Nabadi - 4 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 4

Featured Books
Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 4

(4)

રાજવી અગાસીમાં લાવણીના લગ્નમાં લીધેલા ફોટો જોઈ રહી હતી. ખાસ કરીને તો વનિતા અને નિહાલને એકબીજા સાથે ખુશ જોઈને તે કંઈક વિચારી પણ રહી હતી. એવામાં જ નિહાલ આવ્યો અને ચૂપચાપ પાળી પર બેસીને તેને જોઈ રહ્યો. થોડી વારે ચૂપકીદી તોડતાં બોલ્યો કે, "રાજુ કયાં ખોવાઈ છે તું? અને શું વિચારે છે?"

રાજવી પોતાની જાતને સંભાળીને બોલી કે, "કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. મારી વાત છોડ અને આ ફોટો જોઈને કહો કે વનિતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે." કહીને તેનો ફોટો નિહાલ સામે ધરી દીધો.

નિહાલે તે ફોટો જોઈને એક મિનિટ માટે મુખ પર ચમક આવી ગઈ પણ બોલ્યો કે, "પણ મને શું કામ બતાવે છે?"

રાજવી બોલી કે, "જો કે મને એ તો ખબર જ છે કે તમને વનિતા ગમે છે, એટલે એમ ના કહેતાં કે તું ખોટું વિચારે છે. અત્યારે આ ફોટો જોઈને તમારું મન ખુશ થઈ ગયું, બરાબર ને?"

નિહાલે કાંઈ જવાબ ના આપતાં, રાજવી તેમને ખભાથી હલાવીને બોલી કે, "ભાઈ...."

નિહાલે અવાજ સાંભળીને બોલ્યો કે, "ના..ના... એવું કાંઈ નથી. બસ એમ જ એ તો..."

રાજવી તેમની સામે જોઈને બોલી કે, "જો ભાઈ લોચા ના માર, હા કે ના બોલ તો ખબર પડે. આમ પણ વનિતાને કાલે કોઈ જોવા આવવાનું છે."

નિહાલ ઉતાવળથી બોલી પડ્યો કે, "તું સાચી... બસ, હવે"

રાજવી ખુશ થઈ ગઈ, અને જોરથી હસી પડી પછી બોલી કે, "તો પછી વનિતાને તમે કહેશો કે હું વાત કરું?"

નિહાલ બોલ્યો કે, "ના, રહેવા દે... એ તો હું કહીશ એને. પણ એ પહેલાં તું તારી વાત કહે કે તને કોઈ ગમે છે કે મારે શોધવાનો છે!!"

તે સાંભળીને રાજવી ગંભીર થઈ ગઈ અને વિચારીને બોલી કે, "ના ભાઈ ના... મારે તો લગ્ન જ નથી કરવા. તમને ખબર છે ને કે મને કયારેય માં-પપ્પાનો પ્રેમ ના મળ્યો. તો પછી પતિ કે તેના પરિવાર પાસેથી પ્રેમ મળશે એવું વિચારી પણ કેવી રીતે શકાય. પાછું તમને યાદ આવે છે કે મમ્મી અને પપ્પા બંને વચ્ચે કયારેય પ્રેમભર્યો વ્યવહાર જોયો હોય. બસ હંમેશા ઘરમાં બોઝીલ વાતાવરણ જ રહ્યું છે. અને દાદી તો હંમેશા ટોન્ટ માર્યા સિવાય તો બીજું કાંઈ કામ નથી. મને ડર લાગે છે આવા વાતાવરણથી. આવું વાતાવરણ ફરીથી મારે બીજા ઘરે જઈને પણ નથી મેળવવું. અને મને ત્યાં તો તમારા જેવો ભાઈ નહીં મળેને.'

આંખોમાં ના આસું લૂછીને, "મારી વાત છોડો અને તમારી વાત મમ્મી જોડે કરું ને, જેથી વનિતા ભાભી બની જલદી આ ઘરમાં આવી જાય."

નિહાલ ચૂપચાપ રાજવી સામે થોડીવાર જોઈ રહ્યો, આંખો બંધ કરીને વિચારી રહ્યો હતો. પણ રાજવીએ ખભાથી હલાવીને પૂછયું કે, "શું થયું? મારી કોઈ વાત ખોટી છે,ભાઈ?"

નિહાલ કંઈ જ બોલ્યા વગર ગુડ નાઈટ વિશ કર્યું અને સૂવા નીચે જતો રહ્યો.

રાજવી બીજા દિવસે કીચનમાં નાસ્તાની તૈયારી કરી રહી હતી. એ વખતે પૂજા પતાવીને નયનાબહેન નાસ્તો બન્યો કે નહીં તે જોવા રસોડામાં આવ્યા.

એમને જોઈને રાજવી બોલી કે, "મમ્મી, પાંચ મિનિટમાં જ દાદી માટે પૌઆ બનાવી લઉં છું, અને પપ્પા માટે સ્ટફ પરોઠા નું સ્ટફિંગ બનાવીને તૈયાર છે, પરોઠા હમણાં જ ચઢવી દઉં છું. અને ભાઈનું સ્પેશિયલ ટોસ્ટ બટર પણ તૈયાર છે."

નયનાબહેને કહ્યું કે, "હમમ... ફટાફટ બનાવી દે, હું ટેબલ પર બાકીનું ગોઠવી દઉં છું. અને..."

રાજવી તેમની વાત કાપતાં બોલી કે, "હા... એ લોકોનો નાસ્તો નહીં પતે ત્યાં સુધી બહાર નહીં આવું. રસોડામાં જ મારો નાસ્તો કરી લઈશ, બરાબર. પણ મમ્મી મારે તમારી સાથે વાત કરવી છે."

તે બોલ્યા કે, "પછી વાત કરીએ. બધાને મોડું થશે અને બૂમાબૂમ કરશે એ વધારામાં."

રાજવી બોલી કે, "પ્લીઝ મમ્મી, હજી પપ્પા તૈયાર થાય છે અને દાદીની પૂજા પૂરી થઈ નથી. એકવાર મારી વાત તો સાંભળ."

તે બોલ્યા કે, "બોલ કરમજલી, તને પણ બૂમો સાંભળવાની મજા આવે છે."

રાજવી તેમની વાત સાંભળી ના સાંભળી કરીને બોલી કે, "મમ્મી, મારી ફ્રેન્ડ વનિતાને ઓળખે છે, જે મારી કોલેજમાં સ્કોલર છે."

તે બોલ્યા કે, "હા... તો"

રાજવી બોલી કે, "મમ્મી, ભાઈને વનિતા ગમે છે. તેને તે મારી ભાભી બનાવવા માંગે છે."

તે વિચારવા લાગ્યા અને બોલ્યા કે, "આ બધી વાતો તારી દાદી અને પપ્પાને નહીં ગમે. તેઓ ગુસ્સે થશે મારા દીકરા પર અને એ અજાણી છોકરી પર પણ.."

અજાણી છોકરી માટેનું સારું વર્તન જોઈને રાજવી બે મિનિટ તેમની સામે જોઈ જ રહી પછી બોલી કે, "તો પછી એ લોકોને મનાવવા માટે એમની મદદ કરને. કંઈક એવો ઉપાય કરને કે 'સાપ પણ મરે અને લાઠી પણ ના તૂટે."

તે બોલ્યા કે, "આ એટલું સહેલું નથી, વિચારવા દે મને."

ત્યાં જ રમેશભાઈનો અવાજ આવ્યો કે, "નાસ્તો તૈયાર છે કે પછી કાળમુખી જોડેની જ વાતો સંભળાવીને પેટ ભરવાનો છો અમારું."

નયનાબહેને ફટાફટ રસોડામાં થી બહાર આવતા રાજવીને કહ્યું કે, "તું ફટાફટ બનાવ, હું બધાને પીરસવા જઉં છું." કહીને તે ડાઈનિંગ ટેબલ પર બધાને નાસ્તો પીરસવા લાગ્યા.

દાદી બોલ્યા કે, "સવારના પહોરમાં માં દીકરીનું શું નાટક ચાલતું હતું? તમારું બંનેનું ચાલેને તો મારા આ દીકરાને પણ મારી જ નાંખો. મારા દીકરાની શાંતિ છીનવી લેવાની પેરવી નહોતા કરતાં ને? આવું કંઈ થશે તો હવે મારાથી ખરાબ કોઈ નહીં થાય."

આ સાંભળીને તો નયનાબહેન તો ચૂપચાપ નાસ્તો પીરસવા લાગ્યા પણ નિહાલ બોલી પડ્યો કે, "બા શું તું ય? એમ કોઈ આપણી શાંતિ છીનવી લે ખરું. મરી પણ એમ થોડું જવાય, નહીં તો તારા લીધે કયારની ય રાજવી મરી જાત. તે અને પપ્પાએ એને ગમે તેમ બોલવાનું કયારેય ચૂકતા જ નથી."

રમેશભાઈ ગુસ્સે થાય તે પહેલાં જ એને ડાઈનીંગ ટેબલ પરથી ઊભો થતો રોકીને નયનાબહેને નિહાલને કહ્યું કે, "માફી માંગ, આમ ના બોલાય. અને ચૂપચાપ ટોસ્ટ બટર ખાઈ લે અને નોકરી પર જા."

રમેશભાઈને પરોઠા અને અથાણું પીરસીને કહ્યું કે, "સવાર સવારમાં ગુસ્સો ના કરો, અને શાંતિ થી નાસ્તો કરી લો."

બધા ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યા.

નયનાબહેન નિહાલને તેની રૂમમાં લઈ ગયા અને પૂછ્યું કે, "નિહાલ, તું અને રાજવીની ફ્રેન્ડ વનિતા એકબીજાને પસંદ કરો છો?"

તેને જવાબ આપતાં બોલ્યો કે, "હા, માં.. પણ આ તને રાજુ એ કહ્યું ને. તેના પેટમાં પણ ટકતું નથી."

નયનાબહેને કહ્યું કે, "એ બધી વાતો પછી, જો નિહાલ હું તો તારી પસંદગી સ્વીકારી અને સંમતિ આપી દઈશ, પણ તારા પપ્પા અને દાદી નહીં સ્વીકારે. એ લોકોને તું તારી પસંદગી જણાવીશ એટલે તેઓ પોતાના છોકરાને કંઈ નહીં કહે પણ તેમના ગુસ્સાની શિકાર તે બનશે. એ વિચારી લેજે."

નિહાલ નાસીપાસ થઈ ગયો અને કહે કે, "તો શું મમ્મી મારી પસંદગી છોડી દઉં? એમના ડરથી શું મને ગમતું પાત્રને જીવનસાથી પણ ના બનાવી શકું? બોલને મમ્મી..."

નિહાલે પૂછ્યું કે, "બોલને મમ્મી... મારા પ્રેમને ભૂલી જાઉં?"

નયનાબહેને જવાબ આપતાં કહ્યું કે, "ના, પણ એ માટે છોકરીને ચર્ચાના ચકડોળે તો ચડવા ના દેવાયને."

નિહાલ અસમંજસમાં પડયો અને પૂછ્યું કે, "એટલે..."

તે બોલ્યો કે, "એટલે કે તમે ફરો, લોકોની અને સમાજની નજરે ચડો અને પછી બંને જણા ચર્ચાનો વિષય બનો. તારા દાદી અને પપ્પા રજા ના આપે, તો એ છોકરીની તો આખી જિંદગી બગડી જાય. એના કરતાં પહેલી થી જ તું તારા પપ્પા અને દાદીને સમજાવીને કે કોઈપણ રીતે લગ્ન નો પ્રસ્તાવ મૂકાવી દઈએ. અને એ માટે તારે જ કંઈક કરવું પડશે. એકવાર લગ્ન થઈ જાય ત્યાં સુધી સાચવી લેવાનું પછી વાંધો નહીં. મને ખબર છે ત્યાં સુધી દાદી અને પપ્પા બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કરે. બસ, દાદીનો અહમ સંતોષાઈ જશે તો પપ્પા માની જશે."

રાજવી જે કયારની આ વાતો સાંભળી રહી હતી તે વળગીને બોલી કે, "વાઉ મમ્મી, યુ આર ગ્રેટ.."

તે બોલ્યા કે, "ગ્રેટવાળી... ફોગટની વાતો જવા દે. નિહાલ તું સમજી વિચારીને કહ્યું તેમ કરજે. બાકી મારા આર્શીવાદ તારી જોડે જ છે."

રાજવી ટિખળ કરતાં બોલી કે, "મારા બ્લેસિંગ પણ.."

નિહાલ અને નયનાબહેન હસી પડ્યા. રાજવીના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે, 'એક અજાણી છોકરી માટે લાગણી છે, પણ મારા માટે જ નહીં.."

નિહાલે રાજવીને વિચારોમાં ખોવાયેલી જોઈને પૂછ્યું કે, "શું વિચારે છે.."

તે બોલી કે, "કાંઈ નહીં, બેસ્ટ લક..."

નિહાલે વનિતાને સાંજે કોફી શોપમાં મળવા બોલાવી હતી. વનિતા કોફી શોપમાં આવી એટલે બુક કરેલા ટેબલ પર બેસાડીને ઔપચારિક વાતો કરવા લાગ્યા. થોડી વાર વાતો કર્યા પછી વનિતાએ પૂછ્યું કે, "શું વાત છે, નિહાલ? મને કેમ અહીં બોલાવી?"

તેણે કહ્યું કે, "વનિતા, મારે એક વાત કરવી હતી એટલે. તું મીન્સ તારા જીવનસાથી માટેનો શું વિચાર છે?"

વનિતા જવાબ આપતાં કહ્યું કે, "મેં કાંઈ એવું વિચાર્યું જ નથી. છતાંય એટલું ચોક્કસ છે કે જે મને અને મારા સપનાં સમજે એવો હોવો જોઈએ."

નિહાલે કહ્યું કે, "અને જો તે સંયુક્ત કુટુંબમાં રહેતો હોય તો ગમે કે એકલો રહેતો હોય તેવો?"

તે બોલી કે, "કેમ નહીં, મને સંયુક્ત કુટુંબ ગમે છે. મારા ઘરે પણ દાદા, દાદી કાકાનું કુટુંબ બધા ભેગા જ રહીએ છીએ. એ બધી વાતો જવા દો, પણ પહેલાં એ કહો કે તમે મને આવું કેમ પૂછો છો?"

કોફી શોપમાં મળતાં પહેલાં નિહાલ શરીરથી ઓફિસમાં હતો, પણ મનમાં ને મનમાં કેવી રીતે પ્રપોઝ કરવું તેની તૈયારી બરાબર કરી રહ્યો હતો. ફાઈનલી ટાઈમ આવી ગયો, હવે તે પ્રપોઝ કરવા જઈ રહ્યો હતો.

નિહાલ પગના ઘૂંટણે બેસીને કહ્યું કે, "મને તું ગમે છે, વીલ યુ મેરી મી..."

વનિતા પહેલાં તો તેના ગમતું પાત્ર જ તેને પ્રપોઝ કરી રહ્યું છે, તેના મનમાં પણ તેના માટે ફીલિંગ્સ છે, એ સાંભળીને જ તે શરમાઈ ગઈ. એને પોતાના મનની ખુશી જાહેર કરતાં એટલું જ બોલી શકી કે, "યસ, આઈ..."

નિહાલ અને વનિતા એકબીજા ની પસંદ હતા એનું સેલિબ્રેશન કરવા કેક કટ કરી અને ડિનર ઓર્ડર કર્યો.

વનિતા બોલી કે, "નિહાલ મેં હા તો પાડી દીધી, પણ શું તારા ઘરના આપણો સંબંધ સ્વીકારશે ખરા?"

નિહાલે કહ્યું કે, "કેમ નહીં સ્વીકારે.."

તે બોલી કે, "ના, તમે હજી બરાબર સમજયા જ નથી. આપણી લવમેરેજ વાળી વાત, વળી મારો આવો કલર જયારે તમે દેખાવડા અને ઉપરથી બીજો સમાજ પણ વિગેરે સ્વીકારી શકશે?"

નિહાલે સમજાવતાં કહ્યું કે, "તને ખબર છે વનિતા કે, રાજવી અને મમ્મીને આપણા વિશેની ખબર છે. અને મમ્મીએ તો ઉપાય પણ બતાવ્યો છે જેથી તું જલદીથી એ ઘરની વહુ બનીને ઘરમાં આવી જઈશ, તો તું ચિંતા ના કર."

તેણે કહ્યું કે, "મને ડર એ જ વાતનો છે કે તમારા ઘરના લોકો, તેમના રીત રિવાજ હું સ્વીકારી લઈશ. પણ મારું સપનું આઈએએસ બનવાનું છે. તે મને સપનાં પૂરાં કરવાની મંજુરી આપશે તો ખરાને?"

નિહાલે કહ્યું કે, "ચિંતા ના કર, હું તને પૂરેપૂરો સર્પોટ કરીશ, તારા સપનાં પૂરા કરવા માટે. પ્રોમિસ."

સંબંધની શરૂઆત માટે તો સપનાંઓ જ મોટો ભાગ ભજવે છે. વનિતા અને નિહાલ પોતાના સંબંધની શરૂઆતમાં જ મીઠાં સપનાં ગૂંથવા લાગ્યા જયારે લાવણીના સપનાંઓ વેરણછેરણ થઈ ગયા.

લાવણી શિમલા મનાલી ફરીને આવી ગઈ હતી. પગફેરાની રસમ પૂરી કરવા માટે પિયર બે દિવસ રોકાવવા આવી હતી. લાવણીને મળવા રાજવી, વનિતા, અંજલી અને માનસી બધા મળવા તેના ઘરે આવ્યા. બધા ફરવાનું કેવું રહ્યું, ખરીદી શું કરી, કયા ફર્યા વિગેરે અને સૌથી વધારે તેના ઘરના લોકોનો સ્વભાવ કેવો છે, એમાંય ખાસ કરીને અભિષેકનો કેવો છે? પૂછવા લાગ્યાં.

એમાંય જયારે અભિષેકના સ્વભાવની વાત આવી એટલે લાવણીના મનમાં વિચારોની હારમાળા ચાલી કે, 'સૌમ્યા અને નયનના કહેવાથી અને દુનિયાના લોકલાજે શારદાબહેને લાવણી અને અભિષેકને ફરવા તો મોકલ્યા. ફક્ત દેખાવ પૂરતાં જ ભલે શારદાબહેન અહીં હતા અને લાવણી અભિષેક શિમલા મનાલી, પણ દર કલાકે તે અભિષેકને ફોન કરી મિનિટો સુધી વાતો કરીને શું કર્યું, શું જમ્યા, કયા ફર્યા તેની માહિતી લેતા હતા.

એટલું જ નહીં અભિષેકને ફોનમાં ચડાવવાનું, લાવણીને સલાહસૂચનો આપ્યા કરવાનું તો ચૂકતા જ નહીં. આ બધી જ માથાકૂટમાં લાવણીના પોતાના પતિ હ્રદય સુધી પહોંચવા માટે કે તેની સાથે લાગણીના સંબંધનો સેતુ જ ના બની શકયો.

એટલું જ નહીં અભિષેકની વાતો પરથી તેને એટલું ચોક્કસ સમજાઈ ગયું હતું કે, 'માની જગ્યા તો મારે લેવી પણ નહોતી અને તે હું લઈ પણ ના શકું, પણ મને મારી જગ્યા પણ મળવાની નથી."

તેને વિચારોમાં ખોવાયેલી જોઈને બધી બહેનપણીઓ હસી પડી અને તે અવાજથી તે ખસિયાણી પડી અને થયું કે, 'સાચી વાત કરી દઉં.'

ત્યાં જ અંજલી બોલી કે, "કયાં ખોવાઈ હતી તું?"

માનસીએ કહ્યું કે, "અંજલી, એ થોડી તારી બકવાસ સાંભળે તે તો ખોવાઈ હતી અભિષેકના કે ફર્સ્ટ નાઈટના..."

વનિતા તેને છેડતી કરતાં બોલી કે, "ના...ના, એ તો ફકતને ફકત વ્હાલા પ્રિયતમના વિચારોમાં અને જલ્દી જલ્દી પોતાના પ્રિયતમ જોડે જવાના..."

પણ બધા જ વિચારો ઝાટકીને તે બોલી કે, "હા..કેમ નહીં, આ બધું તો ખાસ કરીને અંજલી અને માનસીને જાણવું જ હોયને, બરાબરને."

અંજલીએ પોતાના પર આવતાં જ બોલી કે, "કેમ મારે અને માનસીને જ, બધાના અહીં લગ્ન થવાના જ છે ને. એમાંય આ વનિતા તો..."

રાજવી અને વનિતાએ આંખો કાઢેલી જોઈને અંજલી ચૂપ થઈ ગઈ.

વાત બદલવા વનિતાએ કહ્યું કે, "તું અને અંજલી વાતોને બદલી ના કાઢો. લાવણી તું તારો સાસરીનો અનુભવ અત્યાર સુધી કેવો રહ્યો? અભિષેકનો વ્યવહાર કેવો છે? તને બધું અનુકૂળ આવે એવું છે ને?"

તે બોલી કે, "હા, બધું જ સારું છે. દુનિયામાં બધાની જેમ સાસરી હોય તેમ મારી પણ છે.એમાં નવું શું હોય?"

બધાને લાવણીની આવી વાતો સાંભળીને નવાઈ લાગી.

લાવણી પોતાની ધૂનમાં ને ધૂનમાં બોલતી હતી કે, "આ બધી વાત છોડ અને પહેલાં એ કહે કે વનિતા અંજલી તારા વિશે શું કહેતા અટકી ગઈ?"

વનિતા બોલી કે, "એક મિનિટ લાવણી... વાત ના બદલ, બધાની જેવો એટલે મતલબ શું છે તારો? અમારામાં થી તારા જ લગ્ન થયા છે, તો તારા અનુભવ વિશે કહે. અમારા લગ્ન થયા નથી તો, અમને કંઈ અનુભવ પણ નથી. છતાંય એટલું ચોક્કસ છે કે કંઈક ગડબડ છે? શું વાત છે, તે કહે પહેલાં."

લાવણી પોતાના મનના દર્દને છૂપાવી અને ખોટું ખોટું હસતાં બોલી કે, "કેમ મજા આવીને? ભૂલી ગયા હતા ને આ જૂની લાવણીને અને તેની સ્ટાઈલને. તમને શું લાગ્યું હું સાચું જ બોલું છું."

આમ કહીને તેણે શિમલા મનાલી કયા કયા ફર્યા, સાસરીમાં પહેલી રસોઈ અને એ વખતે મળેલી ગીફટ, પગે લાગવાની વિધિ વખતની મસ્તી, વીંટીની રમત, છેડાછેડીની રમત વિગેરે ની ખોટી અને ગોળગોળ વાતો કરવા લાગી.

બધાને એની વાતો સાંભળીને હાશ પણ અને ખુશી પણ થઈ. અને બધી બહેનપણીઓ ચા -નાસ્તો કરીને છૂટા પડયા, સિવાય કે રાજવી.

રાજવીને બેસી રહેલી જોઈ લાવણીએ તેની સામે આશ્ચર્યથી જોઈ રહી.રાજવીએ કહ્યું કે, "લાવણી ભલે બધા તારી વાતોમાં આવી જાય પણ આ સાચું જ નથી. મને લાગે છે કે કંઈક ખોટું થયું છે તો ખરું જ તારી જોડે, પણ શું તે ખબર નથી માટે તું તો જે હોય તે મને કહે."

લાવણી બોલી કે, "કાંઈ નથી થયું, તું પણ વાત મૂકને યાર."

રાજવી કંઈ કહે તે પહેલાં જ લાવણીની મમ્મી આવતી જોઈને રાજવીએ કહ્યું કે, "ફોર્સ નથી કરતી, છતાંય કંઈ પણ હોય તો મને ચોક્કસ કહેજે. હું હંમેશા તારી જોડે ઊભી રહીશ, કીપ ઈન ટચ, ચાલ બાય."

રમીલાબેન બોલ્યા કે, "આ રાજવી શું કહેતી હતી? એની વાતોમાં ના આવતી. તેને તો મારપીટ અને ઘર તોડતાં જ આવે છે. આમેય તે અપશુકનિયાળ છે. એના ઘરમાં જ જો ને, તેના આવ્યા પછી ઘરમાં તો તકલીફોનો પહાડ તૂટી પડ્યો હતો. આના સંપર્કમાં તો ના જ રહેતી."

લાવણીએ તમતમી ગઈ છતાંય જવાબ આપતાં કહ્યું કે, "એ કાંઈ નહોતી કહેતી, બસ મને એ પૂછી રહી હતી કે જે તમે સાંભળ્યા પછી આંખ આડા કાન કરી રહ્યા છો!"

રમીલાબેન બોલ્યા કે, "જો લાવણી એવું કાંઈ નથી. પણ દરેક સંબંધને સમય તો આપવો જ રહ્યો. જયારે કોઈપણ માટે નવો સંબંધ બંધાય કે નવી ટેવ પાડતાં એ પોતાનો જૂના સંબંધ સાથે તાલમેલ કે જૂની ટેવો છોડતાં ટાઈમ તો લાગે. અને કોઈપણ પુરુષ માટે પત્નીની અપેક્ષાઓ સમજવામાં કે ટેવ પડતાં વાર લાગે. તું સમજ કે આજ સુધી જે માણસે દરેક વાતો માને પૂછી પૂછીને કરી હોય તે એકદમ કેમ બદલાઈ જાય."

તે બોલી કે, "તો પછી મારા માટે કાંઈ નથી બદલાયું, તેણે તો ઘર કે મા-બાપ, ભાઈ-બહેન કાંઈ નથી છોડયા જયારે હું તો બધું છોડીને ત્યાં ગઈ છું. તો મારી પ્રત્યે કોઈ જવાબદારી તેની નથી."

એવામાં એના પપ્પા બોલ્યા કે, "એ જવાબદારી માટે મા ને ભૂલી જવાની, કેવી વાહિયાત વાત છે. આવું કરીશ તો અમારા સંસ્કાર લજવાશે એટલે ચૂપ રહે. સાસરીમાં આવું કાંઈ જ ના બોલતી. સમય જતાં બધું થાળે પડી જાય."

લાવણીના મનમાં જ, 'જવાબદારીમાં માને ભૂલવાની વાત જ કયાં છે, પણ પહેલી રાત્રે જ પત્નીને મૂકીને માની રૂમમાં સૂઈ જવું એ પણ કોઈ એવી ખાસ તકલીફ નહોતી. ફરવા ગયા તો ત્યાં વારંવાર ફોન કરીને અમને નજીક પણ આવવા ના દેવાના એ કેવી જવાબદારી. લગ્ન થાય એટલે મારા માટે જવાબદારી, મારી ફરજો તરત જ બદલાઈ જાય, પણ પતિ માટે નહીં. શું નવા નવા લગ્ન થયા હોય તો પત્ની માટે આર્કષણ ના હોય તે કેવું? પણ આવું કોને સમજાવું, અને કોણ સમજશે મને કે પછી સમજશે નહીં તે પણ ખબર નથી.'

મમ્મી તેના ખભે હાથ મૂકીને કહ્યું કે, "હા બેટા, સમય જતાં બધું બરાબર થઈ જશે. હવે નખરાં ના કર અને જવાની તૈયારી કર અને તૈયાર થા. સાંજે જમાઈ તને તેડવા આવવાના છે."

લાવણીએ આશ્ચર્યથી બોલી કે, "લેવા માટે... પણ આજ સવારે તો હું આવી છું. અને મારે તો બે દિવસ રહેવાનું હતું ને. તો પછી.... આટલી જલદી કેમ?"