વસુધા
પ્રકરણ-5
વસુધાનાં માં-પાપા એમની દૂરની બહેન દિવાળીબહેનનાં ઘરે ગયાં જે એમનાં ઘરે જતાં રસ્તામાં પડતું બતું વળી દિવાળી બહેનને કોઇ સંસાર નહોતો તેઓ વિધવા હતાં.. ના છોકરા છૈયા એકલાં હતાં.
એમણે પુરષોત્તમભાઇને પૂછ્યું તમને કેવો લાગ્યો છોકરો કુટુંબ અને માણસો ? પુરષોત્તમભાઇ અને પાર્વતીબહેન એકબીજા સામે જોયું પછી પાર્વતીબહેન બોલ્યાં કુટુંબ અને માણસો ઘણાં સારાં છે તમે બતાવો ઘર પછી એમાં જોવાનું હોય. પણ.. પણ.. છોકરો માત્ર સાત ચોપડીજ ભણ્યો છે એ જરા...
ત્યાંજ દિવાળીબહેને કહ્યું અરે પાર્વતી એકવાત સમજ આટલી ખેતી-ઢોર અને દૂધ.. ખેતીમાં મબલખ આવક હોય ખાનાર ત્રણ જણાં એકનો એક દીકરો -દિકરી સરલા પરણાવી દીધી છે. એય એનાં ઘરે ખૂબ સુખી છે. પાકુ મકાન-વાહન ખેતીનાં સાધન ટ્રેક્ટર પછી છોકરો ભણે કે ના ભણે શું ફરક પડે ? તું ભણતરનું ના વિચાર જાહોજલાલી જો...
પાર્વતીબહેને કહ્યું બહેન હું તો બહુ સમજુ છું કે ખાધેપીધે સુખી કોઇ જવાબદારીઓ નથી છોકરી પરણાવીએ એનાં સાસરે સુખી છે પણ છોકરો થોડો બિનજવાબદાર લાગ્યો જોકે એક દિવસમાં કોઇનાં માટે અભિપ્રાય ન અપાય.
દિવાળીબહેને કહ્યું જો પાર્વતી ઘર-છોકરાં અને માણસો માટે હું સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છું હું તારાં છોકરાની ફોઇ થાઉં. મને આપણી છોકરીની ચિંતા છે વળી મારે નથી આગળ કોઇ નથી પાછલ કોઇ રોનાર... મારાં ગયાં પછી જીવતાં તમેજ છો અને પછી મારી જમીન ઘર ઢોર બધુ જોડે લઇ જવાની છું ? બધુ આ પુરષોત્તમનાં છોકરાં દુષ્યંતને જ આપી જવાની છું મારું તમારાં સિવાય છે કોણ ? હું તો પહેલાં મારી વસુધાનુંજ હીત જોઉં અને મને ઘર-ખેતી વગેરે ગમ્યું ખાસ તો એ છોકારાનાં માંબાપ એ લોકો ભાનુબહેન અને ગુણવંતભાઇ લાખ રૂપિયાનાં માણસ આપણી વસુધાને દુઃખી નહીં થવા દે....
પાર્વતીબહેને હકારમાં ડોકું ધુણાવ્યું અને પુરુષોત્તમભાઇ સામે જોયું. પુરુષોત્તમભાઇ અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલાં. એમણે દિવાળીબહેને કહ્યું દિવાળી તું મારી બહેન છે અને જે છે એ તું છે. તું બતાવે એ ઘર સંબંધમાં મારે જોવાનું હોય નહીં તે શોધ્યું મારી વસુધા માટે સાચુંજ હશે. તમને લોકોને યોગ્ય લાગતું હોય તો હવે જે અગિયારશ આવે ત્યારે તું એમને હા નો જવાબ આપી આવજે. અને હાં ખાસ એ ચોખવટ કરજે કે અમારે એકની એક છોકરી છે અને એમાંય વસુધા મારાં કાળજાનો ટુકડો છે હું વ્યવહાર કરવામાં કાચો નહીં પડું પણ બધી ચોખવટ એવી કરજે કે પાછળથી કોઇ ગેરસમજ ના થાય મારી વસુધાને સાંભળવાનું ના આવે.
દિવાળીબહેને ખુશ થઇ ગયાં એ એકદમ ઉભાં થયાં અને રસોડાની છાજલી પર બેઠા ઘાટનો ગોળ પિત્તળનો ડબો લાવીને એમાં રહેલો મગસ પુરષોત્તમ ભાઇ અને પાર્વતીબહેનને અને કહ્યું અરે પહેલાં મોઢું મીઠું કરો એ લોકો પણ સંબંધ વધાવ્યોની ખુશીમાં રાજીના રેડ થઇ જશે. અને આગળ ઉમેરતાં બોલ્યાં ભાઇ તું વ્યવહારની લગીરે ચિંતા ના કરીશ આપણે આપણી સ્થિતિ ખુશી અને વસુધાને જીવનભર કંઇ સાભળવુ નહીં એવું આપણાં રીતરીવાજ પ્રમાણે કરવાનું અને એ માણસો એવાં નથી કોઇ પણ રીતે લાલચી કે એવાં નથી હું બરાબર ઓળખું છું. એમાંય ભાનુ તો વસુધાને ખૂબ સાચવજે એણે એની છોકરી વળાવી છે એટલે બધુ સમજે છે.
પાર્વતીબહેનનાં આંખમાં આંસુ આવી ગયાં. પુરષોત્તમભાઇએ આંસુ જોઇને કહ્યું એય પાર્વતી આંસુ બધાં જાળવી રાખ આતો શરૂઆત છે છોકરીનાં જન્મ પછી એની કાળજી રાખવી સંસ્કાર રોપીને ઉછેર કરવો અને પછી એની વિદાઇ બધુ બહુજ અઘરૂં છે બધાં માટે અને એ લોકોએ છોકરી છે પરણાવી છે એટલે સમજદારજ હશે. એમ કહીને પોતાની ભીની આંખ લૂછી નાંખી.
દિવાળીબહેને કહ્યું સપરમા નિર્ણય સમયે આમ આંસુ ના કાઢશો. દિકરીને તમે સારી સંસ્કારી અને સુખી જગ્યાએ મોકલવાનો નિર્ણય કરો છો મહાદેવનું નામ લો એ જોવાવાળો છે બધુજ.
પાર્વતીબહેને કહ્યું કંઇ નહીં બહેન તમે જઇ આવજો અને એકવાર હા થાય બંન્ને પક્ષે પછી શુકનનાં રૂપિયાનો વડો મોકલી દઇશું. દિવાળીબહેને કહ્યું એ તો એ લોકો સંબંધને વધાવીને મોકલશે. હવે પછીનાં વ્યવહારની ચિંતા ના કરીશ હું બેઠી છું ને કંઇ ખોટું નહીં થવા દઊ !
બધી વાત પાકી કરી છોકારાને ઘરે હા પાડવા જવાની દિવાળીબેનને જવાબદારી સોંપાઇ ગઇ અને પુરષોત્તમભાઇ અને પાર્વતીબહેન ઘરે જવા નીકળ્યાં. દિવાળી બહેને જાળી બંધ એમનાં ઘરનાં ઓટલેથીજ જયશ્રીકૃષ્ણ કોઇ ચિંતા ના કરશો કહીને વિદાય આપી.
***********
વસુધા અને દુષ્યંત ચા-દૂધ નાસ્તો કરીને પાછાં હીંચકે બેઠાં હતાં. માં-પાપાની રાહ જોવાતી હતી વસુધાને ગમાણમાં કચરોવાળી દીધેલો. લાલી તથા ભેંશોને નીર જળ આપીને દોહી પણ લીધી હતી. એકલા હાથે બધાં જાનવર દોહવાનાં આવેલાં. પણ એનાં મનમાં પણ વિચારો ચાલતાં હતાં. માં-પાપા ગયાં છે શું કરીને આવશે ? ઘર-માણસો કેવા હશે ?
ત્યાંજ દુષ્યંત બૂમ પાડી પાપા આવી ગયા માં આવી ગઇ અને પુરષોત્તમભાઇ ઘરનાં આંગણે બાઇક ઉભી રાખી.
વસુધાને ખબર નહીં શું થયું એ જડવતજ હીંચકા પાસે ઉભી રહેલી એણે માં ના ચહેરા સામે જોયું માં હસતી હતી. પાર્વતી બહેને ચંપલ કાઢ્યાં અને વરન્ડામાં આવી વસુધાને વળગી પડ્યાં અને બોલ્યાં મારી દિકરી વસુધા તારું સગપણ કરવા હા પાડીને આવ્યાં છીએ ફોઇને કીધુ છે હા પાડી આવે. એ લોકોનો જવાબ લઇને ફોઇ એક બે દિવસમાં આવશે. મારી દીકરી બસ તું ખુશ રહે સુખી થાય.
પુરષોત્તમભાઇ પણ બુટ કાઢીને હીંચકે બેઠાં. વસુધા માં પાસેથી નીકળી રસોડામાં જઈને ગોળીનું પાણી લઇ આવી અને માં-પાપાને આપ્યું વસુધાની આંખનાં ખૂણાં ભીંજાયા હતાં એ એનાં પાપા પુરષોત્તમભાઇ સામે જોઇ રહેલી. કંઇ બોલી નહી.
પુરષોત્તમભાઇ પાણી પીને પવાલુ પાછું આપતા કીધું. મારી વસુધા ઘર-માણસો છોકરો બધુ સારું લાગ્યું એટલે હા, પાડી છે હવે દિવાળી ત્યાં જઇને અહીં આવે એટલે ખબર પડે.
વસુધા પુરષોત્તમભાઇને વળગી પડી અને બોલી પાપા મને મોકલવાની વિદાય આપવાની ઉતાવળ કેમ ? મારે નથી કરવા લગ્ન. હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી અને ભીનાં થયેલાં આંખનાં ખૂણાં ઉભરાઇ ગયાં અને ડુસ્કાનું સ્વરૂપ લીધું. પરુષોત્તમભાઇ પણ ઢીલા થઇ ગયાં રડમસ અવાજે બોલ્યાં દીકરી આ ઘરતો તારુંજ છે કાયમ માટે પણ તું દીકરી છે એટલે તને મને કમને વિદાય આપવાની છે એમનાં ઘરેય દીકરી છે જેને વિદાય આપી ચૂક્યા છે એનું નામ સરલા છે. આતો દુનિયાનો નિયમ છે રિવાજ છે. પણ તને ક્યારેય એકલું નહીં લાગે એવા માયાળુ માણસો છે એમાંય છોકરાની માં... પાર્વતીબહેને ઉમેરતાં કહ્યું એ લાગણીવાળાં છે એમનાં મોઢે બોલ્યાં છે કે તમારી વસુધાને આગળ ભણવું હશે તો હું ભણાવીશ ભલે પીતાંબરે ભણવું છોડ્યું હોય....
વસુધાની આંખો ચમકી એણે કહ્યું છોકરાએ ભણવાનું છોડી દીધું છે ?ક્યાં સુધી ભણ્યો છે ? પુરષોત્તમભાઇએ પાર્વતીબહેનને ઇશારો કરી ચૂપ કર્યા અને પોતે બોલ્યાં. દીકરા વસુધા એ લોકો ઘરમાં ત્રણ જણાં છે માં-બાપ અને દિકરો. ઘરમાં એટલાં ઢોર એમાં બે ગાય છ ભેંશ, બે બળદ, એક ઘોડો છે ટ્રેક્ટર - બાઇક કાર બધુજ છે અને 28 વીઘા જમીનની ખેતી આટલું બધુ કોણ સંભાળે ? કોણ કરે ? મજૂર માણસો કાયમી છે પણ ગુણવંતભાઇ એકલાં ક્યાં પહોંચી વળે ? એટલે ખેત સંભાળે છે સાત ચોપડી તો ભણ્યો છે પછી છોડવું પડ્યું છે.
છોકરો એકનો એક છે એટલે થોડો લાડમાં ઉછર્યો લાગે છે પણ સંસ્કારી છે તું ત્યાં સુખી થઇશ સૌથી જરૂરીયાત એ છે કે માણસો સ્વભાવનાં ઘણાં સારાં છે તને ખૂબ સાચવશે.
વસુધાએ બધુજ બરાબર સાંભળ્યુ છતાં સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યુ હોય એમ માં ને કહ્યું બધુ દૂધ દોહીને ડોલચા ભર્યા છે ડેરીમાં ભરવા જવાનું છે હું મારી લાલી પાસે છું એમ કહીને એ પાછળ વાડામાં ગમાણમાં જતી રહી.
લાલી પાસે જઇને એનાં ગળામાં હાથ પરોવીને ઉભી રહી એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહેલો. દુષ્યંત જેની પાછળ જવા ગયો પણ માં-પાપાએ અટકાવી દીધો...
આગળ આવતા અંકે - પ્રકરણ-6