રોમાંચકતા હૃદયને પ્રેરણા આપતું એક સુંદર તરંગી પણું, અને એકવાર આ રોમાંચ વિચારોમાં એક રસ થઇ જાય પછી હૃદયને યુવાની બક્ષવામાં ઉમર કે પરિસ્થિતિ અસર ન કરી શકે..... જીવનના અંત સુધી પોતાને ખુશ રાખવાનો રોમાંચ તો છે જેના માટે દરેક વ્યક્તિ જાણી-અજાણ્યે દરરોજ આવતા નવા જીવનને આવકારે છે.
મૌસમ આલયમય બની ગઈ અને આલય મૌસમમમય.... એકબીજા દ્વારા એક બીજામાં મુકાયેલી માયા બંનેને ખુશ કરી ગઈ. આલયને જલ્દી જલ્દી તૈયાર થતાં જોઈ વિરાજને આશ્ચર્ય થયું.
વિરાજ બેન :-"આલય કેમ આજે ઉતાવળમાં?"
આલય :-" કંઈ નહીં મમ્મા બસ કોલેજ જવાની ઉતાવળ છે."
વિરાજ બેન :-"અરે આ કેવી ઉતાવળ કે તારા મનગમતા શોખ બે દિવસથી ભૂલી જાય છે?"
આલય:-"શું? (આશ્ચર્યથી)
વિરાજ બેન :-"તારો મનગમતો શોખ , તને ગમતી સુગંધ. હું બે દિવસથી જોઉં છું કે મારા દીકરાને સ્પ્રે કરતા કંઈક વધારે ગમી ગયું લાગે છે."
આલય :-"તારા જેવી મમ્મી સાથે હોય પછી કાંઈ વધારે ગમે?, કાલે પહેલા દિવસના ટેન્શનમાં સ્પ્રે ભૂલી ગયો અને આજે બસ મોડું થઈ ગયું એટલે..અને જ્યારે કોઈ સ્પ્રે કરતાં વધારે ગમવા લાગે ને એટલે સૌથી પહેલાં તો તને જ કહેવાનો."
આલયને નાનપણથી જ મમ્મીએ વારસામાં સુગંધ નું વાતાવરણ આપ્યું હતું. નાનકડો આલય નાનકડા બગીચામાં ફૂલોની વચ્ચે મહેકી ઉઠતો. સુગંધની સંવેદના જાણે તેના શ્વાસમાં ભળી ગઈ હતી. ઘરની બહાર નીકળે ત્યારે અચૂક આ સુગંધને સાથે લઈને નીકળતો. નાનપણના ફૂલોનું સ્થાન હવે સ્પ્રે એ લઈ લીધું હતું
આલય:-"ચલ બાય મા મોડું થાય છે."
વિરાજ બેન :-'વાત તારી સાચી દીકરા પણ વર્તમાનને જીવવામાં અને ભવિષ્યની રાહમાં ભૂતકાળનો હાથ ક્યારેય ના છોડવો."
આલય :-"આ સુગંધ તો મારી સાથે રહેશે તારી જેમ જ ."
અને તરત જ આખું ઘર સુગંધથી છલકાઈ ગયું આલયના આનંદ અને wild stone ના ફુવારામાં.
આલયને જેટલો શોખ સુગંધનો એટલી જ સુગંધ મૌસમની એલર્જીનું કારણ. તીવ્ર સુગંધ ની બીકથી તે nail paint કરવાનું પણ ટાળી દેતી.
. વોલ સાઈઝના ગ્લાસમાં પોતાને નિહાળી રહેલી મૌસમ જાણે આજે બદલાઇ ગઇ. પોતાની પસંદ માટે જાણે આજે તૈયાર થવાનું હતું. મેચિંગ ઇયરિંગમાં ચમકતા ડાયમંડ ની વચ્ચે નમણા મુખ અને સોનેરી વાળ છૂટા જ રાખી વહેલી પહોંચી ગઈ આલયને મળવા.
જ્યાંથી કોલેજ નો ગેટ બરાબર દેખાય તેવી જગ્યા ગાર્ડનમાં શોધી મૌસમ એક નજર માટે જાણે તલસી રહી. પરંતુ નીલની સાથે આવેલા આલયને જોઈ જોઈ થોડી ઝાંખી પડી ગઈ. અને આલય જાણે જાણી ગયો હોય તેમ નિલને ટાળવાનું વિચારી રહ્યો.
આલય :-'નીલ તું ઉપર જા, હું હમણાં આવું."
નિલ :-"તારે વળી ક્યાં જવું?"
આલય :-"ક્યાંય નહીં કાલે ફોર્મ ભરતી વખતે મારી પેન પેલી છોકરી પાસે રહી ગઈ તે લઈને આવું.... પાછું ભુલાઈ જશે."
નિલ :-"તું કોને બનાવે છે આલય? તારી નજર ફરે ને તો પણ મને ખબર પડી જાય, પણ વાંધો નહીં તું જીવી લે જિંદગી તારી..".
અને જોરજોરથી હસવા લાગે છે.
નિલ ને હસતો જોઈ આલયને લાગ્યુ જાણે તે પકડાઈ ગયો.
પારખી લેવાનું મન લઈને આવેલી મૌસમ તો આલયને જોઈ બધું ભૂલી ગઈ. યાદ રહ્યા ફક્ત તે પ્રથમ વખત માણેલા શબ્દો નખશીખ સુંદર..... અને એ જ સુંદરતા ને જોઈ આલય ફરી પાછો રોમાંચિત થઈ ગયો.
આલય :-"કેમ છે? ક્લાસમાં નથી ગઈ?"
મૌસમ :-"ના બસ હજુ વહેલું છે."
(અને ઓચિંતાની મૌસમને છીક આવવાની શરૂ થઈ ગઈ)
"Sorry but તમે સ્પ્રે લગાવીને આવ્યા છો?"
આલય :-"હા પણ કેમ?"
મૌસમ :-"મને.....(વળી છીંક આવવા લાગે છે.)
"મને સુગંધની એલર્જી છે. હું તીવ્ર સુગંધ સહન નથી કરી શકતી."
આલય :-"સોરી સોરી હું કોક દિવસ જ લગાવું.".
આલયને મૌસમની છીંક જાણે દુઃખી કરી ગઈ...નક્કી કરી લીધું કે કાલથી કોલેજ સ્પ્રે નથી લગાવવું.... અને મૌસમને પહેલી વાર વિચાર આવ્યો આ એલર્જીને તો દૂર કરવી પડશે.
મૌસમ :-"સોરી હું નીકળું, ક્લાસ ચાલુ થઈ ગયો હશે."
આલય પણ થોડું અંતર રાખી પાછળ પાછળ ગયો. ફર્સ્ટ બેન્ચ પર મૌસમ બેઠી હતી, પાસે જગ્યા ખાલી હતી પણ સ્પ્રેના કારણે આલયે છેલ્લી બેન્ચ પર બેસવાનું પસંદ કર્યું .પણ તેનું ધ્યાન તો મૌસમના પાછળથી દેખાતા છૂટા વાળમાં જ હતું. તે નીલના ધ્યાનમાં આવી ગયું અને તેણે પૂછી જ લીધું....
નિલ :-"નામ શું છે તેનું પૂછ્યું?"
આલય પોતાની ધૂનમાં જ હતો....
આલય :-"મૌસમ....."
નિલ :-"ઓહો બહુ સરસ..."મૌસમ કા જાદુ?"
આલય :-"હવે યાર તું ડિસ્ટર્બ ન કર અને આ વાત તારા સુધી જ સીમિત રાખજે તો તારી મહેરબાની..."
નિલ :-"હું તો ડિસ્ટર્બ નહીં કરું પરંતુ આમ જે એકધારું મૌસમની સામે જુએ છે, તે બધાના ધ્યાનમાં છે અને જો પ્રોફેસરના ધ્યાન માં આવી ગયું તો પહેલા દિવસે ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે.
અને આલયને પોતાના વર્તન પર શરમ આવી ગઈ. આની પહેલા કોઈ દિવસ આવું વર્તન કર્યું નથી .આજે કેમ આવું થાય છે? પછી પોતાના મનને મનાવી લીધું કે આવું મન ખુશ પણ નથી થયું ને આની પહેલા?"
💕તરસ આ મારી ક્યાં લઈ જશે જિંદગીને?
સપના ઇચ્છાઓ કે પછી બંદગી સુધી જિંદગીને?
મન તો બસ એક જ વાતમાં રમતું
અને ખૂટે નહીં તેવી વાતો માટે તરસતું💕
આપણી તરસને અહીં જ વિરામ આપીએ? આવતા ભાગમાં જ જોઈશું કે મૌસમનું મન કેના માટે તરસે?
(ક્રમશ)