Nabadi - 2 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | નબળી: રાજવીની સંઘર્ષ કથા - 2

Featured Books
Categories
Share

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 2

(2)

નયનાબહેને કહ્યું કે, "મેં તો ના જ પાડી હતી, પણ આના ભાઈને ઉપાડો આવ્યો અને પોતાનું બાઈક આપી દીધું. બાકી આવી કરમજલી ને તો હાથ-પગ મળ્યા એ જ ઘણું છે."

રમેશભાઈએ અણગમો દર્શાવતા બોલ્યા કે, "બકબક કરવાનું રહેવા દે. જમી લે મારી જોડે,'

રાજવીને કહ્યું કે, "એય કાળમુખી, થાળી પીરસ પહેલાં. ચાલ હવે રોવા ધોવાના નાટક પછી કરજે."

રાજવીએ ચૂપચાપ આંખમાં આસું લઈને રસોડામાં જઈને તેમની થાળીઓ પીરસી. એમનું જમવાનું પત્યા પછી રોતી રાજવી જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી.

આમ કહી શકાય કે, બહાર કોલેજમાં લેડી ડોન તરીકે ફરતી છોકરી જેવી ઘરના ઝાંપામાં પ્રવેશે એટલે કે પોતાનું બાઈક મૂકીને જેવી ઘરમાં જાય તેવી જે બહારના લોકો જોડે મારપીટ કરતી, ધમકાવતી હોય તે અચાનક જ ચૂપ થઈ જતી.

જેવી રાજવી ઘરમાં આવે તેવી જ તેની કમનસીબી જાણે ચાલુ થઈ જતી, અને આવું કેમ? એનું કારણ હતું ફકતને અઃ એનું નસીબ...

રમેશભાઈ એક સાધારણ માણસ પણ ગર્ભશ્રીમંત હતા. સાથે સાથે તે ઈમાનદારી, સ્વભાવ અને નામથી ઊંચા હતા. હાલ તો સરકારી ઓફિસમાં કલાર્ક હતા.

જ્યારે નયનાબહેન એક સુઘડ પણ વ્યવહારુ ગૃહિણી હતા. તેમનો સ્વભાવ મળતાવડા અને બધાને સાથે લઈ ચાલનારા.

રમેશભાઈ અને નયનાબહેન ને એક દિકરી-દિકરો. મોટો દિકરો નિહાલ અને દિકરી રાજવી.

જયારે રાજવીનો જન્મ થવાનો હતો તે વખતની વાત છે. એ વખતે રમેશભાઈ સરકારી નોકરી નહતા કરતાં પણ પોતાની વારસામાં મળેલી ફેકટરી સંભાળતા હતા. નયનાબહેનની એવામાં તબિયત સારી નહોતી રહેતી. ઘરમાં પણ નાના મોટા ખરાબ બનાવ ચાલ્યા કરતાં હતાં.

એવામાં અચાનક જ ફોરેનની કંપનીએ ઓર્ડર કેન્સલ કરી દેતાં તેમને મોટું નુકસાન થઈ ગયું. આ ઓર્ડર પૂરો કરવા માટે તેમણે બેંકમાં થી લોન લીધેલી, એ ઈન્સ્ટોલમેન્ટ ભરવા માટે તેમને તકલીફ થઈ ગઈ. કંપનીના શેર ના ભાવ પણ માર્કેટમાં થી ગગડી પડયા. અને લોનનું ઈન્સ્ટોલમેન્ટ ના ભરી શકવાથી બેંકે કંપની સીલ કરી દીધી.

વળી, એવામાં જ નયનાબહેન ને લેબર પેઈન ચાલુ થઈ ગયું. અને આ બાજુ ફેકટરી સીલ થવાના સમાચાર સાંભળીને રાજવીના દાદાને હાર્ટ એટેક આવ્યો.

હોસ્પિટલમાં રાજવીના દાદા અને નયનાબહેન બંને અલગ અલગ રૂમમાં એડમિટ હતા. જેવો રાજવીનો જન્મ થયો તે જ સમયે ઓપરેશન થિયેટરમાં રાજવીના દાદા ટેબલ પર જ મરી ગયા. રાજવીના જન્મ સમયે જ રોકકળ થવા લાગી. વળી, દાદીએ તો પોતાના ઘરની બરબાદી, પોતાના પતિના મોત માટે હાલ જન્મેલી નવજાત બાળકીને ઠેરવી દેવામાં આવી. દાદીએ તો આ બાળકીને અનાથાશ્રમમાં મૂકી દેવાનું જ કહ્યું. પણ તેના પિતાએ એવું ના કર્યું.

દાદીએ તો આ બાળકીને ઘરે લઈ જવા તૈયાર જ નહતા. હોસ્પિટલથી સીધા નયનાબહેનના પિયરવાળા લઈ ગયા. કુટુંબીઓના સમજાવવા થી દાદીમા એ નયનાબહેન અને તે બાળકીને મહિના પછી ઘરમાં આવવા દીધા.

રાજવીના ઘરમાં આવ્યા પછી થોડા દિવસે તેની ફિયાએ રાશિ પરથી આવું નામ પાડયું. હજી સુધી દાદીએ તેનું મ્હોં જોયું નહોતું, નામ પાડતી વખતે જ તેને જોઈ. અને મ્હોં મચકોડીને કહ્યું કે, "સાવ સાધારણ દેખાવની છે. આવી છોકરીને કોણ પરણશે? નહીં તો આખી જિંદગી વઠેરવી પડશે. આને ફેંકી દો અનાથાશ્રમમાં.."

તેની ફિયાએ પણ અકળાઈને બોલી પડી કે, "શું માં તું ય? હાલતો નાની છે, કયાં તેને પરણવાની વાતો લઈને બેઠી."

રાજવીની ફિયા નામ પાડીને ઘરે ગયા. એમના ઘરમાં ઝઘડા, શંકા અને પતિની હરકતો અને સ્વભાવથી કંટાળીને ફિયાએ અગ્નિસ્નાન કરી લીધું. અને આ માટે પણ દાદીએ રાજવીને જ જવાબદાર ગણાવી.

રાજવીને માતા પિતા કે દાદી કરતાંય મોટા પપ્પા અને મોટી મમ્મી પાસેથી જે પ્રેમ મળતો હતો. તેઓ જ તેને રમાડતાં. રાજવી ત્રણ મહિનાની થઈ ત્યારે એક વખતે સામાજિક કામ પતાવીને આવતા તેમની ગાડીનો એકસીડન્ટ થયો અને ત્યાં જ બંને મરી પણ ગયા. અને એના માટે પણ દાદીએ તેનાં જ પગલાં અપશુકનિયાળ ગણાવ્યા. અને બોલ્યા કે, "આ છપ્પરપગી ઘરમાં આવી પછી મારા ઘરને વેરવિખેર કરી દીધું." દાદી તેને હંમેશા કાળમુખી અને છપ્પરપગી જ કહેતાં.

તેના પિતા આવું કંઈ જ નહોતા માનતા પણ જયારે તેમના પરિવારને પડતી તકલીફોને લીધે, તેમને પૈસા માટે દર દર ભટકવું પડયું તે કઠતા જ, તેઓ પણ તેને કાળમુખી જ કહેતાં. જયારે નયનાબહેન તેની કમનસીબી જોઈને તેને બદનસીબ કે કરમજલી કહેતાં. તેમનાં મનમાં ઘણીવાર મમતા જાગતી પણ તે બતાવતા જ નહીં. રાજવીના પપ્પાને તે એક વર્ષની થઈ ત્યાં તો સરકારી નોકરી મળી ગઈ, અને ઘરની હાલતો સુધારવા લાગી. પણ રાજવીને માતા-પિતાનો પ્રેમ કયારેય ના મળ્યો. બસ ફકતને ફક્ત ભાઈ નિહાલનો પ્રેમ જ મળ્યો હતો.

રાજવીનો જન્મ થયો ત્યારે જ તેને તેની ફિયાને કહીને આ નામ પાડવા કહ્યું. તે કહેતો હતો કે, 'મારી બહેન તો રાજ કરવા જન્મી છે.' નિહાલનો જીવ હતી રાજવી અને રાજવી માટે નિહાલ તેનો મોટોભાઈ નહીં, પણ તેનો ફ્રેન્ડ, સાથી અને માતા પિતા બધું જ હતો. ખાસ કરીને તો તે તેનો સર્પોટર હતો.

નિહાલ એ સિવિલ એન્જિનિયર હતો. તે સમજુ અને ડાહ્યો દીકરો, ભાઈ હતો. તે આવી કોઈ જ વાતો નહોતો માનતો અને પોતાની બહેનને ખૂબજ લાડ કરતો. દાદીને તો નહોતું ગમતું પણ નિહાલ કોઈનું સાંભળતો નહીં જ.

રાજવી જે ઈચ્છા કરતી તે નિહાલ પૂરી કરતો. પછી ભલે તે બાઈક ચલાવવા માંગતી હતી તો તેને પોતાની બાઈક આપી દીધી. તેને કોલેજ કરવી હતી તો તેના માતા-પિતાને મનાવી કોલેજમાં એડમિશન કરાવી આપ્યું. આમ, નિહાલ તેની દરેક ઈચ્છા યેન કેન રીતે પૂરી કરતો.

'રાવણી ગ્રુપ' ને બનાવી તો દીધું. પણ હજી સુધી કોઈ એવું કામ નહોતું કર્યું. રાજવીનું ભણવામાં મન નહોતું લાગતું. જયારે વનિતા લાયબ્રેરીમાં જીપીએસ એકઝામની તૈયારીમાં અને લાવણી મિસ કોલેજના ઈવેન્ટ અને એન્કરીંગની તૈયારીમાં બીઝી હતી.

નિહાલ એક વખતે જોબ પતાવીને બસ પકડવા બસ સ્ટોપ પર આવ્યો. ત્યાં તેણે એક ખૂણામાં બેસીને કોઈનો રોવાનો અવાજ સાંભળીને તે બાજુ જોયું. છોકરાને રોતો જોઈને તેને પૂછયું કે, "શું વાત છે? આમ કેમ છોકરીઓ ની જેમ રોઈ રહ્યો છે?"

તેનો જવાબ ના મળતાં તો નિહાલે કહ્યું કે, "મને તારો મોટો ભાઈ સમજીને તારો પ્રોબ્લેમ કહે, ભાઈ."

આ શબ્દો સાંભળીને અસર થઈ હોય તેમ તે બોલ્યો કે, "મારું નામ નિમેષ છે. મારે કોટામાં ભણવું છે. કોટામાં ફાઈવ સીટ માટે એક એન્ટરન્સ એકઝામ હોય છે, અને સ્કોલરશીપ માટે પણ. મેં એ એકઝામ આપી અને રિઝલ્ટ પણ આવી ગયું."

ફરીથી તે ચૂપ થઈ ગયો અને આંખોમાં આસું આવી ગયા. એટલે નિહાલે પૂછયું કે, "શું રિઝલ્ટ આવ્યું?"

તો જવાબ મળ્યો કે, "મેં ટોપ થ્રીમાં નંબર આવ્યો છે. પણ મારું એડમિશન પોસીબલ નથી."

નિહાલે પૂછ્યું કે, "ટોપ થ્રી... કોન્ગ્રટસ્, તો પછી એડમિશન કેમ નહીં..."

"એકચ્યુઅલી, હું ટોપ થ્રીમાં હોવા છતાં મારું કે મારાથી આગળના કોઈનું પણ એડમિશન ના થયું. અમે એડમિશન પ્રોસેસિંગ કરવા ગયા ત્યારે જ ખબર પડી કે તેમણે ફકત દેખાવ પૂરતી જ એકઝામ લીધી છે. તેમણે તો એડમિશન ડોનેશન લઈને જ આપવું છે. એક સીટ એ રીતે તો ભરી દીધેલી છે. મારા પિતા ડોનેશન આપી શકે એવી અમારી આર્થિક સ્થિતિ નથી, હવે મારા સપનાંનું શું થશે? અને મારા માતા-પિતાને ખબર પડશે તો શું થશે? આ વિચારી વિચારી ને રડવું આવે છે, ઘરે કેમ કરીને જવું... મારામાં તાકાત નથી કે માતા પિતાનો સામનો કરી શકું." નિમેષ રોતાં રોતાં બોલ્યો.

નિહાલે તેને આશ્વાસન આપ્યું અને બસ આવતાં જ તે બેસી ગયા. ઉતરવાનું સ્ટોપ આવતાં જ નિહાલે તેને કહ્યું કે, "મારી જોડે ઘરે ચાલ, શાંતિથી ચા નાસ્તો કર અને પછી આપણે કંઈક વિચારીએ."

નિમેષે તેની ઓફર સ્વીકારીને નીચે ઉતરી ગયો અને નિહાલના ઘરે ગયો. ફ્રેશ થઈને ચા નાસ્તો કર્યો ત્યાં સુધીમાં રાજવી આવી ગઈ. નિહાલે રાજવીને બેસાડીને બધી વાત કરી અને તેને મદદ કરવા માટે કહ્યું.

પહેલાં તો રાજવી કંઈક વિચારવા લાગી પછી બોલી કે, "ભાઈ 'રાવણી ગ્રુપ' તો છોકરીઓ પર થયેલા અન્યાયને રોકવા અને અન્યાયીઓને પાઠ ભણાવવા માટે બનાવ્યું છે."

નિહાલે કહ્યું કે, "એક મિનિટ રાજુ, તમારા ગ્રુપનો ધ્યેય શું છે? મદદ કરવાનો ને.. તો પછી, વળી એવો ફરક શું કામ? છોકરી હોય તો જ મદદ કરવાની અને છોકરો હોય તો મદદ નહીં કરવાની. છોકરી હોય કે છોકરો અન્યાય તો થયો છે ને. અરે છોકરાને પણ લડવા માટે એક મદદગાર કે કોઈના સાથની જરૂર હોય છે. તમારા ગ્રુપે મદદ કરવી જ જોઈએ."

રાજવીએ હા પાડી અને કહ્યું કે, "પણ એક શરત..."

નિહાલ આશ્ચર્યથી એની સામું જોયું તો રાજવી બોલી કે, "તમારે પણ અમને જરૂર પડે તો મદદ કરવી પડશે."

નિહાલે કહ્યું કે, "કેમ નહીં.. ધેટસ માય પ્લેઝર, મેમ"

રાજવીએ ફોન કરીને વનિતા અને લાવણીને બધી વાત કરી તો વનિતા નિહાલની વાત સાથે સંમત થઈ.

નિમેષને મળી બધી જ વાત ફરીથી સાંભળી અને ડિટેઈલ પણ ભેગી કરી. નિમેષની આગળના બે રેન્કરને પણ મળી અને વાતની ચોકસાઈ કરી. એમાંથી એકના પિતાએ ડોનેશન આપીને એડમિશન લઈ લીધેલું.

તેણે નિમેષને પૂછેલું કે, "તારે એ લોકોને પાઠ ભણાવવો છે કે પછી?"

નિમેષે જવાબ આપતાં કહ્યું કે, "ના, મારે તો ફકત એડમિશન થઈ જાય તે જ જોઈએ છે. પ્લીઝ, આગળ વાત નથી વધારવી."

નિહાલ થોડો ઉંમર વાળો ગેટઅપ માં તૈયાર થયો. પ્લાન પ્રમાણે નિમેષની માર્કશીટ માંથી નામ ચેઈન્જ કરીને લાવણીનું નામ લગાવી દેશે.

નિહાલ અને લાવણી તે માર્કશીટ લઈને તેનું એડમિશન કરાવવા મેનેજમેન્ટ પાસે જશે.

નિહાલ મેનેજમેન્ટ પાસે પહોંચી, માર્કશીટ બતાવીને પૂછયું કે, "મારી દિકરી એન્ટરન્સ એકઝામ માં ટોપ થ્રી માં આવેલી છે. તો એનું એડમિશન થયું નથી. તો એના માટે શું કરવું પડશે?"

મેનેજમેન્ટ કહ્યું કે, "એક કામ કરો, તમે કરોડ ભરી દો અને એડમિશન ફાઈનલ."

નિહાલે લાચારી બતાવતાં કહ્યું કે, "પણ..આટલા બધા ભરવાના મારાથી તો શકય જ નથી."

મેનેજમેન્ટ નફ્ફટાઈથી બોલ્યું કે, "તો સીટ પણ ફૂલ.. અમે આગળની સીટો ડોનેશન લઈને જ ભરી છે, સમજયા. નો મની મીન્સ નો એડમિશન.."

નિહાલ દયામણું મ્હોં કરીને કહ્યું કે, "હું ફકત પચાસ લાખ જ આપી શકું છું."

મેનેજમેન્ટ કહ્યું કે, "કાંઈ વાંધો નહીં, અત્યારે પચાસ ભરો અને આવતીસાલે બીજા ભરી દેજો તો એડમિશન આપી દઈએ."

એવામાં નિહાલ પર કોઈનો ફોન આવ્યો તેની સાથે વાત કરી પછી મેનેજમેન્ટ ને કહ્યું કે, "મારા ધંધામાં નુકસાન થઈ ગયું છે, તો હાલ નહીં ભરી શકું આવતી સાલ ભરી દઈશ."

મેનેજમેન્ટ કહ્યું કે, "એ તો પોસીબલ જ નથી. અમારી પોલીસી એ જ છે, 'એડમિશન વિથ મની'."

નિહાલે કહ્યું કે, "તો વાંધો નહીં, હું જોઈ લઈશ તમને લોકોને"

મેનેજમેન્ટને નવાઈ ના લાગી અને તેની ઉડાવતાં હોય તેમ જોયું અને બોલ્યા કે, "હમમમ...."

નિહાલે ઠંડા કલેજે બોલ્યો કે, "તમે એકઝામ નામ ખાતરની લો છો. આ વાત હું ડિકલેર તો કરી દઈશ કે તમે બાળકોના સપનાં અને કેરિયર જોડે રમત રમો છો. તમને કાયદાએ હક આવી રમત રમવા મંજુરી નથી આપતો. હું તમારી લાલચવૃતિને પણ બહાર પાડી દઈશ."

મેનેજમેન્ટ હજી આ વાતને હળવાશમાં લઈને બોલી કે, "કેવી રીતે?"

નિહાલે કહ્યું કે, "આ ફોનની ઓડિયો લીક કરીને... આમાં આપણી વાતચીત રેકોર્ડ થયેલી છે. એ લીક થશે પછી તમારા મેનેજમેન્ટનું ખોખલાપણું બહાર પડી જશે."

મેનેજમેન્ટને એ ઓડિયો સાંભળીને લીક ના કરવાનું કહ્યું અને બોલ્યો કે, "તમારી દિકરીનું એડમિશન ફાઈનલ પણ પ્લીઝ, આ ઓડિયો ડીલીટ કરી દો."

નિહાલે જવાબ આપતા કહ્યું કે, "મારે કાંઈ નથી જોઈતું. ટોપ થ્રી માં આવેલા બંને બાળકોને એડમિશન વિધાઉટ ડોનેશન આપી દો. એટલું જ નહીં એડમિશન કવોટા પ્રમાણે કરો. તમે ડોનેશન દરેક વખતે ના લઈ શકો."

"તો શું તમે તમારી છોકરીનું એડમિશન કરાવવા નથી માંગતા." મેનેજમેન્ટે પૂછયું

"ના ભાઈ ના..હું તો આનો મોટો ભાઈ છું.

અને બૂમ પાડે છે, "નિમેષ.. આ માર્કશીટ એની છે. આને એડમિશન આપવવા માટે આ નાટક કર્યું છે."

નિમેષ આવતાં જ નિહાલે માર્કશીટ પરથી સાચું નામ બતાવીને તેનું એડમિશન કરાવીને 'રાવણી ગ્રુપ'ની ટીમને ખુશખબરી આપી. નિહાલએ પેંડા લઈને નિમેષને પોતાના માતા પિતાને ખુશખબરી આપવા જવાનું પણ કહ્યું.

આ બધી વાતોમાં એક નવી વાત એ બની કે વનિતા અને નિહાલ પહેલીવાર મળ્યા અને એ પછી એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ હજી સુધી તેઓ મનથી કલિયર નહોતા. અને એ અવઢવમાં જ દિવસો વીતી ગયા. એવામાં એક દિવસે વનિતા જીપીએસની એકઝામ તૈયારી કરવા લાયબ્રેરીમાં વાંચી રહી હતી. ત્યાં જ અંજલી આવીને તેની જોડે બેસીને વાંચવા લાગી, વાંચવા કરતાં તે આજુબાજુ નજર વધારે ફેરવી રહી હતી.

એને અચાનક જ માનસીને જોઈ અને પોતાની જોડે બેસવા ઈશારાથી કહ્યું. માનસીએ તેને હાય કરીને બેસી ગઈ. અંજલીએ પૂછયું કે, "હમણાં બે દિવસથી કેમ દેખાતી નહોતી?"

માનસીએ કહ્યું કે, "હા, એક છોકરા જોડે મીટીંગ ગોઠવી હતી, અને એ માટે થઈને બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવી વિગેરેમાં બીઝી હતી."

અંજલી બોલી કે, "હમમ..શું પછી ગમ્યો કે...?"

માનસીએ કહ્યું કે, "હા ગમ્યો તો છે. પણ જોઈએ જવાબ શું આવે છે?"

વનિતા તપાકથી બોલી કે, "આટલી ઉતાવળ શું કામ કરે છે? હજી તો તારું ટીવાય પણ બાકી છે."

માનસીએ કહ્યું કે, "માતા પિતા મને પરણાવી દઈને જવાબદારીથી મુકત થવા માંગે છે. હું કંઈ તારા જેવી ભણવામાં હોંશિયાર તો છું નહીં, તો પછી મમ્મી પપ્પા કહે તેમ શું કામ ના કરવું."

અંજલીએ વાત બદલતાં માનસીને પૂછયું કે, "છોકરાનું શું નામ છે? કેવા દેખાય છે જીજાજી? અને તે મીટીંગ શું પૂછયું? તે તો કહે."

માનસીએ જવાબ આપતાં કહ્યું કે, "નિહાલ નામ છે, એન્જિનિયર છે. મેં તેમને કેવી જીવનસાથી જોઈએ? હોબી શું છે? વિગેરે વિગેરે."

અંજલી બોલી કે, "નિહાલ નામ તો સાંભળેલું લાગે છે. કયાં.. અરે હા, આ તો રાજવીના ભાઈનું નામ નિહાલ હતું, હે ને વનિતા?"

વનિતા તરતજ બોલી ઉઠી કે, "હા...પણ એ થોડો હોય?"

માનસીએ કહ્યું કે, "કેવો કો-ઈન્સડિન્સ, મને જોવા આવેલા છોકરો મીન્સ કે નિહાલની એક બહેન છે અને તેનું નામ પણ રાજવી જ છે. તે સૌથી વધારે તેનું જ માને છે. અને તે પણ કોલેજના છેલ્લા વર્ષમાં જ ભણે છે."

અંજલીએ કહ્યું કે, "સાચ્ચે કો-ઈન્સડિન્સ જ છે. આપણે રાજવીને ફોન કરીને જ પૂછી લઈએ કે તેનો ભાઈ ગઈકાલે છોકરી જોવા ગયો હતો કે નહીં"

આમ બોલીને તેણે રાજવીને ફોન કરીને પૂછ્યું. વાત કરીને પછી કહ્યું કે, "મારા મનમાં હતું જ એવું નીકળ્યું. તને જોવા આવેલો નિહાલ એ રાજવીનો ભાઈ જ છે."

વનિતાના મનમાં દુઃખ થયું અને તે ઉતાવળે જ બોલી ઉઠી કે, "એ તને ના જ પાડી દેશે... મીન્સ કે તેમને કદાચ તું ના પણ ગમે."

અંજલી અને માનસી આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા.

આ સાંભળીને વનિતાના ચહેરા પર અણગમો આવી ગયો.

અંજલી ધૂનમાં ને ધૂનમાં બોલવા લાગી કે, "અરે, વાહ... તું તો રાજવીની ભાભી બની જઈશ."

"પણ નિહાલ તો ના પાડી દેશે કદાચ." વનિતા ઉતાવળે બોલી પડી.

વનિતાની સામે અંજલી અને આશ્ચર્યથી જોતાં જોઈને વનિતા બોલી કે, "આ તો મને એવું લાગે છે! પણ માનસી તું ના પાડી દે."

માનસીની જગ્યાએ અંજલી બોલી કે, "પણ એ એવું શું કામ કરે??"

વનિતાએ જવાબ આપતાં કહ્યું કે, "બસ એમ જ, મને લાગે છે કે નિહાલ માનસી માટે લાયક નથી. એ એની બહેન સાથે એવો જોડાયેલો છે કે રાજવી તેના ભાઈને કોઈ સાથે શેયર ના કરે. વળી, એ પણ એની બહેનની બધી જ વાતો આંખો બંધ કરીને માની લે છે."

માનસીએ કહ્યું કે, "રીઅલી, પણ તેની વાતો પરથી મનેતો એવું નહોતું લાગ્યું. અને તને કેવી રીતે આ બધી ખબર?"

વનિતા આ સાંભળીને ઊભી થઈને જતી રહી અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે, "મને પણ કયાં ખબર છે કે, કેમ હું આવું બોલી? પણ કદાચ મને....."

રમેશભાઈ અને રમીલાબેનના ઘરમાં સાફસફાઈ ચાલી રહી હતી. સોફા પર નવા ગાલીચા, તકિયા પર નવા કવર લાગી રહ્યા હતા. ઘરમાં નવો ગાલીચો પાથર્યો હતો. રમીલાબેન ઘરમાં ઊભા રહીને એકેએક ખૂણો સાફ કરાવી રહ્યા હતા. નવા કપ રકાબી આવી ગયા હતા. નવા નવા પકવાનોની ખૂશ્બુ ઘરમાંથી આવી રહી હતી.

રમેશભાઈ પણ બજાર જઈને સારામાં સારી મિઠાઈ લઈ આવ્યા હતા. રમેશભાઈ અને રમીલાબેન ચાર વાગ્યે તૈયાર થઈ ગયા. એમની દિકરી માટે સારા ઘરમાંથી માંગુ આવ્યું હતું. એ લોકો લાવણીને જોવા આવવાના હતા. આ દિવસ માટે લાવણી પણ બ્યુટી પાર્લર જઈને હેર, ફેઈસ ટ્રીટમેન્ટ કરાવી આવી હતી.

સાંજે ચાર વાગ્યે અભિષેક, તેના પિતા નાથાભાઈ અને તેના માતા શારદાબેન, તેનો કઝીન વિનય અને બહેન સૌમ્યા આવી ગયા હતા. તે લોકોને અને ખાસ કરીને અભિષેકને તો લાવણીએ અડધી બારી ખોલીને જોઈ લીધા.

અભિષેક આમ જોવા જાવ તો હીરો જેવો દેખાવડો હોય એટલો બધો નહોતો, પણ એક નજરે ગમે એવો હતો. વળી, ગર્ભશ્રીમંત માતા પિતાનો દીકરો, વળી બહેન પરણેલી અને નાનો ભાઈ જ હતો. સૌથી વધારે તો તે આર્કિટેક્ટ એન્જિનિયર અને મલ્ટીનેશનલ આર્કિટેક્ટ કંપનીમાં કામ કરતો વર્ષે દહાડે તેનું પેકેજ 15 લાખનું હતું.

તેઓના ચા-નાસ્તાનો દોર સાથે સાથે વાતચીતનો દોર ચાલી રહ્યો હતો. અભિષેકની માતા શારદાબેને કહ્યું કે, "અરે, લાવણીને તો બોલાવો. જેને મળવા અમે ખાસ આવ્યા છીએ. બાકી આપણે તો સમાજના ફંકશનોમાં મળીએ છીએ."

રમીલાબેને કહ્યું કે, "હા કેમ નહીં, લાવણી બેટા... લાવણી બેટા... જરા બહાર આવ."

લાવણીએ આસમાની રંગનો ચિકન સૂટ પહેરેલો. આસમાની રંગના સૂટમાં લાલ કલરનું ચિકનકારી વર્ક કરેલું હતું રેડ કલરનો લહેરિયો દુપટ્ટો પહેરેલો. એમાં લાવણી ખૂબસૂરત લાગી રહી હતી. અભિષેક તો તેને જોઈ જ રહ્યો.

ઘરના દરેક વ્યક્તિ તેની સામે જોઈ રહ્યા હતા. લાવણીને પોતાની જોડે બેસાડીને ઔપચારિક વાતો સાથે સાથે લાવણીને પૂછવા લાગ્યા.

પછી અભિષેક અને લાવણી બંનેને વાતચીત કરવા માટે રૂમમાં મોકલવામાં આવ્યા.

રૂમમાં ની ચૂપકીદી તોડતાં અભિષેકે પૂછયું કે, "તમને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમે છે ખરું? મારા માતા પિતાને તમે તમારા માતા પિતા માની શકશો ખરા?"