Highway Robbery - 22 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 22

Featured Books
Categories
Share

હાઇવે રોબરી - 22

હાઇવે રોબરી 22


જવાનસિંહે ફોન ઓન કર્યો. ધ્રુજતા હાથે એણે સવિતાને ફોન લગાવ્યો.
' હેલો , ક્યાં છો તમે ? કેટલા ફોન તમને કર્યા.'
' હું એક મિત્રને ત્યાં છું. ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. એટલે રાત્રે બંધ થઈ ગયો હશે. હમણાં જ ચાર્જ કરી ચાલુ કર્યો. '
' આ બધું શું છે , પાછું તમે કંઈ ખોટું તો નથી કર્યું ને ? '
' ના ના , કંઈ ખોટું નથી કર્યું. કેમ શું થયું ? '
' વહેલી સવારે પોલીસ આવી હતી. '
' કેમ ? '
' બધું તો મને ખબર ના પડી. પણ તમારું પૂછતી હતી. અને આખા ઘરને એમણે ફેંદી નાખ્યું. માળિયા માંથી એક રૂપિયા ભરેલી બેગ એમણે કાઢી અને જોડે લઈ ગઈ. એ રૂપિયા કોના હતા ? '
' એક દોસ્તના હતા. ચલ ફોન મુક હું હમણાં આવું છું. '
જવાનસિંહે ફોન કાપ્યો. જવાનસિંહને આંખે અંધારા આવતા હતા. હાથપગ પાણી પાણી થતા હતા. એ વસંતની બાજુમાં બેસી ગયો. વસંત જવાનસિંહને જોઈને જ સમજી ગયો કે કંઇક ખોટું છે. વસંત ઉભો થયો. પાણી ભરી જવાનસિંહને આપ્યું. બે સિગારેટ સળગાવી. એક સિગારેટ જવાનસિંહને આપી.
' જવાન , આવડી મોટી દુનિયા છે. જો કંઇક થશે તો આ દુનિયામાં ક્યાંક ખોવાઈ જઈશું. તું ચિંતા ના કર. હું ચ્હા બનાવું છું. કંઈક કરીએ છીએ. '
વસંત બન્ને માટે પાવડરના દૂધની ચ્હા બનાવવા લાગ્યો. જવાનસિંહ સિગારેટ પીતો પીતો ખાટલામાં આડો પડ્યો. વસંતે જવાનસિંહને આશ્વાસન તો આપ્યું. પણ એ ખુદ સમજી શકતો ન હતો કે શું રસ્તો કરીશું.
ચ્હા બનાવી વસંતે જવાનસિંહને આપી. સિગારેટ પછી ચ્હા કડવી લાગતી હતી.
' ગુરુ , પોલીસ વહેલી સવારે મારે ઘરે ગઈ હતી. મારા ભાગના રૂપિયા માળિયામાં છુપાવ્યા હતા. એ લઈ ગઈ. સવાલ રૂપિયાનો નથી. પણ એ નક્કી છે કે પોલીસ એની તપાસમાં આગળ વધી ગઈ છે. '
' જીવણ અને પ્રહલાદના શું ખબર હશે ? '
જવાનસિંહે ફોન હાથમાં લીધો. અને ચાર પાંચ મિત્રોને લગાવ્યો. એના હાથ માંથી ફોન પડી ગયો.
' ગુરુ , બન્ને પકડાઈ ગયા. '
' ના હોય ? '
' હા. '
' પણ જીવણને તો તમે નદીની સામે પાર સંતાડયો હતો. '
' એ જે હોય એ. પણ એ સાચું છે કે એ બન્ને પકડાઈ ગયા. '
' ગુરુ , હવે પોલીસ મને પકડશે. પ્રહલાદ મારું નામ કલાકોમાં આપી દેશે. પણ તમારું નામ હું નહિ આવવા દઉં. પણ ગુરુ , અત્યારે ચારે બાજુ પોલીસ બંદોબસ્ત હશે. ત્રણ ચાર દિવસ જો છુપાવા મળે તો પછી ક્યાંક ભાગી જાઉં. '
' જવાન તને હું હાલ સંતાડી તો દઈશ. પણ આપણો ફુલપૃફ પ્લાન હોવા છતાં પોલીસ રઘુથી શરૂ કરી બધાના સગડ મેળવી શકી છે. તો હું પણ બચીશ કે કેમ એ સવાલ છે ? '
' ગુરુ , તમારા સુધી તો પોલિસ નહિ પહોંચી શકે.'
' તું તારો ફોન બંધ કરી દે. નદીની બાજુમાં એક ખન્ડેર મંદિર છે ત્યાં કોઇ આવતું નથી. ચાર દિવસ તો તું ત્યાં આરામથી રહી શકીશ. પછી જોઈએ. પાણી માટે તને હું બે કેરબા અને થોડા નાસ્તાની વ્યવસ્થા કરી દઉં છું. મારા એક્સ્ટ્રા બે જોડ કપડાં અહી છે તે તું લઈ લે. બે ચાદર પણ અહી થી લઈ લે. બાકીનો થોડો સામાન હું તને આપી જઈશ. '
જવાનસિંહ વિચારી શકતો ન હતો. પણ પોલીસથી બચવા કંઈક તો કરવું જ પડે તેમ હતું. નહિ તો ફાંસીનો માંચડો તૈયાર હતો. એણે સવિતાને ફોન લગાવ્યો.
' સવિતા મારી વાત ધ્યાન થી સાંભળ. ઘરના ખૂણામાં ચૂલો છે. એના દોઢ ફૂટ નીચે મેં કેટલાક રૂપિયા તારા માટે સતાંડયા. હાલ કંઈ ના કરતી. પણ છ મહિના પછી જરૂર પડે તો કાઢી લે જે. અને મારા બે બાળકોને સાચવજે. '
જવાનસિંહની વાતો સાંભળી સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એની આંખમાં આંસુ આવી ગયા.
' મારે રૂપિયાની જરૂર નથી. તમારી જરૂર છે. તમારી.... '
' હું આવીશ , તું ચિંતા ના કરીશ. હું આવીશ. ધીરજ રાખજે. મને આવતા ટાઈમ લાગશે. '
જવાનસિંહે ફોન કાપી નાખ્યો. અને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો.
******************************
રાઠોડ સાહેબની ઓફીસમાં એક તરફ લોકઅપમાં જીવણ અને પ્રહલાદની પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ ચાલી રહી હતી. અને બીજી તરફ એમના રિમાન્ડ માટે એમને કોર્ટમાં રજૂ કરવા કાગળિયા તૈયાર કરવામાં આવી રહ્યા હતા.
ત્યાં અચાનક ઓફીસની બહાર મીડિયાવાળાની જમાવટ થવા લાગી. પ્રિન્ટ મીડિયા અને ન્યુઝ ચેનલવાળાનો જમેલો થવા લાગ્યો હતો. એમની એક જ ડિમાન્ડ હતી. આંગડિયા લૂંટ કેસમાં પોલીસે કેટલાકની ધરપકડ કરી છે. તેની અને પોલીસ તપાસની વિગતો જનતા સમક્ષ પોલીસે રજૂ કરવી જોઈએ. પટેલે એમને બહુ સમજાવવાની કોશિશ કરી. પણ તેઓ ત્યાંથી ખસવા તૈયાર ના થયા. આખરે વાત રાઠોડ સાહેબ પાસે ગઈ. રાઠોડ સાહેબને એ વાત ના સમજાઈ કે આખી વાત ગુપ્ત રાખી હતી તો મીડિયા સુધી કેવી રીતે પહોંચી ગઈમલ? કદાચ કોઈ ગામ માંથી વાત લીક થઈ હોય. આખરે રાઠોડ સાહેબ મીડિયા સમક્ષ આવ્યા...
મીડિયા તરફથી લૂંટની તપાસ , પકડાયેલા ગુનેગાર અને લૂંટના માલની વિગત , પકડાવાના બાકી ગુનેગાર અને પકડવાના બાકી લૂંટના માલની વિગતો તથા આરોપીના ચહેરા બતાવવાની માંગ કરી. રાઠોડ સાહેબે આવી ઘણી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. એમના માટે આ કોઈ નવી વાત ન હતી.
' ડિયર ફ્રેન્ડ્સ , શહેરના લોકોની શાંતિ માટે ગુનેગારો પર અંકુશ જરૂરી છે. ગુના માટે તેમને સખત સજા થવી જરૂરી છે. થોડા દિવસ ઉપર થયેલી આંગડિયા પેઢીની લૂંટનો અડધા ઉપરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. કેટલાક ગુનેગાર પકડાઈ ગયા છે. પણ એ બધું જાહેર કરવાથી આગળની પોલિસ તપાસ પર વિપરીત અસર થાય તેમ છે. માટે મિત્રો સોરી... તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સોરી.... '
***********************

નાથુસિંહ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યો હતો. પણ વધુ કંઈ જાણવા ના મળ્યું. મીડિયા વાળા કકળાટ કરતા રહ્યા. પણ પોલીસે તેમની તરફ કોઈ ધ્યાન ન આપ્યું. આખરે મીડિયા વાળા પોલીસ ડિપાર્ટમેન્ટની ફેલિયોરની વાતો કરતા ત્યાંથી હટયા. દિલાવરે મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે મીડિયા જીવણ , પ્રહલાદ તથા જવાનસિંહના ગામ જઇ ત્યાંથી કવરેજનું ટેલિકાસ્ટ કરી રહી હતી. અડોસપડોસના લોકોના ઇનરવ્યુ , આરોપીના ઘરના વિડીયો , આરોપીના ફોટા , આરોપીના કુટુંબ અને એના જીવનની માહિતી ટેલિકાસ્ટ થઈ રહી હતી.
મીડિયા એવું બતાવી રહ્યા હતા કે પોલીસ આ લોકોને ત્યાં દરોડા પાડી ગઈ છે. કયા ગુન્હા માટે ? શું આ લોકો આંગડિયા લૂંટ કેસના આરોપી છે ? પોલીસ જાહેર કરે એ પહેલાં દિલાવરે મીડિયાને ઇશારામાં માહિતી આપી હતી . રાઠોડ સાહેબને ગુસ્સો આવતો હતો . નાથુસિંહ મઝા લઈ રહ્યો હતો .

*****************************

જીવણ અને પ્રહલાદ બન્નેને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. બન્નેની આકરી પુછપરછ અને ધાકધમકી પછી પણ કોઈ નવી વાત સામે ના આવી. સરદારજીનું રહસ્ય પટેલ અને રાઠોડ સાહેબ બન્નેને અકળાવી રહ્યું હતું. કંઈ સમજમાં આવતું ન હતું. પણ એક વાત જીવણ અને પ્રહલાદ પાસેથી જાણવા મળી કે સરદારજી વિશે જવાનસિંહ બધું જ જાણતો હતો. કદાચ તે જવાનસિંહનો મિત્ર હતો. જવાનસિંહ પકડાય તો તરત જ સરદારજીનો ભેદ ઉકેલાય તેમ હતો. જવાનસિંહનો ફોટો એના ઘરેથી લેવામાં આવ્યો હતો. તેની કોપીઓ બધા પોલીસ સ્ટેશન અને તમામ ચેકિંગ સ્ટાફને આપી દેવામાં આવી હતી. મીડિયા એ રાઠોડ સાહેબનું કામ આસાન કરી દીધું હતું. મીડિયા વાળા ટી.વી. પર જવાનસિંહનો ફોટો પ્રસારિત કરી રહ્યા હતા. હવે જવાનસિંહે ક્યાંય છુપાવું મુશ્કેલ હતું.
પ્રહલાદ પાસે થી એ વાત પણ જાણવા મળી કે રઘુનું ખૂન પ્રહલાદ અને જવાનસિંહે કર્યું હતું. એ વાતની જાણ જાડેજા સાહેબને કરવામાં આવી. જાડેજા સાહેબ માટે હવે આગળની કાર્યવાહી કરવી આસાન હતી.

(ક્રમશ:)


05 જૂન 2020