Nyay Anyay in Gujarati Moral Stories by Om Guru books and stories PDF | ન્યાય-અન્યાય

The Author
Featured Books
Categories
Share

ન્યાય-અન્યાય

ન્યાય અન્યાય


'સરપંચ સાહેબ... સરપંચ સાહેબ...' ની બૂમો સાંભળી રાવજીભાઇ પથારીમાંથી સફાળા બેઠા થઇ ગયા હતાં.

ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં સવારના પાંચ વાગે પોતાના જ ઘરની ડેલીની બહાર કોઇ સ્ત્રી પોતાના નામની બૂમો પાડી રહી છે કે પોતાને કોઇ ભાસ થઇ રહ્યો છે? એવું સમજતા રાવજી પટેલને વાર લાગી હતી કારણકે મોડી રાત્રે મિત્રો સાથે બેસીને પીધેલી ભાંગના નશામાં ક્યારે ઘરે આવીને સુઇ ગયા એની ખબર એમને રહી ન હતી.

બૂમો સાંભળી પથારીમાં બેઠા બેઠા હજી તો સત્ય ને ભ્રમણા વચ્ચેનો તફાવત શોધી રહેલા રાવજી પટેલના કાને ફરી બૂમો અથડાઇ હતી.

"સરપંચ સાહેબ, મારા દીકરા ભાનુને બચાવી લો." કડકડતી ઠંડીમાં હવે એ સ્ત્રીનો અવાજ રાવજી પટેલના કાને સ્પષ્ટ પડ્યો હતો.

પોતે કોઇ સપનું નથી જોઇ રહ્યા પરંતુ એમના ઘરની બહાર એમને કોઇ બૂમો પાડીને બોલાવી રહ્યું છે એવી સભાનતા આવતા એ ઘરમાંથી દોડી ઘરની બહારના ફળિયામાં આવ્યા હતાં.

ફળિયામાં શાંતાડોસીનું મોઢું જોતાં રાવજી પટેલના મોઢા પર ગુસ્સો અને આંખોમાં લાલાશ આવી ગઇ હતી, કારણકે શાંતાડોસીનો દીકરો ભાનુપ્રતાપનો મેળમિલાપ એમની દીકરી મીતા જોડે વધુ પડતો હોવાનો અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ રાવજી પટેલને એક વરસ પહેલા થઇ હતી.

"સરપંચ સાહેબ, મારા દીકરા ભાનુને બચાવી લો. પોલીસ આજે સવારે આવી મારા દીકરા ભાનુને પીંઢારપુરા ગામના દરબાર સૂરજભાનના ખૂનના આરોપમાં પકડીને લઇ ગઇ છે. મારા એકના એક દીકરાને તમે બચાવી લો. હું જાણું છું કે તમને મારો દીકરો ભાનુ આંખે દીઠો ગમતો નથી પરંતુ તમારા અણગમાને બાજુ પર મુકી ગામના સરપંચ તરીકે તમે મારા દીકરાનો જીવ બચાવી લો." શાંતાડોસી એકશ્વાસે બોલી ગઇ હતી.

શાંતાડોસી આટલું બોલતા બોલતા જમીન પર બેસી ગઇ હતી.

રાવજી પટેલ અને એમની પત્ની સુશીલા બંન્નેએ શાંતાડોસીની આખી વાત સાંભળી લીધી હતી. બંન્નેની આંખોમાં ચમક આવી ગઇ હતી. બંન્નેના મનમાં થયું હતું કે "ટાઢા પાણીએ ખસ ગઇ".

છેલ્લા એક વરસમાં એમની દીકરી મીતા અને ભાનુપ્રતાપના પ્રેમ પ્રકરણના કારણે ઘરમાં રોજ કજીયો થતો હતો. એમણે પોતાની લાડકવાયી દીકરી મીતાને ભાનુપ્રતાપને ન મળવા સમજાવી હતી અને ગુસ્સામાં મારઝૂડ પણ કરી હતી, પરંતુ મીતા એકની બે થઇ ન હતી.

"શાંતાડોસી, તમે ઘરે જાઓ. હું મહેસાણા પોલીસ સ્ટેશને આખો મામલો શું છે એ સમજી લઉં. તમે કાલે સવારે આવજો. આવા કામમાં ઉતાવળ કરે મેળ ન પડે." રાવજી પટેલે શાંતાડોસીને કહ્યું હતું.

"મને વિશ્વાસ છે, સરપંચ સાહેબ. આપના પિતા મહિપતભાઇ પટેલની આ ડેલી પર હંમેશા સાચાને ન્યાય મળ્યો છે. હું લગ્ન કરીને આવી ત્યારથી છેલ્લા પચાસ વરસથી તમારા પિતાને ન્યાયની અને સત્યની તરફેણમાં ચૂકાદો આપતા જોયા છે, માટે મહિપત પટેલની ડેલીએથી મને ન્યાય તો અવશ્ય મળશે જ." શાંતાડોસીએ રડતા રડતા કહ્યું હતું.

"શાંતાડોસી, તમે સમજો. આ ન્યાય મારે નહિ અદાલતે કરવાનો છે, માટે પૂરી વિગત સમજવી ખૂબ જરૂરી છે. તમે મને એક દિવસ આપો. કાલે આપણે મળીને વાત કરીશું." રાવજી પટેલે શાંતાડોસીને કહ્યું હતું.

આંખો લૂછતાં લૂછતાં શાંતાડોસી પોતાના ઘર તરફ ગયા હતાં.

રાવજી પટેલ અને સુશીલા ઘરની અંદર આવેલ બેઠકખંડમાં આવ્યા હતાં. રાવજી પટેલે બેઠકખંડમાં બેસી બીડી સળગાવી હતી. બીડીના ધુમાડામાં પોતાના જીવનમાં આવેલ મુસીબતને કુદરતે એક ઝાટકે દૂર કરી નાંખી એવું વિચારી આનંદ લઇ રહ્યા હતાં.

"કહું છું, આ બાપ-દાદાના પુણ્ય આપણા આડે આવ્યા. આ શાંતાડોસીનો દીકરો ભાનુડો મીતાની પાછળ પડી ગયો હતો. એ જેલમાં ગયો એટલે હવે મીતાની પણ આંખો ખુલી જશે અને આપણા સમાજમાં લગ્ન કરવા તૈયાર થઇ જશે. સારું થયું મીતા અત્યારે પાટણ ગઇ છે, નહિતર એણે રડારડ ચાલુ કરી દીધી હોત." સુશીલાએ હરખાતા હરખાતા પતિને કહ્યું હતું.

બાપ-દાદાની વાત સાંભળતા જ રાવજી પટેલની આંખો બેઠકખંડની દિવાલ ઉપર લગાડેલા પિતા મહિપત પટેલના ફોટા તરફ ઉપર પડી હતી. ખુરશી પર બેઠેલા, હાથમાં લાકડી, માથા પર પાઘડી, પટેલને શોભે એવી મૂછો, સફેદ ઝભ્ભો અને સફેદ ધોતી ધારણ કરેલા અને જાજરમાન લાગતા એમની બંન્ને આંખો જેમાં ન્યાય અને અન્યાયને ઓળખી શકવાની શક્તિ સ્પષ્ટ દેખાઇ આવતી હતી.

પિતા મહિપત પટેલે ન્યાયની કસોટીએ અમીર ગરીબ બધાંને એકસમાન ગણ્યા હતાં. ન્યાય અને અન્યાય વચ્ચે એ ક્યારેય જાતપાત કે ધર્મને આવવા દેતા ન હતાં. એટલે તો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ગામના લોકો ન્યાય માટે મહિપત પટેલની ડેલીએ જ આવતા હતાં અને એમના મોઢામાંથી નીકળેલા શબ્દો બધાં માથે ચડાવી લેતા હતાં.

બોકરવાડા અને આજુબાજુના દસ ગામવાળા તો એમને ન્યાયની મૂરત તરીકે ઓળખતા હતાં. મહિપત પટેલે ન્યાય માટે થઇને તો પોતાના સગા એકના એક બનેવીની વિરૂદ્ધમાં ન્યાય આપી એક ગરીબ ખેડૂતના પડખે ઊભા રહ્યા હતાં અને બહેન જોડે આજીવન સંબંધ એમના ન્યાય આપવાના કારણે તો તૂટી ગયો હતો છતાં તેઓ ન્યાયની પડખે જ ઊભા રહ્યા હતાં.

પિતા મહિપત પટેલના આટલાં બધાં સ્મરણો એકસાથે રાવજી પટેલના મનને ઘેરી વળ્યા હતાં, કારણકે પોતાના પિતા મહિપત પટેલે આબરૂના એટલા બધાં આંબા વાવ્યા હતાં કે એની કેરીઓ રાવજી પટેલ ધરાઇ ધરાઇને ખાતા હતાં. ગામ આખું એમને મહિપત પટેલ જેટલું જ માન આપતા હતાં.

રાવજી પટેલ માટે જીવનમાં પહેલીવાર ધર્મસંકટ ઊભું થઇ ગયું હતું. જો ભાનુપ્રતાપ નિર્દોષ હોય અને જો એને બચાવે છે તો દીકરી મીતા હાથમાંથી જાય છે અને જો નિર્દોષ હોવા છતાં ભાનુપ્રતાપ ફાંસીના માચડે ચડે છે તો પિતા મહિપત પટેલ પાસેથી મળેલા ન્યાય આપવાના સંસ્કાર જાય છે.

આખો દિવસ ન્યાય અને અન્યાય, પોતાનો ફાયદો જોવો કે અન્યાયને થતો રોકવો આ નક્કી કરતા રાવજી પટેલનો દિવસ પસાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે ઉઠીને રાવજીભાઇ તૈયાર થયા અને મહિપત પટેલના ફોટા પાસે આવીને ઊભા રહ્યા. બે હાથ જોડીને મન કરતા બોલ્યા, "બાપુજી, તમે ચીંધેલા રસ્તે જઇ રહ્યો છું. હું મારા સ્વાર્થ માટે બીજા સાથે અન્યાય ના કરી બેસું એવી શક્તિ મને આપજો." આટલું બોલી એ ઘરની બહાર નીકળી ગયા હતાં.

મહેસાણા પોલીસ ચોકીએ પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ ફરજ ઉપર હાજર હતાં. રાવજી પટેલને આવેલા જોઇ તેઓ ઊભા થયા અને રાવજીભાઇને બેસવા માટે કહ્યું હતું. શાંતાડોસી તો કાલની પોલીસ સ્ટેશનમાં જ દીકરાને છોડાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ધનજી પટેલને વિનંતી કરી રહી હતી અને રડી રહી હતી.

"ભાનુપ્રતાપ તમારા ગામનો છે એટલે મને હતું જ કે તમે એને છોડાવવા આવશો જ. મેં એને પૂછપરછ કરી કે શનિવારે રાત્રે ક્યાં હતો? પણ એના જવાબમાં એનું કહેવું એવું છે કે એ પીંઢારપુરા નહોતો ગયો અને સૂરજભાનનું ખૂન એણે કર્યું નથી. પણ એ ક્યાં ગયો હતો? એનો જવાબ એ આપતો નથી. વધારામાં પાછું આ શાંતાડોસી કાયદો કાનૂન સમજતી નથી અને દીકરાને છોડાવવા માટે રડારડ કરી મુકી છે." ધનસુખ પટેલે રાવજી પટેલને કહ્યું હતું.

રાવજી પટેલે ભાનુપ્રતાપને મળવાની પરમીશન માંગી હતી.

ધનસુખ પટેલે હા પાડી એટલે રાવજી પટેલ પોલીસ કસ્ટડીમાં રાખેલા ભાનુપ્રતાપને મળવા ગયા હતાં. રાવજી પટેલને આવેલા જોઇ ભાનુપ્રતાપની આંખમાં આંસુ આવી ગયા હતાં.

"પોલીસવાળા કહે છે કે તે સૂરજભાનનું ખૂન કર્યું છે, આ વાત સાચી છે? એ દિવસે તું હતો ક્યાં? એ જણાવ." રાવજી પટેલે ભાનુપ્રતાપને પૂછ્યું હતું.

"મેં સૂરજભાનનું ખૂન કર્યું નથી. સૂરજભાન અને મારી વચ્ચે એવી દુશ્મની ન હતી કે મારે એનું ખૂન કરવું પડે, પણ માફ કરજો સરપંચ સાહેબ કે એ દિવસે હું ક્યાં હતો એ તમને નહિ કહી શકું." ભાનુપ્રતાપે આંખમાં આંસુ સાથે કહ્યું હતું.

ભાનુપ્રતાપની વાત સાંભળીને રાવજી પટેલને વિશ્વાસ આવી ગયો કે સૂરજભાનનું ખૂન આણે કર્યું નથી. તો પછી કોણે કર્યું હશે? અને આ છોકરો શનિવારે રાત્રે ક્યાં હતો એ કહેતો કેમ નથી? આ સવાલ રાવજી પટેલના મનમાં ફરવા લાગ્યો હતો.

ભાનુપ્રતાપને મળીને તેઓ બહાર આવ્યા હતાં અને શાંતાડોસીને આશ્વાસન આપતા કહ્યું હતું કે બધું સારું થઇ જશે. તમે ચિંતા ના કરતા. તમે શાંતિથી ઘરે જાઓ. હું ભાનુપ્રતાપને છોડાવવા માટે વકીલની વ્યવસ્થા કરીને આવું છું.

શાંતાડોસી રાવજી પટેલના પગે પડી ગયા હતાં. રાવજી પટેલે એમને ઊભા કરતા કહ્યું હતું કે તમે રડો નહિ અને મારા પગે ના પડો. હું તો મારી સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યો છું.

રાવજી પટેલે મહેસાણાના જ જાણીતા વકીલ અને પોતાના મિત્ર પરસોત્તમ પંચાલને ભાનુપ્રતાપના વકીલ તરીકે નિયુક્ત કરી દીધા હતાં.

"જુઓ સરપંચ, મેં ભાનુપ્રતાપના આખા કેસનો અભ્યાસ કર્યો. શનિવારે રાત્રે ભાનુપ્રતાપ ક્યાં હતો અને કોની સાથે હતો એનો કોઇ સાક્ષી હોય અને જો એ જુબાની આપી દે તો એ બચી શકે છે નહિ તો જેલમાંથી છૂટવું અઘરું છે." પરસોત્તમ પંચાલે સરપંચને સ્પષ્ટ કહ્યું હતું.

પરસોત્તમ પંચાલની વાત સાંભળી રાવજી પટેલ મનોમન વિચારી રહ્યા હતાં કે ગામમાં જઇ વધુ તપાસ કરી અને કાલે ફરી ભાનુપ્રતાપને મળી એ શનિવારે રાત્રે ક્યાં હતો એ એના ઉપર દબાવ લાવીને જાણવું પડશે.

મહેસાણાથી પાછા બોકરવાડા ફરતા રાવજી પટેલને યાદ આવ્યું કે ભાંગના નશામાં જ્યારે એ પોતાના ઘરની શેરીમાં જઇ રહ્યા હતાં ત્યારે ભાનુપ્રતાપ એના ઘરમાંથી નીકળ્યો હોય એવો આભાસ એમને થયો હતો. ખૂબ જ યાદ કર્યા પછી એ એવા નિર્ણય પર આવ્યા કે એ દિવસે ચોક્કસ એમને પોતાના ઘરમાંથી રાત્રે કોઇ વ્યક્તિને બહાર નીકળતા જોયો હતો અને દેખાવ ઉપરથી એ ભાનુપ્રતાપ જ લાગતો હતો પરંતુ પોતે ભાંગના નશામાં હતાં એટલે એ વ્યક્તિની બરાબર ઓળખ કરી શક્યા ન હતાં.

આ વાત યાદ આવતા જ સરપંચે બાઇકની સ્પીડ વધારી હતી અને ઝડપથી પોતાના ઘરે પહોંચ્યા હતાં. સરપંચ ઘરે જઇને પોતાના બેઠકખંડમાં બેઠાં હતાં અને પોતાના પિતા મહિપત પટેલના ફોટા સામે જોઇ રહ્યા હતાં અને એમણે પત્ની સુશીલાને બૂમ પાડીને બેઠકખંડમાં બોલાવી હતી.

સરપંચે સુશીલાનો હાથ લઇ પોતાના માથે મુક્યો હતો.

"જો સુશીલા, હું તને જે સવાલ પૂછું એ દરેક સવાલનો સાચો જવાબ મને આપજે. તને મારા માથાના સમ છે." આટલું બોલી રાવજી પટેલે સુશીલાનો હાથ પોતાના હાથમાં લીધો હતો.

"શનિવારે રાત્રે જ્યારે હું ભાંગના નશામાં ઘરે આવતો હતો ત્યારે મેં આપણા ઘરમાંથી ભાનુપ્રતાપને અથવા એના જેવા લાગતા કોઇ વ્યક્તિને બહાર નીકળતા જોયો હતો. એ વ્યક્તિ કોણ હતું?" રાવજી પટેલે પત્નીને પૂછ્યું હતું.

પતિનો પ્રશ્ન સાંભળી સુશીલા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.

"આ સવાલ મને ના પૂછશો. આ સવાલનો જવાબ હું આપીશ તો બાપ-દાદાની આબરૂ રસ્તા ઉપર આવી જશે." સુશીલા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.

"જો સુશીલા, સત્ય આજે નહિ તો કાલે સામે આવશે જ પરંતુ તું આજે સાચું નહિ બોલે તો એક નિર્દોષ માણસ ફાંસી પર લટકી જશે અને રહી વાત આબરૂની તો બાપ-દાદાની વર્ષોની બનાવેલી આબરૂ એક વાતમાં ના જતી રહે." પત્ની પાસે સત્ય બોલાવવા માટે રાવજી પટેલે એને સમજાવ્યું હતું.

સુશીલાએ પોતાની આંખો લૂછી નાંખી અને રડવાનું બંધ કર્યું.

"શનિવારે રાત્રે દસ વાગે આપણા ઘરે ભાનુપ્રતાપ જ આવ્યો હતો. એને કોઇએ ખબર આપી હતી કે મીતા પાટણથી અહીં આવી છે. એટલે એ મીતાને મળવા માટે ઘરમાં આવ્યો હતો. તમે તમારા મિત્રો જોડે ગયા હતાં એટલે અહીંયા જ બેઠકખંડમાં હું પલંગ પર જ સુઇ ગઇ હતી. તમારી રાહ જોવા માટે મને ઊંઘ આવી ન જાય એ માટે ટ્યુબલાઇટ મેં ચાલુ રાખી હતી. એવામાં આપણી નાની દીકરી દીપાને કોઇની સાથે વાત કરતા મેં સાંભળી હતી. હું અવાજ સાંભળી બેડરૂમ તરફ ગઇ હતી ત્યારે મેં દીપા અને ભાનુપ્રતાપને વાત કરતા જોયા હતાં. મને જોઇ ભાનુપ્રતાપના હોશ ઉડી ગયા. એ દીપા જોડે મીતા ક્યારે આવવાની છે એની પૂછપરછ કરતો હતો. મને આવેલી જોઇ એ તરત ઘરમાંથી ભાગી ગયો હતો અને તમે એને જ ભાંગના નશામાં ઘરમાંથી બહાર ભાગતા જોયો હતો. મને લાગે છે આપણા કુટુંબની આબરૂ બચાવવા માટે થઇ એ રાતના દસ વાગે આપણા ઘરમાં હતો એવું પોલીસને બયાન આપવા નથી માંગતો, કારણકે જો એવું કહે તો આપણી ઇજ્જત ઉપર દાગ પડે અને મેં પણ એટલે જ આ વાત તમને કરી ન હતી." સુશીલાએ આંખમાં આંસુ સાથે પતિને કહ્યું હતું.

પત્નીની વાત સાંભળીને રાવજી પટેલ વિચારમાં પડી ગયા હતાં. જો અદાલતમાં પત્નીને લઇ જઇને ગવાહી અપાવશે તો ભાનુપ્રતાપ ચોક્કસ છૂટી જશે પરંતુ એનાથી કુટુંબની આબરૂ પણ જશે અને મીતાની બદનામી આખા સમાજમાં થઇ જશે. એટલે નાછૂટકે ભાનુપ્રતાપ જોડે લગ્ન પણ કરાવવા પડશે અને જો ચૂપ રહેશે તો એક નિર્દોષ માણસ ફાંસીએ લટકી જશે.

રાવજી પટેલે પોતાના પિતા સામે જોયું. ન્યાય અને અન્યાયને પોતાની આંખોથી શોધી કાઢવાની અને ન્યાયની તરફેણમાં રહેનાર પિતાનું લોહી પોતાના શરીરમાં પણ દોડી રહ્યું હતું. એટલે રાવજી પટેલે કોર્ટમાં સુશીલા અને પુત્રી દીપાને લઇ જઇ સાચી ગવાહી આપવાનું કહ્યું હતું.

સુશીલા અને પુત્રી દીપાની ગવાહીથી ભાનુપ્રતાપ નિર્દોષ છૂટી ગયો હતો અને રાવજી પટેલે મીતા અને ભાનુપ્રતાપના લગ્ન પણ કરાવી આપ્યા હતાં.

"તમે દીકરીના લગ્ન સમાજ બહાર દરબાર જોડે કેમ કરાવ્યા?" બોકરવાડામાં જ રહેતા રાવજી પટેલના જ સમાજના જ્યંતી પટેલે રાવજીભાઇને પૂછ્યું હતું.

"જો પટેલ, ભાનુપ્રતાપ મારા કુટુંબની ઇજ્જત અને આબરૂ રાખવા માટે એ પોતે શનિવારે રાત્રે મારા ઘરે હતો એવું બોલવા તૈયાર ન હતો. ભાનુપ્રતાપ મારા કુટુંબની આબરૂ માટે ફાંસીએ લટકવા તૈયાર હતો પરંતુ સાચું બોલીને મારા કુટુંબની આબરૂ કાઢીને પોતાની જાન બચાવવા માટે તૈયાર ન હતો. મોત અને આબરૂમાંથી મોતને પસંદ કરી ફાંસીને માંચડે લટકવા તૈયાર થયો હોય એનાથી વધારે સારો જમાઇ મને ક્યાં મળવાનો હતો." જવાબમાં રાવજીભાઇએ કહ્યું હતું.

જ્યંતી પટેલે પણ એમની વાતમાં હામી ભરી હતી.

- ૐ ગુરુ