Kulta Ni Dikari in Gujarati Moral Stories by Pankaj Jani books and stories PDF | કુલ્ટાની દીકરી

Featured Books
Categories
Share

કુલ્ટાની દીકરી

કુલ્ટાની દીકરી
અમર ત્રણ ભાઈ અને એક બહેન વચ્ચે સૌથી નાનો અને લાડકવાયો હતો. પરંતુ એ લાડકવાયો ત્યાં સુધી જ રહ્યો જ્યાં સુધી તેણે લગ્ન નહોતા કર્યા. બન્ને ભાઈઓ અને બહેનના લગ્ન સમાજમાં જ સારી રીતે કર્યા હતા. અને એ લગ્નો કરાવવામાં મુખ્ય ભૂમિકા અમરની માતાની હતી...
અમરના પિતા સીધા સાદા અને ભગવાનના માણસ હતા. પરંતુ અમરની માતા કડક સ્વભાવની ગુસ્સેલ અને થોડી આખાબોલી અને પોતાનું ધારેલું જ કરવાની મમત વાળી હતી.
એટલે જ જ્યારે અમર, આકૃતિની વાત લઈને આવ્યો ત્યારે ઘરમાં મહાભારત થયું. આકૃતિની માતાની છાપ સમાજમાં સારી નહતી. આકૃતિને જન્મ આપ્યાના 4 વર્ષ પછી આકૃતિની માતા કોઈની સાથે જતી રહી હતી. આકૃતિના પિતાએ બીજા લગ્ન કર્યા નહતા, પણ આકૃતિને કાકાના ઘરે રહી મોટા થવાનું આવ્યું. આ વાત અમરની માતાને સ્વીકાર્ય નહતી...
એક સામાજિક પ્રસંગમાં અમરની આકૃતિ સાથે મુલાકાત થઈ. પછી એક વારની મુલાકાત વારંવારની મુલાકાતમાં બદલાતી ગઈ. અને અમરે નક્કી કર્યું કે લગ્ન કરીશ તો આકૃતિ સાથે જ કરીશ...
ઘરના લોકોના લાખ વિરોધ વચ્ચે અમર સિવિલ મેરેજ કરી આકૃતિને ઘરે લઈ આવ્યો....
બે મોટી ભાભીઓ સમાજમાંથી માતાએ જ પસંદ કરી હતી એટલે એ તો અમરની માતાને સ્વીકાર્ય હતી. પણ આકૃતિ વધારાની થઈને આવેલી , અમરની માતાને મન એ એક કામવાળીથી વધારે નહતી..
આકૃતિ આખા ઘરના કામનો ઢસરડો કરતી, એ તો કાકાને ત્યાં ય કરતી એટલે એ એના માટે નવું નહોતું. પણ જ્યારે અને ત્યારે કાને આછા શબ્દો પડતા ' કુલ્ટા ની છોકરી ' , ત્યારે આકૃતિનું મન ભાંગી જતું. છતાં ક્યારેય એણે અમરને ફરિયાદ કરવાનું ઉચિત ના માન્યું. એ કડવા ઘૂંટડા ઉતરતા શીખી ગઈ હતી...
પણ જ્યારે અમરના કાને આ શબ્દો પડ્યા ત્યારે એ સહન ના કરી શક્યો. આકૃતિની માતા એ કંઈ પણ કર્યું હોય એનાથી આકૃતિ અસ્વીકૃત નથી થઈ જતી. આકૃતિ સાથેનો સબંધ આકૃતિના ગુણોને આધારે બાંધ્યો હતો. પણ આવું સમજવા અમરની માતા તૈયાર નહતી...
અમરે ડાઉન પેમેન્ટ ભરી નાનકડો ફ્લેટ લઈ લીધો. અને એક દિવસ આકૃતિને લઈને ફ્લેટ પર ગયો પછી એકલો જ કપડાં લેવા ઘરે આવ્યો. અમરની માતાએ અમરને ખૂબ જ આડુંઅવળું સંભળાવ્યું. અને છેલ્લે જે મનમાં હતું તે હોઠે પણ આવી ગયું....
' એની માં જેમ એને છોડીને જતી રહી હતી. કુલ્ટા... એમ આ પણ તને છોડીને જતી રહે પછી પાછો અહી ના આવતો..'
પણ અમર આકૃતિના ગુણોથી વાકેફ હતો.... પણ માતાને સમજાવવુ અઘરું હતું...
**************************

10 વર્ષ ક્યાં જતા રહ્યા એ ખબર ના પડી. અમર એક પુત્ર અને એક પુત્રીનો પિતા બની ગયો. કોઈ ક્યારેય મળવા ના આવ્યું. આવતા હતા ફક્ત પિતા. એ પણ ચોરી છુપી થી. મોટા ભાઈ જુદું મકાન લઈ જુદા રહેવા જતા રહ્યા હતા. ચાર વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું.
પિતાના અવસાન સમયે આકૃતિને લઈને અમર ગયો. પણ કોઈએ બોલાવ્યો નહિ. છતાં વધારાનો થઈ એ અને આકૃતિ પિતાની વિધિમાં બેસી રહ્યા....
*********************

આકૃતિ છોકરીઓના ડ્રેસ ઘરે સીવીને અમરને મદદરૂપ થવા કોશિશ કરતી. અમર તો ના પાડતો, પણ આકૃતિનું કહેવું એમ હતું કે ભલે તમે સારું કમાવ છો પણ હું બેસી રહીને શુ કરીશ. પૈસા હશે તો કામ લાગશે....
અમરની માતાની તબિયત સારી નહોતી રહેતી. અમ્ર અને આકૃતિને સમાજના લોકો તરફથી વાત જાણવા મળતી હતી. અમર લગ્ન કર્યા ત્યારથી હડધૂત થઈ ગયો હતો. માં ને મળવા જવું હતું પણ કેવી રીતે જવું....
આકૃતિ બધું સમજતી હતી. એક દિવસ એણે જ કહ્યું:
' તમે હા પાડો તો એક વાર બાના ખબર અંતર પૂછતાં આવીએ... '
' એમનો સ્વભાવ તને ખબર તો છે. શા માટે ઝેરના પારખાં કરવા છે...'
' બહુ તો બોલશે. એ જ ને. મારી થોડી નાખશે... સાંભળી લઈશું.'
આકૃતિ એ પરાણે અમર ને તૈયાર કર્યો....
************************
ઓસરીમાં એક ખાટલામાં મુઠ્ઠીભર હાડકાનો માળો પડ્યો હતો. ખાટલા નીચે એક પાણીનો લોટો પડ્યો હતો. પણ પાણી પાનાર કોઈ નહતું. ઘર ખુલ્લું હતું.બીજો દીકરો , એની વહુ અને બધા બહાર ગયા હતા...
અમર અને આકૃતિ ખાટલા પાસે જઈને ઉભા રહ્યા. અમરને જોઈને નદીના પાણીને રોકવા બાંધેલો પાળો તૂટે અને પાણી છૂટે એમ આંખોમાંથી અશ્રુ છૂટી પડ્યા. અમર ખાટલાની બાજુ બેસી ગયો. માંના કપાળે હાથ ફેરવતા એની આંખમાં પણ પાણી આવી ગયા...
અડધું ડાબું અંગ લકવાગ્રસ્ત હતું. માં એ પાણી માટે ઈશારો કર્યો. અમરે પાણી પાયું. કઈક ગંદી વાસ આવતી હતી. માંના કપડાં બગડ્યા હતા. આકૃતિ એ ચાદર માંની ઉપર રાખી માંના કપડાં બદલ્યા અને ત્યાં ભાભી એમના બાળકોને લઈને આવ્યા..
એમને આ મહેમાનો વધારા ના લાગ્યા. એમાં અમરથી પુછાઇ ગયું:
' બા દવા તો લે છે ને...'
બસ થઈ રહ્યું. ભાભી જાણે આટલી જ રાહ જોતા હતા.' ખાલી આવીને બધાને ડહાપણ કરવું છે , ઘરે લઈ જઈને સેવા કરો તો ખબર પડે કે દવા કેમ આવે છે...'
અમર નાનો હતો ત્યારે ખૂબ લાડ પામેલો. એ માંની આ દશા. એની આંખમાં પાણી આવી ગયા.
આકૃતિએ અમરને કહ્યું ' બાને પૂછો, આપણા ઘરે આવવું છે ? '
અમર પ્રશ્નસુચક નજરે આકૃતિને જોઈ રહ્યો. પછી માં ને માથે હાથ ફેરવતા કહ્યું:
' બા , આવવું છે મારા ઘરે '
માં એ આકૃતિ તરફ જોયું. અમરે કહ્યું:
' બા , ચિંતા ના કરશો. એણે જ કહ્યું છે.'
બા બોલી તો ના શક્યા પણ માથું હલાવી હા પાડી.
રિક્ષા બોલાવી. માંને બે હાથે ઊંચકી , રિક્ષામાં બેસાડી ઘરે લઈ આવ્યો....
જ્યારે બગડેલી પથારી આકૃતિ સાફ કરતી ત્યારે માંના મગજમાં શબ્દો હથોડાની જેમ વાગતા.
' કુલ્ટા ની દીકરી. '
આવા શબ્દોના બાણ જે વહુને વાગ્યા હોય તોય એ વહુ આવી રીતે સબંધ નિભાવી જાણે એ સામાન્ય તો નહતું જ....
સંપૂર્ણ.....

12 એપ્રિલ 2020