વ્યક્તિએ લાલસીંગના રૂમનો દરવાજો ખોલ્યો હતો એટલેકે હું, મારે ચૌદ મહિના સુધી આ સમયે કાઉન્ટર ઉપર હાજર રહી એમના નામ લખી ચાવી આપવાની રહેશે. નહિતર મારો પણ અન્જામ લાલસીંગ જેવો થશે એવું ગુરૂજીએ સ્પષ્ટ જણાવ્યું હતું અને મને પહેરવા માટે એક લોકેટ ગરૂજીએ આપ્યું હતું. છેલ્લા બાર મહિનાથી હું અને અમારી હોટલના માલિક ખૂબ ખરાબ મનોદશામાંથી પસાર થઇ રહ્યા છીએ. ગુરૂજીએ એવી પણ સૂચના આપી છે કે એ લોકોને કોઇપણ જાતનો કોઇપણ પ્રશ્ન પૂછવો નહિ કે એમની સાથે રોકટોક કરવી નહિ નહિતર એવું કરનાર વ્યક્તિ અમુક સમય માટે પાગલ થઇ જશે. તમે છેલ્લા બે વખતથી આ લોકોને આવતા જુઓ છો એ મેં જોયું હતું અને તમારા મોઢાના ભાવ પણ મેં વાંચ્યા હતાં. તમે આવી કોઇ ભૂલ કરી ના બેસો એટલે મેં હોટલના માલિકની ના હોવા છતાં આ માહિતી આપને આપી રહ્યો છું." દીપક શર્માએ ચાનો કપ હાથમાં લઇ પોતાની વાત પૂરી કરી હતી.

"ખબર નહિ કુદરતે મારા જ નસીબમાં આવી અજીબોગરીબ ઘટના કેમ લખી છે.? બીજી દિવસે સવારે ઉઠીને દીપક શર્માએ મને જે કહ્યું હતું એ સાચું છે કે ખોટું એની તપાસ કરવા એક ન્યુઝપેપરની ઓફિસે પહોંચ્યો હતો. ન્યુઝપેપરની ઓફિસે મેં એક વરસ જૂના અખબારમાં આ ત્રણ જણની હત્યાના સમાચાર વાંચ્યા હતાં અને એના પછીના દિવસના ન્યુઝપેપરમાં લાલસીંગની હત્યાના સમાચાર પણ મેં વાંચ્યા હતાં. લાલસીંગનું ખૂન હોટલ જયપુર પેલેસમાં જ થયું હતું એ વાત પણ દીપક શર્માની સાચી નીકળી હતી. માટે ન સ્વીકારી શકાય એવી વાત હોવા છતાં આ વાત સ્વીકારવી પડે એવી હતી અને ત્યારબાદ ક્યારેય પણ હું હોટલ જયપુર પેલેસમાં રોકાવા ગયો નથી." મહેશ નાગરે આટલું કહી ઊભો રહી ગયો હતો.

"દીપક શર્મા જે ગુરૂજીનો ઉલ્લેખ કરતો હતો એ ગુરૂજીને તમે મળ્યા હતાં?" પ્રફુલ સાવંતે મહેશને પૂછ્યું હતું.

"ન્યુઝપેપરની ઓફિસેથી નીકળી હું દીપક શર્માએ આપેલા નામવાળા ગુરૂજીને મળવાની મારી તીવ્ર ઇચ્છા હતી. મેં રીક્ષાવાળાને એ ગુરૂજીનું નામ કહ્યું હતું. રીક્ષાવાળો એ ગુરૂજીને ઓળખતો હતો. એટલે હું એ રીક્ષામાં બેસી ગયો અને એ રીક્ષાવાળો મને એમના આશ્રમ પાસે મુકી ગયો હતો. આશ્રમમાં જઇ મેં બે મિનિટના અગત્યના કામ માટે ગુરૂજીને મળવું છે એવું કહ્યું હતું. એ આશ્રમમાં સેવા બજાવતા એક વૃદ્ધ મને ગુરૂજી પાસે લઇ ગયા હતાં. ગુરૂજી ખૂબ વૃદ્ધ લાગતા હતાં. મેં એમને એમની પાસે આવવાનું સાચું કારણ જણાવ્યું હતું. એમણે મને કહ્યું હતું કે 'એ ત્રણ વ્યક્તિઓનો આત્મા એટલા માટે ભૂત થઇને ફરે છે કે એમણે જીવનમાં સદા સાચું જ કર્યું હતું છતાં કસમયે વગર વાંકે સત્યનો સાથ આપવા બદલ એમનું ખૂન થઇ ગયું હતું. આવી પરિસ્થિતિમાં ઘણીવાર ચૌદ મહિના સુધી ધરતી પર આવી આત્મા ફરતી રહે છે અને પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો પોતે જ લેતી હોય છે. હવે આ વાત તું જાણી ગયો છે માટે આ લોકેટ તું તારી રક્ષા માટે પહેરી જ રાખજે અને ક્યારેય પણ ઉતારીશ નહિ અને પાછો એ હોટલમાં ક્યારેય પણ જતો નહિ.' બસ એ જ દિવસથી આ લોકેટ મેં મારા ગળામાં પહેરી લીધું છે." લોકેટ બતાવતા મહેશ નાગરેએ પોતાનો કિસ્સો પૂરો કરતા કહ્યું હતું.

"કિસ્સો તો તમારો ઘણો રસપ્રદ છે. પણ મને આંખ સામે જોવા મળ્યો નહિ એનો અફ્સોસ છે." પ્રફુલ સાવંતે મહેશ નાગરેને કહ્યું હતું.

બીજા દિવસે મહેશ નાગરે એકલો નાગપુરથી નાસિક જવા માટે નીકળ્યો હતો. એની પત્ની હજી થોડા દિવસ નાગપુર રોકાવાની હતી. એટલે એ એકલો જ જઇ રહ્યો હતો. મહેશ નાગરે પોતાની રીઝર્વેશન થયેલી સીટ ઉપર આવીને બેસી ગયો હતો અને બારીની બહાર જોઇ રહ્યો હતો. થોડીવારમાં ગાડી ઉપડી હતી. ગાડીને ઉપડે લગભગ અડધો કલાક થયો હશે ને મહેશ નાગરે છાપું વાંચી રહ્યો હતો. એ વખતે કોઇએ એના મોઢા પાસેથી છાપું હટાવ્યું હતું. મહેશે છાપું હટાવીને સામું જોયું તો એની બરાબર સામે કોઇ જાણીતો વ્યક્તિ બેઠો હતો.

"મારી ઓળખાણ પડી, મહેશ નાગરે?" આગંતુક વ્યક્તિએ પૂછ્યું હતું.

મહેશે એ વ્યક્તિને બરાબર ધ્યાનથી જોયો અને ઓળખી ગયો હતો.

"અરે મી. દીપક શર્મા, તમે? તમે અહીંયા ક્યાંથી? તમે તો જરાય બદલાયા નથી." મહેશે ખુશ થઇને દીપકને કહ્યું હતું.

"હું એટલા માટે નથી બદલાયો કારણકે જે દિવસે મેં તમને પેલા ત્રણ ભૂતોની વાત કહી હતી એના પછીના જ દિવસે એ લોકોએ મારી હત્યા કરી નાંખી હતી. ત્યારથી હું પણ ભૂત બનીને ફરી રહ્યો છું. એ ત્રણ જણની તો મુક્તિ થઇ ગઇ પરંતુ હજી આટલા વર્ષો વીત્યા પછી પણ મારી મુક્તિ થઇ નથી. હું પોતે ગુરૂજી પાસે ગયો હતો અને ગુરૂજીએ મને કહ્યું હતું કે મહેશ નાગરેને આપેલું લોકેટ જો તને મળી જાય તો તારી મુક્તિ તરત થઇ જશે. માટે મને મુક્તિ મળે એ માટે ગુરૂજીએ તમને આપેલું લોકેટ મને આપો." દીપક શર્માએ મહેશ નાગરે સામે જોઇ કહ્યું હતું.

દીપકની વાત સાંભળી મહેશ અવાક થઇ ગયો હતો. જે માણસને એણે જીવતો જોયો હતો એ માણસ બીજા જ દિવસે મરી ગયો હતો અને વર્ષો સુધી ભૂત બની પોતાની મુક્તિ માટે એના ગળાનું લોકેટ માંગી રહ્યો હતો. મહેશના ગળે ડૂમો ભરાઇ ગયો હતો. એને બૂમો પાડવાની તીવ્ર ઇચ્છા થઇ રહી હતી. એને દીપક શર્મા પર ખૂબ દયા આવી હતી. એ પોતાના બંન્ને હાથ ડોકની પાછળ લઇ ગયો અને લોકેટ ખોલવા લાગ્યો એ જ વખતે એને ગુરૂજીએ કહેલી વાત યાદ આવી હતી 'જો ભાઇ, કોઇપણ સંજોગોમાં આ લોકેટ તું તારા ગળામાંથી કાઢીશ તો તું પણ ભૂતની નાતમાં સામેલ થઇ જઇશ. માટે ભૂતના સમૂહનો હિસ્સો ના બનવું હોય અને અકાળે મૃત્યુ ના પામવું હોય તો આ ઘટના કોઇને કહેતો નહિ અને લોકેટ કદી ઉતારતો નહિ.' મહેશને વાત યાદ આવતા એણે લોકેટ ખોલ્યું નહિ.

"તમે કેમ સમજતા નથી? મને આ લોકેટ આપી દો. જેથી મને મુક્તિ મળે અને તમને પુણ્ય મળે." દીપક શર્માએ મહેશને વિનંતી કરતા કહ્યું હતું.

"જો દીપક, ગુરૂજીએ પણ તને આવું જ લોકેટ આપ્યું હશે. મને લાગે છે કે એ લોકેટ તારાથી ખોવાઇ ગયું હશે અને એટલે જ એ ભૂતોએ તારી હત્યા કરી છે. મને ખબર છે કે જેવું આ લોકેટ હું ઉતારીશ એવો જ તું મને મોતને ઘાટ ઉતારી દઇશ અને તારી બિરાદરીમાં મને સામેલ કરી દઇશ અને મારે હજી મરવું નથી અને મરું તો ભૂત બનવું નથી. માટે મને માફ કર. ઈશ્વર તને જરૂર મુક્તિ આપશે." ગજવામાંથી સીગરેટ કાઢી મોઢામાં મુકી સળગાવતા સળગાવતા મહેશ નાગરેએ દીપક શર્માને કહ્યું હતું.

દીપક શર્માની આંખમાં ખૂન ઉતરી આવ્યું હતું એ મહેશ નાગરે સ્પષ્ટ જોઇ રહ્યો હતો. દીપક જાણી ગયો હતો કે મહેશ હવે નહિ માને એટલે એ ત્યાંથી પોતાની મુક્તિનો બીજો માર્ગ શોધવા નીકળી ગયો હતો.

- ૐ ગુરુ