૨૮
"હું?" શિવાનીએ સાંજ સામે જોયું.
"હા, જેની સાથે ખોટું થયું છે સજા પણ એજ આપશે." સાંજ યંત્રવત બોલી રહી હતી.
"મારે છુટાછેડા જોઈએ છે, અને અમારા છુટાછેડા પછી નીરજ અને રતનનાં લગ્ન થઇ જાય એજ મારી ઈચ્છા છે." શિવાનીએ તેનાં આંસુ લૂંછ્યા.
"આ તું શું બોલે છે શિવાની?" સુરજને ગુસ્સો આવી રહ્યો હતો.
"હા ભાઈ, રતન અને નીરજએ એમના પ્રેમ માટે ભલે મને દગો આપ્યો. પણ હું પ્રેમની કિંમ્મત જાણું છું ભાઈ, મેં સાચો પ્રેમ કર્યો હતો, નાટક ન્હોતું કર્યું." શિવાનીની આંખો ફરીથી ભીંજાઈ ગઈ.
"તું ફરીથી વિચારી લે શિવાની." સાંજએ કહ્યું.
"હું મારો સામાન પેક કરવા જઉં છું, આપણે આજેજ અહીંથી જતા રહીશું ભાઈ. ડાયવોર્સના પેપર્સ હું મોકલાવી દઈશ." શિવાનીએ તેના ઓરડા તરફ ડગ માંડ્યાં, પણ તેના પગમાં જાણે કેટલાયે મણનું ભાર હોય એમ તેના પગ ઉપડતાજ ન્હોતા.
"તું આ ઘરમાં જ રહીશ શિવાની, આ ઘર તારું છે અને તારું જ રહેશે." સાંજએ શિવાનીનો હાથ પકડીને તેને રોકી.
"સંજુ...." નીરજ આગળ કઈ બોલે એના પહેલાંજ સાંજ તાડૂકી, "મને આ નામથી મારાં પોતાનાં લોકો જ બોલાવે છે, અને તારી સાથેનો મારો સબંધ તો ત્યારેજ પૂરો થઇ ગયો હતો જ્યારે તેં આ છોકરી સાથે દગો કરવાનું વિચાર્યું હતું." સાંજએ શિવાની તરફ ઈશારો કર્યો.
આખા ઘરમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ, પારકી છોકરી માટે તેના એકમાત્ર ભાઈ જે તેનો એકમાત્ર પરિવાર પણ હતો તેની સાથે પણ સબંધ તોડતા વિચાર ન કરે એવી છોકરી માટે શું બોલવું એ વિચાર એક ક્ષણ પૂરતો ત્યાં હાજર બધાંયને આવ્યો.
"શિવાનીના રૂમમાં અને આ ઘરમાં તારો જેટલો પણ સામાન હોય પેક કરી લે. ડાયવોર્સ પેપર પર સાઇન કરે એની બીજી જ ઘડીયે તું, તારા સામાન અને તારી રતનને લઈને આ ગામમાંથી ઉપડી જજે." સાંજએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો.
નીરજ ચુપચાપ ગેસ્ટરૂમ તરફ ગયો અને ગેસ્ટરૂમમાં જઈને બારણું વાખી દીધું.
"કાલથી તારે કામ પર આવવાની જરૂર નથી, નીરજના છૂટાછેડા થઇ જાય એટલે આ ગામ છોડીને તેની સાથે જતી રહેજે." સાંજએ રતનને ઉદેશીને કહ્યું અને અરુણ તરફ ફરી,"આને ઘરે મૂકી આવ, બઉ રાત થઇ ગઈ છે."
અરુણએ હકારમાં માથું હલાવ્યું અને રતન સાથે ઘરની બહાર નીકળી ગયો, શિવાની પણ ચુપચાપ તેના ઓરડામાં જતી રહી.
સાંજ ઉભી થઈને તેના ઓરડામાં જવાને બદલે હવેલીની પાછળ ગઈ, ત્યાં એક નાનકડો જૂનો દરવાજો હતો એ ખોલીને તેં અંદર ગઈ.
"આઆઆઆઆઆઆઆ......" સાંજએ એક ચીસ પાડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"બધું ખતમ થઇ ગયું બાપુ, હું આજ સાવ અનાથ થઇ ગઈ...." સાંજને તેના પિતાની કમી આજે હદથી વધારે વર્તાઇ રહી હતી.
"આ જ કારણથી તેં મને તારી સાથે પ્રેમનું નાટક કરવાનું કહ્યું હતું?" અરુણએ પૂછ્યું, રતન ચુપચાપ ચાલી રહી હતી.
"આવા કામ માટે તેં મને લગ્નની ખોટી વાત કરવા કહ્યું હતું? તને જરાય શરમ ન આવી? " અરુણએ રતનને ઉભી રાખી.
"હા, પ્રેમ કરવો એ ગુનો છે?" રતન માંડ આટલુ બોલી શકી.
"પ્રેમમાં કોઈની જિંદગી બગાડવી ગુનો છે રતન, પ્રેમમાં કાવતરા ના હોય રતન." અરુણએ તિરસ્કારથી કહ્યું.
"હું એકલી જતી રઈશ." રતન આગળ વધી ગઈ.
"મને કોઈ શોખ પણ નથી તારા જેવી સ્ત્રી સાથે અડધી રાત્રે ચાલવાનો, પણ તું જેવી હોય એવી છે તો સ્ત્રી જ. તને કંઈક થશે તો સાંજ બદનામ થશે એટલે મજબૂરીમાં તને મુકવા આવું છું, સમજી?" અરુણએ છણકો કર્યો.
બીજા દિવસે સવાર સવારમાં જ સાંજ દેવજીકાકાને મળવા પહોંચી ગઈ.
"ભગવાનનો આભાર કે તમે ઠીક છો બેટા." દેવજીકાકા સાંજને ઠીક જોઈને થોડા આશ્વસ્ત થયા.
"મારે ટૂંકો અને સાચો જવાબ જોઈએ કાકા...." સાંજ લગભગ દુઃખથી ભાંગી પડી હતી.
"મને જેવી ખબર પડી કે બા'ર પોલીસ આવી છે તો મેં તરત યોજના બનાવી. તમને માર્યો હતો એ ડંડો મેં નાનજીને છોડીને તેના હાથમાં આપી દીધો, એ બેવકૂફ એ એજ કર્યું જે મેં વિચાર્યું હતું." દેવજીકાકાએ ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા, "એણે તરત એ ડંડો મારા પર ઉગામ્યો અને એજ સમયે પોલીસ આવી. મેં પોલીસ આગળ કબૂલી લીધું છે કે હું મર્ડર કેસમાં મળેલો હતો એટલે આ નાનજી મને મારી નાખવા માંગે છે."
"અને હું? હું ત્યાં કેમ હતી એમ નઈ પૂછ્યું પોલીસએ?" સાંજને અચરજ થયું.
"મેં કહ્યું કે મને અહીં બોલાવવા નાનજીએ મારી ભત્રીજીને ઉઠાવી લીધી." દેવજીકાકા હસી પડ્યા.
"કાકા, યુ આર જીનિયસ." સાંજ પણ હસી પડી.
"તમે મને અહીંથી જલ્દી બહાર કાઢશો એ હું જાણું છું, પણ ત્યાં સુધી તમે એકલા પડી જશો બેટા." દેવજીકાકા દુઃખી થઇ ગયા.
"હા, બહુ એકલી પડી ગઈ છું." સાંજને નીરજની હરકત યાદ આવી ગઈ, પણ આ વાત હાલપૂરતી દેવજીકાકાને ન જણાવવી એવુ નક્કી કરી તેં ઘરે પરત ફરી.
સાંજ જ્યારે પરત ફરી ત્યારે ઘરમાં રોકકળ મચી ગઈ હતી, આખું ગામ હવેલીમાં ભેગું થયું હતું અને બધાયની આંખોમાં આંસુ હતાં.
શું થયું છે એ જાણવા સાંજ ઉતાવળા પગે ઘરના આંગણામાં આવી ત્યારે તેની નજર સફેદ કફનમાં લપેટાયેલી લાશ પર પડી.
સાંજને જોઈને શિવાનીએ પોક મૂકી, સુરજ અને અરુણએ ભીની આંખે સાંજ તરફ જોયું.
સાંજએ આગળ વધીને એ લાશના ચેહરા પરથી કફન હટાવ્યું અને લાશનો ચેહરો જોઈને તેંના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, "ભાઆઆઆઆઆઆઈ..."
ક્રમશ: