Pati Patni ane pret - 41 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૪૧

Featured Books
Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૪૧

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૧

વિરેન નાગદા સામે જોઇ જ રહ્યો હતો. તેનું રૂપ કોઇ પરી જેવું હતું. તેણે આટલી સુંદર સ્ત્રી અગાઉ જોઇ ના હોય એમ એની સામે જોતો હતો. તેને થયું કે અચાનક તે પરીલોકમાં આવી ગયો કે શું? આ કોઇ માયાવી સ્ત્રી તો નથી ને? પણ આ તો કોઇ ખંડેર જેવું જૂનું ઘર છે. આ રૂપવતી સ્ત્રી સામે હું શું કરી રહ્યો છું? હું તો...હું તો...હા, કાર ચલાવી રહ્યો હતો...શું કામ નીકળ્યો હતો?...હં... આ સ્ત્રીને ક્યાંય જોઇ નથી... એ મારી ખબર પૂછી રહી છે અને પ્રેમથી સંબોધન કરી રહી છે. મારો એની સાથે શું સંબંધ હશે? હું એની સાથે કેમ છું?..હં...હું તો તારાગઢની ફેકટરી પરથી એકલો જ નીકળ્યો હતો. મારી સાથે કારમાં કોઇ ન હતું...હું સનસેટ પોઇન્ટ જોવા નીકળ્યો હતો. આ સ્ત્રી મને ક્યાં ભટકાઇ ગઇ હશે? એ મારી સાથે પારિવારિક સંબંધ હોય એવી રીતે કેમ પૂછી રહી છે?

વિરેન વિચારોમાં ડૂબેલો હતો. પોતે જે સ્થિતિમાં છે એ તેને હતપ્રભ બનાવી રહી હતી. નાગદાને શું જવાબ આપવો એ સમજાતું ન હતું. હોઠ જ ખૂલતા ન હતા. દિલમાં ઘણા સવાલ હતા. તે કંઇપણ જાણ્યા વગર વાત કરવા માગતો ન હતો.

નાગદાને નરવીર માટે ચિંતા વધી રહી હતી. તે કશું જ બોલી રહ્યો ન હતો. તેને શંકા ઊઠી રહી હતી કે અકસ્માતને કારણે અગાઉ નરવીરે યાદદાસ્ત ગુમાવી હતી. આ વખતે પણ એને માથામાં જ ઇજા પહોંચી હતી. હવે તેણે વાચા ગુમાવી દીધી હશે તો? મારી પાસે એવી કોઇ શક્તિ નથી કે તેની વાચા પાછી લાવી શકું? બોલતાને જરૂર અટકાવી શકું છું. એના વિચારોને ભ્રમિત કરી શકું છું પરંતુ બોલવાની શક્તિ આપી શકું એમ નથી. તે કંઇક બોલે તો સારું છે.

નાગદા એને બોલતો સાંભળવા માટે તડપી રહી હતી. કંઇક વિચાર કરીને પૂછ્યું:"પ્રિયવર, તમને સારું છે ને? માથામાં કોઇ દુ:ખાવો નથી ને? હવે આપણે ઝાડ પરથી એ ફળફૂલ તોડવાનું કામ કરવું જ નથી."

નાગદા એટલી લાગણીથી બોલી રહી હતી કે વિરેનને નવાઇ લાગી રહી હતી. આટલી નજાકતતાથી અને પ્રેમથી રેતા પણ તેની સાથે બોલતી નથી. કોઇ સામાન્ય પત્ની આટલા લાડથી બોલતી હોય એવું તો ફિલ્મોમાં કે વાર્તાઓમાં જ જોવા-સાંભળવા મળતું રહ્યું છે. અને 'પ્રિયવર' સંબોધન તો કોઇ પોતાનું સાવ અંગત નજીકનું પ્રેમપાત્ર હોય એને જ થાય છે. આ સ્ત્રી મને તેનું કોઇ પ્રેમપાત્ર સમજી રહી હશે? અને મને માથામાં વાગ્યું છે..? હા...લબકારા આવે છે...વિચારમાં જ તેણે પોતાનો હાથ માથા પર તપાસવા મૂક્યો અને ત્યાં પાટો અનુભવાયો એટલે ખ્યાલ આવ્યો કે પોતે ઇજાગ્રસ્ત છે. આ સ્ત્રીના કહેવા પ્રમાણે ઝાડ પરથી ફળફૂલ તોડવામાં મને ઇજા થઇ છે. પણ હું એની સાથે કેમ કામ કરી રહ્યો હતો?

વિરેનનો હાથ માથા પર ગયો. નાગદાને થયું કે વિરેન ઇશારાથી ન બોલવાનું કારણ આપી રહ્યો છે. તે ચિંતાથી બોલી:"તમને બહુ દુ:ખે છે? માથામાં વાગવાથી બોલવામાં તકલીફ પડે છે?"

"હં..." વિરેનને શું જવાબ આપવો કે પૂછવું એનો ખ્યાલ જ આવતો ન હતો.

તેનો એક ઉંહકારો સાંભળી નાગદા ખુશ થઇને ભેટી પડવા માગતી હોય એમ નજીક આવી અને તેના માથા તથા ગાલ પર હાથ ફેરવવા લાગી. નાગદાના નાજુક હાથનો સ્પર્શ અને રૂપ કોઇપણ પુરુષના અંગોમાં પ્રેમની અગન લગાવે એવું હતું. વિરેન ચમકી ગયો. તેણે જાત પર સંયમ રાખ્યો અને ઇશારાથી જ તેને અટકાવી.

નાગદાના મનમાં હવે એ વાત પાકી થઇ રહી હતી કે નરવીર બોલી શકવા સક્ષમ રહ્યો નથી. તેને અંદાજ આવતો ન હતો કે વિરેનની યાદશક્તિ પાછી આવી ગઇ છે. વિરેન બહુ સમજી વિચારીને પગલું ભરવા માગતો હતો. નાગદા આગળ બોલી:"એક કામ કરો...તમે આરામ કરો. હું કોઇ વૈદ્યને બોલાવવાનું ગોઠવું છું. એ તમારા માટે સારી દવા આપશે. તમે પહેલાં જેવા જ થઇ જશો..."

નાગદાએ વિરેનને સૂવડાવી દીધો. તે ઊભી થઇને મનમાં ગડમથલ અનુભવતી ઘરની બહાર નીકળવા લાગી.

વિરેનને નાગદા રહસ્યમય સ્ત્રી લાગી રહી હતી. તેને થયું કે પોતે પૃથ્વી ઉપર જ છે કે પછી કોઇ બીજી દુનિયામાં આવી ગયો હશે? આ સ્ત્રી કોઇ સામાન્ય સ્ત્રી જેવી લાગતી નથી. તેનું સૌંદર્ય આંખો આંજી દે એવું છે. સામાન્ય કપડામાં પણ એનું રૂપ ખીલી ઉઠ્યું છે. રૂપરૂપના અંબાર જેવી આ સ્ત્રી કોઇ દેવી તો નહીં હોય ને?

***

જાગતીબેન, ચિલ્વા ભગત અને રિલોક ધીમા પગલે નાગદાના મકાન પાસે આવી ગયા હતા. જાગતીબેન એક અજબ ઉત્સાહ સાથે નાગદાના મકાન તરફ તાકી રહ્યા હતા. ચિલ્વા ભગતને થયું કે કાશ પોતાની પાસે વધારે શક્તિ હોત તો જયનાના ભૂતને મારીને ભગાવી દીધું હોત. પોતે જોખમ લઇ લીધું હોત. પણ આ દંપતિની છોકરી સ્વાલાને જયનાએ પકડી એમાં ગરબડ થઇ ગઇ. એક રીતે સારું છે કે તેણે કોઇ જીવીત સ્ત્રીને પકડી છે અને એમાં વાસ કરીને પોતાનું કોઇ કામ કરી રહી છે. જો એ ભૂત સ્વરૂપે જ વિરેનને ઉઠાવી ગઇ હોત તો પરિણામ કદાચ વધારે ખરાબ આવ્યું હોત. જાગતીબેન કયો ચમત્કાર કરવાના છે તેની કલ્પના કરી શકાય એમ નથી. અને મારો ગજ વાગવાનો નથી તો મને સાથે રાખીને એમને શું ફાયદો થશે?

થોડે દૂર ઊભેલો રિલોક પ્રાર્થના કરી રહ્યો હતો કે વિરેન હેમખેમ હોય તો સારું છે. જાગતીબેનનો કોઇ ઉપાય કામ કરી જાય તો ગંગા નાહ્યા. આ ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથ સફળ રહ્યા નથી ત્યારે જાગતીબેન જે કરે તેમાં સફળ થવા જોઇએ.

નાગદાના મકાનથી દૂર રહીને નજર નાખતા જાગતીબેન એકદમ ઉત્સાહમાં આવી ધીમેથી બોલ્યા:"જુઓ, કોઇ દરવાજો ખોલી રહ્યું છે..."

દરવાજો આખો ખૂલે એ પહેલાં ક્યાંકથી કોઇ સ્ત્રી સ્વર સંભળાયો.

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

મને ભૂલી ના જાતો રે...જન્મોજનમનો નાતો રે...

યુગોયુગો યાદ રહેશે.... તારી-મારી વારતા રે...

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

ગીતના શબ્દો બધાને સંભળાયા પછી જાગતીબેન ચોંકીને બોલતા અટકી ગયા હતા.

નાગદા ઘર બહાર નીકળતા અટકી ગઇ.

વિરેન ખાટલામાં બેઠો થવા લાગ્યો.

રિલોક ચારે તરફ નજર નાખતા મનોમન બોલ્યો:"આ અવાજ તો રેતાનો છે..."

વધુ બેંતાલીસમા પ્રકરણમાં...