અનુભવ ઓફિસનું થોડું ઘણું કામ પતાવી સવા દસ વાગ્યે ગ્રીન પાર્ક પહોંચ્યો. ત્યાં જઇ રાબેતા મુજબ નારીયેલીના ઝાડની સામેની બેંચે બેઠો.
“કેટલાં વર્ષે આવ્યો હું આ પાર્કમાં.કેટલું બધું બદલાઇ ગયું.મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જ્યાં હું હંમેશા તેની હાજરી ઝંખતો હતો ત્યાં જ બેસીને તેની ગેરહાજરીનું કારણ પૂછીશ.”તેની આંખો ભીની થઇ ગઇ.અનુભવનો ફોન ક્યારનો રણકી રહ્યો હતો પણ એતો ભૂતકાળનાં વીતેલાં અદભુત ક્ષણો ફરીથી જીવવામાં મશગુલ હતો.
…
કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી પ્રીતિ પોતાનાં રૂમમાં તૈયાર થઇ રહી હતી.તેણે વાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. પોતાનાં લાંબા વાળોને પોનિમાં બાંધ્યા હતાં. કાનમાં પહેરેલાં નાના ઝૂમખાં તેને વધુ સુંદર બનાવી રહ્યાં હતાં.
“ઓહો, શું વાત છે. આજે તો તારાં ચહેરા પર કંઇક અલગ જ ચમક છે.”પ્રીતિની સહેલી નિધીએ રૂમમાં દાખલ થતાં કહ્યું.
"એવું કઇ જ નથી."પ્રીતિએ કહ્યું. ત્યાં જ પ્રીતિનો ફોન રણક્યો.
હેલો પ્રીતિ, આજે કોલેજ પછી આવે છે ને તું?
હા.
ઠીક છે. બાય.
બાય.
અનુભવનો ફોન હતો?નિધિએ પૂછ્યું.
હા.
શું કહેતો હતો?
એક્ચ્યુઅલી તેણે મને કોલેજ પછી ગ્રીન પાર્કમાં બોલાવી છે.
ઓ.. તો એટલે મેડમ તૈયાર થયા છે.
નિધિ,તને તો ખબર છે ને કે આજે મારાં શાસ્ત્રીય નૃત્યનાં કલાસ છે.એટલે તું બીજું કંઇ ન વિચાર.
ઠીક છે. અત્યારે તો હું માની લવ છું.પણ કાલે તો તારી પાસેથી બધું જાણીને જ રહીશ.
હા હા, ચાલ હવે.મોડુ થાય છે.
…
ગ્રીન પાર્ક
અનુભવ નારીયેલીની સામે એક બેન્ચ પર બેસીને પ્રીતિની રાહ જોઇ રહ્યો હતો.
“ક્યાં રહી ગઇ હશે પ્રીતિ?એનાં ડાન્સ ક્લાસતો ક્યારનાં પુરા થઇ ગયા છે. ક્યાંક તેને મારી કોઇ વાતનું ખોટું તો નહીં લાગ્યું હોય ને?”ત્યાં જ પ્રીતિ ત્યાં આવી. અનુભવ પ્રીતિને જોઇ રહ્યો.
“અનુભવ, સોરી તને વેઇટ કરાવ્યો.”પ્રીતિ તેની બાજુમાં બેસતાં બોલી.
અનુભવ અને પ્રીતિ બંને બાજુમાં જ રહેતાં અને એક કોલેજમાં જ સાથે અભ્યાસ કરતાં. અનુભવે પ્રીતિને કંઇક જરૂરી કામ છે એમ કહી પાર્કમાં બોલાવી હતી.
તે મને અહીં કેમ બોલાવી?ઘરે કે કોલેજે જ કહી દેવું હતું ને.પ્રીતિએ કહ્યું.
અરે અનુભવ, તને કહું છું. એક તો આટલે દુર બોલાવી અને હવે પાછો ચુપ બેઠો છે.
અનુભવે પ્રીતિ સામે જોયું.
પ્રીતિ, તને ખબર છે આપણે કેટલાં વર્ષથી સાથે છીએ?
અનુભવ તે મને એ પુછવા અહીં,આટલે દુર બોલાવી?પ્રીતિએ હસતાં હસતાં પૂછ્યું.
શું તું થોડી વાર ચુપ રહીને મારી આખી વાત નહીં સાંભળી શકે?
ઓકે. સોરી. માનવીએ પોતાનાં મોંઢા પર આંગળી રાખીને કહ્યું, “ચાલ, બોલ હવે.”
“પ્રીતિ, આપણે કેટલાંય વર્ષોથી સાથે જ છીએ.નાના હતાં ત્યારની આપણી મિત્રતા છે અને જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ આપણી મિત્રતાનો સબંધ વધુ ગાઢ થતો ગયો.ધીરે ધીરે મને આપણી મિત્રતાની અને તારી આદત પડી ગઇ."
અનુભવ થોડી વાર અટક્યો અને ફરી બોલ્યો," પ્રીતિ, મને તારો સાથ થોડાં સમયથી બહુ ગમવાં લાગ્યો છે.”
પ્રીતિએ પોતાનાં મોં પરથી આંગળી લઇ લીધી.
“પ્રીતિ, તને યાદ છે હું તને કહેતો કે મારું એક સપનાનું ઘર હશે,જેમાં હું મારી જીવનસંગીની સાથે રહીશ.”
પ્રીતિએ હકારમાં માથું હલાવ્યું.
‘હું જ્યારે એ વિશે વિચારતો ત્યારે મને એ કલ્પનાનું ઘર દેખાતું, પણ એ ઘરની રોનક મારી જીવનસંગીનીનો ચહેરો હંમેશા અસ્પષ્ટ જ દેખાતો.પરંતુ હવે જ્યારે પણ એ વિશે વિચારું છું ત્યારે એ અસ્પષ્ટ ચિત્રમાં મને તારો ચહેરો દેખાય છે.”
અનુભવે પ્રીતિનો હાથ પોતાનાં હાથમાં લીધો અને પોતાની આંખો બંધ કરી એક ઉંડો શ્વાસ લીધો. પછી ધીમે ધીમે પોતાની આંખો ખોલી પ્રીતિ સામે જોયું અને બોલ્યો,
“પ્રીતિ,હું આપણા સંબંધને વધુ ગાઢ બનાવવા માંગુ છું.મારા મનને તારી જે આદત લાગી છે એને ક્યારેય છોડવા નથી માંગતો.શું તું મારાં ઘરનાં એ સપનાને સાકાર કરવા માટે મારી સંગીની બનીશ?”અનુભવે પ્રશ્નાર્થભરી નજરે પ્રીતિ સામે જોયું.
પ્રીતિ આશ્ચર્યથી અનુભવ સામે જોઇ રહી.અનુભવે પોતાનાં નેણ ઉંચા કરી ફરીથી તેનો નિર્ણય પૂછ્યો. જવાબમાં પ્રીતિએ પોતાની સુંદર અને લાંબી પાંપણો ઢાળી દીધી.
...
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)