Sajan se juth mat bolo - 3 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 3

Featured Books
Categories
Share

સજન સે જૂઠ મત બોલો - 3

પ્રકરણ ત્રીજું/૩

જે દુર્દશાની સ્થિતિમાં મનહરલાલ પડ્યા હતાં, તે જોઇને એક સેકંડ માટે સપના ધબકારો ચૂકી ગઈ. આંખોના ડોળા ફાટી રહ્યાં. મનહરલાલની હાલત જોઇને રીતસર દોડીને, ધ્રૂજતા ધ્રૂજતા સપનાએ ઊંધાં પડેલાં તેના શરીરને સરખું કરી, તેનું માથું ખોળામાં લેતાં જોયું તો.. ફરી સપનાની રાડ ફાટી ગઈ...મનહરલાલની નિસ્તેજ ઉઘાડી આંખો અને મોઢાંમાંથી નીકળેલાં ફીણ જોઇને સપનાનું હૈયાફાટ રુદન શરુ થયું. શાંત પડી ગયેલા હ્રદયના ધબકારા અને હાથની નાડી ચકાસતાં મનહરલાલની છાતી પર માથું પટકીને આક્રંદ સાથે જોશથી બૂમ પડી...

’ઓ.. માડી રે..

મનહરલાલમાં દેહને વ્યવસ્થિત કરી, વીજળીની ગતિએ ફટાફાટ દોડી આડોશ પડોશમાં રહેતા હરજીભાઈ, ગીધુકાકા, દક્ષાબેન, કરશનકાકા, રવજીભાઈ અને ભીખાલાલના ઘર તરફ જઈને હાંફળા- ફાંફળા થઇને બૂમાબૂમ કરી મૂકી. પાંચ જ મીનીટમાં દોટ મૂકી સૌએ ઘરમાં દાખલ થઇને જોયું તો સૌ આઘાત સાથે સ્તબ્ધ થઈ ગયાં. પાડોશી ભીખાલાલ, ડો. ત્રિવેદીને ત્યાં કમ્પાઉન્ડરની જોબ કરતો, તેથી તે પ્રાથમિક સારવારની પ્રક્રિયાથી સારી રીતે અવગત હતો, એટલે તરત જ મનહરલાલના શરીરનું પ્રાથમિક દ્રષ્ટીએ તપાસ કર્યા પછી.... એક મિનીટના મૌન બાદ, ભીખાલાલે પલંગ પર પડેલી ચાદર ઉઠાવી મનહરલાલના નશ્વર દેહ પર ઢાંકતા જ.....એક કારમી ચીસ સાથે સપનાની આંખે અંધારા સાથે ચક્કર આવતાં જમીન પર ફસડાઈ પડી.

સપના ભાનમાં આવે ત્યાં સુધીમાં તો..શેરી પડોશના આસપાસના વીસથી પચ્ચીસ લોકોનું ટોળું એકઠું થતાં બેઠકરૂમ ખીચોખીચ ભરાઈ ગયો...બૈરાંઓનું રોક્કળ શરુ થયું. મનહરલાલના ઘનિષ્ટ બે-ચાર મિત્રો નીકળ્યાં અંત્યેષ્ઠી માટેની જરૂરી સાધનસામગ્રી એકઠી કરવાં અને લાગતાં વળગતાંને દુઃખદ સમાચારની ખબર આપવાં. અડધા કલાકમાં તો મનહરલાલના ઘર બહારની આખી શેરી જનમેદનીથી ઉભરાઈ ગઈ.

સપનાની શારીરિક અને માનસિક પરિસ્થતિની પીડા, પાષાણને પણ પીગળાવી તેવી હતી. કાળજું કંપી જાય એવાં આક્રંદ અને લાલચોળ થઇ ગયેલી આંખોથી સતત વ્હેતા અશ્રુધારા સાથે એક પળ માટે પણ મનહરલાલના મૃતદેહ પાસેથી સ્હેજે ખસવા તૈયાર નહતી. પડખે બેસીને ચીમનલાલ અને અંબાલાલ બંન્નેએ ભારે હૈયે સાંત્વના આપ્યાં પછી..
અંતે... મનહરલાલના પાર્થિવદેહને જ્યારે અંતિમ સફર માટે કાંધ આપતાં.. સપનાએ જમીન સાથે માથું પછાડીને કાળા કકળાટ સાથે કાનના પડદા ફાટી જાય એવી ચીસ પાડતા અફાટ રુદન શરુ કર્યું. રડતાં રડતાં સૌ બહેનોએ માંડ માંડ સપનાને સંભાળી.

કલાકોમાં...
સાદગીથી સૌનું મન મોહી લેતો મનમોજીલો મનહરલાલ જોતજોતામાં સૌની નજર સમક્ષ હતો નહતો થઈ, પંચમહાભૂતમાં ભળીને રાખ થઇ ગયો. અંતે રહી ગઈ..
તેના સજ્જનતાની સુવાસ.

સપનાની મનોદશા ભલભલાનું કાળજું કંપાવી નાખે તેવી હતી. સાત દિવસમાં સપનાની દશા જોઇને કોઈ માનતું નહતું કે, એ સપના છે, જે ઘડીભર માટે જંપીને કયાંય બેસતી નહતી. મીઠી અસ્ખલિત વાણી બોલતાં થાકતી નહતી. આજે તેની ચિરકાળની ચુપકીદી સૌને ચૂભતી હતી. જુવાનજોધ અપરણિત દીકરીના ઘરમાંથી બાપની અણધારી વિદાય, અને બાપના ઘરેથી લીલા તોરણે પરણીને સાસરીયે જતી દીકરીની વિદાય આ બન્ને પરિસ્થતિ સંસારમાં પિતા-પુત્રીના અનન્ય અનુબંધ માટે પીડાની ચરમસીમા છે.
‘દુઃખનું ઓસડ દહાડા’ કહેવત લાગુ પડતાં ધીમે ધીમે આજે પંદર દિવસ બાદ મન મારીને વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં સપના સંસારના સામાન્ય જીનજીવનના ઘટમાળમાં જોતરાઈ ગઈ. આ સમયગાળા દરમિયાન ઇન્દુના પણ આઠથી દસ વખત ફોન કોલ્સ આવી ગયાં. અને સવાર સાંજ બન્ને સમય ચીમનલાલ પણ બે-પાંચ મિનીટ માટે ઔપચરીકતા પુરતી હાજરી પુરાવી ઉપદેશનું ભાષણ આપી જતો. પણ તેના ઉપદેશ પાછળની મેલી મુરાદનો ઈરાદો કંઇક જુદો જ હતો.

ચીમનલાલ તેના ચિત્તમાં માંડેલી ચંડાળ ચોકડીની રમતના પાસા ફેંકવાની મંશા માટે યોગ્ય સમયની રાહ તાકીને બેઠો હતો.


એક દિવસ સાંજના સાતેક વાગ્યાના સમયની આસપાસ સપના આવી પહોંચી.. અંબાલાલના ઘરે. ઘરમાં દાખલ થતાં સપનાંએ જોયું તો , અંબાલાલ અને તેના પત્ની પાર્વતીબેન બેઠકરૂમના સોફા પર બેઠાં હતાં.સપનાને જોઈ,પાર્વતીબેન બોલ્યાં..

‘આવ આવ દીકરા આવ, બેસ.’
પાંચ-દસ મીનીટની ઔપચારિકા વાતચીત બાદ...

સજ્જન, પીઢ અને વ્યહવારુ પ્રકૃતિના અંબાલાલના દિમાગના ચક્રો એ દિશામાં ગતિમાન થયાં કે, જરૂર સપના ખેતીવાડીના હિસાબ-કિતાબ માટે આવી હશે.
હજુ અંબાલાલ કોઈ મુદ્દાનું મૂળ પકડવા માટે વાર્તાલાપની શરૂઆત કરે એ પહેલાં સપના બોલી..

‘કાકા, પપ્પાના ગુજરી ગયાની આગલી સાંજે, ચીમનકાકા ઘરે આવેલાં, અને તે
બન્ને વચ્ચે કોઈ જમીનના સોદા બાબતની વાત થઇ છે, એ પછી તે રાત્રે પપ્પા
ખુબ જ ટેન્શનમાં હતાં.. અને સૂતાં પહેલાં મને કહ્યું કે, મારે આવતીકાલે અંબાલાલ કાકાને મળવા જવું છે. અને.. ’
આટલું બોલતાં સપનાનું ગળું ભરાઈ આવ્યું.. એટલે પાર્વતીબેને સાંત્વના આપીને પાણી પીવડાવ્યું પછી,આગળ બોલતાં સપનાએ પૂછ્યું..
‘એ જમીનના સોદા વિષે કયારેય તમારે પપ્પા જોડે કોઈ વાતચીત થયેલી છે ?
આશ્ચર્ય સાથે અંબાલાલ બોલ્યાં..
‘ના..એવી તો કોઈ વાતનો ઉલ્લેખ મનહરલાલે મારી સામે ક્યારે’ય કર્યો જ નથી. કેમ શું થયું ?

ભીની આંખોની કોર લૂંછતાં સપના બોલી..
‘આ જમીને જ પપ્પાનો જીવ લીધો છે. કંઇક તો એવી વાત છે, જે પપ્પા મને કહી ન શક્યાં અને...’
ફરી સપનાનો અવાજ ગળગળો થઈ ગયો.

‘એવું કંઇક હશે તો હું, ચીમનલાલને બોલાવીને બધું જાણી લઈશ. અને બાકી દીકરા હરી ઈચ્છા આગળ આપણે સૌ લાચાર છીએ. અને તને રૂપિયા પૈસાની કંઈ જરૂર હોય તો નિસંકોચ કહી દે.’
‘ના.. કાકા, હવે મારા એકલા જીવને જોઈએ કેટલું ? સ્વજનની રિક્તતા રૂપિયાથી ન ભરાય. અને કાકા, મહેરબાની કરીને ચીમનકાકાને કંઇ ન પૂછશો. હું તમને મળવા આવી છું, એ વાતની પણ જાણ ન કરતાં. હું મારી રીતે ફોડી લઈશ.’
‘અચ્છા, ઠીક છે કાકા, જરૂર પડે ત્યારે આવીશ. હવે હું રજા લઉં.’
એમ કહી ભારે હૈયે સપના ઊભી થઇ.

‘તારું પોતાનું ઘર સમજીને, ઈચ્છા થાય ત્યારે આવજે.’ પાર્વતીબેન બોલ્યાં
‘જી. કાકી.’ એમ કહી સપના નીકળી ગઈ.

સપનાના રવાના થયાં બાદ.. વિચારમગ્ન અને ચિંતાતુર અંબાલાલને જોતાં પાર્વતીબેને પૂછ્યું..
‘સપનાની વાત પરથી તમને શું લાગે છે ?’

‘ઘણું બધું.’ આટલું અંબાલાલ બોલ્યાં પછી... મનોમન સંવાદ સાંધતા વિચાર્યું કે,

ચિત્તભ્રમ કરતાં ચિત્રમાં ચીમનલાલનું ચરિત્ર શંકા ઉપજાવે તેવું છે, એટલે કંઇક રંધાઈ રહ્યું છે, એ વાત નકારી શકાય નહીં. ચીમનલાલે એવી કઈ વાત કરી હશે કે, જેના કારણે મનહરલાલ જીવ ગુમાવી બેઠો ? નક્કી કંઇક ઊંડું રહસ્ય તો હશે જે, કેમ કે, રૂપિયાનો લાલચુ ચીમનલાલ કોઈપણ હદે જઈ શકે.
પણ હવે, સપનાએ ના પડી છે તો, આ ભેદ જાણવો કઈ રીતે ?

‘તો, હવે તમે શું કરશો ?’

‘સીધી આંગળીએ બરણીમાંથી ઘી ન નીકળે તો, આંગળી વાંકી ન કરાય, ઘીની બરણીને જ તાપ પર મૂકી દેવાય. અને હવે મારે એ જ કરવું પડશે.’

‘એટલે ? વનિતાબેને પૂછ્યું..
‘એ પછી કહીશ.’ અંબાલાલ એવું બોલી તેના રૂમમાં જતાં રહ્યાં.

બે દિવસ પછી સપનાએ ચીમનલાલને ઘેર આવવા માટે સંદેશો મોકલ્યો.. પણ સાંજ સુધી ઠેકાણા વગરની ટપાલ જેવો ચીમનલાલ દેખાયો નહીં.

અને પછી આવ્યો છેક રાત્રે આઠેક વાગ્યાની આસપાસ.
ભારે અવાજ સાથે ખોંખારો ખાઈને બેઠકરૂમમાં દાખલ થતાં ચીમનલાલ બોલ્યો..
‘એ બાપલા આજ તો હું સાવ થાકી ગયો છું, છતાં એમ થયું કે, છોડીએ યાદ ક્યરો છે, તો મલતો આવું એટલે હડી કાઢતો આવી ગ્યો બોલ.’
એમ કહી બેઠકરૂમના પલંગ પર પલાઠી વાળીને બેસતાં ચીમનલાલ બોલ્યો..

રસોડામાં રસોઈ કરતાં કરતાં બહાર આવી, ચીમનલાલના હાથમાં પાણીનો લોટો થંભાવતાં સપનાએ પૂછ્યું..
‘કેમ, આજે શેનો આટલો થાક લાગ્યો છે ?’
મોઢે અડાળ્યા વગર અદ્ધરથી પાણીનો આખો લોટો ગટકાવ્યાં પછી.. ભાંભરી ભેંશની માફક ભાંભરતા હોય એમ ઓડકાર ખાતા ચીમનલાલ બોલ્યો..

‘તને વાત હાંભરીને નવાઈ લાગશે, પણ મેં પરતીગ્યા લીધી છે.. મોટાભાઈની વાહે મારે કાક કરવું છે. એટલે સલા લેવા હાટુ બે- પાંચ જણને મલવાની ધોળાધોળીમાં એવો થાયકો છું કે, કમર દુખવા માંડી લે.’

આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું,
‘પણ, શું કરવું છે ? શા માટે ?’
‘ઈ દેવતા જેવા જણની પાછળ જેટલું કરો એટલું ઓછુ પડે દીકરા, એ ભલા માણહની પાછળ મારે દાન-ધરમનું કામ કરવું છે. ત્ય મારા જીવને ટાઢક વળશે.’

‘અચ્છા, ઠીક છે, તમે બહાર ચોકડીમાં હાથ મોઢું ધોઈ લ્યો. પછી જમીને વાતું કરશું.’
એમ કહી સપના રસોડામાં ગઈ અને ચીમનલાલ બહાર ચોકડી તરફ, પણ. બન્નેના વાર્તાલાપ કરવા પાછળનો આશય અલગ અલગ હતો.

બન્ને જમ્યાં પછી બાકીનું કામકાજ પતાવી અડધો કલાક બાદ.. પલંગ પર ઠાઠથી આરામ ફરમાવી રહેલાં ચીમનલાલની સામે જુનવાણી લાકડાની ખુરશી પર બેસતાં સપના બોલી...

‘હા, હવે બોલો કાકા, શું કહેતા’તાં તમે ?
શાતિર દિમાગમાં ગોખીને ગોઠવી રાખેલા સવાલ જવાબનો તાળો મેળવી, ગલોફામાં પાન દબાવ્યાં પછી ચીમનલાલ બોલ્યો.
‘ઈ મારી વાત હું પછી કઈશ, પેલા તું મને ઈ કે, કેમ યાદ ક્યરો મને ?

સપનાએ આજે મનોમન નક્કી કર્યું તો કે, મસ્કા મારીને પણ આજે કાકાના પેટમાંથી જે વાત હશે તે ઓકવીને જ રહીશ.
‘એ તો તમે જાજા દિવસથી સરખો ટાઈમ લઈને ઘેર આયવા ન’તા, એટલે મને એમ થ્યું કે બે ઘડી બેસીને વાતું કરીએ એમ.’

‘આલે લે, એવું હોય તો તારે મને બેધડક કઈ દેવાય ને કે, કાકા મને ગોઠતું નથ એટલે હું તો હડી કાઢીને પુગી જાઉં. હવે હું તારું ધ્યાન નય રાખું તો કોણ રાખશે, હેં ?

‘હા, તમારી ઈ વાત તો સાચી કાકા પણ, હું તમને ઈ પૂછતી’તી, પપ્પા દેવ થયાં તેની આગલી સાંજે તમારી પપ્પા જોડે શું ખાનગી વાત થઇ;તી ? ઈ વાત કરોને.’ ખુરશી પર પગ ચડાવતાં સપના બોલી.

ચીમનલાલના ડોળા ચકળ-વકળ ફરવાં લાગતાં સપનાને અંદાજ આવ્યો કે, નક્કી કોઈ ગૂઢ રહસ્યની બાબત છે.’

એટલે ગલોફામાં ભરાવેલા પાનના ડૂચાને સેટ કરતાં બોલ્યો..
‘લે, તે મોટાભાઈ એ તને કઈ વાત નથ કરી ?’
સામે સવાલ કરતાં ચીમનલાલે પૂછ્યું.
‘ના, કઈ વાત ? મને ખબર નથી એટલે તો તમને પૂછું છું.’
તેના છુટ્ટા વાળને બાંધતા સપના બોલી.
એટલે ચીમનલાલ ઊભાં થઇ બહાર ચોકડીમાં જઈ તેની આગવી અદામાં પાનની પિચકારી મારીને અંદર આવતાં બોલ્યો..

‘અરે..વાત એમ હતી કે, કોઈકે તારા લગન હાટુ માગું નાયખું પણ... ભેળી શરત મેલી’તી કે, ઓલી પાદર પડખેની મોટી જમીન આલો, તો લગનનું વિચારીએ. લે બોલ. આવું કીધું.’

‘ઓહ્હ.. પણ આવી વાતું કરવા વાળું ઈ હરામખોર હતું કોણ ?
સ્હેજ ગુસ્સામાં સપના બોલી.

‘મેં નામ પુયછું પણ, છેક લગી મોટાભાઈએ મગનું નામ મરી ન પાયડું. પણ, હવે તે તારા ભવ હાટુ શું વિચાયરુ છે ? હવે આ બાપ-દાદાની જમીન મને જાયદાદ ઓછી ને, ઝંજાળ જાજી લાગે છે હો.’ ચીમનલાલે દાણો દબાવતાં કહ્યું.

થોડીવાર વિચાર્યા પછી સપના બોલી..
‘જુઓ કાકા, હવે જમીન વેંચવાનો કે, કોઈને આપવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. અને રહી મારા લગનની વાત એ સમય આવે જોયું જાશે.’

સપનાના પેટની વાત જાણવા ચીમનલાલે પાસા ફેંકતા કહ્યું,
‘પણ, હું એવો વચાર કરું છું, કે તારા લગન પણ થઇ જાય અને જમીન પર પણ આજીવન તારી પાસે જ રહે. એવું કાક ગોઠવીએ તો ? ‘

નવાઈ સાથે સપનાએ પૂછ્યું.
‘એ કઈ રીતે ?’
‘ઈ હું તને બે-ચાર દાડામાં કઈશ.’
એમ કહી કમરે હાથ મૂકી પલંગ પર લંબાવતાની સાથે કણસતાં બોલ્યો..
‘હે પરભુ. દીકરા હું જરા આરામ કરું પછી, નીકળું ઘેર જવા માટે હો.’
‘એ, હા,, હા..તમ તમારે આરામ કરો, ત્યાં લગી હું ફળીયામાં નાનું મોટું કામ પતાવું.’

એમ કહી સપના ફળીયામાં આવતાં સમજી ગઈ કે, ચીમનલાલ વાત ગળી ગયો. છતાં વાત તો હજુ જમીન પર જ અટકી છે. શું રમત રમશે ? કોનો ભરોસો કરું ?
કોને કહું ? અડધો કલાક મનોમન વિચાર વિહારમાં વિતાવ્યા પછી રૂમમાં અંદર આવીને જોયું તો. ચીમનલાલ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘમાં ચતો પાટ પલંગ પર પડ્યો હતો. ચીમનલાલની દશા જોઇ, સપનાને મનોમન હસવું પણ આવ્યું. પછી વિચાર્યું કે, ભલે સૂતાં. સવારે જતાં રહશે.’

એ પછી સપના બેઠકરૂમને અડીને આવેલાં તેના રૂમમાં આવી..વસ્ત્રો બદલવા જતી હતી.. ત્યાં અચાનક વિચાર બદલાતાં પહેરેલાં વસ્ત્રોમાં જ બેડ પર પડી.

‘હું એવો વચાર કરું છું, કે તારા લગન પણ થઇ જાય અને જમીન પર પણ આજીવન તારા જ હક્ક રહે. એવું કાક ગોઠવીએ તો..’

ચીમનલાલનું આ ગર્ભિત વાક્ય કયાંય સુધી સપનાને ગોટે ચડાવતું રહ્યું. જાત સાથે સંવાદ સાંધતા સ્વને પૂછ્યું..
‘કઈ વાતના આધારે ચીમનલાલે આવી વાત વિચારી હશે ? મારા માટે કોઈ મુરતિયો શોધ્યો હશે ? લગન અને જમીનની વાતને લઈને કોઈ સોદાબાજી ચાલતી હશે ? જમીનની આડમાં મારો સોદો કરવા માટે બંધબાજીની રમત રમાતી હશે ? જમીન માટે પપ્પાનો જીવ ગયો એટલે કોઈ નાની સૂની વાત તો નહીં જ હોય.’

મોડે મોડે આંખ ઘેરાતા એવું નક્કી કર્યું કે, બે-ચાર દિવસ રાહ જોઉં, પહેલાં ચીમનકાકાને ચાલ ચાલવા દઉં...એ પછી તેલની ધાર જોઇને ભવિષ્યનો કોઈ ફેંસલો કરીશ. એ પછી સપના નિદ્રામાં સરી ગઈ..ત્યારે રાત્રીના સાડા અગિયાર થયાં હતાં.


અચાનક.. રાત્રીના અઢી વાગ્યાની આસપાસ અચનાક ચીમનલાલની આંખ ઉઘડી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તે મનહરલાલને ઘરે સૂતો છે. થાકના કારણે ભારે ઊંઘ ચડી જતાં કંઈ ખ્યાલ નહતો રહ્યો. ઊભો થઇ આંખો ચોળતાં ચોળતાં બાજુમાં મૂકેલાં પાણીના લોટામાંથી પાણી પીધા પછી ચીમનલાલનું ચિત્ત ચડ્યું, કરોડોની જમીનને હાથવગી કરવાના કાવતરા ઘડવાના મનસૂબાને કઈ રીતે અંજામ આપવો એ ગડમથલમાં. થોડીવાર પછી સપના સાથેની વાર્તાલાપમાં સપનાનો સંવાદ યાદ આવ્યો..
‘એ તો તમે જાજા દિવસથી સરખો ટાઈમ લઈને ઘેર આયવા ન’તા, એટલે મને એમ થ્યું કે બે ઘડી બેસીને વાતું કરીએ એમ.’

સપનાના આ સંવાદનો મતલબ.... એવું મનોમન વિચાર્યા પછી ચીમનલાલ હળવેથી ઊભો થઈને ધીમા પગલે ચાલવા લાગ્યો...સપનાના રૂમ તરફ..
અધ્ધ ઉઘડેલા દરવાજાની આડશમાંથી ડોકિયું કરીને જોયું તો, રૂમની વચ્ચોવચ્ચ આવેલાં બેડ પર સપના સામેની દીવાલ તરફ પડખું ફેરવીને સૂતી હતી. તેના અસ્ત-વ્યસ્ત વસ્ત્રો જોઇને ચીમનલાલના પંડમાં વાસનાનો કાળોતરો ફૂંફાડા મારી સળવળવા લાગ્યો. મોઢેથી મનના મેલી મુરાદની લાળ ટપકવા લાગી. એક અરસાથી મન, મસ્તિષ્કમાં ઢબૂરેલાં કામવાસનાના કીડા ખદબદવા લાગ્યાં. પછી વિચાર્યું કે, જો...બેહદ ફાટફાટ થતી સપનાની જુવાનીને મારી ગરમી માફક આવી જાય તો... તો... આ જમીનનો સોદો ઘરમેળે સૂતાં સૂતાં પતી જાય. અંતે ચીમનલાલ તેના ચિત્તમાં ભભૂકેલી વિકારની વિકરાળ જવાળાને શાંત કરવાં બદઈરાદે હળવેકથી સપનાની પડખામાં સૂતો....અસ્ત-વ્યસ્ત વસ્ત્રોના કારણે સપનાની અડધી ઉઘાડી પીઠ અને ભરાવદાર વૃક્ષ:સ્થળો જોઇને ચીમનલાલની રગેરગમાં રતિક્રીડાનું રમખાણ મચી ગયું. હળવેકથી ચીમનલાલે તેની હથેળી સપનાના કામોતેજક સ્તન પર મૂકી દીધી..


ઘસઘસાટ ભર ઊંઘમાં ઊંઘતી હોવા છતાં સપનાને તેના શરીર સાથે કશુંક અડકી રહ્યાનો ભાસ થતાં.. સફાળી જાગી ગઈ... અને ચીમનલાલને તેના પડખામાં જોતાં જ ભયના માર્યા સપનાની ધીમી રાડ ફાટી ગઈ....

‘એએ....એ કાકા....આઆ....આ તતત...તમે શું કરો છો.. ?’
ફટાક કરતી બેડ પરથી રીતસર કુદકો મારીને છેક સામેની દીવાલ પાસે ઊભી રહી, પરસેવે રેબઝેબ થરથર ધ્રૂજતી સપના ડોળા ફાડીને જોતી રહી.
અડધી જ સેકન્ડમાં ચીમનલાલના કામવાસનાની લંપટલીલાની નગ્ન નાચનો ચિતાર સપનાની નજર સમક્ષ આવી જતાં તે કંપી ઉઠી.. સપના બાજુમાં પડેલો દુપટ્ટો લઇ તેના શરીરને ઢાંકતા રડવા લાગી..

બાજી ઉંધી પડી ગઈ... એ વાત સમજાઈ જતાં બંધ કરેલી આંખો ઉઘાડી, ચીમનલાલ બાહુબલીમાંથી બકરી બની જતાં, જાણે કે ભર ઊંઘમાં હોય એમ આંખો ચોળતાં ચોળતાં બોલ્યો..

‘હેં,, હેં,,, શું થયું..? હું.. હું ... અહીં કેમ આવી ગયો .. તારા રૂમમાં ?
સપનાને ચંડાળ ચીમનલાલની ચાલાકી સમજમાં આવી ગઈ.. એટલે ગુસ્સામાં તાડૂકી..

‘એ... તમને ખબર, દીકરી પર આવાં હલકટ વેડા કરીને હવે નાટક કરો છો.... ડૂબી મરો.’ રડતાં રડતાં સપના આટલું બોલ્યાં પછી દુપટ્ટાથી તેની મોં દાબી દીધું..

રતિભારની શરમ વગરનો ચીમનલાલ તેનું નાટક ચાલુ રાખતાં બોલ્યો..

‘અરે.. છોડી.. ઈ તો મને નીંદરમાં ચાલવાની જૂની આદતના કારણે ભાન નો’રયું કે,મારો પલંગ ત્યાં છે.. એટલે ઊંઘમાં ને ઊંઘમાં ચાલતા ચાલતાં આય લગણ આવી પુગી આવ્યો, પણ..’

આગળ એકપણ શબ્દ સાંભળ્યા કે, બોલ્યાં વગર હીબકાં ભરતી સપના દોડીને ઉપરના માળે જઈ, રૂમનું બારણું અંદરથી સજ્જડ રીતે બંધ કરતાં, તેનો અશ્રુબંધ તૂટી પડ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી..

-વધુ આવતાં અંકે.