ડ્રીમ ગર્લ 14
સ્વપ્નસુંદરી અને સ્વપ્નનો રાજકુમાર. યુવાનીના ઉંબરે પગ મુક્તા મનમાં રચાતું એક કલ્પનાવિશ્વ. એની હાઈટ આવી હશે, ત્વચા આવી હશે, રંગ આવો હશે, હાસ્ય આવું હશે, ચાલ આવી હશે, માંસલતા આવી હશે, લહેકો આવો હશે. અને પછી શરૂ થાય છે ઇંતેજાર. એની પ્રાપ્તિ નો. પણ એ એમ થોડું મળે છે. અને શરૂ થાય છે એક વ્યથાનો દોર.
ક્યારેક કોઈ સેલિબ્રિટી યુવાનોની સ્વપ્નસુંદરી હોય છે. પણ એ સમયે એ સ્પષ્ટ હોય છે કે એની પ્રાપ્તિ શક્ય નથી.
પણ જ્યારે મનોજગતમાં આકાર લીધેલી સ્વપ્નસુંદરી સામે હોય અને એની પ્રાપ્તિ અશક્ય લાગે ત્યારે ? વ્યક્તિનું સમગ્ર વિશ્વ તૂટી પડે છે. જીવનના સ્વપ્નો, આધારો, અપેક્ષાઓ, વિશ્વાસ, શ્રદ્ધા, ઈશ્વર.... કોઈની ઉપર વિશ્વાસ રહેતો નથી.
જિગર નિલાને જોઈ રહ્યો. નિશિધની સાથે. નિશિધ કોઈ મોડેલથી કમ ન હતો. નિશિધની સામે જિગર પોતાને વામણો સમજતો હતો. અને એ નિશિધની સાથે એની નિલુ, એની સ્વપ્નસુંદરી ગરબે ઝૂમતી હતી. હવામાં ઓક્સિજન ખતમ થઈ ગયો હતો. જિગરનું મન મુંઝાતું હતું. એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જીવવાના તમામ આધારો તૂટી પડ્યા હતા. કોના માટે જીવવું ? એ એની નિલુ પર એક છેલ્લી નજર નાંખી ઘરમાં ગયો. પહેલાં એક પળ અરીસા સામે ઉભો રહ્યો. પછી ઈશ્વરના ફોટા સામે ઉભો રહ્યો. એને ઈશ્વર પર ખૂબ ગુસ્સો આવતો હતો....
ઈશ્વરે આ દુનિયા બનાવી છે. પણ આવી ? આવી વ્યથાઓ ભરવાનું કારણ શું ? શું ઈશ્વરને પરપીડન માં મઝા આવતી હશે ? શું ઈશ્વર પણ પોતાના મનોરંજન માટે માણસોની દુનિયા બનાવી માણસોને નચાવતો હશે ? જા આજ થી હું તને નથી માનતો. ભલે તું સૃષ્ટિનો રચયિતા હોય. મને તે શું આપ્યું ? ફક્ત દુઃખ? ફક્ત વેદના ? મેં માંગ્યુ શું હતું ? હું જેને પ્રેમ કરતો હતો એ ?
ના, ઈશ્વરની આ દુનીયા મને ના જોઈએ. જિગરને સમજાતું ન હતું કે શું કરવું. એણે કપડાં બદલ્યા. એક બેગમાં કેટલોક સામાન નાખ્યો. લાઈટ બંધ કરી બહાર નીકળ્યો. રૂમને તાળું માર્યું. નીચે, મમ્મી તાળું મારી ગરબા જોવા ગઈ હતી. જિગર પાસે એક એક્સ્ટ્રા ચાવી હતી. જિગરે નીચેનો રૂમ ખોલ્યો. એક ચિઠ્ઠી લખી કિચન પર મૂકી. ઘરની બહાર નીકળી ઘરને તાળું માર્યું. ગેરેજનો દરવાજો અને કમ્પાઉન્ડનો દરવાજો ખોલ્યો. જીપ સ્ટાર્ટ કરી બહાર કાઢી. સ્પીકરના જોરદાર અવાજમાં આ અવાજ ક્યાંય દબાઈ ગયો.
જિગરે ગેરેજ અને કમ્પાઉન્ડનો દરવાજો બંધ કર્યો અને જીપ સ્ટાર્ટ કરી. જે ઘર અને અને જે મહોલ્લામાં પોતાનો આત્મા વસતો હતો, એનાથી મન ઉઠી ગયું હતું. જાઉં તો ક્યાં જાઉં ? ક્યાં મલે આ મનને વિરામ ? એવું કોઈ સ્થાન દેખાતું ન હતું. એક અજાણી સફરે એણે ગાડી રવાના કરી. જ્યાં એની યાદ ના સતાવે ...
** ** ** ** ** ** ** ** ** ** **
નાસ્તાનો બ્રેક પડ્યો અને સ્પીકરો એ વિરામ લીધો. સંગીતના તાલે થીરકતા શરીરે વિશ્રામ માંગ્યો. નિલાની તંદ્રા તૂટી. એ વાસ્તવિક જગતમાં પાછી આવી. ઓહ નો. એ નિશિધની સાથે ગરબા રમતી હતી. ના.... આજ સુધી એ ક્યારેય કોઈ યુવક સાથે ગરબા રમી ન હતી. એની નજર સામે ગેલેરી તરફ ગઈ. ત્યાં જિગર ન હતો. કદાચ ઈન્ટરવલના કારણે ઘરમાં ગયો હોય. પણ નિલાના અજ્ઞાત મનમાં કોઈ હતાશા વ્યાપી હતી. ઘણીવાર કોઈ દેખીતા કારણ વગર પણ મન ઉદાસ થઈ જાય છે.
કૃષ્ણ ગોકુળ છોડી ગયા. એ રાધાનું દર્દ જાણતા હશે ? એ સર્વજ્ઞ હતા. પણ જિગર સર્વજ્ઞ ન હતો. નિશિધ આજે ખૂબ ખુશ હતો. નિલાને સંગ એ ગરબે રમ્યો હતો. પણ અમીના મનમાં એક ડર હતો. ઘણું બધું જાણતા હોવું એ દર્દ પણ ઘણું આપે છે. અજાણ્યા હોવું કે થવું એ ઘણીવાર સુખકારક છે. અમીને ઘણી આશંકા હતી. પણ યોગ્ય સમય આવ્યા વગર બોલવાનો કોઈ અર્થ ન હતો.
નાસ્તાનો પ્રોગ્રામ પતી ગયો. નિલાએ અડધો નાસ્તો પરાણે પૂરો કર્યો. અડધા નાસ્તાની પ્લેટ એમને એમ પાછી મૂકી. અન્ન એ દેવ છે. એનો બગાડ એ દેવનું અપમાન છે.. આવું જાણતા હોવા છતાં એનો અમલ કરવાની શક્તિ પણ તો હોવી જોઈએ ને ?
ગરબા ચાલુ થયા. નિલાનું મન ન હતું. અમી, નિલાના ચહેરા પરથી કંઇક સમજી રહી હતી. એણે નિલાને ગરબા રમવા આગ્રહ કર્યો. પણ નિલા તૈયાર ના થઇ. નિલાનું મન કહેતું હતું કે હમણાં ગરબા ચાલુ થશે એટલે જિગર ચોક્કસ ગેલેરીમાં આવશે. નિલા એની મમ્મી અને જિગરની મમ્મી બેઠા હતા ત્યાં જઈ ને બેઠી. નિલાની નજર વારેઘડીએ જિગરની ગેલેરીમાં જતી હતી. પણ જિગર ના આવ્યો.
અમી અને નિશિધ ગરબા રમવા જોડાયા. પણ બન્ને નું મન ના લાગ્યું. ગરબાનું હાર્દ જાણે ખતમ થઈ ગયું હતું. રાસલીલા કૃષ્ણ વગર પૂર્ણતાના આરે ના પહોંચે. રાસલીલાનું હાર્દ જ કૃષ્ણ હોય અને એ રિસામણે બેઠા હોય તો ? એ તો રાધા નું મન જ જાણે.
ગરબા પુરા થયા. બધા વિખરાયા . નિશિધે રજા લીધી. એણે નિલાના ચહેરા પર નજર નાંખી. એ ઘણું સમજવાની કોશિશ કરતો હતો. પણ કોઈનું મન એમ સમજવું સહેલું થોડું છે. અમી અને નિલા, નિલાના ઘર તરફ વળ્યા. નિલા એ ઘરે આવી, જિગરના રૂમ તરફ નજર કરી. જિગરના રૂમની તમામ લાઇટો બંધ હતી. એક અજબ ઉચાટ અનુભવતી એ કપડાં બદલી બેડ પર આડી પડી. એને જિગરના શબ્દો યાદ આવતા હતા. " યુ આર માય ડ્રીમ ગર્લ.... તું મારી સ્વપ્નસુંદરી છે.. અમી નહિ. "
અમી સુઈ ગઈ હતી. સોસાયટીની સ્ત્રીઓનું મીડિયા પર એક ગ્રુપ હતું. એમાં લોકો એ આજના ગરબાના કેટલાક ફોટા અને વીડિયો મુક્યા હતા. નિલાને ઉંઘ આવતી ન હતી. એણે એ ફોટા અને વીડિયો જોયા. પોતે નિશિધ સાથે મન મૂકીને ગરબા ગાતી હતી. નિશિધ પોતાના આછા સ્પર્શ સાથે પોતાને સ્ટાઇલની નકલ કરતો હતો. નિલાને ગુસ્સો આવતો હતો. એ નિશિધે કોઈ છોકરીની મરજી વગર એની સાથે ગરબા રમતા પહેલાં વિચાર કરવો જોઈએ. પછી નિલાને પોતાની ઉપર ગુસ્સો આવ્યો....
" ફટ રે ભૂંડી, પરાયા મર્દ જોડે ગરબા રમતા તને લાજ ના આવી.... "
** ** ** ** ** ** ** ** ** **
રોડ પર સન્નાટો હતો. વાહનવ્યવહાર ખૂબ જ ઓછો હતો. જીપના અજવાળામાં જિગરે બોર્ડ જોયું.
" સાવધાન... માનવરહિત રેલવે ફાટક... "
જિગરે જીપ સ્હેજ આગળ લઈ જઈ સાઈડમાં ઉભી રાખી. હેડ લાઈટ બંધ કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી. હેન્ડબ્રેક લગાવી અને નીચે ઉતર્યો. દૂરથી આવતી ગાડીની વ્હીસલ સંભળાતી હતી. જિગર રેલવે લાઈન તરફ આગળ વધ્યો ...
( ક્રમશ : )
25 જાન્યુઆરી 2021