રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૬૪
જનાર્દનનું મન કલ્પના કર્યા વગર રહી શકતું ન હતું. સુજાતાબેન પાસે અત્યારની સ્થિતિમાં ઘણા વિકલ્પ દેખાતા હતા. ક્યાં તો પક્ષ સામે બળવો કરીને બીજા પક્ષને સમર્થન જાહેર કરવું પડે અથવા રાજીનામું આપવું પડે. જો સત્તા જોઇતી હોય તો દબાણ કરીને કોઇ મોટું ખાતું મેળવવું પડે. સુજાતાબેનનો સ્વભાવ એવો છે કે તે પક્ષ સામે બળવો કરશે નહીં. હા, રાજીનામું આપતા ખચકાશે નહીં. પરંતુ પછી પ્રજાએ આપેલા મતનો દ્રોહ કર્યો કહેવાય. વિપરિત સંજોગોમાં પણ પ્રજાના હિત ખાતર એમણે રાજીનામું આપવું ના જોઇએ. તે શંકરલાલજી પર દબાણ લાવે અને સુજાતાબેનને સારું ખાતું અપાવવા રાજેન્દ્રનાથને ભલામણ કરે એવી શક્યતા વધારે હતી.
વિચાર કરતાં જનાર્દનની નજર મોબાઇલમાં સમાચાર ચેનલો પર ફરી રહી હતી. એક ચેનલમાં સમાચાર આવી રહ્યા હતા કે રાજેન્દ્રનાથ કહે છે કે હાઇકમાન્ડનો આદેશ માથે ચઢાવશે. પક્ષને બહુમતિ મળી છે એમાં દરેક કાર્યકરનો નાનો મોટો ફાળો છે. આ જીત પક્ષના કાર્યકરોની છે. બીજી એક ચેનલ પર સમાચાર ચાલી રહ્યા હતા કે મુખ્યમંત્રી પદ પર કોણ બિરાજશે એનું રહસ્ય વધારે ઘેરું બન્યું છે. કાર્યકરોની માંગ છે કે રાજેન્દ્રનાથ મુખ્યમંત્રી બને. હાઇકમાન્ડ પાસે પણ બીજો કોઇ વિકલ્પ દેખાતો નથી. ત્યારે ભવ્ય જીત પછી પક્ષ ઉપર જવાબદારી વધી ગઇ છે. પક્ષ દ્વારા અનુભવી વ્યક્તિને જ રાજયની ધુરા સંભાળવા આપવામાં આવે એવી શક્યતા વધારે છે. એક ખબર એવી છે કે રાજેન્દ્રનાથ કરતાં સુરેશભાઇ વધારે સિનિયર છે. તેઓ કેન્દ્રમાં પણ મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. તેમને રાજ્યની બાગડોર સોંપી શકાય એમ છે. પરંતુ એમનામાં હવે પહેલાં જેવો ઉત્સાહ નથી. તે સિનિયર કરતાં અતિવૃધ્ધ તરીકે વધુ ગણતરીમાં લેવાય છે. રાજકીય વર્તુળમાંથી મળતા સમાચાર કહે છે કે અહીં કંઇ જ અશક્ય નથી. આંતરિક મારામારીમાં કોઇને પણ તક મળી શકે છે.
જનાર્દનને થયું કે બધી જ ચેનલો પોતાને સૂઝે એવી વાતો કરી રહી છે. એમની રાજકીય સમાચારોમાં બુધ્ધિશક્તિ સારી ખીલી ઉઠે છે. ઘણી વખત કેટલીક રાજકીય હસ્તીઓ પણ આવી ચેનલોને પોતાની તરફેણમાં કે બીજાની વિરુધ્ધમાં સમાચાર ચલાવવાની કામગીરી સોંપતી હોય છે. રાજેન્દ્રનાથ જો તમામ ધારાસભ્યોને પોતાની તરફેણમાં મત આપવા માટે મનાવી શકતા હોય તો ટીવી ચેનલોને સાચવવાનું કામ તેમના માટે સરળ જ હશે.
ધારેશને સુજાતાબેનમાં વિશ્વાસ હતો એમ જનાર્દનને પણ હતું કે સુજાતાબેન બધાના ભલા માટે જ કોઇ નિર્ણય લેશે. અત્યારે શંકરલાલજી સાથેની તેમની મુલાકાત નિર્ણાયક બની રહેશે.
જનાર્દન અને ધારેશ જમીને બેઠા હતા. જનાર્દનને થયું કે સુજાતાબેન આવશે એટલે ફરી રાજકારણની વાત શરૂ થઇ જશે. ધારેશની વાત અધૂરી રહી ગઇ હતી એ ફરી કાઢીને આગળ જાણવી જોઇએ.
જનાર્દન સહેજ ખચકાતા પૂછવા લાગ્યો:"તમે કોલેજ પૂરી કર્યા પછી આગળ ભણ્યા હતા કે નોકરી શરૂ કરી દીધી હતી?"
"કોલેજ પૂરી કરીને નોકરીએ જ લાગી ગયો હતો. પરંતુ સાથે ભણવાનું ચાલુ રાખ્યું હતું. મારા માતા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા. પિતાની ઇચ્છા હતી કે હું વધારે ભણું અને સારી જગ્યાએ નોકરી કરું..." ધારેશ ઉત્સાહથી પોતાની વાત કરવા લાગ્યો હતો એટલે જનાર્દનને થયું કે બધી વાત જાણવા મળશે.
"પરંતુ મારા નસીબમાં વધારે અભ્યાસ લખાયો નહીં હોય. હું જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી મને વિદેશમાં જવાની તક મળી. મને એમાં સારું ભવિષ્ય દેખાયું. વિદેશમાં થોડા મહિના કામ કર્યું પણ મજા ના આવી. ભારતીય સંસ્કૃતિ ત્યાં ન હતી. એમના વિચારો સાથે મારા વિચારો મળતા ન હતા. ત્યાં પૈસા અને સમૃધ્ધિની કમી ન હતી. પ્રેમ અને લાગણીની કમી હતી. મને ત્યાંના વાતાવરણમાં ફાવ્યું નહીં અને હું પાછો ભારત આવી ગયો અને અગાઉની જેમ જ કંપનીનું કામ કરવા લાગ્યો. એ કંપની મેં હમણાં જ છોડી દીધી..."
જનાર્દનને નવાઇ લાગી:"કેમ પગાર વધારતા ન હતા?"
"ના-ના, પગાર તો નિયમિત વધતો રહ્યો છે. હું વિદેશથી આવ્યા પછી મને પ્રમોશન આપ્યું હતું. મેનેજમેન્ટ સાથે મારે સારું બનતું હતું. મારો અભ્યાસ ઓછો હોવા છતાં મારી કામ કરવાની ધગશને કારણે એમણે મને વિદેશ મોકલ્યો હતો. ત્યાં રહીને મેં કંપનીને ઘણું કામ અપાવ્યું હતું. કંપનીને મારા નિર્ણયથી એમ જ હતું કે પગાર ઓછો પડે છે એટલે છોડી રહ્યો છું. મેં કહ્યું કે મને પગાર માટે કોઇ ફરિયાદ નથી કે બીજી કોઇ કંપનીમાં જવા માટે આ નોકરી છોડી રહ્યો નથી. હું કાયમ માટે નોકરી છોડી રહ્યો છું. મારું કાર્યક્ષેત્ર બદલી રહ્યો છું..." ધારેશ હવે વિગતવાર વાત કરી રહ્યો હતો.
જનાર્દનને થયું કે નક્કી સુજાતાબેન સાથે સંપર્ક થયા પછી ધારેશ રાજકારણમાં આવવાનો હશે. અત્યારથી જ તેમની સાથે જોડાઇને આગામી કોઇ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. તે પૂછ્યા વગર ના રહી શક્યો:"મતલબ કે તમે રાજકારણમાં જોડાવા માટે નોકરી છોડી દીધી છે?"
ધારેશ હસવા લાગ્યો:"ના, રાજકારણમાં જોડાવા માટે નહીં પરંતુ સુજાતાબેન..."
ધારેશ વાક્ય પૂરું કરે ત્યાં ડોરબેલ વાગ્યો. તેણે જ ઊભા થઇને દરવાજો ખોલ્યો.
સુજાતાબેન અને હિમાની આવી ગયા હતા. બંને અંદર આવીને બેઠા પછી જનાર્દનના મનમાં સુજાતાબેનને કંઇ પૂછવાનો વિચાર જ આવતો ન હતો. તેના મનમાં ધારેશની અધૂરી વાત જ લટકી રહી હતી. જો રાજકારણમાં જોડાવાનું ન હતું તો શા માટે આટલી સારી નોકરી છોડી દીધી હશે? અને અહીં તો એ સુજાતાબેનના રાજકારણનું કામ કરી રહ્યો છે. એમના પર્સનલ સેક્રેટરીની જેમ કામ કરી રહ્યો છે. કોલેજ સમયની વાત કરી ત્યારે સુજાતા કહેતો હતો અને હવે સુજાતાબેન કહીને વાત કરી રહ્યો છે. સુજાતાબેન વિશેની અધૂરી વાતને હવે એમની સામે પૂછવાનો મતલબ ન હતો. જનાર્દનને ચૂપ જોઇ હિમાનીને નવાઇ લાગી રહી હતી.
સુજાતાબેન જ બોલ્યા:"બહુ દોડભાગ થઇ ગઇ નહીં હિમાની?"
"હા, એકથી બીજી જગ્યાએ ઓછા સમયમાં મીટીંગો કરવાનું કામ તમે સારી રીતે પાર પાડ્યું..." હિમાની પ્રશંસા કરતાં બોલી.
"બીજું થાય પણ શું? સમય જ એટલો ઓછો છે કે આ પળ ચૂક્યા પછી કોઇ અર્થ રહેવાનો ન હતો. એમાં વચ્ચે આ સુરેશભાઇનું નામ આવ્યું છે. એમને પણ મળવા જવું પડ્યું..."
જનાર્દનને થયું કે સમાચાર ચેનલવાળા પહોંચેલા હોય છે. અમસ્તું જ એમનું નામ ઉછાળ્યું નથી. પરંતુ સુજાતાબેનને સુરેશભાઇ સાથે શું લેવાદેવા? એમને મળવાની શું જરૂર પડી? તેણે નવાઇથી પૂછી જ લીધું:"તમને મુલાકાત માટે સુરેશભાઇએ સમય પણ આપી દીધો?"
હા, મારું એમને મળવું જરૂરી હતું. મારે એમને સમજાવવા હતા કે મુખ્યમંત્રીપદ માટે ભૂલેચૂકે પણ હા પાડશો નહીં. રાજેન્દ્રનાથ વિચિત્ર વ્યક્તિ છે. તે કોઇ ચક્કર ચલાવીને તમને હેરાન કરી નાખશે... સત્તા માટે રાજેન્દ્રનાથ કોઇપણ હદ સુધી જઇ શકે છે. એમની આટલી સારી અને સ્વચ્છ રાજકીય કારકિર્દી પર છેલ્લે છેલ્લે ધબ્બો લાગી શકે છે..."
ક્રમશ: