ગતાંકમા આપણે જોયું કે, વિકીના પ્રેમ પ્રસ્તાવથી ઠેસ પામીને સ્વીટી મૌન રહીને ખુલ્લાં આકાશમાં તારાઓ જોતી આંસુ સારી રહી હોય છે ત્યારે મિલી અને ત્યાર બાદ વિકી એની તકલીફ, દુઃખ જાણવાનો ખૂબ પ્રયાસ કરે છે પણ કાઈ બોલતી નથી અને કંઈપણ બોલ્યાં વગર મિલી સાથે ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી જાય છે.
હવે આગળ .............
મને સમજાતું નહોતું કે, એવી મેં કંઈ ભૂલ કરી જેના કારણે એને આટલી ઠેસ કે દુઃખ પહોંચ્યું. એના ત્યાંથી ગયા પછી મને ત્યાં રોકાવું યોગ્ય ન લાગ્યું. હું વિચારોના વમળમાં ઘેરાય ગયો અનેક પ્રશ્નોએ મારા મનને વિચલિત કરી નાખ્યું.
હું ઘરે પહોંચ્યો અને સુવા માટે પ્રયત્ન કરતો રહ્યો પણ મને ઊંઘ આવી નહિ . હું બેચેન હતો. સવારે બધું રૂટીન પત્યું કે મેં એને ફોન કર્યો પણ એનો ફોન બંધ આવતો હોવાથી મેં એને મેસેજ કર્યો .
"સ્વીટી હું દિલગીર છું કે, મેં તને તકલીફ આપી. મને માફ કરજે અને હું તારા પાસે એટલું જ માંગુ છું કે, તું આપણી મિત્રતા કાયમ રાખે. હું બીજું કાંઈ નથી ઇચ્છતો."
એનો કોઈ રીપ્લાય ન આવ્યો. હું એના ફોન ને મેસજની રાહ જોતો રહ્યો. એક અઠવાડિયું પસાર થઈ ગયુ. હવે હું રાહ એની રાહ જોઈ શકું એમ નહોતું. મારાથી ન રહેવાયુ ને હું એના ઘરે જવા નીકળ્યો કે, હું એને મળીને માફી માંગી લઈશ અને બધું ઠીક થઈ જશે એ વિચાર મારા દિમાગમાં ચાલી રહ્યો હતો. અચાનક મારી નજર સુંદર મજાના ગુલાબના ફૂલો પર પડી મને સ્વીટી માટે ખરીદવાનું મન થઇ ગયુ. મેં ગાડીની ગતિ ધીમી પણ કરી પણ મારા હૃદયના ધબકાર વધી ગયાં હતા.
મારી હિંમત ન થઈ કે ફરીથી હું એને ભૂલથી પણ કોઈ દુઃખ કે આઘાત આપું. આજે પેહલીવાર એવું બન્યું કે હું એને મળવા જઇ રહ્યો હતો પણ ગુલાબના ફૂલ અમારી મુલાકાતના સાક્ષી નહોતા. મારું હૃદય ઘવાઈ રહ્યું હતું. મારે ફક્ત એકવાર એને મળવું હતું. જેવો હું એના ઘરે પહોંચ્યો એના મમ્મી - પપ્પા ત્યાં બહાર હીંચકા પર જ બેઠાં હતા. એ લોકો એ મને આવકર્યો અને ત્યાં સામે ચેરમાં બેસવા કહ્યું.
થોડીવારની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ "અંકલ સ્વીટી ........ ! " એની આગળ મારે કાંઈ બોલવાની જરૂર ન રહી.
"એ તો કામથી એના કલાસ પાર્ટનર સાથે બહાર ગઈ છે ત્રણ દિવસ પછી આવશે." એની મમ્મીએ કહ્યું.
આટલું સાંભળ્યા બાદ હું આગળ કંઈપણ બોલી શક્યો નહિ અને એમને શું કહી કે, પૂછી શકું ......... ! એ ફક્ત અમારી મિત્રતાને જ જાણતાં હતાં. એ તો સ્વીટી પણ મને પ્રેમ કરે છે એ સમજવું એ મારી ગેરસમજ હતી. એ દિવસે એ મિલીના ઘરે અમે મળ્યા એ અમારી આખરી મુલાકાત હતી. ત્યારબાદ હું એને મળી ન શક્યો. મેં ઘણા ફોન કર્યા પણ એનો ફોન વ્યસ્ત વાતો રહ્યો હું સમજી ગયો કે એણે મારો નંબર બ્લોક કર્યો હતો. હવે ફરીથી એના ઘરે જવાની હિંમત મારામાં નહોતી.
એકવાર મિલીને ફોન કર્યો કદાચ એના પાસેથી મને કંઈ જાણવા મળે અને સુલેહ થઈ શકે અને જ્યારે મેં મિલીને એના વિશે પૂછ્યું તો એણે કહ્યુ, "મેં એને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ ન માની એ તારી સાથે વાત કરવા ઇચ્છતી નથી. એમ કહ્યું એણે. "
આ સાંભળીને જે થોડી આશ હતી એ પણ હવે તૂટી ગઈ. હવે તો હું જાણે અંદરથી તૂટી રહ્યો હતો, હું જીવન તો જીવતો હતો પણ મારું મનોબળ તૂટી રહ્યું હતું, તણાવ નામનો કીડો મને ધીરે - ધીરે કોરી ખાવા લાગ્યો હોય એમ લાગી રહ્યું હતું. હું હજાર પ્રયાસ કરતો પણ ક્યાંય મન નહોતું લાગતું. એવામાં જ આપણે મળ્યા. તું મારી તકલીફ જાણતી હતી પણ તું એના કારણથી અજાણ હતી. છતાં તું જે રીતે મારી સાથે રહી આપણી મિત્રતા ગાઢ બનતી ગઈ. તું મારું વધુ ધ્યાન રાખવા લાગી ત્યારે મારું મન તારા તરફ ઢળવા લાગ્યું. એ સાથે આપણે નજીક આવતા ગયા ને આપણે કંઈ કેહવાની જરૂર ન પડી. આપણે ક્યારે પ્રેમના બંધનમાં બંધાઈ ગયા મને સમજાયું જ નહીં. હું સ્વીટીની યાદોને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો થોડાં અંશે સફળ પણ થયો. એ જ સમયે તારા ઘરે તારા સગપણ માટે વાત ચાલી.
તેં મને તારા ઘરે આપણાં લગ્નની વાત કરવા માટે મળવાનું કહ્યું. હું એ સમયે આવી ગયો હોત તો સારૂ થાત. રૂપાલી હું નહોતો જાણતો કે, આપણો સંબંધ આ મોડ પર આવીને ઊભો થઈ જશે. એ સમયે આપણે સગપણ માટે વાત કરી રહ્યા હતાં એ જ સમયે અચાનક સ્વીટી..........
વિકિના મોંઢે આ આપવીતી સાંભળીને રૂપાલી ચોધાર આંસુએ રડી રહી હતી, એને લાગ્યું જાણે એ ભાંગી ગઈ
" અચાનક શું ??? વિકી બોલ ! અચાનક શું ??? આગળ બોલ...... મારે જાણવું છે." રડતાં ને ધ્રુસકા ભરતા એ બોલી.
"રૂપાલી હું તું રડીશ નહીં. હું તને બધું કેહવા માંગતો હતો પણ મારી હિંમત ન થઈ. મને ડર હતો કે, " મારા વિશે કેવું વિચારીશ !" આ ડરના કારણે હું તને કંઈ ન કહી શક્યો. એ કારણે હું આપણા લગ્નની વાત કરવા માટે વિલંબ કરતો રહ્યો . એ સમયથી સ્વીટી પણ મને માફી માંગી ને મનાવવા પ્રયત્ન કરી રહી છે. મારી કોઈપણ વાત એ સમજતી નથી અને હું વધુ જીદ કરું છું તો રડવા લાગે છે અને હું એને ક્યારેય દુઃખી ન જોઈ શકું.
" આટલું બધું થવા છતાં ? અને આટલો સમય પસાર થવા છતાં ? તું હજી પણ એને .......... " રૂપાલી નફરતભરી નજરથી વિકી સામે જોઈ રહી.
એના પ્રશ્નોના જવાબ આપવાની વાત તો દૂર એની સામે જોઈ પણ શકતો નહોતો. આ ક્ષણે બંનેની મનઃસ્થિતિ ડામાડોળ હતી. બંને દરિયામાં મઝધારે આવીને અટકી પડ્યા હોય એમ લાગી રહ્યુ હતું.
દરિયાના પાણીના તરંગો ને સ્થિર નજરે જોતાં વિકી આગળ બોલ્યો, મને જ્યારે સ્વીટી કેફેમાં મળી ત્યારે એણે મને માફી માંગતા કહ્યું કે, "મારા જીવનમાં ઘટેલી એક ઘટનાની મારા જીવન અને દિલ , દિમાગ પર એવી અસર થઈ હતી કે, હું તને એ સમયે ન સ્વીકારી શકી. જેમ સમય પસાર થતો ગયો એમ મને તારી યાદ આવતી. મિલીના ઘરે મેં તારા સાથે કરેલું વર્તન યાદ આવતું. ત્યારે મને મારા પર ખૂબ ગુસ્સો આવતો અને અફસોસ પણ થતો હતો. જ્યારે મેં જાણ્યું કે તું ઘરે પણ મને મળવા આવ્યો હતો. ત્યારે મને મારી ભૂલ સમજાઈ કે, અને મને એક સારો મિત્ર ગુમાવવાનો ભારોભાર પસ્તાવો થયો. જેણે ફક્ત મને ચાહી, મારા સિવાય કંઈ નથી જોયુ. આટલો પ્રેમ મને કોણ આપી શકે ! મારા મિત્રો એ તો મને ઘણી સમજાવી એમના શબ્દો અને કહેલી વાતો ધીરે - ધીરે હું સમજવા લાગી. કેમ કે, હું તારા વગર રહી નહોતી શકતી. મને સમજાયું કે, એક અકસ્માત કે દુઃખદાયક ઘટનાને કારણે હું તારો પ્રેમ ન ઠુકરાવી શકું. મને આટલો અઢળક, નિઃસ્વાર્થ પ્રેમ તારા સિવાય કોઈ કરી જ ન શકે. તારા જેવો મિત્ર મને ક્યાં મળવાનો હતો !
" મારું શું ? " એ પ્રશ્ન સાથે રૂપાલી આંખોમાં આંસુ સાથે વિકી સામે જોઈ રહી.
વિકી દરિયામાં હિલોળા લેતા પાણીના તરંગોને જોઈ રહ્યો. હિલોળા લેતાં પાણીમાં સર્જતાં વમળોની જેમ એના મગજમાં વિચારોના વમળો સર્જાવા લાગ્યા. એની હિંમત નહોતી કે એ રૂપાલીની આંખોમાં જોઈ શકે અને એને એના પ્રશ્નના સ્વરૂપે કંઈ સ્પષ્ટતા આપી શકે.
* * * * * *
* હવે રૂપાલી વિકીની સાથે રેહશે કે આગળ વધશે ?
* સ્વીટી એ ક્યાં કારણથી વિકી ના પ્રેમ પ્રસ્તાવને સ્વીકાર્યો નહોતો અને હવે કેમ એ વિકીના જીવનમાં પરત ફરી ?
આ જાણવા માટે સ્ટોરીના આવનારા નવા ભાગને અવશ્ય વાંચજો.
✍........ ઉર્વશી.