Niharika in Gujarati Moral Stories by Pankaj Jani books and stories PDF | નિહારિકા

Featured Books
Categories
Share

નિહારિકા

નિહારિકા

નિહારિકા બે બેગ ભરીને ઘર છોડી ગઈ. મા બાપના ઘરે. પણ બે મહિનામાં એક અહેસાસ થવા લાગ્યો કે જો એ વધારે સમય અહીં રહેશે તો માબાપ અને વ્હાલૂડા ભાઈના જીવનમાં પ્રશ્નો સર્જાશે. ભાઈ ભાભી ખૂબ પ્રેમાળ હતા. પણ સાંકડા ઘરમાં બધાનો સમાવેશ પ્રશ્નો સર્જવાની શકયતા ધરાવતો હતો. એ પોતે સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. આખરે એણે માંને વાત કરી અને નજીકમાં એક નાનકડું ઘર લઈ દીધું. એનું ઘર, એની ધ્રુવા નું ઘર. ધ્રુવા, એની પાંચ વર્ષની દીકરી. પરાણે વ્હાલી લાગે એવી મીઠડી.
લગ્નજીવનના ત્રણ વર્ષ તો સહજતાથી પસાર થઈ ગયા હતા. નિહારિકા અને એના કાકાનો દીકરો સાટામાં પરણ્યા હતા. મિહિરની ફોઈની દીકરી સાથે નિહારિકાના કાકાનો દીકરો પરણ્યો હતો. એક પુત્રના જન્મ પછી નિહારિકાના કાકાનો દીકરો અને એની પત્ની વચ્ચે ખટરાગ ચાલુ થયો. જે અંતે છૂટાછેડામાં પરિણમ્યો. અને એના છાંટા ઉડ્યા નિહારિકાના લગ્નજીવનના શાંત પાણીમાં...
રોજ નવા મુદ્દા, આક્ષેપો... કાકા, કાકી અને તેમના દીકરા દીકરી પરના આક્ષેપોથી થયેલો સિલસિલો નિહારિકા ના કુટુંબ, નિહારિકાના દાદા, દાદી સુધી જઇ નિહારિકાના માતા પિતા સુધી પહોંચવા લાગ્યો. આખરે નિહારિકા થાકી. અને એણે એનો રસ્તો કરી લીધો.....
******************************

સમાજના એક લગ્નમાં બધા ભેગા થયા હતા. ભેગા થયા હતા એમ કહેવા કરતાં ભેગા થવું પડ્યું હતું એમ કહેવું વધારે યોગ્ય હતું. કેમકે સમાજમાં બધો વર્ગ પ્રેમથી ભેગો નથી થતો પણ કેટલાય પ્રેમ વગર મજબૂરીથી ભેગા થાય છે. અને ત્યારે એકબીજાથી મોં ફેરવતા, મ્હો મચકોડતા અથવા મ્હો છુપાવતા લોકોને જોઈને નિહારિકાના મનમાં પ્રશ્ન ઉઠતો.... આ સમાજ ? છી. આવો સમાજ હોય તોય શું અને ના હોય તો ય શું...
એ ધ્રુવાને લઈ કોર્નરની એક ખુરશી પકડી બેઠી. બીજી સાઈડમાં બનાવેલ સ્ટેજ પરથી સુમધુર ગીતો રેલાઈ રહ્યા હતા. નિહારિકા વિચારતી હતી કાશ જીવન પણ આ ગીતો જેટલું સુમધુર હોત. કંટાળો દૂર કરવા એણે મોબાઈલમાં ફેસબુક ખોલ્યું અને એમાં મશગુલ થઈ ગઈ. થોડીવાર પછી એનું ધ્યાન ગયું. ધ્રુવા ત્યાં ન હતી. એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને પોતાની જાત પર ભયંકર ગુસ્સો આવ્યો.
એણે આખો મંડપ ફેંદી નાખ્યો. ક્યાંય ધ્રુવાના દેખાઈ. એ મંડપની બહાર નીકળી. બહાર ફુગ્ગાવાળા પાસે ધ્રુવા ઉભી હતી. નિહારિકાના મનમાં હાશ થઈ. એ આગળ વધી. પણ એના પગ અટકી ગયા. ધ્રુવા કોઈનો હાથ પકડીને ઉભી હતી. મિહિર નો.....
ધ્રુવાએ નિહારિકાને જોઈ. એના ચહેરા પર હાસ્ય આવ્યું. એ નિહારિકા તરફ દોડી. પણ મિહિરને આંગળી પકડી ખેંચી લાવી. એણે આવીને ફુગ્ગો નિહારિકાને આપી દીધો અને એણે બીજા હાથે નિહારિકાની આંગળી પકડી લીધી. મિહિર નિહારિકાની સામે જોઈ રહ્યો. પણ નિહારિકા મિહિરની સામે જોવા તૈયાર ન હતી...
આખો દિવસ ધ્રુવા બે હાથમાં બે આંગળીઓ પકડી ને ફરતી રહી....

**************************

સાંજે પ્રસંગ પૂરો થયો. ધ્રુવા મિહિર પાસેથી નિહારિકા પાસે આવતી ન હતી ઘરે જવાનું મોડું થતું હતું. નિહારિકાએ ધ્રુવાને ધમકાવી. એ રડી પણ મિહિરને છોડવા તૈયાર ના થઇ. નિહારિકાની આંખમાં આંસુ આવી ગયા. એ ચુપચાપ પોતાનું વાહન લઈ ઘરે આવતી રહી. એકલી... પોતાના હદયના ટુકડા ને મૂકી ને... આંખમાં આંસુ અને હદયમાં હારેલી જીદંગીના ભાવ લઈ ને...
*************************

ડોરબેલ વાગતો હતો. નિહારિકા આંખો લૂછી ઉભી થઇ. પ્રસંગમાં પહેરેલા કપડાં ચોળાઈ ગયા હતા. આંખના ખૂણા લાલ થઈ ગયા હતા.
સામે મિહિર ધ્રુવાને લઈને ઉભો હતો. નિહારિકાને જોતા જ રડતી ધ્રુવા નિહારિકા તરફ ઝૂકી. નિહારિકાએ એને પકડી લીધી. રડતી ધ્રુવા નિકારીકાને વળગી પડી. મિહિર ત્યાં જ ઉભો રહ્યો.
ના મને, ના છૂટકે નિહારિકા એ કહેવું પડ્યું.
' આવો.. '
આજે એને અંદર આવવા પરમિશનની જરૂર હતી જેને એક દિવસ હાથ પકડીને એ લઈ ગયો હતો. એક રૂમમાં જેની સાથે સહજીવન જીવ્યો હતો એનો ઉંબરો પાર કરી અંદર આવવા આજે એ પરમિશનનો મોહતાજ હતો.
' બેસો... '
મિહિર બેઠો. નિહારિકા એ પાણી આપ્યું. ફરી એક મૌનનું આવરણ વીંટળાઇ ગયું.
' નિહારિકા, મારો કોઈ ગુનો કે આટલી મોટી સજા તેં મને કરી.. '
' સજા તો મને મળી છે. સાટામાં લગ્ન કરવાની.. '
' નિહારિકા, તારો કાકાનો દીકરો મારી બહેનને સતાવતો હતો, મેં તને ક્યારે સતાવી ? '
' હા બધા વાંક અમારા જ છે ને ? '
' ચલ, હું એમ કહીશ કે મારી બહેને તારા ભાઈને હેરાન કર્યો હશે, તેં તો મને ક્યારેય હેરાન કર્યો નથી, કે મેં એવી ફરિયાદ કરી નથી તો પછી આ બધું કેમ ? '
' તમારા ઘરના બધા મારા ઉપર તૂટી પડતા હતા ત્યારે એમને સમજાવવું હતું ને. '
' નિહારિકા, કદાચ એ મારી કમજોરી કે ભુલ હશે કે હું બોલી ના શક્યો. પણ કોઈના લગ્ન ભંગાણને કારણે આપણે સજા ભોગવવા ની ? મારો, તારો, ધ્રુવાનો શું વાંક છે? તને ખબર છે આજે ધ્રુવા કેટલી ખુશ હતી. અને એને ગોદમાં લઇ હું કેટલો ખુશ હતો ? '
' હા, તો લઈ જાવ એને. હું એકલી જીવી લઈશ. '
' તને ખબર છે તું એને મૂકીને નીકળી ગઈ પછી એ મમ્મા મમ્મા કરી કેટલું રડી ? '
' અને તમે... ? '
' હું તમારા બન્ને માંથી એક વગર પણ રહી શકું તેમ નથી. હું કાલે તમને બન્નેને લેવા આવીશ. વિચારી રાખજે. પછી તારી મરજી...

***************************

બીજા દિવસે નિહારિકા વહેલી ઉઠી. ન્હાઈને તૈયાર થઈ પૂજા કરવા બેઠી. ઘરનું કામ ફટાફટ પતાવ્યું. સરસ જમવાનું બનાવ્યું. પહેલી થાળી ઈશ્વરને ઘરાવી. ધ્રુવા ઉઠી. એને તૈયાર કરી...
એ ઘરે આવવાના હતા...
મિહિર આવ્યો. નિહારિકાએ બહારના રૂમમાં બે બેગ તૈયાર કરી ને મૂકી હતી...
સંપૂર્ણ...

29 જૂન 2020