16
ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ઘોર અંધારું છવાયેલું હતું. પણ સામેની ડીજિટલ ઘડિયાળ ચાલુ હતી, અને એમાં મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના મોતનો જે દસ વાગ્યા અને દસ મિનિટનો સમય આપ્યો હતો, એ સમય થઈ ચૂકયો હતો અને અત્યારે હવે દસ વાગ્યા ને અગિયારમી મિનિટની સેકન્ડો દેખાવાની શરુ થઈ ચૂકી હતી !
બરાબર આ જ પળે અત્યારે ફરી પાછી સેટની લાઈટો ચાલુ થઈ-અજવાળું થયું. અને અજવાળામાં સેટ પર રહેલા બધાંએ જોયું.
-રીચા ટેબલ પર માથું મૂકીને પડી હતી !
સોફિયા અને જિમી બન્ને રીચા તરફ દોડયાં.
સોફિયા રીચાની નજીક પહોંચતાં જ થીજી ગઈ !
જિમી પણ રીચા તરફ અફસોસ સાથે જોઈ રહ્યો !
-રીચાની બન્ને આંખો કાચ વાગવાથી ફૂટી ગઈ હતી. એ ફૂટેલી આંખોમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. રીચાના હૃદયમાં પણ એક કાચ ખૂંપેલો હતો અને એમાંથી લોહીનો રેલો નીકળી રહ્યો હતો.
સાંજના જોનાથનના મોબાઈલ ફોન પર, મોબાઈલ ફોનવાળા પ્રેત તરફથી રીચાની લાશનો જે એમ. એમ. એસ. આવ્યો હતો, બરાબર એવી જ રીતના રીચાનું મોત થયું હતું, અને એવી જ રીતના અત્યારે રીચાની લાશ પડી હતી !
રીચાની હાલત પરથી ખ્યાલ આવી જતો હતો કે, રીચાનો જીવ નીકળી ચૂકયો છે, છતાં પણ જિમીએ રીચામાં જીવ છે કે, નહિ, એ ચેક કર્યું. રીચાનો જીવ નીકળી ચૂકયો હતો. રીચા મરી ચૂકી હતી.
જિમીએ જોયું કે, રીચાના દાંતમાં કોઈ સફેદ વસ્તુ દબાયેલી છે. તે સમજી ગયો. એ ચ્યુઈંગગમ જ હશે. અગાઉ તેની બહેન સુઝેન અને તેજલ તેમજ માનવની લાશના મોઢામાંથી પણ ચ્યુઈંગગમ નીકળી હતી.
જિમીએ રીચાની લાશના મોઢામાંથી એ વસ્તુ કાઢીને જોઈ. તેનો અંદાજ સાચો સાબિત થયો હતો. એ ચ્યુઈંગગમ જ હતી.
જિમીએ બાજુમાં ઊભેલી સોફિયા સામે જોયું.
સોફિયા અવાચક્ બનીને રીચાની લાશને તાકી રહી હતી.
જિમી સોફિયા સાથે વાત કરવા ગયો, ત્યાં જ વાતાવરણમાં ગીત ગૂંજી ઊઠયું.
‘ના મૈં જાનું...,
ના તુ જાને...,
કિસ ઘડી મેં...,
હોના હૈ કયા...?
જિંદગી કે...,
ઈસ જુએ મેં...,
પાના ક્યા હૈ ?
ખોના હૈ ક્યા...?
‘આ તો..., આ તો પેલા મોબાઈલ ફોનવાળા પ્રેતના કૉલની જ રિંગ છે !’ ગભરાટ સાથે બોલીને સોફિયાએ આસપાસમાં જોયું, ત્યાં જ તેને ખ્યાલ આવ્યો કે, આ રિંગ ટોન-આ રિંગ તો તેના મોબાઈલ ફોનમાંથી જ ગૂંજી રહી છે !
‘જિમી !’ સોફિયાએ કંપતા હાથે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો : ‘આ...તો, આ...તો મારા મોબાઈલ ફોનમાંથી જ રિંગ વાગી રહી છે !’
‘ડર નહિ.’ જિમીએ કહ્યું : ‘હું પણ એની વાત સાંભળી શકું એ રીતના વાત કર !’
સોફિયાએ મોબાઈલનું બટન દબાવ્યું. તેણે મોઢાની આગળ મોબાઈલ ફોન ધર્યો અને હિંમતનો શ્વાસ લેતાં બોલી : ‘હૅલ્લો !’
ઘર્ર્ર્ર્ર્..! પહેલાં મોબાઈલ ફોનમાંથી ઘરઘરાટી સંભળાઈ ને પછી ધીમો અવાજ સંભળાયો : ‘સોફિયા ! અફસોસ ! તું તારી સહેલી રીચાને બચાવવા માંગતી હતી, પણ બચાવી શકી નહિ !’ અને મોબાઈલ ફોનમાંથી હસવાનો અવાજ સંભળાયો : ‘મેં જે સમય આપ્યો હતો, બરાબર એ જ પળે રીચાનું મોત થઈ ગયું !’
‘તું...,’ સોફિયા પૂછી ઊઠી : ‘...તું કોણ છે ? !’
મોબાઈલ ફોનમાંથી હસવાનો અવાજ સંભળાયો : ‘તમે બધાંએ મારું નામ તો પાડયું છે ! મોબાઈલ ફોનવાળું પ્રેત !’ અને મોબાઈલ ફોનમાંથી અવાજ ગુંજી ઊઠયો : ‘હા ! હું મોબાઈલ ફોનવાળું પ્રેત છું !’
‘મારા ફ્રેન્ડ્સ...,’ સોફિયાએ મોબાઈલ ફોનવાળું પ્રેત તેની સાથે વાત કરી રહ્યું હતું, એટલે એની પાસેથી વાત કઢાવવા માટે ઉતાવળા અવાજે કહ્યું : ‘...મારા ફ્રેન્ડ્સ કાજલ, આનંદ, તેજલ, માનવ અને રીચાએ તારું શું બગાડ્યું હતું કે, તેં આમ એમને મોતને ઘાટ ઊતારી દીધાં ? !’
‘...મને મજા આવે છે, આ રીતના ચોક્કસ સમય આપીને બધાંને મારી નાંખવામાં !’ મોબાઈલ ફોનમાંથી પ્રેતનો અવાજ સંભળાયો : ‘અત્યારે પણ મેં તને તારા મોતનો સમય આપવા માટે જ કૉલ કર્યો છે !’
સોફિયાએ જિમી સામે જોયું.
જિમીને થયું કે, તે આ પ્રેત સાથે વાત કરે, પણ તે ચૂપ રહ્યો.
‘સોફિયા ! આજ રાતના બરાબર બે વાગ્યે તારું મોત થઈ જશે, અને..’ મોબાઈલ ફોનમાંથી પ્રેતનો અવાજ ગૂંજ્યો : ‘...અને તું પણ તારા એ બધાં ફ્રેન્ડ્સ પાસે પહોંચી જઈશ !’ અને આ સાથે જ સામેથી કૉલ કટ્ થઈ ગયો.
સોફિયાની નજર સામે લાગેલી ડીજિટલ ઘડિયાળ તરફ દોડી ગઈ.
ડીજિટલ ઘડિયાળમાં અત્યારે રાતના દસ વાગ્યા ને ઉપર પંદર મિનિટ થઈ હતી. મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો જે સમય આપ્યો હતો, એને પોણા ચાર કલાકની વાર હતી. આ પોણા ચાર કલાકમાં તે પોતાની જાતને બચાવવા માટે કંઈ જ કરી શકે એમ નહોતી. અત્યારે થોડીક પળો પહેલાં, આટલા બધાં લોકોની હાજરીમાં એ પ્રેત રીચાને જે રીતના મોતને ઘાટ ઊતારી ગયું હતું, એ જોતાં તે કે, કોઈપણ તેને એ પ્રેતના હાથમાંથી બચાવી શકે એમ નહોતું. હવે એ મોબાઈલ ફોનવાળા પ્રેતના હાથે તેનું મોત નકકી હતું !
તેણે બાજુમાં જોયું. અત્યારે જિમી બાજુમાં નહોતો. તેણે આસપાસમાં નજર દોડાવી. જિમી થોડેક દૂર, ટી. વી.ના સ્ક્રીન સામે ઊભો હતો. એની બાજુમાં સીરિયલનો પ્રોડ્યૂસર જોનાથન, તેમજ ડાયરેકટર અને કૅમેરામેન ઊભા હતા.
‘સાહેબને જે શુટિંગ થયું એ બતાવ !’ જોનાથને કૅમેરામેનને કહ્યું. કૅમેરામેને જે શુટિંગ કરવામાં આવ્યું હતું, એ પ્લે કર્યું.
જિમી સાથે બીજા બધાં પણ ટી. વી.ના સ્ક્રીન સામે જોઈ રહ્યાં.
બધાંને એમ હતું કે, તેમણે પોતાની નજરો નજર જે જોયું હતું એ ટી. વી.ના સ્ક્રીન પર દેખાશે, પણ ટી. વી.ના સ્ક્રીન પર કાળાં-કાળાં ધબ્બાં જ દેખાઈ રહ્યા હતાં.
‘આ કંઈ દેખાતું કેમ નથી ?’ જોનાથને પૂછયું.
‘આવું કેવી રીતના બન્યું ? !’ કૅમેરામેન નવાઈમાં પડયો : ‘આમાં તો કંઈ રેકોર્ડ થયું નથી.’
‘ઑફ !’ જોનાથનના મોઢેથી અફસોસ સરી પડયો, અને તેણે જિમી સામે જોયું : ‘સાહેબ ! મારો એવો પ્રયત્ન હતો કે, મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના બીજા કૉલેજ ફ્રેન્ડને જે રીતના મારી નાંખ્યા, એ રીતના રીચા મરે નહિ. પણ મોબાઈલ ફોનવાળું પ્રેત ધાર્યા કરતાં વધુ શક્તિશાળી નીકળ્યું. આ પહેલાં ફાધર રોબિનસને બીજા ઘણાં પ્રેતોને સામે લાવીને એમને ભગાડી મૂકવામાં સફળતા મેળવી જ છે.’ અને જોનાથને આસપાસમાં જોતાં પૂછયું : ‘ફાધર રોબિનસન કયાં છે ?’
‘હમણાં થોડી વાર પહેલાં જ તેઓ બહાર ચાલ્યા ગયા.’ એક જણે જવાબ આપ્યો.
જોનાથને જિમી સામે જોયું.
જિમીએ વિચાર્યું, હવે અહીં સમય વેડફવાનો કોઈ અર્થ નહોતો. હવે રાતના બે વાગ્યા સુધીમાં તે સોફિયાને બચાવવા માટે શું કરી શકે એમ છે ? ! એ જ તેણે જોવાનું હતું.
તે હેડ કૉન્સ્ટેબલને મોબાઈલ ફોન લગાવતો સોફિયા પાસે પહોંચ્યો. અત્યારે સોફિયા રીચાની લાશને જોતી બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં.
મોબાઈલમાં સામેથી હેડ કૉન્સ્ટેબલનો અવાજ આવ્યો એટલે જિમીએ એને રીચાની લાશનું કામ સોંપીને મોબાઈલ કટ્ કર્યો ને પછી સોફિયા તરફ જોયું : ‘ચાલ, સોફિયા ! અત્યારે રડવાનો સમય નથી. ઊભી થા.’
સોફિયા એમ જ બેસી રહી.
‘સોફિયા ! તારે આમ તારી જાતને મોતના મોઢામાં ધકેલી દેવાની નથી. તારે તારી જાતને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે !’ જિમીએ કહ્યું : ‘એમ કરવાથી તું તારી જાતને તો બચાવીશ, પણ સાથોસાથ તું એ ભયાનક પ્રેતનો આ ખૂની ખેલ પણ બંધ કરી શકીશ ! તારા ફ્રેન્ડ્સ જેવા બીજા નિર્દોષ લોકોને આમ મોતના મોઢામાં જતાં બચાવી શકીશ !’
જિમીની આ વાત સાંભળીને સોફિયાએ આંસુ લુંછયા. તેણે રીચા સામે જોયું અને મનોમન વાત કરી, ‘રીચા ! હું તને અને આપણાં બધાં ફ્રેન્ડ્સને મારી નાંખનાર એ પ્રેતનો ખૂની ખેલ બંધ કરીને જ રહીશ.’ અને તે જિમી સાથે સેટની બહાર નીકળી.
‘તારો મોબાઈલ ફોન આપ !’ કહેતાં જિમીએ સોફિયાનો મોબાઈલ ફોન લીધો ને એને જમીન પર પછાડયો. મોબાઈલ ફોનના બે ટુકડાં થઈ ગયા. તેણે મોબાઈલના ટુકડાંઓને લાત મારી. બન્ને ટુકડાં દૂર જઈ પડયાં.
‘સોફિયા ! મને લાગે છે કે, આપણે એનાબેલની મા નેન્સી પાસે જવું જોઈએ.’ જિમીએ કહ્યું : ‘આપણને નેન્સી પાસેથી એનાબેલ વિશે કંઈક જાણવા મળી જાય અને નેન્સી પાસે જ રેબેકા છે, એટલે રેબેકાની પણ આપણે પૂછપરછ કરી જોઈશું. કદાચ આપણને કંઈ જાણવા મળી જાય.’
‘હા, ચાલ !’ સોફિયાએ કહ્યું અને તે જિમીની પાછળ મોટર- સાઈકલ પર બેઠી.
જિમીએ મોટરસાઈકલ આગળ વધારી.
સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું.
રાતના સાડા દસ વાગ્યા હતા.
મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો સમય રાતના બે વાગ્યાના આપ્યો હતો ! એ સમય થવાને હવે ફકત સાડા ત્રણ કલાકની જ વાર હતી !
૦ ૦ ૦
સબ ઈન્સ્પેકટર જિમી અને સોફિયા એનાબેલની મમ્મી નેન્સી પાસે ઊભા હતા.
‘તો...’ જિમીએ નેન્સીને પૂછયું : ‘તમારી દીકરી એનાબેલ રેબેકાને હૉસ્પિટલમાં સારવાર માટે લઈને ગઈ અને ત્યાં આગ લાગી, અને એ ત્યાંથી ગાયબ થઈ એ પછી એ પાછી ફરી નથી ને ? !’
‘ના.’ નેન્સીએ નિશ્વાસ નાંખ્યો : ‘લોકો એમ માને છે કે, મારી એનાબેલે જ રેબેકાને ચપ્પુ માર્યું હતું અને એટલે એ ભાગી ગઈ છે, પણ એવું નથી. મારી એનાબેલ આટલી નિર્દય નહોતી.’
‘એનાબેલની સાવકી દીકરી રેબેકા અહીં તમારી પાસે જ છે ને !’ જિમીએ પૂછયું : ‘શું એની સાથે હું વાત કરી શકું ? !’
‘હા ! તમે પ્રયત્ન કરી જુઓ.’ કહેતાં નેન્સી બાજુના બેડરૂમ તરફ આગળ વધી.
જિમી અને સોફિયા બન્ને જણાં નેન્સી સાથે ચાલ્યા ત્યારે એમને એમ હતું કે, અત્યારે રાતના અગિયાર વાગ્યાના આ સમયે રેબેકા ઊંઘતી હશે. પણ રેબેકા પલંગ પર, હાથમાં મોટી ઢીંગલી લઈને જાગતી બેઠી હતી.
‘હેલ્લો, રેબેકા !’ જિમીએ રેબેકાની બાજુમાં બેસતાં કહ્યું : ‘મારું નામ જિમી છે ! તારી ઢીંગલી તો ખૂબ જ સરસ છે ! એનું નામ શું છે ?’
રેબેકા જિમી સામે જોઈ રહી. કંઈ બોલી નહિ.
‘દીકરા !’ નેન્સી બોલી : ‘રેબેકા એનાબેલ સાથે હૉસ્પિટલે ગઈ ને ત્યાં આગ લાગી એ પછી એ ત્યાંથી પાછી ફરી ત્યારથી એ કંઈ બોલી જ નથી.’
‘જો, રેબેકા !’ જિમીએ નેન્સી સામે જોઈ લઈને પાછું રેબેકા સામે જોયું : ‘તારી મમ્મી એનાબેલને શોધવી જરૂરી છે. તને ખબર છે, તારી મમ્મી કયાં છે ? !’
રેબેકા કંઈ બોલી નહિ. એ એના હાથમાં પકડાયેલી ઢીંગલી પર હાથ ફેરવી રહી.
સોફિયાએ દીવાલ ઘડિયાળમાં જોયું. રાતના અગિયાર વાગ્યા ને ઉપર દસ મિનિટ થઈ હતી. મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો રાતના બે વાગ્યાનો જે સમય આપ્યો હતો, એને હવે ફકત બે કલાક અને પચાસ મિનિટની વાર હતી. સોફિયાએ પાછું રેબેકા સામે જોયું, ત્યાં જ રેબેકાએ ઢીંગલીનું પેટ દબાવ્યું ને એ સાથે જ ગીત ગૂંજી ઊઠયું,
‘ના મૈં જાનું...,
ના તુ જાને...,
કિસ ઘડી મેં...,
હોના હૈ કયા...?
જિંદગી કે...,
ઈસ જુએ મેં...,
પાના ક્યા હૈ ?
ખોના હૈ ક્યા...?
સોફિયાના ચહેરા પર ગભરાટ આવી ગયો.
‘તું આટલી ગભરાઈ કેમ ગઈ, દીકરી ?’ નેન્સીએ સોફિયાને પૂછીને કહ્યું : ‘આ તો એક ફિલ્મી ગીત છે, જે ઢીંગલીના પેટમાં મુકાયેલા નાનકડા ટેપરેકોર્ડરમાં ટેપ થયેલું છે, અને ઢીંગલીનું પેટ દબાવો એટલે એનું બટન દબાય છે અને આ ગીત સંભળાય છે !’
પણ સોફિયાએ નેન્સીને કોઈ જવાબ આપ્યો નહિ. તેણે રેબેકાને પૂછયું : ‘રેબેકા ! તને ખબર છે, તારી મમ્મી કયાં છે ? !’
રેબેકા સોફિયા સામે એ જ રીતના ચુપચાપ જોઈ રહી.
‘પ્લીઝ !’ સોફિયાએ રેબેકાના હલબલબાવી નાંખી : ‘તું બોલ ! મને કહે, તને ખબર છે, તારી મમ્મી કયાં ગઈ ? !’
પણ રેબેકાના ચહેરા પરના ભાવ પલટાયા નહિ. એણે મોઢું ખોલ્યું નહિ. એ સોફિયા સામે એ રીતના જ તાકી રહી.
અને હજુ પણ, ઢીંગલીની અંદરથી પેલા મોબાઈલ ફોનવાળા પ્રેતનો જ્યારે મિસ્ડ્ કૉલ આવતો હતો અને જે રિંગ ટોન વાગતો હતો, એ રિંગ ટોન-એ ગીત ગૂંજી રહ્યું હતું-
‘ના મૈં જાનું...,
ના તુ જાને...,
કિસ ઘડી મેં...,
હોના હૈ કયા...?
જિંદગી કે...,
ઈસ જુએ મેં...,
પાના ક્યા હૈ ?
ખોના હૈ ક્યા...?
સોફિયાથી હવે સહેવાયું નહિ. તે ધૂંધવાટભેર બહાર નીકળી અને જિમીની મોટરસાઈકલ પાસે પહોંચીને ઊભી રહી. જિમી પણ આવી પહોંચ્યો.
‘જિમી !’ સોફિયા બોલી ઊઠી : ‘મોબાઈલ ફોનવાળા પ્રેતે મારા મોતનો જે સમય આપ્યો છે એને પૂરા ત્રણ કલાક પણ બાકી રહ્યા નથી, અને આપણે હજુ સુધી એનાબેલને શોધી શકયા નથી.’
‘...એ મળી જશે !’ જિમી બોલ્યો : ‘હું મારી રીતના તપાસ કરાવું છું. એ ગમે ત્યાં ગઈ હશે, પણ પોતાની પાછળ કોઈક પગેરું તો મૂકી જ ગઈ હશે.’
‘ઠીક છે !’ સોફિયા બોલી : ‘હું પણ તપાસ કરું છું.’
‘પણ તું એકલી રહીશ, તો તારા જીવનું જોખમ....’
‘હું રાતના બે વાગ્યા સુધી સલામત છું.’ સોફિયા બોલી : ‘એ પ્રેત બરાબર બે વાગ્યે મને ખતમ કરવાનો પ્રયત્ન કરશે.’
‘હા, પણ તું આ મોબાઈલ ફોન રાખ.’ જિમીએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને સોફિયાના હાથમાં આપ્યો : ‘આ મોબાઈલ ફોનમાં મારા નામે સેવ થયેલા નંબરવાળો મારો બીજો મોબાઈલ મારી પાસે જ છે. તને એવું કંઈક લાગે તો તુરત જ મને એ નંબર પર કૉલ કરજે. જોકે, દોઢ વાગ્યા સુધીમાં તો હું તારી પાસે પહોંચી જ જઈશ.’
‘ઓ. કે.’ કહેતાં સોફિયાએ પાસેથી પસાર થઈ રહેલી ટૅકસી રોકી. તે ટૅકસીમાં બેઠી.
જિમીએ મોટરસાઈકલ દોડાવી મૂકી.
સોફિયાની ટૅકસી આગળ વધી, ત્યાં જ સોફિયાની નજર રેબેકાની નાની નેન્સીના બંગલા તરફ ગઈ.
-બંગલાના રૂમની ખુલ્લી બારી પાસે રેબેકા હાથમાં ઢીંગલી સાથે ઊભી હતી. રેબેકા સોફિયા તરફ તાકી રહી હતી, અને...
...અને રેબેકાની પાછળ, દસેક વરસની એક છોકરી ઊભી હતી ! એ છોકરીની મોટી-મોટી આંખો ફૂટેલી હતી ! ! એ છોકરી જાણે પોતાની ફૂટેલી આંખોથી સોફિયાને જોઈ રહી હતી ! ! !
( વધુ આવતા અંકે )