maakad in Gujarati Motivational Stories by Om Guru books and stories PDF | માંકડ

The Author
Featured Books
Categories
Share

માંકડ

માંકડ


"કહું છું, આપણો દીકરો દિવ્યેશ અને એની પત્ની મોનિશા વર્ષો પછી અમેરિકાથી ઉનાવા આવી રહ્યા છે, તો દીકરા જોડે તમારા સ્વભાવ પ્રમાણે ગુસ્સામાં અને ઉગ્ર થઇને વાત ના કરતા." કસ્તુરીબેને પતિ નરોત્તમભાઇને શિખામણ આપતા કહ્યું હતું.

"આ દીકરો જેટલો તમારો છે એટલો મારો પણ છે. દસ વર્ષથી અમેરિકા ગયો છે અને ત્રણ વર્ષ પહેલા અમેરિકામાં સમાજની બહાર લવ મેરેજ કર્યા તો આપણને ખાલી સમાચાર આપવા ફોન કર્યો હતો. દીકરાએ પૂછ્યું પણ નહિ કે પપ્પા, હું લગ્ન કરું કે નહિ? તોય દર પંદર દિવસે એનો ફોન આવે છે ત્યારે હું શાંતિથી જ વાત કરું છુંને? તને એમ છે કે જાણે હું એનું મોઢું જોતાં એને ચાર પાંચ લાફા ઠોકી દઇશ." નરોત્તમભાઇએ અકળાઇને કહ્યું હતું.

"બસ, આ જ વાત માટે હું તમને ના પાડુ છું. હું નથી બોલતો... હું નથી બોલતો કરીને કેટલું બધું બોલી જાઓ છો એ આખું ઉનાવા ગામ જાણે છે. કાલે મધુભાઇ જોડે કારણ વગર લાંબી લપ કરતા હતાં એ બધું રસોડામાં બેસીને મેં સાંભળ્યું હતું અને છેવટે એમને ગુસ્સામાં તમે ખખડાયા પણ હતાં. આ તો મધુભાઇ સ્વભાવે સારા છે કે એમણે તમારા ગુસ્સાનો વળતો જવાબ આપ્યો નહિ." પત્નીએ પોતાના સ્વભાવની ઉગ્રતા વિશે વાત કરી એ નરોત્તમભાઇને જરાય ગમ્યું ન હતું.

પત્ની કસ્તુરીની વાતો સાંભળતા સાંભળતા એ ભૂતકાળમાં સરી ગયા હતાં.

નરોત્તમભાઇનો એકનો એક દીકરો દિવ્યેશ બે દીકરીઓ પછી આવ્યો હતો. એમને એમના દીકરા માટે ખૂબ જ પ્રેમ અને થોડાંક અંશે રાજા ધૃતરાષ્ટ્ર જેવો મોહ પણ હતો.

મહેસાણા કોલેજ પૂરી કરી દિવ્યેશે જ્યારે અમેરિકા જવા કહ્યું ત્યારે એમની ઇચ્છા દિવ્યેશને અમેરિકા મોકલવાની જરાય ન હતી, કારણકે નરોત્તમભાઇના બાપ-દાદા ઘણીબધી મિલકત મુકીને ગયા હતાં અને નરોત્તમભાઇએ પણ પોતાની હોંશિયારીથી સારી એવી ધનદોલત ભેગી કરી હતી. માટે એ પુત્રને એશોએરામથી ઉનાવામાં જ રાખવા માંગતા હતાં.

નરોત્તમભાઇના આ સપના પર દિવ્યેશે એવું કહીને પાણી ફેરવ્યું હતું કે એણે ઉનાવામાં રહીને કૂવાના દેડકાં બનવું નથી. અમેરિકા જેવા વિકસિત દેશમાં રહી અને પોતાનું કેરીયર બનાવવું છે અને જીવનમાં કંઇક કરી બતાવવું છે. બસ દિવ્યેશની આ હઠ આગળ છેવટે એમને ધૃતરાષ્ટ્રના પુત્ર મોહની જેમ પુત્રની ઇચ્છામાં જ પોતાની ઇચ્છા છે એમ કહી દિવ્યેશને અમેરિકા જવાની સંમતિ આપી હતી.

ન્યૂયોર્ક શહેરમાં દિવ્યેશે ભણીને ખૂબ પ્રગતિ કરી હતી. મોટા બે ડીપાર્ટમેન્ટલ સ્ટોર પણ એણે પોતાની હિંમત, મહેનત અને લગનથી ઊભા કર્યા હતાં. નરોત્તમભાઇ પાસે એણે રૂપિયા માંગ્યા ન હતાં. એ વાતનું પણ નરોત્તમભાઇને ખૂબ જ દુઃખ થયું હતું. એકવાર તો એમણે એમની પત્ની કસ્તુરીને કહ્યું પણ હતું.

"મારો પોતાનો દીકરો મારી પાસે પૈસા માંગતા નાનમ અનુભવે છે. ત્યાં અમેરિકાની બેંકમાંથી લોન લઇ બેંકોના વ્યાજ ભરે છે પણ મારી પાસે પૈસા માંગતો નથી. આ સંપત્તિ અને જાયદાદ બધું એનું તો છે. પછી બાપ પાસે માંગવામાં શરમ શાની?" નરોત્તમભાઇએ પોતાના હૃદયનો બળાપો કાઢતા પત્ની કસ્તુરીને કહ્યું હતું.

કસ્તુરીએ નરોત્તમભાઇને ઢંઢોળ્યા ત્યારે તેઓ ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં આવ્યા હતાં.

બે દિવસ પછી દિવ્યેશ એની પત્ની મોનિશા સાથે અમદાવાદ એરપોર્ટ ઉતરીને સીધો ઉનાવા આવ્યો હતો. કસ્તુરીબેને દીકરા-વહુનું આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું.

દિવ્યેશનો બધો સામાન ઘરના નોકરે એના રૂમમાં મુકી દીધો હતો. દિવ્યેશનો રૂમ એ.સી.વાળો નરોત્તમભાઇએ પહેલેથી જ બનાવડાવ્યો હતો, પણ દિવ્યેશ અચાનક આવવાનો હતો માટે નવું ફર્નિચર કરાવવાની તક એમને મળી ન હતી.

વહુ મોનિશા કસ્તુરીબેન જોડે બરાબર વાત કરતી નથી અને એના રૂમમાં જ બેસી રહે છે એની નોંધ નરોત્તમભાઇએ લીધી હતી. નરોત્તમભાઇ આમ તો ચૂપ રહેવા જ માંગતા હતાં પરંતુ કસ્તુરીબેનના મોઢા પર દેખાતું દુઃખ એમનાથી જોવાતું ન હતું.

"દિવ્યેશ, તારી વહુ મોનિશાને કહે કે તારી મમ્મી જોડે બેસીને થોડી વાતો કરે. તારે અમેરિકા ગયે દસ વર્ષ થયા છે અને લગ્ન કરે પણ ત્રણ વર્ષ થઇ ગયા. તારી વહુ તારી મમ્મી જોડે ફોનથી પણ બહુ ઓછી વાત કરે છે. હવે તું પંદર દિવસ અહીંયા રહેવાનો છે તો એને સમજાવ કે તારી મમ્મી જોડે થોડી વાત કરે તો એને થોડી શાંતિ મળે. પછી ખબર નહિ તું ક્યારે પાછો આવીશ અને પાછો આવીશ ત્યારે અમે આ દુનિયામાં હોઇશું કે નહિ એ રામ જાણે." નરોત્તમભાઇએ નિસાસો નાંખતા દિવ્યેશને સમજાવતા કહ્યું હતું.

"પપ્પા, મોનિશાને રાત્રે પથારીમાં માંકડ હોવાના કારણે ઊંઘ આવી ન હતી. એનું લોહી ખૂબ મીઠું છે એટલે માંકડ તરત એના શરીરે ચોંટી જાય છે. એ અમેરિકામાં જન્મી અને મોટી થયેલી છે. એને ઇન્ડિયા જરાય ગમતું નથી છતાં પણ એ અહીં તમને લોકોને મળવા આવી છે. આ વાત તમને જરાય દેખાતી નથી." દિવ્યેશ અકળાઇને બોલી રહ્યો હતો.

"હા ભાઇ, અમારા માટે એની ઉદારતા ઘણી કહેવાય અને એનું લોહી મીઠું છે એ વાતની ખબર મને ત્રણ વર્ષ પહેલા જ પડી ગઇ હતી. જે દિવસે મેં આ માંકડને ઉછેરી પચ્ચીસ વર્ષનો કર્યો એ માંકડ એને ચોંટી ગયો અને એના મા-બાપને ભૂલી ગયો એ દિવસે જ હું જાણી ગયો હતો કે એનું મીઠું લોહી અમારા માંકડને વહુઘેલો બનાવવા માટે પૂરતું છે." નરોત્તમભાઇએ ચાપખા મારતા હોય એવી રીતે દિવ્યેશને કહ્યું હતું.

"તમારો આ આખાબોલો સ્વભાવ જ મને ગમતો નથી. વાતેવાતે તમે ચાપખા મારવાનું છોડતા નથી. મારી સાથે આખી જિંદગી સંબંધ રાખવો હોય તો તમારો આ આખાબોલો સ્વભાવ છોડવો પડશે." દિવ્યેશ નફ્ફટાઇથી બોલી રહ્યો હતો.

નરોત્તમભાઇએ દિવ્યેશ સામે હાથ લાંબો કરી કહ્યું હતું.

"જો બેટા દિવ્યેશ, આ શરીરમાં એક પટેલનું લોહી વહે છે અને આખાબોલો સ્વભાવ પટેલ જન્મથી લોહીમાં લઇને જ જન્મે છે. એ સ્વભાવ પટેલનો દીકરો મરે નહિ ત્યાં સુધી જ્યાં નહિ. તારા લક્ષણ જોતાં મને તો કાયમ એવી શંકા થાય છે કે મહેસાણા હોસ્પિટલમાં તું નર્સની ભૂલથી બદલાઇ ગયો લાગે છે. તારામાં પટેલને શોભે એવા એક પણ લખ્ખણ હજી સુધી તો મને દેખાયા નથી." નરોત્તમભાઇએ પણ ગુસ્સામાં લાલચોળ થઇને કહ્યું હતું.

"હું એટલે જ અહીંયા આવવા માંગતો ન હતો. આમેય હું પરમદિવસે સવારે અમદાવાદ જવા નીકળી જવાનો છું. મોનિશાના કાકાના છોકરાના લગ્નમાં હાજરી આપવી પડે એમ છે અને એટલે જ હું અમેરિકાથી ઇન્ડિયા આવ્યો છું. તમારા મેણાંટોણાં સાંભળવા માટે આવ્યો નથી." આટલું બોલી દિવ્યેશ એના રૂમમાં જતો રહ્યો હતો.

કસ્તુરીબેન રસોડામાં બેઠાં બેઠાં બાપ અને દીકરાની ઉગ્ર ચર્ચા સાંભળી રહ્યા હતાં. દીકરો અમેરિકાથી મા-બાપને મળવા નહિ પરંતુ સાસરાપક્ષના લગ્નમાં હાજરી આપવા આવ્યો છે એ જાણીને બંન્ને જણ ખૂબ દુઃખી થઇ ગયા હતાં.

બે દિવસ પછી દિવ્યેશ અને મોનિશા અમદાવાદ જવા નીકળી ગયા હતાં. ત્યારબાદ દિવ્યેશે અમેરિકા પહોંચ્યા બાદ જ ઘરે ફોન કર્યો હતો.

પતિ-પત્ની બંન્ને પુત્રને યાદ કરતા રોજ જીવ બાળતા હતાં. આ રીતે એક વર્ષ પસાર થઇ ગયું હતું.

એક દિવસ દિવ્યેશનો ફોન આવ્યો અને કસ્તુરીબેન દિવ્યેશ સાથે વાત કરી રહ્યા હતાં. એણે કસ્તુરીબેનને ફોન પપ્પાને આપવાનું કહ્યું હતું.

"પપ્પા, મને ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું છે. મારા બે સ્ટોર વેચ્યા પછી પણ મારા માથે રૂપિયા બે કરોડનું દેવું બાકી રહે છે. એ રકમ જો હું એક મહિનામાં જમા નહિ કરું તો મને જેલ પણ થઇ શકે છે. આ પરિસ્થિતિમાંથી તમે મને બચાવી શકો એમ છો. મારે જેલમાં જવું નથી. મેં મારા મિત્રો અને સાસરાપક્ષ બધાંની જોડે મદદ માંગી જોઇ પરંતુ મારી મદદ કરવા કોઇ તૈયાર નથી. હું અને મોનિશા સાવ એકલા પડી ગયા છીએ અને ચારેય બાજુથી ઘેરાઇ ગયા છીએ." દિવ્યેશે રડતાં રડતાં કહ્યું હતું.

"બેટા, તું જરા પણ ચિંતા કરતો નહિ. બે કરોડનું તો શું વીસ કરોડનું પણ દેવું હોય તો આ તારો બાપ ઉનાવા બેઠાં બેઠાં અમેરિકાની બેંકમાં પૈસા ભરી શકે એટલો સદ્ધર છે. હું તારું બધું જ દેવું અઠવાડિયામાં જ ચૂકવી દઇશ પણ મારી એક શરત છે. તારું બધું દેવું ચૂકવી દઉં પછી તારે અમેરિકા છોડી અમારી સાથે કાયમ માટે ઉનાવા આવીને રહેવું પડશે. મને તારા માટે ખૂબ જ પ્રેમ છે પરંતુ મારો પ્રેમ ધૃતરાષ્ટ્ર જેવો આંધળો નથી કે તારી દરેકે દરેક વાત હું ચૂપચાપ સહન કર્યા કરું. મારી શરત મંજૂર હોય તો બોલ અને હા મારી શરત મંજૂર હોય તો મોનિશાને કહેજે કે એ અહીંયા કાયમી રહેવા માટે આવી જશે તો આપણે ઘરનું બધું ફર્નિચર આજના સમય પ્રમાણે આધુનિક બનાવડાવી દઇશું. જેથી માંકડ એનું ખૂન ચૂસી ના શકે. તું અને એ બંન્ને ચર્ચા કરી મને ફોન કરો." નરોત્તમભાઇએ ફોન મુકતા કહ્યું હતું.

નરોત્તમભાઇની વાત સાંભળી કસ્તુરીબેને પોક મુકી હતી.

"તમે બાપ થઇને દીકરા સાથે સોદો કરો છો. એની તકલીફમાં એને મદદ કરતી વખતે શરત રાખો છો. આ તમને શોભતું નથી." કસ્તુરીબેને રડતાં રડતાં કહ્યું હતું.

"હું અને તું દિવ્યેશ વિના રોજ અહીંયા મરી મરીને જીવીએ છીએ. દિવ્યેશ જોડે જીવવાનો, એના છોકરાઓ સાથે રમવાનો મોહ હું અને તું બંન્ને છોડી શકતા નથી. હું જાણું છું કે આવા સમયે આવી શરત રાખવી યોગ્ય નથી પરંતુ દીકરાને સચ્ચાઇનું ભાન થાય અને ખરા સમયે અહીં આવી આપણી આ સંપત્તિ, જમીનો અને માલમિલકત સંભાળી લે તોય એની સાત પેઢીને ખૂટે નહિ એટલું આપણી પાસે છે. આજની આ દુનિયા બદલાઇ ગઇ છે. સીધી આંગળીએ ઘી ના નીકળે અને લોહી ચૂસ્યા વગર શરીરે ચોંટેલું માંકડ ના ઉખડે. આજે હું મારા દીકરાને મુસીબતમાંથી બહાર કાઢી અને આખી જિંદગી એને આ ઉનાવામાં આપણી સાથે જીવાડીશ. આપણે મરીએ ત્યારે આપણે એનું અને એના છોકરાઓનું મોઢું જોઇ શાંતિથી મરી શકીએ. હવે આ વાત બદલ તું મને બાપ કહે કે પછી સાપ કહે મને કશો ફરક પડતો નથી." નરોત્તમભાઇએ ખૂબ મજબૂત થઇ કહ્યું હતું.

લગભગ એક કલાક વીત્યો હશે અને દિવ્યેશનો ફોન આવ્યો હતો.

"પપ્પા, મેં અને મોનિશાએ ખૂબ વિચાર્યું અને છેવટે અમે એ નિર્ણય પર આવ્યા છીએ કે અહીંયા હેરાનગતિ અને જેલ ભોગવવી એના કરતા ઉનાવા આવી તમારા બંન્ને જોડે શાંતિથી જિંદગી જીવવી અને આ નિર્ણય અમે બંન્નેએ ખૂબ જ સમજી વિચારી અને સ્વસ્થ મને લીધો છે." દિવ્યેશે નરોત્તમભાઇને કહ્યું હતું.

"બસ, તો પછી તું ચિંતા છોડી દે. આપણા સમાજના બોકરવાડા ગામના નટુભાઇ પટેલ ન્યુજર્સીમાં જ રહે છે. હું એમને કહી તને બે કરોડ રૂપિયા બે દિવસમાં મળી જાય એવી વ્યવસ્થા કરવાનું કહું છું અને એમને એ રકમ હું અહીંયા એ જ્યાં કહેશે ત્યાં પહોંચાડી દઇશ. તું ઝડપથી તારું બધું દેવું પૂરું કરી ઉનાવા પાછો આવી જા." નરોત્તમભાઇએ દિવ્યેશને કહ્યું હતું.

એક મહિના પછી દિવ્યેશ પોતાનું બધું જ દેવું ચૂકવી પોતાનો બધો સામાન અને અમેરિકા સાથે જોડાયેલા મોહના મુળિયા ઉખાડી ઉનાવા પાછો આવ્યો હતો.

નરોત્તમભાઇએ પણ એમનું આખું ઘર દીકરો અને વહુ આજના સમય પ્રમાણે સારી રીતે રહી શકે એ માટે આધુનિક અને ફુલ ફર્નિચરયુક્ત બનાવડાવાનું શરૂ કરી દીધું હતું.

"વહુ બેટા, ઉનાવાનો માંકડ છેવટે તમને કાયમ માટે ઉનાવા ગામ લઇ આવ્યો ખરો." નરોત્તમભાઇએ મોનિશાને હસતાં હસતાં કહ્યું હતું.

નરોત્તમભાઇની વાત સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યા હતાં.

(વાચક મિત્રો, આ વાર્તા આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)

- ૐ ગુરુ