Nabadi - 9 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 9

(9)

પહેલાની જેમ આ પણ નિશિતાએ જ કરી. તેને 1100 નું કવર આપવા રમેશભાઈએ નિહાલને આપ્યું. નિહાલે તેને આપ્યું, નિશિતાએ કંકુ થાળી મૂકી અને પગલાં પાડતી વનિતા ઘરમાં આવી.

બીજી વિધિ ચાલુ થાય તે પહેલાં નિહાલ રાજવીને મળવા જતો હતો ત્યાં જ દમયંતીબાએ તેને બેસાડી દીધો અને કહ્યું કે, "કયાં જાય છે દિકરા? હજી વિધિ બાકી છે, અને વહુને એમ છોડી ના જવાય."

એ સાંભળીને નિહાલ ચૂપ રહ્યો પણ તેની આંખના પ્રશ્નો નયનાબેન બરાબર વાંચી શકતાં હતા, પણ તે કાંઈ કરી નહોતા શકે એમ નહોતા.

વીંટીની રમત ચાલુ થઈ, એમાં વનિતા ત્રણ વાર જીતી ગઈ. વનિતાએ તેના કાનમાં કહ્યું કે, "ધ્યાન કયાં છે તમારું? હાથમાં આવેલી વીંટી છોડી દો છો?"

નિહાલ બોલ્યો કે, "કયાંય નથી, બસ એમ જ... હું તને જીતાડવા માંગતો હતો એટલે..."

તે બોલી કે, "ખોટું... નજર તો બીજે ફરે છે, અને રાજવી કેમ નથી દેખાતી?"

છેડાછેડી છોડવાની વિધિ અને કુળદેવીને પગે લાગવાનું પતતાં જ દમયંતીબા નયનાબેને કહ્યું કે, "વહુ જોડે આજે જ કંસાર રંધાવીને શુકન કરાવી લો, પછી તેને આરામ કરવા મોકલજો."

નયનાબેને હા પાડીને વનિતાને રસોડામાં લઈ ગયા. રસોડામાં કંસારની બધી જ સામગ્રી ભેગી કરીને પોણા ભાગનો તૈયાર હતો. ફકતને ફક્ત થોડી વાર રાંધીને, છૂટો પાડીને પીરસવાનો જ હતો. ડેકોરેશન માટે બાજુમાં કાજુ, બદામ સમારેલા અને કિશમિશ વાટકામાં મૂકેલા અને તેની નીચે એક ચિટ હતી કે, 'ભાભીના વેલકમમાં નણંદ કમ ફ્રેન્ડ તરફથી, રાજવી."

વિધિ પૂરી કરીને વનિતાને બીજા રૂમમાં ફ્રેશ થવા મોકલીને નયનાબેન કામે વળગ્યા.

વનિતાએ પાનેતર કાઢીને સુંદર સાડી પહેરીને તૈયાર થઈ. ત્યાં જ રાજવી આવીને તેને વળગી પડી અને બોલી કે, "આખરે તું મારી ભાભી બની જ ગઈ."

"પણ તું કેમ ના દેખાઈ એ કહે પહેલાં, પેલી લાવણી પણ ના આવી." વનિતા નારાજગી બતાવતાં બોલી.

"બસ..બસ.. તું ગુસ્સે ના થા, તારો મેકઅપ બગડશે પછી તો મારો ભાઈ ખીજાશે મારા પર..." રાજવીએ વાત બદલતાં બોલી.

"વાત બદલવાની આદત કયારે છોડીશ તું..." નિહાલે ગુસ્સામાં રૂમની અંદર આવતા જ બોલ્યો. રાજવી તેને વળગી પડી તેની આંખોમાં આંસુ પણ આવી ગયા.

"એટલે જ તમે વિધિ વખતે આમતેમ નજરો ફેરવી રહ્યા હતા, હવે ખબર પડી." વનિતા બોલી.

રાજવી છણકો કરતાં બોલી કે, "શું તમે લોકો આજે જ આ વાત લઈને બેઠા છો? મેં તમારા માટે શું શું તૈયારી કરી છે, તે તો દેખો. ચાલો ચાલો તમારા રૂમમાં..." નાના છોકરાની જેમ જબરજસ્તી લઈ ગઈ.

નિહાલના રૂમમાં રંગબેરંગી, સુગંધીદાર કેન્ડલ સળગેલી હતી. કોઈ પાણીમાં કેન્ડલ તરતી હતી, તો કોઈ ફૂલોની વચ્ચે કેન્ડલ હતી. ફૂલો આખા રૂમમાં પથરેલા. નિહાલના બેડની દિવાલ પર બંનેના ફોટો સાથે વેલકમ લખેલું હતું. આજુબાજુ ફૂલોની સુંદર બોર્ડર બનાવેલી હતી.

નિહાલ અને વનિતા આ જોઈને ખુશ થઈ ગયા. નિહાલ જેવો પલંગ પર બેસવા ગયો તો રાજવીએ ધક્કો મારીને કાઢી મૂકતાં બોલી કે, "હાલ નહીં ભાઈ, મેં રજા આપી તમને..."

નિહાલ બોલ્યો કે, "કેમ ભાઈ, ભાભી આવી એટલે અમારા પર દાદાગીરી."

"હા..." રાજવીએ કહીને દરવાજો બંધ કરી દીધો અને વનિતાને બેસાડી અને કહ્યું કે, "તું આરામ કર, હું કંઈક ખાવાનું લાવું." બોલીને રાજવી બહાર નીકળી.

લાવણીએ પોતાના મનનો ઊભરો ડાયરીમાં ઠલવી દે છે. પછી મનને મક્કમ કરીને રસોડામાં જઈને તે પોતાની જાત પર કેરોસીન છાંટી દે છે. માચીસની દિવાસળી સળગાવવા જતાં એકવાર તેનું મન પાછું પડે છે કે, 'આત્મહત્યા તો કાયરતાની નિશાની છે અને શું કામ મારી જાતને સજા આપું? મેં કયાં કોઈ ગુનો કર્યો છે? મને મારી કમજોર મન પર જ નફરત થાય છે. હું પોલીસ સ્ટેશને જાવ, કદાચ તે મારી મદદ કરે.'

વળી પાછું તેનું જ મન વિચારે છે કે, 'ભલે એ કાયરતાની નિશાની રહી, પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી. મમ્મી પપ્પા સાથ આપવા તૈયાર નથી, પાછી જાઉં તો પણ રાખવા તૈયાર નથી, જાણે મને પરણાવી એટલે જવાબદારી પૂરી. જેને સમાજ સામે મારી જવાબદારી સ્વીકારી મારો પતિ પોતાના સ્વાર્થ માટે મારો સોદો કરી રહ્યો છે, વળી પાછો પ્રેમ તો બીજાને કરે અને ઘરે પણ તેને જ લાવી છે. મને તો એ ખાલી સીડી જ બનાવવા માંગે છે. સાસુ સસરાને તો દહેજથી મતલબ છે, પૈસાદાર છોકરીની જગ્યાએ મીડીયમ ઘરની દીકરી ભલે લીધી પણ દહેજ તો જોઈએ જ છે. અને આ બધું કયાંથી મારે કરવું. આ બધા પ્રોબ્લેમ્સ લઈને જીવવા અને લડવા કરતાં મારું મરી જવું જ સારું.'

લાવણીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે, 'હે ભગવાન, મારા આ પાપ અને કાયરતા માટે ક્ષમા આપજે. મને આ ભવે આટલી તકલીફો આપી પણ આગળના ભવે ના આપશો.'

અને તેણે રડતી આંખે દિવાસળી પેટાવવા મથવા લાગી. આસું પડવાથી તે સળગી નહોતી રહી. ઘણા પ્રયત્ન બાદ તે સળગી અને લાવણીએ પોતાના કપડામાં લગાડીને અગ્નસ્નાન કરી રહી. એમાંથી નીકળતી જવાળા અને ગરમી સહન ના થતાં એકવાર તો તેને બૂમ પાડી દીધી અને મદદ માટેબોલવવા લાગી કે, 'બચાવો મને... મને આ જવાળાઓ માંથી બહાર કાઢો.'

આ બૂમો નાથાભાઈ અને શારદાબેન પોતાની રૂમમાંથી સાંભળી રહ્યા હતા. બૂમ સાંભળીને નાથાભાઈ ઊભા થયા તો શારદાબેન બોલ્યા કે, "નથી બચાવવાની એને. આપણે કાંઈ કહ્યું નથી, મારી પણ નથી. તે મરી જાય તો મારો દીકરો છૂટે એનાથી. આ ઘરમાં પણ શાંતિ થશે અને મારા દિકરા માટે શ્રીમંતની દિકરી લાવીશ."

નાથાભાઈ બોલ્યા કે, "રહેવા દે આ બધું, કેસ બનશે એટલે ખબર પડશે તને, સમજી."

શારદાબેને કહ્યું કે, "કાંઈ નહીં બને, બસ તમે ચૂપ રહો. લગ્નમાં ગયા હતા અને આવ્યા છીએ કે નહીં તે પાડોશીઓ ને ખબર નથી. હાલ પાછાં જતાં રહીએ પછી એકાદ કલાક માં આવીશું. પૂછશે તો જે કરીએ છે તે જ કહીશું. ચાલો..."

એવામાં અભિષેક ઓફિસથી આવેલો જોઈને શારદાબેન કહ્યું કે, "તું પાછો ઓફિસ જતો રહે, નહીંતર કયાંક તારા પર શક થશે."

તેણે કહ્યું કે, "મમ્મી પણ તે બળી જશે."

શારદાબેને કહ્યું કે, "શાંતિ.. છૂટયા એનાથી. નથી રૂપિયા લાવતી, નથી તારા માટે મેનેજર જોડે જવા તૈયાર. તો પછી શું કરવાની, એને ઘરમાં રાખીને ધોઈ પીવાની. તું તારે ચિંતા ના કર, તેના દાગીના વેચીને દસ લાખ મળી જ જશે. અને તારું પ્રમોશન પણ પાકું... ઊભો રહે...'

એમ કહીને તે દાગીના લઈ આવે છે અને તેને આપીને, "આ લઈ જા અને કારમાં સંતાડી રાખજે. જલ્દી કર અને બહાર જતો રહે."

અભિષેક બોલ્યો કે, "તમે....?"

"અમે પણ પાછાં ઘરની બહાર જઈએ જ છીએ અને અડધી કલાક પછી આવીશું. તને ફોન કરીએ ત્યારે જ તું આવજે." આમ શારદાબેન બોલ્યા એટલે બધા ઘરની બહાર નીકળ્યા અને લાવણી બૂમો પાડતી રહી. અગ્નિની જવાળાઓ તેને દઝાડતી અને પોતાના ખોળામાં લઈ લીધી.

જેમ શિકારી પોતાના શિકારને જબરદસ્તી દબોચી લે છે. એમ જ લાવણીને અગ્નિની જવાળાઓ દઝાડતી વળગી પડી અને તેને પોતાના ખોળામાં લઈ લીધી. તેની બૂમો ધીમે ધીમે શાંત થઈ ગઈ અને આખરે તે બળીને ભડથું. એકદમ કાળા કોલસાની જેમ જ અને લગાવી ગઈ કાળપ...પણ કોને? એ ખબર નહીં.

રાજવી નિહાલને શોધતી આગાસી પર આવે છે, ત્યાં તેને મૂડ વગરનો ઊભેલો જોવે છે. રાજવી ત્યાં આવી તો એણે કહ્યું કે, "તું એકવાર પણ મને કારણ નહીં કહે ને...."

"ભાઈ, જવા દે ને આ વાતને, પ્લીઝ. એકની એક વાતો ના પકડ, અને તમારી આવનારી નવી ખુશીઓ રાહ જોઈ રહી છે. તો તે જોને" રાજવીએ કહ્યું.

"હમમમ... પણ" નિહાલ બોલ્યો.

તેને બોલતા રોકીને રાજવીએ કહ્યું કે, "ભાઈ, વનિતાની ખાતર પણ તમે આ વાત વધારે ના છંછેડો? ચાલો જાવ, જલ્દી..."

નિહાલ તેની વાત માનીને પોતાની રૂમમાં જવા ગયો તો ત્યાં જ રાજવી અચાનક આવી ગઈ અને બોલી કે, "કમિશન.... આપો, એમનેમ જવાની તૈયારી હમમ..."

તે હસતાં બોલ્યો કે, "બોલ... તારો હક છે, તેમાં શું આપું તને?"

"જો ભાઈ વનિતા મારી ફ્રેન્ડ છે, તો તેના બધા જ સપના પૂરાં કરજો, બોલો મંજૂર." રાજવી બોલી.

"હા, ભાઈ...હું જાવું હવે." રાજવીએ માથું હલાવીને હા પાડી અને જતી રહી.

નિહાલ અંદર ગયો અને રાજવી પોતાની રૂમમાં આવી. ત્યાં જ રાજવીના ફોનની રીંગ વાગી.

રાજવીએ ફોન ઉપાડીને કહ્યું કે, "હેલો..."

સામેથી અવાજ આવ્યો કે, "હેલો તમે રાજવી છો?"

"હા, તમે કોણ?" રાજવીએ પૂછ્યું.

"હું લાવણીની કઝીન બોલું છું. લાવણીદી એ સ્યુસાઈડ કરી લીધું છે." સામેથી ધીમે બોલ્યું.

"શું?....કયારે?...."તે એકદમ જ બેસી પડતા બોલી.

"એ તો ખબર નથી. બસ તેમની સાસરેથી પોલીસનો ફોન આવ્યો હતો જણાવવા માટે. લાવણીદી એ મને તમારો નંબર આપ્યો અને તેમને કંઈ પણ થાય તો તમને કહેવા કહ્યું હતું, એટલે તમને કહું છું." તેણે કહીને ફોન મૂક્યો.

રાજવી આ સાંભળીને તેની મમ્મીને કહીને લાવણીના સાસરે જવા નીકળી. લાવણીના સાસરે જોઈને જોયું તો તેના મમ્મી, પપ્પા, સાસુ, સસરા રોકકળ કરી રહ્યા હતા. જયારે અભિષેક તો સુન્ન થઈ ગયો હતો.

રાજવીને સમજણ જ ના પડી કે, 'થઈ શું ગયું? અચાનક લાવણીએ આવું કેમ કર્યું?'

એવામાં જ પોલીસે પૂછતાછ માટે રૂમમાં બોલાવ્યા. પોલીસે લાવણીના મમ્મી પપ્પા, સાસુ સસરા અને અભિષેકને પૂછ્યું કે, "આ બન્યું કેવી રીતે?"

કોઈ કંઈ બોલે તે પહેલાં જ શારદાબેને કહ્યું કે, "સાહેબ અમે તો અમારી દીકરી સૌમ્યાની સાસરીમાં લગ્ન હતું. અને એ ફંકશનમાં હતા ત્યાં આવો બાજુના પાડોશીનો ફોન આવ્યો કે, 'ઘરમાં આગ લાગી છે' એટલે આવ્યા. તો શું બન્યું એ અમને કેવી રીતે ખબર હોય. પણ અમે આવ્યા ત્યારે ઘરમાં ગેસની સ્મેલ આવતી હતી."

ત્યાં જ તેની મમ્મી રમીલાબેને કહ્યું કે, "એવું ના પણ હોય, તમે મારી દીકરીને ઓછી હેરાન નહોતા કરતાં. તમારે તો દહેજ જોઈતું હતું, અને એ લાવવા માટે ફોર્સ કરતાં પણ હતા. જે અમે આપી ના શકયા એટલે તમે મારી નાખી."

રંજનભાઈ તેની સામે જોઈ જ રહ્યા કે, "આ શું બોલે છે, રમીલા?"

રમીલાબેને તેમની સામે જોયું અને કહ્યું કે, "હા તમને ખબર નથી પણ આ લોકો દસ લાખ અભિષેકકુમાર ના પ્રમોશન માટે લાવવાનું કહેતા હતા. એટલે જ આવું કહું છું." બોલીને તે રોવા લાગ્યા.

નાથાભાઈ બોલ્યા કે, "વેવાણનું મગજ ઠેકાણે નથી. હાલ અંતિમક્રિયા પતાવી લઈએ, પછી આગળ વિચાર કરીએ. અને અમારો વિશ્વાસ કરો કે અમે કંઈજ કર્યું નથી"

પોલીસે અભિષેકની સામે શંકાથી જોયું અને કહ્યું કે, "તો એ વખતે તમે કયાં હતા?"

"એ વખતે ઓફિસે હતો. અમે તેને ફોન કર્યો એટલે જ આવ્યો." નાથાભાઈએ જવાબ આપ્યો.

"ઓકે, તમે ક્રિયા પૂરી કરો, પછી પૂછતાછ કરીશું. પણ યાદ રાખજો કે શંકા અમને તમારા બધા પર છે. તો કયાંય પણ બહાર જવાનો પ્રયત્ન ના કરતા." પોલીસ બોલી રહી.

"ના, સર તમને ભલે એવું લાગે પણ આ માટે મારા મમ્મી પપ્પા જ જવાબદાર છે. અને જોડે જોડે મારો ભાઈ પણ. તમે એમને પકડી લો." સૌમ્યા બોલી, જે સમાચાર મળતા આવી હમણાં જ આવી હતી.

પોલીસે પૂછ્યું કે, "આવું તમે કેવી રીતે કહી શકો છો? અને તમે કોણ છો?"

નયનકુમારે કહ્યું કે, "અમે આ ઘરના દિકરી જમાઈ છીએ, અને...."

સૌમ્યા તેમને રોકતી બોલી કે, "મને ખબર છે કે...." આટલું બોલતાં જ સૌમ્યા બેભાન થઈ ગઈ એટલે તેને અભિષેકની રૂમમાં સુવાડી દેવામાં આવી.

નાથાભાઈએ પોલીસને કહ્યું કે, "હાલ કોઈનું પણ બોલવાનું ઠેકાણું નથી. અમારા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વહુની આવી હાલત જોઈ અમારું તો મગજે જ કામ કરતું બંધ થઈ ગયું છે. મારા દીકરાને પણ તમે જુઓ જ છો કે કેવો તે ચૂપ થઈ ગયો છે, માટે સાહેબ વિધિ પૂરી કરવા દો. પછી અમે જ પોલીસ સ્ટેશને આવી જઈશું."

પોલીસે સહમતિ આપીને ચાલી ગઈ. સૌમ્યાને જયારે અભિષેકની રૂમમાં સૂઈ ગઈ હતી, તેને થોડીવારમાં જ તેને ભાન આવી ગયું. જેવી તે ક્રિયામાં બહાર જવા નીકળી ત્યાં જ તેને લાવણીએ લખેલી ડાયરી મળી. તે ઊંચા શ્વાસે જ તે વાંચી ગઈ. અને તેણે એને સંતાડી પણ લીધી. સાચવીને અને બધાની નજરથી બચાવીને તેણે એ ડાયરીને નયનને આપી અને નયને કંઈકવાતછે સમજીને તેને પોતાના શર્ટમાં છૂપાવી લીધી.

લાવણીનું બોડી પોર્સ્ટમોટમમાં થી સવારે આવી ગયું હતું અને બધા અંતિમક્રિયાની તૈયારી કરવા લાગ્યા.

લાવણી પર પાનેતર ઓઠાડવામાં આવ્યું અને તેની નનામી બંધાણી. અંતિમક્રિયાની શરૂઆત થઈ અને એકબાજુ રોકકળ પણ થવા લાગી. નનામી જેવી ઘરની બહાર નીકળી એટલે ઢોલી આગળ ઢોલ વગાડતો ચાલવા લાગ્યો અને પાછળ બધા 'જય શ્રી રામ' બોલતાં બોલતાં સ્માશને લઈ ગયા. ઘરની બધી સ્ત્રીઓ જ તેને છેલ્લી વાર વળાવવા માટે ઘરની બહાર નીકળી ગલી સુધી આવી અને પાછી વળી.

નયને સ્માશનથી ઘરે આવીને સૌમ્યાને પૂછયું કે, "તે ત્યાં મને આ ડાયરી કેમ આપી હતી અને આ કોની છે?"

"લાવણીએ લખેલી છે, એમાં મેં પહેલું પેજ વાચ્યું એટલે મને લાગ્યું કે કારણ કદાચ મળી જાય કે તેને આવું પગલું કેમ ભર્યું કે કંઈક બન્યું છે એની જોડે? એટલે લઈ લીધી. નહીંતર એ લોકો કયાંક સગવગે કરી દે તો...." સૌમ્યા બોલી.

નયને કહ્યું કે, "એ વાત તારી સાચી, મારી તો આ વાત જ માન્યામાં જ નથી આવતી કે ગ્યાસ ચાલુ રહેવાથી આગ લાગીને તે બળી ગઈ."

"હા, એ માટે પણ હું પહેલાં ડાયરી વાંચું પછી મને ખબર પડશે અને તો જ હું માનીશ. બાકી તો મને મારી મમ્મી અને ભાઈ પર જ ડાઉટ છે કે એમને જ કંઈક કર્યું હશે." સૌમ્યા બોલી.

"સારું તું પહેલાં આરામ કર અને પછી વાંચી લેજે." નયના કહેવાથી સૌમ્યાએ હા પાડી અને બંને સૂઈ ગયા.

સૌમ્યા સવારે ઉઠીને ઘરના કામ કરી રહી હતી ત્યારે જ ઘરની ડોરબેલ વાગી. સૌમ્યાએ દરવાજો ખોલ્યો તો એક યુવતી ઊભેલી જોઈ.

સૂરજ ઉગવા કે આથમવાનો સમય થાય એટલે તે તેની પ્રવૃત્તિ કરે જ છે. પણ તે કોઈના માટે રોકાતો નથી.

એમ સૌમ્યા પણ સવારે ઊઠીને ઘરના કામ કરી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગતા સૌમ્યાએ દરવાજો ખોલ્યો.

દરવાજા પર એક યુવતી ઊભેલી જોઈને તેને આશ્ચર્ય થયું અને એ આશ્ચર્ય વાંચીને તે યુવતી બોલી કે, "હું રાજવી છું, લાવણીની ફ્રેન્ડ. તમે તેની નણંદ સૌમ્યા બરાબર ને?"

"હા, આવો અંદર... કંઈ કામ હતું." સૌમ્યા બોલી.

રાજવી અંદર આવીને બેઠી અને વિચારવા લાગી કે, 'સૌમ્યા મને મદદ કરશે કે પછી?'

સૌમ્યાએ તેને પાણીનો ગ્લાસ આપ્યો. એવામાં જ નયન વૉકિંગ કરીને બહારથી આવ્યો, તેણે ઘરમાં અજાણી યુવતી બેસેલી જોઈને સૌમ્યાને આંખના ઈશારે જ પૂછ્યું કે, "આ કોણ?"

"નયન આ રાજવી છે, લાવણીની ફ્રેન્ડ."સૌમ્યા જવાબ આપીને રાજવીને પૂછયું કે, "શું કોઈ કામ હતું? તો તમે અહીં આવ્યા."

રાજવી પોતાના વિચારો ખંખેરીને બોલી કે, "હું લાવણી વિશે વાત કરવા આવી છું. તમને ખબર છે કે શું થયું હતું, કેવી રીતે બન્યું? મારે સાચું જાણવું છે, તેમાં મારી મદદ કરશો."

"હા અમારાથી થાય એટલી ચોક્કસ કરીશું." નયને કહ્યું.

રાજવી બોલી કે, "મેં ગઈકાલે પોલીસ અને તમારા અને લાવણીના મમ્મી પપ્પા વચ્ચેની વાતચીત સાંભળી હતી. એટલે જ રાતે હું રમીલાઆન્ટીને મળવા ગઈ હતી. અને મેં જયારેએ પૂછ્યું તો તેમણે દસ લાખ માંગતા હતા, તેને

એ માટે હેરાન કરતા હતા અને સૌથી મોટું તો અભિષેક તેને બરાબર બોલાવતો પણ નહોતો વિગેરે બધી વાતો કરી."

"હા, એ મને ખબર છે, પણ અચાનક એવું તો શું બન્યું કે લાવણીએ કેમ આવું પગલું ભર્યું. એ જ ખબર નથી પડતી." સૌમ્યા બોલી.

"તો શું તમને ખરેખર ખબર નથી કે પછી? તમારી સાસરીમાં લગ્નનું ફંકશન હતું ત્યારે લાવણીનો ફોન તમારા પર નહોતો આવેલો?" રાજવીએ પૂછ્યું.

"આવેલો પણ ફંકશન પતી ગયું કે બાકી છે? કયારે આવશો શહેરમાં? વિગેરે જ પૂછ્યું હતું એને. જયારે હું પાછી શહેરમાં આવી ત્યાં જ આવા સમાચાર મળ્યા અને અમે ત્યાં આવ્યા." સૌમ્યાએ જવાબ આપ્યો.

"હમમમ... તો પછી દીદી, તમને છેલ્લી વાતની ખબર જ નથી, એમને." રાજવી એવું કહેતાં જ સૌમ્યા અને નયન એકબીજાને સામે પછી રાજવી સામે જોઈ રહ્યા.

તે જોઈને રાજવીએ કહ્યું કે, "અભિષેક પોતાના પ્રમોશન માટે દસ લાખ લાવણીને લાવા માટે ફોર્સ કરતો હતો એ ના લાવી એટલે લાવણીને મેનેજર જોડે ડેટ પર જવાનું કહેતો હતો. લાવણી એ માટે તૈયાર નહોતી, ફોર્સ વધી રહ્યો હતો એટલે તેણે રમીલાઆન્ટીને વાત કરી હતી. પણ તેમણે હાથ ઊંચા કરી લીધા અને તમને વાત કરવા કહ્યું હતું. મને લાગે છે કે... લાવણીએ વાત નહીં માની હોય એટલે અભિષેકે તેને મારી નાખી હોય."

"ના...ના... મારો ભાઈ આવું ના કરી શકે. તું ખોટું બોલે છે?"સૌમ્યાએ કહ્યું.

"તમે જ કહો છો ને કે દસ લાખ પિયરથી લાવવા માટે તેને ફોર્સ કરતા હતા કે નહીં? તેને હેરાન પરેશાન કરતા હતા ને? તો પછી આ શકય બને જ ને." રાજવી પણ થોડી ઉશ્કેરાઈને બોલી.

નયન જે અત્યાર સુધી વાત સાંભળી રહ્યો હતો તેણે વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું કે, "સાચી વાત તો અમને પણ ખબર નથી, લાવણી છે નહીં એટલે પડશે પણ નહીં. પણ એક કામ કરીએ, સૌમ્યા તને જે લાવણીની ડાયરી મળી હતી તે લઈ આવ. તે વાંચીએ તો કદાચ કારણ મળીપણ જાય."

"તમને એવું લાગે છે કે ભાઈ આવું કરી શકે?" સૌમ્યા બોલી.

નયને કહ્યું કે, "એકવાર ડાયરી જોઈને નક્કી કરીએ. જે હશે તે કદાચ ખબર પડી જાય."

સૌમ્યા ડાયરી લાવી. તેમાં લાવણીએ લખેલી બધી વાતો સાથે રાજવીની વાત જોડે બંધબેસતી આવી.

આ બધું વાંચીને સૌમ્યા ગુસ્સે થઈ ગઈ અને બોલી કે, "આ લોકોને ફાંસી જ આપવી જોઈએ. છી છી... મારો ભાઈ પણ આવો." ગુસ્સામાં ને ગુસ્સામાં રોવા લાગી.

રાજવીએ પૂછ્યું કે, "તમે મને મદદ કરશો, લાવણીને ન્યાય આપવામાં? આ લોકોને સજા કરાવવામાં?"

સૌમ્યા બોલી કે, "રાજવી હાલ કંઈ સમજ નથી પડી રહી, પણ તું આ ડાયરી લઈ જા."

"વિચારીને કહેજો... જવાબની રાહ જોઈશ." રાજવી બોલીને ડાયરી લઈને નીકળી.

રાજવી પોતાની રૂમમાં સ્ટડી કરી રહી હતી. ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખી રહી હતી કે તેનું ધ્યાન બહાર તરફ ના જાય, કારણ કે...