Paper - 4 in Gujarati Short Stories by Divya books and stories PDF | કાગળ - 4

The Author
Featured Books
Categories
Share

કાગળ - 4

હેમંતભાઈ એ કહ્યું "આ કાગળ માં એક માની વ્યથા છે જે મને સ્પર્શી ગઈ.પહેલા હું આ હૉસ્પિટલમાં રહી ને એકલતા થી અને રોજ રોજ આ ઇન્જેક્શન ના ડોઝ લઇને કંટાળી ગયો હતો એટલે મને મરવા ના વિચારો આવતા હતા પરંતુ આ કાગળ વાંચીને મને અહેસાસ થયો કે મારા ઘરમાં પણ કમાનાર વ્યક્તિ હું એક જ છું. મારી પત્ની, છોકરાઓ પણ મારી રાહ જોઈ રહ્યા હશે. મારી ચિંતા કરતા કેવી રીતે દિવસો પસાર કરતા હશે? મને હિંમત આપવા તે લોકો ફોનમાં મારી સાથે સારી વાતો કરે છે પણ એમનેય દુઃખ તો થતું જ હશે ને? એમના જીવનનિર્વાહ ની જવાબદારી મારી છે અને જો હું જ આમ મરવા ના વિચારો કરી એકલતા થી કંટાળી ને દવા નહીં લઉ તો મારા ગયા પછી એમનું શું થશે? હું આવી રીતે જવાબદારી થી ભાગી છૂટું એ કાયરતા કહેવાય. હૂં આવું ના કરી શકું... મેં હવે નક્કી કર્યું છે કે હું નિયમિત દવા લઇશ, બરાબર જમીશ અને જલ્દી થી સ્વસ્થ થઈને ઘરે જઇશ."

"સરસ! હેમંતભાઈ તમે બિલકુલ સાચું કહ્યું જવાબદારી માંથી ભાગવું એ કાયરતા છે." નર્સે કહ્યું. પછી હેમંતભાઈ એ કહ્યું કે તમે પહેલાં આ કાગળ જે હેમંતભાઈ નો છે તેમને પહોંચાડો. " હા, હું તરત જ સ્ટાફ જોડે મોકલાવી આપું છું."

ત્યારબાદ નર્સે સ્ટાફ ના બીજા માણસ ને બોલાવી પરબિડીયા માં કાગળ મૂકીને આપે છે અને કહે છે કે આ કાગળ આ પૅશન્ટ નો નથી તમે રિસેપ્શન પર પૂછીને જે પૅશન્ટ નો છે તેને તરત પહોંચાડો. તે માણસ પૂછપરછ કરીને કાગળ ને રૂમ નં ૭ માં રહેલા કંચનબા ના હેમંત સુધી અંતે પહોંચાડે છે. અહીં હેમંતભાઈ ની તબિયત પહેલા કરતા તો સુધારા પર હતી પરંતુ હજુ SPO2 count એટલે કે ઑક્સિજન ની માત્રા પૂરતા પ્રમાણમાં નહોતી તેથી તેમને ૨૪ કલાક ઑક્સિજન નેબ્યુલાઇઝર મારફતે આપવામાં આવતો હતો.જેના લીધે તેઓ સરખું બોલી શકતા નહોતા તેથી જેવો કાગળ આવ્યો તેવું હેમંતભાઈ એ નર્સ ને ઇશારાથી કાગળ વાંચીને સંભળાવા કહ્યું.

નર્સે હેમંતભાઈ ના કહ્યા પ્રમાણે કાગળ વાંચવાનું શરૂ કર્યું કાગળ વાંચતા વાંચતા નર્સ પોતે ગળગળા થઈ ગયા અને હેમંતભાઈ ને પણ ડુમો ભરાઇ ગયો હતો એ જોઇ નર્સે હેમંતભાઈ ને તરત જ સ્વસ્થ થવા આગ્રહ કર્યો. "હેમંતભાઈ તમે રડશો નહિ રડવાથી તમારું ઑક્સિજન લેવલ વધુ ઘટી જશે.." આ સાંભળી ને હેમંતભાઈ હિંમત રાખી સ્વસ્થ થાય છે અને અધૂરો કાગળ સાંભળે છે અને ત્યારપછી નર્સ ને પોતાના વતી તેમના બા ને વળતો કાગળ લખવા કહે છે. " ન્..ર્...સ બે...ન.., મા...રી..બ્..આ..ને કે..જો... કે હું દ્...વા.. ટેમ..સ..ર્. લ..ઉ..ઉ છું. એ ચિ..ન્..તા ના.. કરે..." હેમંતભાઈ ના કહ્યા મુજબ નર્સ કંચનબા ને વળતો કાગળ લખે છે.

કંચનબા,
તમારો કાગળ મળ્યો. હું ક્રિષ્ના નર્સ, હેમંતભાઈ વતી તમને એમના કહેવા મુજબ કાગળ લખું છું. હેમંતભાઈ ની તબિયત સુધારા પર છે તે દવા અને ખોરાક નિયમિત લે છે અને આગામી એક - બે દિવસ માં હેમંતભાઈ ને રજા આપવામાં આવશે. તમે એમની ચિંતા ના કરજો એવું હેમંતભાઈ એ ખાસ કીધું છે. તમારી તબિયત સાચવજો.
લિ.
તમારા હેમંત ની નર્સ.

નર્સ આ કાગળ પૉસ્ટ ઑફિસમાં મોકલાવે છે.

* * *

"અલ્યા કરશન...એ કરશન... તે કાગળ માસ્તર ને પૂગાડયો કે નઇ?" કંચનબા એ કહ્યું કરશનભાઈ એ જવાબ આપતા કહ્યું "બા હું માસ્તર ને ટાઇમે કાગળ આપી આયો તો ને એમને તમારા વતી હેમંત ને છટ કાગળ પોચાડવા ભલામણ એ હો કરી તી. અતાર લગણ તો હેમંત ને કાગળ મળી ગયો હશે." " પણ! કરશન કોઇએ કાગળ ફેંકી તો નઇ દીધો હોય ને? અસ્પતાલ વાળા હેમંત ને કાગળ દેશે તો ખરા ને? જોડે તો જાવા નથી દેતા કાગળ તો એને દેશે ને ??" કંચનબા એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.